Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈમાં વરસાદને કારણે લૉકડાઉન, લોકલ ટ્રેન અને વાહનવ્યવહાર ખોરવાયો

મુંબઈમાં વરસાદને કારણે લૉકડાઉન, લોકલ ટ્રેન અને વાહનવ્યવહાર ખોરવાયો

05 August, 2020 09:51 AM IST | Mumbai
Mumbai correspondent

મુંબઈમાં વરસાદને કારણે લૉકડાઉન, લોકલ ટ્રેન અને વાહનવ્યવહાર ખોરવાયો

રેલવે સ્ટેશન કે નદી : ચૂનાભટ્ટી રેલવે સ્ટેશનના ટ્રૅક પર ભરાયેલાં વરસાદનાં પાણી. તસવીર : પી.ટી.આઇ.

રેલવે સ્ટેશન કે નદી : ચૂનાભટ્ટી રેલવે સ્ટેશનના ટ્રૅક પર ભરાયેલાં વરસાદનાં પાણી. તસવીર : પી.ટી.આઇ.


મુંબઈ અને આસપાસ મોડી રાતથી પડી રહેલા અનરાધાર વરસાદને કારણે સામાન્ય જનજીવનને ભારે અસર પહોંચવાની સાથે અનેક સ્થળોએ પાણી ભરાતાં લોકલ ટ્રેન અને વાહનવ્યવહાર ખોરવાયો હતો. કોરોનાના દરદીઓની સારવારમાં મદદરૂપ થઈ રહેલા નર્સ તથા મેડિકલ સ્ટાફ સહિતના કર્મચારીઓને આને લીધે કામકાજના સ્થળે પહોંચવામાં મુશ્કેલી થઈ હતી. સોમવાર રાતથી ગઈ કાલે બપોર સુધીમાં તળમુંબઈમાં ૨૩૦ મિલીમીટર, પૂર્વનાં પરાંમાં ૧૬૨ મિલીમીટર અને પશ્ચિમનાં પરાંમાં ૧૬૨ મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો હતો.

શહેરનાં અનેક સ્થળોએ ૨૪ કલાકમાં ૨૬૮ મિલીમીટર એટલે કે ૧૦ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. આ સમયે દરિયામાં ભરતી હોવાથી ભાયખલા, દાદર અને મહાલક્ષ્મી જેવાં અનેક નીચાણવાળાં સ્થળોએ પાણી ભરાયાં હતાં. હવામાન ખાતાએ આગામી ૪૮ કલાકમાં પણ અતિથી અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરતાં મુંબઈ મહાનગરપાલિકાએ લોકોને અત્યંત જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળવાની ચેતવણી આપી છે.



તળમુંબઈ સાથે કાંદિવલી, કુર્લા, સાયન અને ભાંડુપના કેટલાક વિસ્તારોમાં પણ પાણી ભરાતાં અનેક જગ્યાએ ભારે ટ્રાફિક જૅમ થયો હતો. મુંબઈ સેન્ટ્રલમાં આવેલી પાલિકા સંચાલિત નાયર હૉસ્પિટલ પરિસરમાં ગોઠણ સુધી પાણી ભરાયાં હતાં. આને કારણે મેડિકલ સ્ટાફ અને નર્સોને હૉસ્પિટલમાં પહોંચવામાં મુશ્કેલી થઈ હતી.


હૉલિડે ડિકલેર થયો

ભારે વરસાદને પગલે ટ્રેન અને વાહનવ્યવહાર ખોરવાયો હોવાથી લોકોને કામકાજના સ્થળે પહોંચવામાં મુશ્કેલી થઈ રહી હોવાનું સવારે ધ્યાનમાં આવતાં સરકારે હૉલિડે જાહેર કર્યો હતો. રાજ્યના રિલીફ ઍન્ડ રીહૅબિલિટેશન વિભાગ દ્વારા ભારે વરસાદને પગલે લોકોનું ઘરમાંથી બહાર નીકળવાનું મુશ્કેલ બનતાં સરકારી ઑફિસોમાં રજા જાહેર કરાઈ હતી.


ટ્રેન-વ્યવહાર ખોરવાયો

ભારે વરસાદને પગલે મુંબઈની વેસ્ટર્ન, સેન્ટ્રલ અને હાર્બર મળી ત્રણેય લાઇનની લોકલ ટ્રેનો ગઈ કાલે સવારે બંધ કરી દેવી પડી હતી. અનેક જગ્યાએ પાટા પર પાણી ભરાતાં રેલવે તંત્ર દ્વારા આ નિર્ણય લેવાયો હતો. રેલવેના અધિકારીઓએ ટ્‌વીટ કર્યું હતું કે હાર્બર લાઇનમાં વડાલા અને પરેલ, સેન્ટ્રલ લાઇનમાં વાશી અને પનવેલ તેમ જ થાણે અને કલ્યાણ લાઇન તથા વેસ્ટર્ન રેલવેમાં દાદર અને પ્રભાદેવી રેલવે-સ્ટેશનો વચ્ચે પાણી ભરાવાને લીધે લોકલ ટ્રેનો બપોર સુધી બંધ કરવામાં આવી હતી.

બપોરે હાઈ ટાઇડથી પાણી ભરાયાં

એક તરફ સોમવાર રાતથી ગઈ કાલે બપોર સુધી ભારે વરસાદ પડ્યો હતો તો બીજી તરફ સમુદ્રમાં બપોરે ૧૨.૪૫ વાગ્યે હાઈ ટાઇડ હોવાથી વરસાદનું પાણી સમુદ્રમાં જતું ન હોવાને લીધે શહેરમાં અનેક નીચાણવાળાં સ્થળોએ પાણી ભરાયાં હતાં. ગઈ કાલે બપોરે પૂરા થયેલા ૨૪ કલાકમાં કોલાબામાં ૨૫૨.૨ મિલીમીટર એટલે કે ૧૦ ઇંચ તો સાંતાક્રુઝમાં ૨૬૮.૬ મિલીમીટર એટલે કે ૧૦.૫ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

સુશાંતના કેસની સુનાવણી પણ મોકૂફ

ભારે વરસાદને પગલે કામકાજ કરવાનું મુશ્કેલ બનતાં બૉમ્બે હાઈ કોર્ટમાં ગઈ કાલે નિર્ધારિત કરાયેલી વર્ચ્યુઅલ હિયરિંગ મોકૂફ રાખવી પડી હતી. બૉમ્બે હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ દીપંકર દત્તા સહિતના પાંચ જજની ખંડપીઠે ગઈ કાલની સુનાવણી બુધવારે કરવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું હતું. સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુના કેસની તપાસ સીબીઆઇને સોંપવાની માગણી કરતી અરજી સહિતના કેસની સુનાવણી ગઈ કાલે હતી.

ભારે વરસાદથી થાણેના ઘોડબંદર રોડ પર પાણી ભરાયાં, મીરા રોડમાં પણ ભારે વરસાદથી દુકાનોમાં પાણી ઘૂસ્યાં

સોમવાર રાતથી મંગળવાર બપોર સુધી થયેલા ભારે વરસાદને પગલે મુંબઈ ઉપરાંત થાણે અને મીરા રોડમાં અનેક જગ્યાએ પાણી ભરાયાં હતાં. સવારના સમયે નૅશનલ પાર્ક તરફના ડુંગરાળ વિસ્તારમાંથી ઘોડબંદર રોડ પર પાણી નદીમાં વહેતું હોય એવાં દૃશ્યો સર્જાયાં હતાં. આને કારણે વાહનવ્યવહારને અસર પહોંચી હતી. મુંબઈની જેમ થાણે અને મીરા-ભાઈંદર તેમ જ વસઈ-વિરારમાં પણ નોંધપાત્ર વરસાદ પડ્યો હોવાથી અનેક સ્થળે પાણી ભરાયાં હોવાનું જાણવા મળ્યું હતું.

મીરા રોડમાં પણ ભારે વરસાદથી શાંતિનગરના સેક્ટર પાંચ-છના જંક્શન પર ગોઠણ સુધી પાણી ભરાતાં અહીંની દુકાનોમાં પાણી ઘૂસી ગયાં હોવાનું જાણવા મળ્યું હતું. શાંતિનગરના સેક્ટર ૧-૩ના રસ્તા પર અને સેક્ટર ૨-૩ના રસ્તા પર પણ આ જ રીતે પાણી ભરાયાં હોવાનું જાણવા મળ્યું હતું.

બોરીવલીમાં રસ્તા પર પડ્યો ખાડો

ભારે વરસાદને કારણે બોરીવલી-ઈસ્ટમાં આવેલા રાજેન્દ્રનગર ખાતે એક રસ્તો તૂટી પડ્યો હતો. ફૂડ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયાના ગોડાઉનના મેઇન ગેટની સામેનો રસ્તો સવારે અચાનક ધસી ગયો હતો. રસ્તાની બાજુમાં એક નવા બાંધકામનું કામ ચાલી રહ્યું હોવાથી અહીં ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો એની અંદર રસ્તાનો ભાગ તૂટી પડ્યો હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટનાને કારણે આજુબાજુની સોસાયટીઓમાં રહેતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો.

દિવસમાં ક્યાં કેટલો વરસાદ

મુંબઈમાં ગઈ કાલે સવારથી સાંજ સુધીના ૧૨ કલાક દરમ્યાન દહિસરમાં સૌથી વધુ ૧૫૯ મિલીમીટર વરસાદ નોંધાયો હતો. બોરીવલી અને દાદરમાં અનુક્રમે ૧૫૬.૯ અને ૧૫૬.૨ મિલીમીટર વરસાદ પડ્યો હતો. મલાડમાં ૧૩૪.૮ મિ.મી., ઘાટકોપરમાં ૯૭.૩ મિ.મી., અંધેરીમાં ૧૪૦.૪ મિ.મી., બાંદરામાં ૮૪.૮ મિ.મી., ભાંડુપમાં ૯૪.૭ મિ.મી., મુલુંડમાં ૧૦૧.૮ મિ.મી. અને કોલાબામાં ૭૦.૩ મિ.મી. વરસાદ નોંધાયો હતો.

Whatsapp-channel Whatsapp-channel

05 August, 2020 09:51 AM IST | Mumbai | Mumbai correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK