આપણો દેશ ગરીબ નથી, પણ આપણી વિચારધારા ગરીબ છે

Published: Mar 14, 2020, 13:57 IST | Sanjay Raval | Mumbai

રસ્તા પર કચરો પડ્યો હોય, મન પડે ત્યાં થૂંકી લેવાની છૂટ માણતા હોઈએ અને પીપી કરવા માટે કોઈ પણ ખૂણામાં આપણે ઊભા રહી જતા હોઈએ ત્યારે પહેલો પ્રશ્ન એ થાય કે આ આપણો સ્વભાવ છે કે આને આપણે અધિકાર માનીએ છીએ?

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

આપણામાં સેન્સનો અભાવ છે. સેન્સનો અભાવ છે એટલે જ આપણામાં સિવિક સેન્સનો પણ અભાવ છે. તમે જુઓ કે ટ્રેનનાં ટૉઇલેટ જોશો તો તમને ચીતરી ચડશે. આ વાંચતા હશો ત્યારે પણ એ ટૉઇલેટ યાદ આવશે તો તમને અત્યારે પણ ઊબકા આવવા માંડશે, પણ આ ઊબકા એ આપણી નરી વાસ્તવિકતા છે. સાહેબ, મને નવાઈ એ વાતની લાગે છે કે તમે એવું માનો છો કે આપણે સફાઈ રાખીએ છીએ, હું એવું માનું છું કે હું સફાઈ રાખવા માટે જરૂરી હોય એવાં પગલાં લઉં છું. તમારો પાડોશી પણ આવું જ માને છે અને મારો પાડોશી પણ આવું જ માને છે અને એ પછી પણ આપણે ત્યાં સફાઈ જોવા નથી મળતી. કારણ શું? કારણ વિશે વાત કરતાં પહેલાં મને એક નાનકડી વાર્તા યાદ આવે છે.

એક ગામ હતું. ગામમાં રાજા રહેતો હતો. રાજાની ઇચ્છા હતી કે તેના રાજ્યમાં ખૂબ બધો વિકાસ થાય, તેનું ગામ ખૂબ આગળ વધે. રાજાએ ગામવાસીઓને બોલાવ્યા અને પોતાના આ સપનાની વાત કહી અને એ પછી તેણે દરબારમાં ખૂબ જાણીતા જ્યોતિષીને બોલાવ્યા અને ગ્રહોની દૃષ્ટિએ પણ કોઈ ઉપચાર હોય તો સૂચવવાનું કહ્યું. જ્યોતિષીએ ખૂબ બધો અભ્યાસ કર્યો અને અભ્યાસ કરીને તેણે રાજાને સૂચન કર્યું કે જો તમારે ત્યાં દૂધથી એક આખું તળાવ ભરાય તો આ રાજ્ય સુવર્ણનગરી બની જાય. રાજાને પણ આ સૂચન ગમી ગયું. રાજાએ રાતોરાત તળાવનું કામ શરૂ કરાવ્યું અને કારીગરો બધા કામે લાગી ગયા.

મહિનાઓ સુધી તળાવનું ખોદકામ ચાલ્યું અને અંતે તળાવ તૈયાર થયું.

રાજાએ બધા ગામવાસીઓને ફરી બોલાવ્યા અને બોલાવીને બધાને આદેશ આપ્યો કે સૌકોઈએ એકેક લોટો દૂધ લાવીને આ તળાવમાં નાખવાનું છે. સાંજે ૬ વાગ્યે આ આદેશ આપીને રાજાએ કહ્યું કે રાતે ૯થી પરોઢના પાંચ વાગ્યા સુધીમાં ગામની દરેકેદરેક વ્યક્તિએ તેમને સોંપવામાં આવેલું આ કામ કરી લેવાનું છે.

રાજા પાછા મહેલ પર આવીને સૂઈ ગયા અને બીજા દિવસે સવારે ૯ વાગ્યે એ પોતાના રસાલા સાથે ફરીથી તળાવ પર ગયા. તેમણે જે જોયું એ દૃશ્ય અચરજ પમાડનારું હતું. તેમણે ધાર્યું હતું કે તળાવ આખું દૂધથી છલોછલ ભરેલું હશે, પણ એને બદલે તો તળાવમાં ધૂળ ઊડતી હતી.

આખું તળાવ ખાલીખમ.

રાજા ધુંવાપુંવા થઈ ગયા. તેમણે તમામ સૈનિકોને આદેશ આપ્યો કે જાઓ જઈને ગામની એકેએક વ્યક્તિને ઘરની બહાર કાઢો. સૈનિકો જવાની તૈયારી કરતા હતા ત્યાં જ પેલા જ્યોતિષીએ તેને રોક્યા અને કહ્યું કે ‘મહારાજ, આ જે ઘટના ઘટી છે એ એક વાત સ્પષ્ટ કરે છે, તમને એક સંદેશ આપે છે. તમારે એ લોકોને સજા આપવાને બદલે સૌથી પહેલાં તો એ વાતને, એ સંદેશને ઓળખી લેવો જોઈએ.

રાજાને વાત સમજાઈ નહીં એટલે તેણે જ્યોતિષીને જ એ સંદેશ સમજાવવા માટે કહ્યું. જ્યોતિષીએ જે જવાબ આપ્યો હતો એ જવાબ આજે દરેક વ્યક્તિને લાગુ પડે છે. જ્યોતિષીએ કહ્યું, ‘મહારાજા, બધાને એમ હતું કે એક લોટો દૂધ તળાવમાં નાખવાનું છેને, એ તો બાજુવાળો નાખી દેશે. મારા એકના નહીં નાખવાથી કોઈ ફરક પડવાનો નથી. આ એક જ વિચાર આખા ગામને આવ્યો અને એને લીધે તળાવમાં દૂધ નાખવા માટે એક પણ નગરવાસી આવ્યો નહીં અને તળાવ ખાલી રહી ગયું.’

સફાઈનું પણ આવું જ છે કંઈક. બધા એવું જ માને છે કે મારા એકથી કોઈ ફરક પડવાનો નથી. હું એકલો વેફરનું ખાલી પડીકું રસ્તા પર નાખી દઈશ તો એનાથી કાંઈ આખું અમદાવાદ કે આખું મુંબઈ થોડું ખરાબ થઈ જવાનું છે. હું પણ આવું જ વિચારું છું અને તમે પણ આવું જ વિચારો છો અને આપણા આડોશીપાડોશી પણ આવું જ વિચારે છે. આવું વિચારીને જ આપણે રસ્તા પર કચરો કરવાનો આનંદ લઈએ છીએ અને મન પડે ત્યાં પાનની પિચકારી મારી લેવાનો આનંદ પણ લઈ લઈએ છીએ અને સાથોસાથ કુદરતી આવેગ આવે ત્યારે છૂટથી જાહેરમાં પીપી કરવાનો લાભ પણ લઈએ છીએ.

મારા એકથી શો ફરક પડવાનો?

આ જ વિચારથી ગુસ્સો આવે છે. આ જ વિચારથી ખીજ ચડે છે. આપણા મનમાં ઘૂસી ગયેલો આ વિચાર આપણે માત્ર ગંદકી કરવામાં જ નહીં, ટૅક્સ ભરવાથી માંડીને શુભ કામની શરૂઆતમાં પણ વાપરીએ છીએ. પહેલાં આ એક વિચાર હતો અને હવે આ એક અધિકાર બની ગયો છે. હું એકલો ન કરું તો ચાલે, પણ ક્યારેય આપણે આપણી જાતને એ પૂછ્યું છે ખરું કે શું આપણે ટીલું લઈને આવ્યા છીએ કે આપણને એકને આવી છૂટ મળે?

ટૅક્સ ભરવામાં આપણે ચોર છીએ. તમે જુઓ સાહેબ, આપણા આવડા મોટા દેશમાં ટૅક્સપેયરનો આંકડો કેવો પાંગળો છે. આપણો દેશ ગરીબ નથી સાહેબ, હું કહીશ કે આપણા દેશની વિચારધારા ગરીબ છે, આપણા દેશની માનસિકતા ગરીબ છે. આપણે કહેવા માટે ‘આપણો દેશ’ બોલીએ છીએ, પણ આપણને આપણા દેશ માટે આદર નથી, સત્કાર નથી કે પછી નથી આપણને આપણા દેશ માટે ગર્વ. જો ગર્વ હોત તો આપણને સ્વચ્છતા જેવી સીધી-સાદી અને સરળ વાત સમજાવવાનો પ્રયાસ છેક લાલ કિલ્લા પરથી ન થયો હોત. જો આપણને આપણા રાષ્ટ્ર પર ગર્વ હોત તો આપણે સ્વચ્છતાનું મૂલ્ય સમજતા હોત અને આપણે સ્વચ્છતા માટે જાગ્રત રહ્યા હોત. તમે જરા વિચાર તો કરો કે તમારા દેશની સૌથી મોટી કરન્સી એવી ૨૦૦૦ રૂપિયાની નોટ પર પણ દેશને સાફ રાખવા માટે સંદેશ લખવો પડે અને એ પછી પણ દેશમાં ગંદકી અકબંધ હોય. તમે જરા વિચાર તો કરો કે ચોખ્ખા રહેવાની વાત આપણે નાના હતા ત્યારે પણ શીખતા હતા અને આજે પણ શીખીએ છીએ. ઘરને સાફ રાખવા માટે આપણે જાગ્રત છીએ પણ શેરી, ગલી કે પછી સોસાયટીમાં સફાઈ કરવા માટે આપણે આગળ આવવા તૈયાર નથી. જરા આગળ વધવાનું છે આપણે. ઘરને સાફ રાખવું એમાં કોઈ રાષ્ટ્રસેવાનો ભાવ નથી એ આપણે સમજી લેવાની જરૂર છે અને આપણે એ સમજવાની પણ જરૂર છે કે સોસાયટીને સાફ રાખવી એ પણ આપણી રાષ્ટ્રભક્તિની નિશાની નથી. આ બધું તો આપણે આપણે માટે કરવાનું છે અને એમ છતાં આપણને એ કરવામાં સંકોચ થાય છે. આપણે ઝાડુ લઈને નીકળવા તો જ રાજી છીએ, પણ જો એ ફોટોગ્રાફ ન્યુઝપેપર કે ટીવી-ચૅનલ પર દેખાવાનો હોય. તમે યાદ કરો, બે વર્ષ પહેલાં કેવા મોટા અને ધુરંધર લોકોએ સાવરણાં પકડી લીધાં હતાં અને હવે જરા યાદ કરો, એ પછી તમે તેમને ક્યારેય સાવરણા સાથે જોયા?

દેખાડો કરવાને બદલે વાસ્તવિક બનીએ, ફોટો પડાવવાને બદલે વર્તમાનમાં જીવીએ. આ દેશ આપણો છે. આ દેશ ક્યાંય ગરીબ નથી, આજે પણ અહીંની ચકલી સોનાની જ છે. ફરક માત્ર એટલો છે કે આપણી વિચારધારા ગરીબ થઈ ગઈ છે, આપણી માનસિકતા કંગાળ થઈ ગઈ છે અને એ કંગાળ માનસિકતા, એ ગરીબ વિચારધારાને લીધે આપણે આવા ઓશિયાળા થઈને રહેવું પડે છે. દુનિયાની નજરમાં હાસ્યાસ્પદ બનવું પડે છે અને જગત સામે શરમજનક અવસ્થામાં મુકાવું પડે છે. તમે જુઓ તો ખરા કે ગંદકી દેખાડવાની હોય તો લોકો આપણા દેશમાં આવે છે. ગરીબી દેખાડવાની હોય તો કૅમેરા લઈ-લઈને ધોળિયાઓ તમારા દેશમાં આવી જાય છે. એ લોકો આવે એટલે આપણે રાજી થઈને કહીએ પણ ખરા કે જગતનો મોટામાં મોટો ડિરેક્ટર અમારે ત્યાં શૂટિંગ કરવા આવ્યો. શરમ કરવાની વાત પર આપણે પોરસાઈએ છીએ. આને ગરીબ વિચારધારા નહીં તો બીજું શું કહેવાય?

ઘરને સાફ રાખવું એમાં કોઈ રાષ્ટ્રસેવાનો ભાવ નથી એ આપણે સમજી લેવાની જરૂર છે અને આપણે એ સમજવાની પણ જરૂર છે કે સોસાયટીને સાફ રાખવી એ પણ આપણી રાષ્ટ્રભક્તિની નિશાની નથી. આ બધું તો આપણે આપણે માટે કરવાનું છે અને એમ છતાં આપણને એ કરવામાં સંકોચ થાય છે. આપણે ઝાડુ લઈને નીકળવા તો જ રાજી છીએ, પણ જો એ ફોટોગ્રાફ ન્યુઝપેપર કે ટીવી-ચૅનલ પર દેખાવાનો હોય. તમે યાદ કરો, બે વર્ષ પહેલાં કેવા મોટા અને ધુરંધર લોકોએ સાવરણાં પકડી લીધાં હતાં અને હવે જરા યાદ કરો, એ પછી તમે તેમને ક્યારેય સાવરણા સાથે જોયા?

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK