10 વર્ષના કુમળા બાળકને અભડાવવાનો 92 વર્ષના વૃદ્ધે કર્યો દુષ્પ્રયાસ
પ્રતીકાત્મક તસવીર
પ્રિય વાચકમિત્રો, આજના આ સમાચાર વિચલિત કરી શકે એવા છે. અમારો ઇરાદો સનસનાટી ફેલાવવાનો બિલકુલ નથી, પરંતુ આજના બદલાઈ રહેલા સમયમાં ચાઇલ્ડ અબ્યુઝની ઘટનાઓ સતત વધતી જઈ રહી છે એ વિશે સૌનું ધ્યાન ખેંચવાનો છે. માનો કે ન માનો પરંતુ કુમળી વયનાં બાળકોને અબ્યુઝ કરનારા તેમની આસપાસના લોકો જ નીકળે છે ત્યારે ૯૨ વર્ષની ઉંમર એ આમ તો પૌત્ર અને પૌત્રીના ગ્રૅન્ડફાધર હોવાની ઉંમર છે. કદાચ ગ્રેટ ગ્રૅન્ડફાધર હોવાની પણ છે. એમ છતાં આ વૃદ્ધ વિરુદ્ધ થયેલી વિનયભંગના મુદ્દે પોલીસ-ફરિયાદ આપણને સૌને બાળકોની સુરક્ષા વિશે વિચારવા મજબૂર કરે એમ છે.
ઘાટકોપર (વેસ્ટ)ની કામા લેનમાં આવેલા મહેતા બિલ્ડિંગમાં રવિવારે સાંજના સાડાચાર વાગ્યાની આસપાસ દસ વર્ષના એક બાળકને કૂતરાને આપવા માટેનું ખાવાનું લેવા મારી સાથે આવ એમ કહીને પોતાની રૂમમાં લઈ જઈને ૯૨ વર્ષના એક સિનિયર સિટિઝને અકુદરતી કૃત્ય કરવાની કોશિશ કરી હતી, જેને પરિણામે મહેતા બિલ્ડિંગના રહેવાસીઓમાં ઊહાપોહ મચી ગયો હતો.
ADVERTISEMENT
મહેતા બિલ્ડિંગના કુમાર મહેતાના ઘરની કામવાળી બાઈનો દસ વર્ષનો દીકરો બિલ્ડિંગના મેદાનમાં તેના મિત્રો સાથે રમતો હતો. એ સમયે મહેતા બિલ્ડિંગમાં રૂમ ધરાવતા રૂપચંદ તે બાળકને બોલાવીને કૂતરાને ખાવાનું આપવું છે, તું મારી સાથે આવ એમ કહીને તેમની રૂમમાં લઈ ગયા હતા. રૂમમાં લઈ ગયા પછી રૂપચંદે પહેલાં બાળકની ચડ્ડીમાં હાથ નાખ્યો હતો. ત્યાર પછી રૂપચંદ પૅન્ટ ખોલીને ઊભા રહી ગયા હતા. તેમણે બાળકના હાથમાં તેમનો પ્રાઇવેટ પાર્ટ આપીને એની સાથે રમવા કહ્યું હતું. આથી ગભરાઈ ગયેલું બાળક રૂમની કડી ખોલીને ભાગી ગયું હતું.
આ બાળકે તેની સાથે બનેલા બનાવની માહિતી કુમાર મહેતા અને ત્યાર પછી પોતાનાં માતા-પિતાને આપી હતી. આ સંદર્ભમાં કુમાર મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રૂપચંદ અપરિણીત છે. તે તેના બે નાના ભાઈઓના પરિવાર સાથે મહેતા બિલ્ડિંગની બાજુમાં આવેલી એક ઇમારતમાં રહે છે. જોકે તેની રૂમ મહેતા બિલ્ડિંગમાં હોવાથી ક્યારેક-ક્યારેક તે તેની રૂમમાં આરામ કરવા આવતો રહે છે. રવિવારના બનાવથી અમારા બિલ્ડિંગના રહેવાસીઓ ચોંકી ઊઠ્યા હતા. બાળકનાં માતા-પિતાએ તેમના દીકરા સાથે બનેલા બનાવની ઘાટકોપર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. આ પહેલાં તો પોલીસે બાળકનાં આર્થિક રીતે નબળાં માતા-પિતાને સમાધાન કરવા માટે અથાક પ્રયસો કર્યા હતા, પરંતુ તેનાં માતા-પિતાએ ફરિયાદ કરવામાં પીછેહઠ કરી નહોતી. જોકે પોલીસે રૂપચંદની ઉંમર પર દયા ખાઈને તેમની અરેસ્ટ કરી નહોતી.’
આ પણ વાંચો : ઈલેક્શનને ધ્યાનમાં રાખીને મુંબઈ મહાનગરપાલિકાનું પોપ્યુલિસ્ટ બજેટ
આ સમગ્ર પ્રકરણ વિશે ઘાટકોપર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સુધીર નિગમે કહ્યું હતું કે ‘આવો જ બનાવ જો કોઈ છોકરી સાથે બન્યો હોત તો અમે તેને છોડત નહીં, પણ આ બનાવ છોકરા સાથે બન્યો છે. બીજું, તેમની ઉંમરને ધ્યાનમાં રાખીને તેમને સીધા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે તેમને ચાર દિવસની પોલીસ-કસ્ટડી આપી છે અને હવે ૭ ફેબ્રુઆરીએ ફરી તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.’


