Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવા માટે પ્રવાસીઓએ કાઢ્યો રસ્તો, દંડનો ડર દૂર

લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવા માટે પ્રવાસીઓએ કાઢ્યો રસ્તો, દંડનો ડર દૂર

13 January, 2021 05:31 AM IST | Mumbai
Preeti Khuman Thakur

લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવા માટે પ્રવાસીઓએ કાઢ્યો રસ્તો, દંડનો ડર દૂર

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર


મુંબઈની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેનમાં કોવિડ-19 મહામારીના કારણે સંક્રમણ વધે નહીં એટલે છેલ્લા દસ મહિનાથી સામાન્ય મુંબઈકરોને પ્રવાસ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે, પરંતુ એવા અનેક પ્રવાસીઓ છે કે જેને આર્થિક રીતે લોકલ ટ્રેન સિવાય મુસાફરી કરવી પોસાય એમ નથી. એથી મજબૂરીમાં લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવા અવનવા રસ્તાઓ શોધી કાઢ્યા છે. નોકરી અને કામધંધાના સ્થળે જવા માટે અનોખા આઇડિયા થકી તેઓ લોકલ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. આ આઇડિયા છે ‘ટ્રેનમાં ટિકિટ લીધા વગર પ્રવાસ કરો અને ટીસી પકડે એટલે ખિસ્સામાંથી ફાઇનના પૈસા ભરી દો.’

કોરોના મહામારીની શરૂઆતમાં મુસાફરોએ ધીરજ ધરીને રેલવે પ્રશાસનના નિયમોનું પાલન કર્યું પરંતુ જેમ અનલૉક પ્રક્રિયાની શરૂઆત થતી ગઈ એમ મુંબઈગરાઓનો સંયમ પણ તૂટતો ગયો અને સામાન્ય લોકો કે જેને નોકરીમાં પગાર કપાઈને મળતો હોય, નાના કારીગરો, વેપારીઓની આવક ઓછી હોય તેવા મુસાફરો હવે લોકલ ટ્રેનમાં મુસાફરી કરવા માટે અનેક પ્રકારે રસ્તાઓ કાઢવા મજબૂર થઈ રહ્યા છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ કોઈ પણ જાતની ટિકિટ લીધા વગર લોકલ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છે. જો પ્રવાસ કરતાં પકડાઈ જાય તો વગર ટિકિટના કેસમાં ૨૬૦ રૂપિયાનો ચૂપચાપ દંડ ભોગવી લે છે. જોકે મહિનામાં આ રીતે બેથી ત્રણ વખત પણ પકડાઈ જાય તો પણ તેને દંડ ભરવો પરવડે એમ છે એમ અનેક પ્રવાસીઓએ તેમનાં નામ નહીં જાહેર કરવાની શરતે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું.



પકડાઈ જતાં દંડ ભરી દઈએ છીએ


શહેરમાં એક તરફ ધીરે-ધીરે તમામ બજારો અને વ્યવસાયિક એકમો ખૂલી ગયાં છે. પરંતુ લાખોની સંખ્યામાં પ્રવાસીઓ માટે લોકલમાં પ્રવાસ કરવો હજી પ્રતિબંધિત છે. વસઈથી મુસાફરી કરતા અને બાંદરામાં કામ કરતા એક પ્રવાસીએ જણાવ્યું હતું કે ‘મારે દરરોજ બાંદરા ડાયમન્ડ માર્કેટમાં જૉબ માટે જવું પડે છે, પરંતુ અહીંથી ડાયરેકટ બસ સર્વિસ ન હોવાથી ઓછા પગારમાં લોકલ ટ્રેનમાં નાછૂટકે પ્રવાસ કરવો પડે છે. હું દસ વર્ષથી ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો છું, પરંતુ એક પણ વખત સીઝન પાસ કે લોકલ ટ્રેનની ટિકિટ વગર મેં મુસાફરી કરી નથી. પરંતુ હાલની પરિસ્થિતિમાં મજબૂરીમાં ટિકિટ વગર મુસાફરી કરવી પડી રહી છે. સામાન્ય મુસાફર તરીકે મને પ્રવાસ કરવાની મંજૂરી નથી. એકાદ વખત પકડાઈ જતાં ટિકિટ વગર મસાફરી કરવા માટે દંડ પણ ભરી દીધો છે, પરંતુ બીજો કોઈ વિકલ્પ નથી. સરકાર જલદીથી સામાન્ય લોકો માટે લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાનો નિર્ણય લે એ જરૂરી છે.’

લાંબા પ્રવાસને કારણે થયો બીમાર


ડોમ્બિવલીમાં રહેતા અને સાઉથ મુંબઈની કટલરી-સ્ટેશનરી માર્કેટમાં કામ કરતા એક પ્રવાસીએ કહ્યું કે ‘મહામારીના કારણે અમારી આર્થિક સ્થિતિ ખૂબ નબળી થઈ ગઈ છે. ઘરે બેસીને કોઈ પૈસા આપવાના નથી એટલે ઘર ચલાવવા મુંબઈ કામે જવું પડે છે. પહેલાં રોડથી પ્રવાસ કરતા હતા પરંતુ એ સમય વેડફવાની સાથે એટલો ખર્ચાળ છે કે વાત ન પૂછો. લાંબા પ્રવાસને કારણે બીમાર પણ ખૂબ પડી ગયો અને હૉસ્પિટલમાં ઍડ્મિટ થવાનો વાર આવ્યો હતો. પરંતુ હવે કોઈ પર્યાય જ ન હોવાથી ટ્રેનમાં પ્રવાસ કરું છું અને આ દરમિયાન બે વખત ફાઇન પણ ભરી દીધો છે.’

કેટલી લોકલ ટ્રેનો દોડી રહી છે?

કોરોના રોગચાળામાં વેસ્ટર્ન રેલવે દ્વારા હાલમાં ૧૨૦૧ ટ્રેન સર્વિસ ચાલુ છે જેમાં દરરોજના સાત લાખ પ્રવાસીઓ પ્રવાસ કરે છે, જ્યારે સેન્ટ્રલ રેલવે ૧૫૮૦ સર્વિસ ચલાવે છે જેમાં આઠ લાખની આસપાસ પ્રવાસીઓ ટ્રાવેલ કરે છે.

ટિકિટ વગર પ્રવાસ કરતા કેટલા કેસ?

લૉકડાઉન જાહેર થયા બાદ ટ્રેન સર્વિસ શરૂ થઈ ત્યારથી ૨૦ ડિસેમ્બર સુધી ટિકિટ વગર પ્રવાસ કરતા ૪૫,૩૨૩ કેસ સામે આવ્યા અને એમાંથી ૧.૯૦ કરોડ રૂપિયાની વેસ્ટર્ન રેલવેને આવક થઈ હતી. જ્યારે કે સેન્ટ્રલ રેલવેએ ૨૦૨૦માં ૭૦,૭૧૫ ખુદાબક્ષોને પકડીને તેમની પાસેથી ૧,૬૮,૦૦,૦૦૦ રૂપિયા વસૂલ કર્યા છે.

રેલવેનું શું કહેવું છે?

આ વિશે વેસ્ટર્ન રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર સુમીત ઠાકુરે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘પ્રવાસી આવો કોઈ આઇડિયા અપનાવીને પ્રવાસ કરી રહ્યા છે એની અમને ખબર નથી. જોકે રેલવેની ડ્રાઇવ તો ચાલુ જ છે અને ટિકિટ વગર પ્રવાસ કરતા લોકોને પકડી રહ્યા છે.’

સેન્ટ્રલ રેલવેના સિનિયર પબ્લિક રિલેશન્સ ઑફિસર એ. કે. જૈને આ બાબતમાં ‘મિડ-ડે’ને કહ્યું કે ‘સેન્ટ્રલ રેલવેમાં સતત ટિકિટ ચેકિંગ ડ્રાઇવ ચાલી રહી છે. છેલ્લા સાત દિવસથી અમે ઘાટકોપર, દાદર અને સીએસએમટી સ્ટેશન પર દરેક એક્ઝિટ ગેટ પર સઘન તપાસ કરી રહ્યા છીએ જેમાં ટિકિટ વગરના અને બનાવટી આઇ કાર્ડ પર પ્રવાસ કરતા લોકોને પકડી રહ્યા છીએ.’

Whatsapp-channel Whatsapp-channel

13 January, 2021 05:31 AM IST | Mumbai | Preeti Khuman Thakur

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK