૨૬/૧૧ના હુમલાખોરોએ વાપરેલી બોટ કુબેરથી એનો માલિક હજીયે હેરાન

Published: 26th November, 2014 03:19 IST

મુંબઈ પોલીસે બોટની સ્થિતિ યથાવત્ રાખવાનું કહ્યું છે જ્યારે ગુજરાત સરકારે બોટનું ફિશિંગ લાઇસન્સ રદ કરી નાખ્યું છે. આ પરિસ્થિતિમાં કુબેર બોટ એના માલિક હીરાભાઈ મસાણી માટે સફેદ હાથીથી પણ બદતર થઈ ગઈ છેkuber boatરશ્મિન શાહ


૨૦૦૮ની ૨૬ નવેમ્બરના આતંકી હુમલામાં આતંકવાદીઓ જે બોટમાં મુંબઈ પહોંચ્યા હતા એ પોરબંદરની કુબેર બોટના માલિક હીરાભાઈ મસાણીની આર્થિક પરિસ્થિતિ આ જ કુબેર બોટને કારણે દિવસે-દિવસે ખરાબ થતી જાય છે. બન્યું એમાં એવું છે કે મુંબઈ પોલીસે કુબેર બોટને યથાવત્ રાખવાનો આદેશ કર્યો છે તો ગુજરાત સરકારે જ્યાં સુધી મુંબઈ પોલીસનો આ આદેશ નીકળે નહીં ત્યાં સુધી બોટનું લાઇસન્સ રદ કરી નાખ્યું છે. આવી પરિસ્થિતિ વચ્ચે કુબેર એના માલિક માટે માથાના દુખાવા જેવી બની ગઈ છે. હીરાભાઈ મસાણીએ કહ્યું હતું કે ‘એક બોટનું મહિનાનું મેઇન્ટેનન્સ અંદાજે ત્રીસ હજાર રૂપિયા જેવું થતું હોય છે. આ મેઇન્ટેનન્સ અમે માછીમારી કરીને કમાતા હોઈએ છીએ, પણ કુબેરમાંથી આવક પાંચિયાની રહી નથી અને એ પછી પણ બોટને સાચવી રાખવા માટે અમારે આ વગર કારણનો ખર્ચ કરતા રહેવો પડે છે.’

હીરાભાઈ પાસે કુબેર સહિત કુલ ત્રણ બોટ હતી, પણ કુબેરમાં માછીમારીની મનાઈ હોવાથી બીજી બે બોટ પર તેમનો નિર્વાહ ચાલતો હતો, પણ ઘરખર્ચ ઉપરાંત કાંઠે પડી રહેલી કુબેરના મેઇન્ટેનન્સને કારણે તેમણે એક બોટ વેચી નાખવી પડી છે. હીરાભાઈએ કહ્યું હતું કે ‘કુબેરને ન તો અમે વેચી શકીએ છીએ, નથી એમાં માછીમારી થતી કે નથી એને ભંગારમાં આપી શકાતી. આ હાલતમાં અત્યારે તો આ બોટે અમારી હાલત ખરાબ કરી નાખી છે.’

૨૬/૧૧ના હુમલાના એકમાત્ર જીવિત આરોપી અજમલ કસબને ફાંસી આપવામાં આવ્યા પછી હીરાભાઈ મસાણીએ મુંબઈ પોલીસને લેખિતમાં પૂછ્યું હતું કે હવે કુબેર બોટનો ઉપયોગ કરી શકાય કે નહીં, પણ એનો મૌખિક જવાબ તેમને ‘ના’માં મળ્યો હતો. હીરાભાઈએ કહ્યું હતું કે ‘આવી ઘાતકી ઘટના સાથે સંકળાયેલી કુબેર આમ જ પડી છે અને એ પણ ઘરના રૂપિયા ખાતી જાય છે ત્યારે સ્વાભાવિક રીતે બમણું દુખ થાય, પણ લાચારી એવી છે કે બે રાજ્યની સરકાર વચ્ચે અમારે પિસાવું પડે છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK