પત્નીઓ ઘરમાં શું કરે છે એ હવે સમજાયું

Published: Jul 27, 2020, 16:58 IST | Bhakti Desai | Mumbai

સ્ત્રીઓ આખો દિવસ ઘરમાં શું કરે છે એ વર્ષોથી પુરુષોને નહોતું સમજાતું, પણ લૉકડાઉનમાં જે પુરુષોએ વાઇફને ઘરકામમાં મદદ કરી તેમને એનું સત્ય સમજાઈ ગયું.

રાજેશ ગોઢાણિયા
રાજેશ ગોઢાણિયા

આ કપરા સમયગાળામાં ઘરના કામમાં મદદ કરનાર પુરુષો પાસેથી જાણીએ તેમનો નવો અનુભવ અને શું સમયની અનુકૂળતાએ આગળ પણ આ બધાં કામ કરશે ખરા?

સ્ત્રી સવારથી ઊઠીને રસોડામાં આશરે ચારથી પાંચ કલાક કામ કરે છે પણ સાકાર રીતે માત્ર ચા, કૉફી અને રસોઈ જ સામે દેખાય છે. મોટા ભાગના પુરુષો ઘરમાં સ્ત્રીઓને રસોડામાં ક્યાં વાર લાગે છે એ એ નથી સમજી શકતા, કારણ કે આના કોઈ જવાબ નથી હોતા. આ તો માત્ર જે કરે તે જ જાણે કે રસોડામાં અને ઘરમાં સવારથી રાત સુધી કેટલાં અને કેવાં કામ હોય છે. ‘એક રસોઈ બનાવવામાં આટલી વાર તે લાગે? સવારથી શું કરે છે કોને ખબર!’ આવા અનેક પ્રશ્નોના જવાબ હવે લૉકડાઉન પછી જે પુરુષો રસોડામાં કામ કરાવવા લાગ્યા તેમને પ્રત્યક્ષ રીતે મળી ગયા. ભારતમાં મોટા ભાગના પુરુષો ‘ઘરનું કામ મારું નથી’ એવી માનસિકતા ધરાવતા હોય છે. પણ લૉકડાઉન એક એવો સમય આવ્યો જેમાં પુરુષોને પોતાના કામથી નવરાશ મળી અને આ વિચારધારામાં બદલાવ લાવવાનો મોકો મળ્યો. ડોમેસ્ટિક હેલ્પ ન હોવાને કારણે વધતાં જતાં ઘરનાં કામને જોતાં ઘરની મહિલા સભ્યને મદદ કરવાના ભાવથી અને પોતાનો સમય પસાર કરવા માટે પણ પુરુષોએ ઘરનાં કામ કરવાની શરૂઆત કરી. સ્ત્રીઓ કેટલાં કામ એકસાથે અને કેટલા ઓછા સમયમાં નિત્ય નિયમથી કરી લે છે એની સમજ પુરુષોને હવે પડી છે.
જાણીએ અમુક એવા પુરુષોની પ્રતિક્રિયાઓ, જેમણે ઘરના રૂટીન કામને પોતાનું રૂટીન બનાવી લીધું છે.

મૅન્સ વર્લ્ડ

સ્ત્રીઓની સહનશક્તિનો પરિચય કરાવ્યો ઘરના કામે : રસિક સાવલા

husband
દહિસરમાં રહેતા ૬૬ વર્ષના રસિક સાવલા સ્ત્રીઓની શક્તિનાં વખાણ કરતાં અને ઘરનાં કામ કરવાથી ખૂબ જ ગર્વ અનુભવતાં કહે છે, ‘લૉકડાઉન પહેલાં બહારથી આવતી વખતે હું જોઈતી વસ્તુઓ લાવી આપતો, પણ મારી આટલી મોટી ઉંમરે પહેલી વાર લૉકડાઉનમાં ઘરનાં કામના દબાણને જોતાં મેં ઘરેલુ કામ કરાવવાનો વિચાર કર્યો. લૉકડાઉન દરમ્યાન મને થયું કે પુરુષોને તો રજા મળી ગઈ, પણ સ્ત્રીઓ માટે જે થોડો નવરાશનો સમય હતો એ પણ મળવાનું બંધ થઈ ગયું. બસ, એ દિવસથી મેં ઘરમાં ઝાડુ-પોતાં કરવાં, ચા બનાવવી, કપડાં મશીનમાં ધોવા માટે નાખવાં, એને સૂકવવાં આ બધું કામ હાથ ધર્યું. પુરુષો હંમેશાં સ્ત્રીઓને કહેતા હોય છે, ‘તું આખો દિવસ ઘરમાં શું કરે છે, તું તો સાવ નવરી જ છે’, પણ આ સમય દરમ્યાન મને સમજાયું કે એક મૂકે ત્યાં બીજું કામ અને બીજું પતે ત્યાં ત્રીજું કામ ઘરમાં ઊભું જ હોય છે. સ્ત્રીઓમાં કેટલી સહનશક્તિ છે કે તેઓ વર્ષોથી એક પણ દિવસની રજા લીધા વગર ઘરનાં કેટલાંય કામ સતત કર્યા જ કરે છે. પુરુષોએ સ્ત્રીઓને મદદ કરાવવી જ જોઈએ જેથી પુરુષોને કામ આવડે અને સ્ત્રીઓને થોડો આરામ મળે સાથે જ સ્ત્રીઓ ઘરમાં જે કામ કરે છે એની દરેક પુરુષને કદર પણ થાય.’

સર્જનાત્મક રીતે ઘરનાં કામ કરવાની મજા પડી ગઈ : ભરત કાનાબાર

husband
કાંદિવલીના ઠાકુર કૉમ્પ્લેક્સમાં રહેતા ૫૮ વર્ષના ભરત કાનાબાર લૉકડાઉન પછી ઘરનાં કામ કરવા લાગ્યા છે. તેઓ રમૂજી સ્વભાવના છે તેથી તેમની સર્જનશીલતાનો અને રમૂજનો તેમણે કામમાં પણ ઉપયોગ કર્યો છે. તેઓ સમજાવતાં કહે છે, ‘મેં મારા રસોડામાં કાચના એક બાઉલ પર નૅપ્કિન રાખી એને ચશ્માં અને માસ્ક પહેરાવી સામે રાખ્યો છે જેને હું ‘છોટુ’ કહું છું. હું તેને પૂછું કે ‘છોટુ, બોલ આજ ક્યા ખાએગા?’ અને એની તરફથી હું મને ‘મોટુ’ તરીકે સંબોધીને જવાબ આપું છું. આમ વાતો કરતાં, ગીત ગાતાં હું કામ કરતો જાઉં. મેં લૉકડાઉન દરમ્યાન ઝાડુ –પોતાં, કપડાં સૂકવવાં, ભાખરી બનાવવી આ બધાં કામ શીખીને કર્યાં છે. મારી પત્નીને પૂછીને ઓળો પણ બનાવ્યો. કોથમીર, લીલી ભાજીઓ સાફ કરવી, સુધારવી આવાં અનેક કામમાં હું એટલો વ્યસ્ત રહેવા લાગ્યો છું કે મને ૨૪ કલાક ઓછા
પડે છે. હું આ બધાં કામની એટલી મજા લઉં છું કે મારા કામ કરતા વિડિયો હું સ્ટેટસ પર નાખું છું જેથી બીજા પુરુષો પણ કામ કરાવે. હું વર્ષો પહેલાં મારાં મમ્મીને કામ કરાવતો, પણ મોટા થયા પછી ક્યારેય ઘર કે રસોડાનાં કામ મેં નથી કર્યાં. હાલમાં જ મેં ઘરમાં પાણીપૂરીનો સ્ટૉલ લાગાડ્યો હતો. હવે રજાના દિવસે કે સમયાનુસાર હું હંમેશાં કામ કરતો રહીશ, કારણ કે મને આ કામમાં એક રસ નિર્માણ થયો છે.’

ઘરના કામમાં પણ જરૂરી છે મૅનેજમેન્ટ સ્કિલ્સઃ મિલન છેડા

husband
ચેમ્બુરમાં રહેતા એક જુનિયર કૉલેજના પ્રોફેસર મિલન છેડા કહે છે, ‘નાનપણમાં હું મમ્મીને કામ કરાવતો હતો, પણ મોટા થયા પછી ક્યારેય એવો મોકો કે સમય મને મળ્યો નહોતો. મારાં લગ્નનાં ૧૩ વર્ષોમાં પહેલી વાર લૉકડાઉને ઘરનું કામ કરવાનો અવસર આપ્યો. ઘરના કામમાં પલંગ પર ચાદર પાથરવી, કપડાં ગડી કરવાં, શાકભાજી સમારીને આપવું, ઘરની સાફસફાઈ કરવી આવાં અનેક કામનો સમાવેશ થાય છે જે હું કરું છું. આ કરાવતી વખતે મારું બાળપણ નજર સમક્ષ આવી ગયું. જૂની યાદો તાજી થઈ ગઈ.’
તેઓ સ્ત્રીઓની મૅનેજમેન્ટ સ્કિલનાં વખાણ કરતાં કહે છે, ‘લૉકડાઉનમાં સ્ત્રીઓ અનેક વિપરીત સંજોગોમાં પણ કઈ રીતે બધું વ્યવસ્થાપન કરે છે એની કુશળતાની ઝાંકી મને પ્રત્યક્ષ રીતે આ લૉકડાઉનમાં થઈ. હું ચાર મહિનામાં તેમની આ કળા પૂર્ણ રીતે નથી સમજી શક્યો. કૉલેજમાં ભણાવવું એ થિયરી છે, પણ જીવનને દરેક સંજોગમાં જીવવા લાયક બનાવવાનો પ્રૅક્ટિકલ બોધપાઠ સ્ત્રીઓ જ આપી શકે છે એ આ કામ કરીને મેં જોઈ લીધું. અમારે ઘરે દાદા-દાદીના સમયથી છોકરાઓને ઘરનું કામ કરવાના સંસ્કાર અપાય છે. તેથી અમારી માનસિકતામાં ક્યારેય ઘરના કામ પ્રત્યે કોઈ માનસિક અવરોધ નથી. પુરુષોએ આવા અવરોધ રાખવા પણ ન જોઈએ. આપણા ઘરમાં કામ કરવું એ આત્મનિર્ભરતા તરફ લઈ જાય છે. મેં આ કામ માણ્યું છે અને આગળ પણ આની મજા લેતો રહીશ.’

નાનાં લાગતાં ઘરનાં કામનું મહત્ત્વ સમજાયું : રાજેશ ગોઢાણિયા
કાંદિવલીના મહાવીરનગરમાં રહેતા એન્જિનિયર રાજેશ ગોઢાણિયા લૉકડાઉન પછી પ્રથમ વાર જ ઘરના કામમાં મદદ કરાવવા લાગ્યા. તેઓ કહે છે, ‘જ્યારથી ઘરનાં કામ કર્યાં ત્યારથી સમજાયું કે આ પણ ખૂબ મોટું કામ છે અને આને દરરોજ કરવું જ પડે છે. પાણી ઉકાળીને એને ઠંડું કરી પછી માટલામાં ભરવું, દૂધ લાવી થેલીઓ ધોઈ દૂધ કાઢીને ગરમ કરવું, ઘરને સાફ રાખવા ઝાડુ-પોતાં કરવાં, એમાં પણ એક મોટું કામ એટલે સૅનિટાઇઝેશન કરતાં રહેવાનું આ બધું હું કરાવવા લાગ્યો અને મને મજા પણ આવી. હું આ સમય દરમ્યાન મૉપથી ઘર સાફ કરું છું એટલે સરળતાથી ઘરમાં પોતું મરાઈ જાય છે. શાકભાજી લાવીને એને વ્યવસ્થિત ધોવાં, વાસણના કામમાં મદદ કરવી, કપડાં ગડી કરવાં આવાં નાનાં લાગતાં ઘરનાં તમામ કામ સમય માગી લે છે અને એ મહત્ત્વનાં પણ હોય છે એ પણ મને હવે સમજાય છે. હું નોકરી કરું છું અને મારું કામકાજ શરૂ થઈ ગયું છે, પણ ઘરનાં કામ હું હજીયે સમય મળે ત્યારે જરૂર કરું છું અને કરતો રહીશ.’

દુકાનમાં તો કપડાંની ગડી કરતો, પણ ઘરમાં પહેલી વાર કરી : જયનીત સોની

husband
બોરીવલીમાં રહેનાર ગાર્મેન્ટના વેપારી જયનીત સોની કહે છે, ‘મારી મમ્મીની તબિયત એવી નથી કે ઘરનાં બધાં કામને એકલી પહોંચી વળે તેથી હું રસોઈનું કામ જાણતો હતો, પણ આ લૉકડાઉનમાં ઘરમાં મૉપથી પોતાં મારવાં, વાસણ ઘસવાં, વાસણ લૂછીને એની જગ્યાએ ચડાવી દેવાં આ બધું હું કરવા લાગ્યો. પ્લૅટફૉર્મ ધોવું અને ઘરની સફાઈ કરવી એવાં અમુક કામ શીખવાં પડ્યાં, પણ હવે એમાં ફાવટ આવી ગઈ. હું માનું છું કે ઘર બધાનું છે, તેથી સ્ત્રી અને પુરુષ આવા ભેદભાવને મનમાં સ્થાન ન આપતાં કામ કરાવવું જોઈએ. મારી દુકાનમાં હું કપડાની ગડી કરું છું તેથી એ મને આવડે છે. લૉકડાઉનમાં ઘરનાં કપડાંની મેં પહેલી વાર ગડી કરી અને મશીનમાંથી કપડાં કાઢી એને દોરી પર સૂકવવાનું કામ પણ કરવા માંડ્યો. આનાથી મારો સમય પસાર થાય છે અને માનસિક રીતે પણ એક સંતોષ મળે છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK