પદ્માબહેન સિવાય બીજું કોઈ બા ન બની શકે

Published: 19th May, 2020 22:11 IST | Sanjay Goradia | Mumbai

શફી ઈનામદારે જ્યારે ‘બા રિટાયર થાય છે’નાં લીડ ઍક્ટર માટે પૂછ્યું ત્યારે મેં તેમને આ જ શબ્દો કહ્યા હતા. સદ્ભાગ્યે પદ્મા બહેન પણ પ્રીમિયર શોમાં મરાઠી નાટક જોવા ગયાં હતાં અને તેમને એ નાટક ખૂબ ગમ્યું હતું

‘સંજય છેલવાલા નાટક અભી હોલ્ટ પે રખો સંજય... હમારે બૅનર કે લિએ એક બહોત હી અચ્છા નાટક મિલ ગયા હૈ...’

એક દિવસ શફી ઈનામદારે આવીને મને કહ્યું. ગયા મંગળવારે કહ્યું એમ, ડસ્ટીન હૉફમૅનની ‘રેઇનમૅન’ નામની ફિલ્મનો આઇડિયા મને બહુ ગમ્યો હતો અને અમે એના પરથી નાટક ડેવલપ કરવાનું કામ સંજય છેલને સોંપ્યું હતું અને સંજયે એનો પહેલો અંક તૈયાર કરીને એનું રીડિંગ પણ અમારી સામે કરી દીધું હતું. એમાં શફીભાઈએ નાના-મોટા સુધારા સૂચવ્યા. સંજયે એના પર કામ કરવાનું શરૂ પણ કરી દીધું, ત્યાં જ શફીભાઈએ આવીને ધડાકો કર્યો ઃ ‘સંજય છેલવાલા નાટક અભી હોલ્ટ પે રખો સંજય... હમારે બૅનર કે લિએ એક બહોત હી અચ્છા નાટક મિલ ગયા હૈ...’

બન્યું હતું એવું કે મરાઠી નાટક ‘આઇ રિટાયર હોતેય’નું રીડિંગ નાટકના લેખક અશોક પાટોળે પાસે સાંભળીને શફીભાઈ અભિભૂત થઈ ગયા હતા. તેમણે તરત જ અશોક પાટોળેને કહ્યું કે મરાઠી સિવાયના બાકી બધી ભાષાનાં નાટકના હક આજથી મારા. બે મહિના પછી નાટક ઓપન થયું ત્યારે શિવાજી મંદિરમાં હું એ જોવા પણ ગયો. નાટક જોઈને હું ભાવવિભોર બની ગયો. આ નાટક કરાય જ કરાય. ગુજરાતી રંગભૂમિના માંધાતાઓએ મને ચેતવ્યો કે ગુજરાતી પ્રજામાં વર્કિંગ વુમનનો કોઈ કન્સેપ્ટ જ નથી, નાટક નહીં ચાલે. મને કહેવામાં આવતું કે આપણે ત્યાં ક્યારેય બા રિટાયર થતી નથી અને તે ક્યારેય બહારના કોઈ કામ સાથે જોડાયેલી હોતી નથી એટલે લોકોને નાટકનો વિષય કનેક્ટ નહીં કરે, પણ હું ટસનો મસ ન થયો. મને અંદરખાને એમ જ લાગતું હતું કે આ જ નાટક કરવું જોઈએ, આ સુપરહિટ નાટક છે.

હવે વાત આવી નાટકના રૂપાંતરની. શફીભાઈએ મારી પાસે સજેશન માગ્યું એટલે મેં તરત જ નામ આપ્યું, પ્રકાશ કાપડિયા. આજે તો પ્રકાશનું નામ બહુ મોટું થઈ ગયું છે. તેમણે લખેલી ‘દેવદાસ’, ‘બાજીરાવ મસ્તાની’ અને ‘તાનાજી’ સુપરહિટ થઈ ગઈ છે. એ સમયે પ્રકાશનું નામ ઇન્ટરકૉલેજિયેટ ડ્રામા કૉમ્પિટિશનમાં બહુ મોટું. પ્રકાશ કાપડિયા અને તુષાર જોષીની જોડી ખૂબ સરસ હતી તો એ જ રીતે પ્રકાશ અને રાજુ જોષીની જોડી પણ બહુ સારાં નાટકો આપતી હતી. કિરણ ભટ્ટ અને કુમાર વૈદ્ય પણ રાજુ-પ્રકાશના એરિયામાં જ રહેતા. બધાએ સાથે મળીને નવરત્ન આર્ટ્સ નામની સંસ્થા બનાવી હતી. નવરત્ન નામ પાછળનું કારણ એ કે કુલ ૯ જણે એ સંસ્થા બનાવી હતી. રાજુ, પ્રકાશ, તુષાર, કિરણ, કુમાર ઉપરાંત જતીન જાની પણ હતા. આટલાં નામ મને યાદ છે. આ સિવાયનાં બીજાં ત્રણ રત્નો મને અત્યારે યાદ નથી. નવરત્ન આર્ટ્સમાં સૌથી પહેલું નાટક બન્યું ‘સૂર્યવંશી’, જે ખૂબ સારું ચાલ્યું. નાટકનો લેખક પ્રકાશ કાપડિયા, દિગ્દર્શક તુષાર જોષી અને મુખ્ય ઍક્ટરમાં જે. ડી. મ‌જીઠિયા.

હવે એ લોકો નવું નાટક બનાવતા હતા. આ નવું નાટક શાહબુદ્દીન રાઠોડના પૉપ્યુલર પાત્ર એવા ‘વનેચંદનો વરઘોડો’ પર આધારિત હતું. નાટકના નિર્માણ પહેલાં એ લોકો જઈને શાહબુદ્દીનભાઈને રૂબરૂ મળ્યા પણ ખરા. તેમને રાઇટ્સ જોઈતા હતા અને રાઇટ્સ માટે તેઓ આર્થિક જેકોઈ પણ શરતો હોય એ માન્ય રાખવા પણ રાજી હતા, પરંતુ શાહબુદ્દીનભાઈએ કોઈક કારણસર ના પાડી દીધી અને કહ્યું કે તમે એમનેમ નાટક કરો, મને નાટક સામે કોઈ વાંધો નથી, પણ એનું નામ ‘વનેચંદનો વરઘોડો’ નહીં રાખતા અને એમાં વનેચંદના નામનો ઉલ્લેખ નહીં કરતા. ના આવી એટલે બેઝિક જે આઇડિયા હતો એ આઇડિયા પરથી નાટક કરવાનું નક્કી કર્યું અને એનું નામ રાખ્યું ‘ફતેચંદનું ફુલેકું’. ફતેચંદ કૅરૅક્ટરનું નામ હતું અને ફુલેકું એટલે વરઘોડો. કાઠિયાવાડમાં વરઘોડાને ફુલેકું પણ કહેવામાં આવે છે. નાટક માટે મારું નામ કિરણ ભટ્ટે સૂચવ્યું કે આપણે સંજય ગોરડિયાને મુખ્ય ભૂમિકામાં લઈએ. આ અગાઉ મેં ‘છેલ અને છબો’માં મુખ્ય ભૂમિકા કરી હતી, પણ એ બાળનાટક હતું. મેઇન સ્ટ્રીમનાં નાટકોમાં મને બે-ત્રણ સીનના જ રોલ મળતા.

મુખ્ય ભૂમિકાવાળું આ પહેલું નાટક મને કિરણ ભટ્ટે ઑફર કર્યું એ સમયે ‘આઇ રિટાયર હોતેય’ પરથી ગુજરાતી નાટક કરવાનું અમે નક્કી કર્યું અને ધીરે-ધીરે નસીબનું ચક્ર ફરવાનું શરૂ થયું. ‘ફતેચંદનું ફુલેકું’માં કલાકારોનો કાફલો હતો. પરેશ ગણાત્રા, ઉમેશ શુક્લ, દેવેન ભોજાણી તો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’નો પ્રોડ્યુસર આસિત મોદી પણ નાટકમાં ઍક્ટિંગ કરતો હતો અને એ સિવાય બીજા ૧૦થી ૧૨ કલાકારો હતા. અમારા એ નાટકનો શુભારંભ બિરલા ક્રીડા કેન્દ્રથી થયો હતો. નાટક બહુ સારું ગયું નહીં, પણ પ્રકાશ અને રાજુ સાથે મારી દોસ્તી જામી ગઈ એટલે ‘આઇ રિટાયર હોતેય’ના રૂપાંતરણની વાત આવી ત્યારે પ્રકાશ કાપડિયાને નાટક આપવાનું નક્કી કર્યું. મેં પ્રકાશને નાટક જોવા માટે મોકલ્યો.

પ્રકાશે નાટક જોયું પણ તેને ગમ્યું નહીં, અમુક પૉઇન્ટ પર તો તેને માની ભૂમિકા બહુ નેગેટિવ લાગી એટલે તેમણે નાટક લખવાની ના પાડી દીધી. મને થયું કે માર્યા ઠાર, હવે કરવું શું?

પ્રકાશની ના આવી ગઈ એ મેં શફીભાઈને કહ્યું અને પછી તરત જ શફીભાઈએ રૂપાંતરણ માટે બીજું નામ પૂછ્યું એટલે મેં આઉટ ઑફ બૉક્સ નામ આપ્યું. નામ હતું અરવિંદ જોષી. ગુજરાતી તખ્તાના સર્વશ્રેષ્ઠ કલાકાર પૈકીના એક. પ્રવીણ જોષી અને અરવિંદ જોષી બન્ને સગા ભાઈઓ. પ્રવીણ જોષીને મેં જોયા નથી, પણ બન્ને ભાઈઓને પર્ફોર્મ કરતા જોનારાઓ કહેતા કે પ્રવીણ જોષી અને અરવિંદ જોષીમાં અભિનેતા તરીકે અરવિંદ જોષી ઇઝ બેટર ધેન પ્રવીણ જોષી. અરવિંદ જોષીનાં ઘણાં નાટકો મેં જોયાં હતાં. છેલ્લા થોડા સમયથી તેમણે નાટક લખવાનું પણ શરૂ કર્યું હતું. અરવિંદભાઈએ લખેલા નાટકમાં ‘એની સુંગધનો દરિયો’ પણ આવી જાય. તેમને જો રૂપાંતર કરવાનું કામ સોંપવામાં આવે તો એ જરા પણ અજુગતું નહીં લાગે.

એક તરફ નાટકના લેખક વિશે મનોમંથન અને ચર્ચા ચાલતી હતી તો બીજી તરફ શફીભાઈના મનમાં કાસ્ટિંગ પણ આકાર લેવા માંડ્યું હતું. શફીભાઈએ મને પૂછ્યું કે બાના લીડ રોલમાં કોને કાસ્ટ કરીશું? મારી પાસે જવાબ તૈયાર હતો.

‘પદ્‍મારાણી. બાની ઇમેજ ધરાવતી એકમાત્ર વ્યક્તિ છે. પદ્‍માબહેન સિવાય આ નાટકમાં બીજા કોઈને લઈ ન શકીએ.’

યોગાનુયોગ પણ કેવો કહેવાય. જ્યારે હું આ મરાઠી નાટકનો પહેલો શો જોવા ગયો હતો ત્યારે પદ્‍માબહેન પણ તેમના જય કલા કેન્દ્ર બૅનરના પાર્ટનર અજિત શાહ અને ઍક્ટર સનત વ્યાસ સાથે નાટક જોવા આવ્યાં હતાં. આમ પદ્‍માબહેને નાટક તો જોયું જ હતું અને તેમને નાટક ખૂબ ગમ્યું પણ હતું. તેમણે રાઇટર અશોક પટોળે પાસેથી નાટકના ગુજરાતીકરણ માટે રાઇટ્સ પણ માગ્યા હતા, પણ અશોક પટોળેની વાત ઑલરેડી શફીભાઈ સાથે થઈ ગઈ હતી એટલે તેમણે ના પાડી દીધી. આપણે ત્યાં કહેવાય છે કે દાને દાને પે લિખા હૈ ખાનેવાલે કા નામ. આવું જ રોલ માટે પણ હોતું હશે. રોલ રોલ પે લિખા હૈ ઍક્ટર કા નામ. જો એવું ન હોત તો રાજકુમારે ‘ઝંજીર’નો અમિતાભ બચ્ચનનો રોલ અને આમિર ખાને ‘ડર’નો શાહરુખ ખાનવાળો રોલ છોડ્યો થોડો હોત.

પદ્‍માબહેન પાસે નાટકમાં રોલની વાત આવી ત્યારે તેમણે જરા પણ વિરોધ કર્યો નહીં કે બીજી કોઈ શરતો પણ મૂકી નહીં. તેમણે પ્રારંભિક હા પાડી એટલે અમે તેમને કહ્યું કે આખું નાટક લખાવી લઈએ પછી આપની પાસે આવીશું. આ દરમ્યાન અરવિંદભાઈ સાથે પણ વાત થઈ ગઈ અને અરવિંદભાઈ નાટકનું રૂપાંતર કરવાનું બીડું ઝડપીને સ્ક્રિપ્ટના કામમાં લાગી ગયા. ‘બા રિટાયર થાય છે’ની સર્જનયાત્રા કેવી રહી એની વાતો અને ઍક્ટરમિત્ર નીતિન દેસાઈએ કરેલી એક આગાહીની વાતો કરીશું આવતા મંગળવારે. ત્યાં સુઘી ‘ઘરમાં રહો, સલામત રહો.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK