માત્ર જાત પર કાબૂ થઈ શકે, વ્યક્તિ કે પરિસ્થિતિ પર નહીં

Published: 25th November, 2020 15:07 IST | Sejal Ponda | Mumbai

જાતને કાબૂ કરવી એટલે આપણા ઉત્પાતિયા સ્વભાવને કાબૂ કરવો, અણધાર્યા સંજોગો સમયે આવતા ક્રોધને કાબૂ કરવો, અણગમતી વ્યક્તિ સાથે વ્યવહાર કરતી વખતે આપણા રોષને કાબૂ કરવો

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સેલ્ફ કન્ટ્રોલ એટલે કે જાત પરનો કાબૂ બહુ મોટો ટાસ્ક છે. આપણું ધાર્યું ન થતું હોય કે આપણી પ્રકૃત્તિથી સાવ ઊંધું થતું હોય ત્યારે જાત પર કાબૂ કરવો અઘરો હોય છે. સંજોગો હોય કે વ્યક્તિ, આપણા મુજબ ચાલવાનાં નથી. એ જાણવા છતાં આપણે સંજોગો અને વ્યક્તિ પર કાબૂ મેળવવાની વ્યર્થ કોશિશ કરીએ છીએ.
વ્યર્થ એટલા માટે કે અમુક સંજોગો એટલા જટિલ હોય છે કે એને કાબૂ કરવાના ચક્કરમાં આપણે ખૂબ સ્ટ્રેસ લઈ લઈએ છીએ. એવી જ રીતે અમુક વ્યક્તિઓ પણ જટિલ હોય છે, જેને કાબૂ કરી શકાતી નથી. આમ પણ વ્યક્તિને કાબૂ કરવી મૂર્ખામી છે. આપણે સંજોગોને બદલવાનો, એને સ્વીકારવાનો અને એ પ્રમાણે આગળ વધવાનો પ્રયત્ન કરી શકીએ છીએ, પણ સંજોગોને કાબૂ કરી શકતા નથી.
પરપોટો પાણીમાં રહીને એવું વિચારે કે મારે ફૂટવું જ નથી તો એ શક્ય નથી જ. પરપોટાનો એ વિચાર વ્યર્થ કહેવાય. પરપોટાનું આયુષ્ય ટૂંકું જ હોય છે. એ પાણીમાં તરતો હોય ત્યારે સુંદર ભાસે છે, પણ આખરે એને ફૂટી જઈને પાણીમાં જ સમાઈ જવાનું હોય છે. એવી જ રીતે અમુક પરિસ્થિતિઓને આપણે વશ નથી કરી શકતા, એનો સ્વીકાર કર્યે જ છુટકો હોય છે. એવી બેકાબૂ પરિસ્થિતિનો સ્વીકાર કર્યા બાદ એમાંથી બહાર નીકળવાનો માર્ગ વિચારી શકાય. એના માટેના પ્રયત્ન કરી શકાય, પણ કાબૂ તો ન જ કરી શકાય.
સંબંધમાં આપણે બીજી વ્યક્તિને આપણી રીતે જિવાડવાનો, આપણી રીતે વિચારવાનો વ્યર્થ પ્રયત્ન કરતા હોઈએ છીએ અને જ્યારે એ શક્ય નથી બનતું ત્યારે આપણે વ્યક્તિ પર કન્ટ્રોલ કરવા જઈએ છીએ. આપણી રીતે જીવવા, સુધરવા દબાણ કરીએ છીએ. આવું કરવાથી સંબંધો કાબૂમાં તો નથી આવતા, પણ વધારે ને વધારે દૂર થતા જાય છે.
આપણે હાથમાં જ્યારે કોઈ વસ્તુ પકડીએ છીએ ત્યારે એનો કન્ટ્રોલ આપણા હાથમાં હોય છે. એ વસ્તુ આપણા કાબૂમાં, આપણા તાબામાં થઈ જાય છે, પણ જ્યારે સંબંધોમાં એકબીજાનો હાથ પકડીએ છીએ ત્યારે વ્યક્તિને કાબૂમાં કે તાબામાં કરવાનો વિચાર જ ખોટો વિચાર સાબિત થાય છે. જેમ વસ્તુને પકડીએ અને પછી એને છોડી દઈએ તો એ વસ્તુ હળવી બની નીચે સરકી જાય છે. સંબંધને પણ હળવા બનાવવા માટે દબાણની પકડ ઢીલી કરવી પડે છે, જતું કરવું પડે છે.
જીવનમાં જો કંઈ કાબૂ કરી શકાતું હોય તો એ છે જાતનો સ્વભાવ, વિચાર, આચાર. અમુક પરિસ્થિતિમાં આપણે એટલા બધા હાઇપર થઈ જઈએ છીએ કે આપણને ભાન જ નથી રહેતું કે આપણે કેવું બિહેવ કરી રહ્યા છીએ.
રેલવે સ્ટેશને પહોંચીએ અને રોજની ટ્રેન છૂટી જાય તો એ પરિસ્થિતિ આપણા કાબૂમાં છે જ નહીં. આપણે ટ્રેનને તો નથી રોકી શકવાના, પણ આપણા ઉત્પાતિયા સ્વભાવને જરૂર રોકી શકીએ છીએ, જરૂર કાબૂમાં કરી શકીએ છીએ. જે સંજોગોને આપણે વશ નથી કરી શકતા એ સમયે આપણી જાતને વશ કરવી ખૂબ આવશ્યક બની જાય છે, કારણ કે આપણે જે ધાર્ય઼ું હતું એ ન થવાને કારણે આપણે અંદરોઅંદર ગુસ્સો અનુભવીએ છીએ, છંછેડાઈ જઈએ છીએ.
આપણું ધાર્યું દરેક વખતે થવાનું છે જ નહીં. આપણા ધાર્યા પ્રમાણે વ્યક્તિઓ જીવવાની પણ નથી જ. તો એ સમયે જાતને શાંત કરવી ખૂબ જરૂરી છે. પરિસ્થિતિ હોય કે વ્યક્તિ, સ્વીકારભાવ જાતને કાબૂ કરવાનું પ્રથમ પગથિયું બની રહે છે.
જંગલમાં ગયા હોઈએ તો ત્યાંની પરિસ્થિતિ પ્રમાણે જીવવું પડે. ત્યાં લક્ઝુરિયસ સુવિધાની ડિમાન્ડ ન કરાય. પરિસ્થિતિ પ્રમાણે જીવવાની આદત પાડવી પડે, પરિસ્થિતિને કાબૂમાં કરવાની નહીં.
જાતને કાબૂ કરવી એટલે આપણા ઉત્પાતિયા સ્વભાવને કાબૂ કરવો. અણધાર્યા સંજોગો સમયે આવતા ક્રોધને કાબૂ કરવો. અણગમતી વ્યક્તિ સાથે વ્યવહાર કરતી વખતે આપણા રોષને કાબૂ કરવો.
સમજો કે કોઈ વ્યક્તિ આપણી પર સાવ નકામી કે નજીવી બાબતે સખત ગુસ્સે થઈ હોય એ સમયે આપણને પણ ગુસ્સો આવવો સ્વાભાવિક છે, પણ એ સમયે જો આપણે તેમની જેમ ગુસ્સે ભરાઈ જઈએ તો? તો પછી પરિસ્થિતિ વણસી જાય છે.
આપણને ચોક્કસ સવાલ થાય કે જ્યાં આપણી ભૂલ જ નથી ત્યાં બીજાનો ક્રોધ શું કામ સહન કરવો? વાત બરાબર છે. ક્રોધ સહન ન કરવો હોય તો સામે ક્રોધ ન કરવો, પણ શાંત મને એ વ્યક્તિ સાથે વાત કરીને તેની ભૂલ સમજાવવી. જોકે આ બહુ અઘરી ટાસ્ક છે. બીજાનો ક્રોધ સહન કરવો એ નાનીસૂની વાત નથી. એ માટે સ્વભાવ પરનો કાબૂ ખૂબ આવશ્યક છે અને એવું પણ નથી કે એ અશક્ય છે. ધીરે-ધીરે જાતનું અવલોકન કરતાં-કરતાં સભાન રહેતાં-રહેતાં આપણે સ્વભાવ પર કાબૂ મેળવી શકીએ છીએ.
ક્રોધની સામે ક્રોધ કરવાથી, અન્યાયની સામે અન્યાય કરવાથી આપણે આપણું નુકસાન વધારે કરતા હોઈએ છીએ, કારણ કે એ પ્રોસેસમાં આપણી શાંતિ હણાઈ જતી હોય છે અને એટલે જ એ સમયે જતું કરવું એ સૌથી સરળ ઉપાય છે. જતું કરવાનો અર્થ અન્યાય સહન કરવાનો નથી, પણ એ સમયને સાચવી લેવાનો છે, જ્યાં જાત પરનો કાબૂ ગુમાવવાની શક્યતા દેખાતી હોય.
અમુક બાબતો આપણે આપણી જાત માટે કરવાની હોય છે. આપણને રાહત મળે એટલે કરવાની હોય છે. કાબૂ કરો તો બીજાને નહીં, પણ જાતને કાબૂ કરો.
જીવનમાં જો કંઈ કાબૂ કરી શકાતું હોય તો એ છે જાતનો સ્વભાવ, વિચાર, આચાર. અમુક પરિસ્થિતિમાં આપણે એટલા બધા હાઇપર થઈ જઈએ છીએ કે આપણને ભાન જ નથી રહેતું કે આપણે કેવું બિહેવ કરી રહ્યા છીએ.

(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK