Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > નગીનદાસ સંઘવીઃ એક જીવતાજાગતા ચમત્કાર જેવો માણસ, કાયમી મિત્ર, સનાતન ગુરુ

નગીનદાસ સંઘવીઃ એક જીવતાજાગતા ચમત્કાર જેવો માણસ, કાયમી મિત્ર, સનાતન ગુરુ

29 July, 2020 01:03 PM IST | Mumbai
Yamini Patel

નગીનદાસ સંઘવીઃ એક જીવતાજાગતા ચમત્કાર જેવો માણસ, કાયમી મિત્ર, સનાતન ગુરુ

નગીનદાસ સંઘવી

નગીનદાસ સંઘવી


નગીનદાસભાઈ સંઘવી.  એમને ઘણા બાપા કહે. ઘણા આદરણીય જોડે આગળ. પણ અમારો નાતો જુદો જ હતો.  તેઓ મને દોસ્ત કહી બોલાવતા. ખડખડાટ હાસ્ય શેર કરવાનો નાતો એમની સાથે. વાત વાતમાં ખભે ટપલી ય મારી લે એવો સંબંધ, પણ એ તો હળવાશના મૂડમાં હોય ત્યારે. જ્યારે દિમાગ પર કોઈ લેખનનું ભૂત સવાર હોય ત્યારે તેમને મળો તો તમને એ થોડા ખોવાયેલા લાગે ત્યારે સમજી જવાનું કે હમણાં કનેક્ટ થવું અઘરું.

હવે તો અઘરું જ નહિ અશક્ય પણ. આ વાત પચાવવી ખૂબ અઘરી છે મારા માટે. આમ જુઓ તો કંઈ બહુ વર્ષોનો સંબંધ નહીં. ૨૦૧૦ના એપ્રિલમાં અમારી પ્રથમ મુલાકાત થયેલી. જર્નાલિઝમના એક કોર્સમાં તેઓ એક દિવસ ક્લાસ લેવાના હતા. સાહિત્યિક સંસ્થા "લેખિની" દ્વારા એ કોર્સ યોજવામાં આવેલો. એમનું ઇન્ટ્રોડક્શન આપવાની જવાબદારી મારા શિરે આવેલી. એમને તો ફોન કરીને શી રીતે પૂછાય? એટલે મેં મારી રીતે જ ખાંખાંખોળા કરી માહિતી એકઠી કરી અને જ્યારે તેઓ મારી બાજુમાં ખુરશીમાં બેઠેલા હતા ત્યારે એમનો પરિચય મેં સૌને કરાવ્યો. અચાનક આંખોમાં ચમક સાથે મેં એમને મારી સામે જોતા જોયા. શું થયું પ્રશ્ન મારા દિમાગમાં. છેલ્લે લાક્ષણિક હસી પડ્યા અને પૂછી બેઠા, "ક્યાંથી જાણી લાવ્યા આટલું બધું મારા વિશે?" લ્યો, આટલી સરળતા. બધું પત્યા પછી એમને ક્યાંક સાંતાક્રુઝમાં જ જવું હતું. મેં કહ્યું ચાલો મૂકી જાઉં. મેં ગાડી સ્ટાર્ટ કરી અને સાથે જ ચાલુ થઈ અમારી અસ્ખલિત વાતો. જાણે વર્ષોથી એકબીજાને ન ઓળખતા હોઈએ! પહોંચવા આવ્યા ત્યારે ખબર નહિ કઈ રીતે પતંજલિના યોગસૂત્રોની વાત થઈ. પાછી પેલી ચમક એમની આંખોમાં. "તમને એમાં રસ છે?" મેં કહ્યું કે ખૂબ જ. મારે તો એના પર કામ કરવું છે. તેઓ તરત જ બોલી ઊઠ્યા, "મારે પણ. ચાલો સાથે કામ કરીએ?" હું હતપ્રભ. ગંતવ્ય સ્થાન આવી ગયું હોવા છતાં ગાડીમાં પંદરેક મિનિટ ચર્ચા કરી, પાછા મળવાનું નક્કી કરી અમે છુટા પડ્યા. 



કામ ઘણું હતું. ઘણીવાર, દિવસો સુધી સાથે બેસવું પડે તેવું.  સાંતાક્રુઝમાં એમના એક મિત્રની જગ્યા હતી જે મળી શકે એમ હતી, પણ છેવટે મારી પાર્લા ઈસ્ટની ઑફિસમાં જ બેસવાનું નક્કી થયું.


બપોરે પ્રભા આંટીને જમાડી, સુવાડી એક બેનને ત્યાં બેસાડી તેઓ મારે ત્યાં આવવા નીકળતા. જે દિવસે પેલા બેન ના આવે ત્યારે અમારો ખાડો પડે. જોગેશ્વરીના એમના ઘરેથી ભરબપોરે ચાલતા નીકળે, રેલવે સ્ટેશન પહોંચી લોકલ ટ્રેન લે, પાર્લા ઊતરે, ત્યાંથી પંદર-વીસ મિનિટ (એમની હં કે, આપણી તો વધારે) તડકામાં ચાલી મારી ઑફિસે આવે. બેસે. એક ગ્લાસ પાણી અને કામ શરૂ.

મારું તો મોઢું આશ્ચર્યથી કેટલી ય વાર પહોળું થઈ જાય. એટલું તો જ્ઞાન એમની પાસે, માહિતી નહીં. જ્ઞાન. વાંચીને, સમજીને,  પચાવેલું જ્ઞાન.  અમને બંનેને પહેલીવાર મળ્યા ત્યારે જ લાગેલું કે યોગસૂત્રમાં કશુંક છે જે બરાબર રીતે બહાર લોકોની સમજણમાં નથી આવ્યું, કારણ કે મૂળ સંસ્કૃત  ભાષ્યમાં જ સમજણ ફેર થઈ હોય એવું લાગતું.


ચર્ચાઓ, વિચારણાઓ  તેઓ હોય ત્યારે. તેઓ ના હોય ત્યારે હું પુસ્તકોના અભ્યાસ કરી નોટ્સ બનાવી રાખું. મારો સ્ટાફ પણ ટાઈપિંગ વગેરે કરી આપવામાં જોડાયેલો.તેઓ એક વાત સતત કહે. કોઈ એટલે કોઈએ પણ લખ્યું હોય કે કહ્યું હોય એટલે એ સાચું જ એમ કદી માનવું નહીં. પોતાનું લોજિક વાપરવાનું, રીઝનિંગ વાપરવાનું  અને દિમાગમાં પટે તો જ માનવાનું. પછી ભલે  ને એ ગમે તે હોય. એમના મનમાં ઊઠતા પ્રશ્નોના જવાબો શોધવા તેઓ શંકરાચાર્ય સુધી પણ દોડી જતા.સંસ્કૃતના શબ્દોમાં અટવાયા ત્યારે મદદે આવ્યા સુશીલાબેન સૂચક. “સાહિત્ય સંસદ, સાંતાક્રુઝ”ના પ્રમુખ શ્રી કનુભાઈ સૂચકના સહધર્મચારિણી. હવે ત્રિપુટી જામી.

મને થાય કે નગીનદાસભાઈની આટલી ઉંમર (ત્યારે તેઓ એકાણું વર્ષના હતા), તો એમને બહારનું કંઈ ખાવાનું સદે કે ના સદે, એટલે ઘરેથી એમના માટે કંઈક બનાવીને લઈ જતી. એકાદવાર બનાવવાનું શક્ય ના બન્યું. તો કહે, "મંગાવો બહારથી. આપણને બધું ચાલે." રસ્તા પરના પાઉંવડા હોય કે પછી સેન્ડવીચ, ટેસથી ખાતા ને પચાવતા એમને જોયા છે.

એક વાર એવું થયું કે એમને કોઈ કોઈ વાર થોડા ચક્કર આવી જતાં. તરત જ ડૉક્ટર પાસે ગયા. હું પણ એમને એક ડૉક્ટર પાસે લઈ ગયેલી. પછીથી મેં કહ્યું કે ઘરે મૂકી જાઉં તો કહે ના, રિક્ષામાં જતો રહીશ. તબિયત પૂછવા ફોન કર્યો બીજા દિવસે તો તેઓ જીમમાં હતા. જીમ. માની શકો? કારણકે ડૉક્ટરે કહેલું કે કસરત કરો તો બ્લડ સર્ક્યુલેશન વધશે. મને કહે છ મહિનાના પૈસા ભરી દીધા છે. આવા નગીનદાસભાઈ.

એમની સાથે દિમાગી તાલ તો આપણે કોઈ ક્યારે ય ના મિલાવી શકીએ. જીવતું જાગતું હરતું-ફરતું કૉમ્પ્યુટર જ જોઈ લો. ગૂગલ જવાબ આપે એ પહેલા એમનો જવાબ આવે. ફોટોગ્રાફિક મૅમરી. એક વાર વાંચ્યું કે દિમાગના કૉમ્પ્યુટરમાં ફીડ. પાંત્રીસ ચાલીસ વર્ષ પહેલા વાંચેલું તેઓ એક જ સેકન્ડમાં શબ્દે શબ્દ બોલી બતાવે. જો કે આ તો બધાને ખબર, પણ એમની સાથે શારીરિક રીતે પણ તમે પાછા પડો. અમે બંને રસ્તા પર ચાલ્યા જતા હોઈએ તો મારે કહેવું પડે કે જરા ધીમે ચાલો ને. હું પાછળ રહી જાઉં છું. તેઓ હસી પડે અને ધીમા ચાલવા લાગે, પણ થોડી વાર જ. પછી આદત મુજબ ઝડપ વધી  જ જાય. 

સમયની પંક્ચ્યુઆલિટી અને સમજ કોઈ એમની પાસેથી શીખે. એકવાર ચત્રભુજ નરસી સ્કૂલ, પાર્લા વેસ્ટ પાસેથી મારે એમને પીકઅપ કરવાના હતા. હું એમનું સમયપાલન જાણું, માટે સમયસર જ નીકળેલી પણ ટ્રાફિકના લીધે એક મિનિટ મોડું થયું. તો ત્યાં સ્કૂલની ફૂટપાથ પર એક હાથ થાંભલાને વીંટાળી બીજા હાથે પુસ્તક વાંચી રહ્યા હતા. મેં પૂછ્યું પણ કે મેં ફોન કરેલો અને પહોંચતી જ હતી ને? તો કહે, "એક મિનિટ માટે પણ મારું આગળ વંચાઈ જાય તો મારો સમય બચે." સલામ છે એમને અને એમની આટલી ડિસિપ્લિનને.

એકવાર અમે બંને મારી ઓફિસ બિલ્ડિંગમાં સાથે પહોંચ્યા અને ખબર પડી કે લિફ્ટ બંધ છે. ચોથો માળ. હું અચકાઈ. મારા પગમાં અને કમરમાં પણ થોડી તકલીફ. માટે વજન ઊંચકવાની મનાઈ. ગાડીમાંથી લૅપટોપ, ફાઈલો, બુક્સ, બધું લઈને કહે, "આ બધું લઈને હું ચડતો થાઉં છું. તમે ધીમે ધીમે આવો." અહો આશ્ચર્યમ!  હાંફતી હાંફતી ઉપર પહોંચી તો તેઓ બધો સામાન મૂકી આરામથી બેસી પાણી પી રહ્યાં હતા.

પછી થોડા સમયમાં પ્રભાઆંટીની તબિયત વધારે નાજુક થતાં તેમણે મહુવા શિફ્ટ થવાનો નિર્ણય લીધો અને અમે આરંભેલું કામ ખોરંભે ચડ્યું, પણ દોસ્તી તો રહી જ.એમની સાથે મુંબઈથી મહુવા પણ ગયેલી ત્રણ દિવસ. રાત્રે પહોંચીને પછી સવાર સવારમાં છ વાગે લૅપટોપ ખોલી, ઇન્ટરનેટનું ડોંગલ ચાલુ કરી કામ કરતાં મેં એમને જોયા છે. પછીથી પ્રભા આંટીને નવડાવીને વાળ ઓળી આપતા અને જમાડતા પણ જોયા છે. ખૂબ પ્રેમાળ અને સમજુ પતિ.

ત્યાં એ પણ જોયું કે મોરારીબાપુ ખુદ એમને એટલું માન આપતા, એમને પૂછીને નિર્ણયો લેતા. આ બધું જોઈ સર્વે નગીનદાસભાઈને પણ બાપા બાપા કરી પગે લાગે. એમને એ જરાય ન ગમતું. કહેતા કે આ બધા મને પગે લાગી બાપા બાપા કરી આદર આપ્યા કરે છે પછી આપણે અમુક રીતે જ વર્તવું પડે. આ એમનો માંહ્યલો.

એમની કોલમની જેમ વાસ્તવિક જીવનમાં પણ તડ અને ફડ કરી શકતા, એમની અને મોરારીબાપુની પહેલીવારની મુલાકાત વિશે જાણવા જેવું છે. એમણે કથા સાંભળી અને અંતે જઈને બાપુને કહ્યું, (એટલે કે બાપાએ બાપુને કહ્યું) "તમે ખોટા છો.  આવું કેવી રીતે કરી શકો તમે? રામાયણમાં જે ખરેખર લખ્યું છે તે તો તમે કહેતા જ નથી." ત્યારે બાપુ બોલેલા કે જો હું પૂર્ણ સત્ય રજુ કરીશ તો આમ જનતા એને પચાવી નહીં શકે.  પોતાના અભિપ્રાયને લઈને તેઓ ગમે તેની સાથે ચર્ચામાં ઊતરી પડતાં અચકાતા નહીં. થોડા વરસ પહેલા વેરીકોઝ વેઇનને લીધે પડતી તકલીફથી કંટાળી (કારણકે તેઓ અટકી પડે તે એમને ના ચાલે) પગમાં બાયપાસ સર્જરી કરાવેલી. ત્યારે  ય મળવા જઈએ તો જરાય તકલીફમાં ના લાગે. મજાના વાતોના વડા કરે. લેખો લખીને જાતે આપવા જાય કે પછી કુરિયર કરવા પણ જાતે જ જાય. દોડતા જાય અને કામ કરતા જાય. એમનો યુધિષ્ઠિરના રથ જેવો જમીનથી થોડા ઇંચ ઉપર રહેતો લેંઘો ફફડાવતા. 

મલ્ટી ટાસ્કીંગ કોઈ એમની પાસેથી શીખે. એક સાથે કેટલી જગ્યાએ ધ્યાન હોય. વાત તમારી સાથે કરતા હોય પણ છતાં આજુબાજુના રસ્તાનું, ટ્રાફિકનું બધું ધ્યાન હોય. છતાં પાછું જે કરતા હોય તેમાં સો ટકા  ફોકસ હોય જ.  ઓહ! આ લેખ હજુ ઘણો લાંબો થયો હોત જો તેઓ સુરત ના શિફ્ટ થયા હોત તો. એમની સાથે ફોનમાં વાત થાય પણ સામસામે જેવી મજા નહીં. પ્રોગ્રામોમાં મળાતું ખરું પણ પછીથી એમની સાથે  જે ગોઠડીઓ મંડાતી તે મિસ થતી અને અફસોસ! હંમેશા મિસ થશે હવે.

Whatsapp-channel Whatsapp-channel

29 July, 2020 01:03 PM IST | Mumbai | Yamini Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK