Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ડબ્બાવાળા ડબ્બામાં

ડબ્બાવાળા ડબ્બામાં

28 October, 2012 03:08 AM IST |

ડબ્બાવાળા ડબ્બામાં

ડબ્બાવાળા ડબ્બામાં






મુંબઈની ઓળખ સમા ડબ્બાવાળાઓની હાલત અત્યારે બહુ ખરાબ છે અને છેલ્લા કેટલાક સમયથી વધેલી મોંઘવારીને લીધે તેમની પરિસ્થિતિ બગડી ગઈ છે. અસહ્ય ભાવવધારાની પરિસ્થિતિમાં ઘરના બે છેડા ન મળી શકવાને કારણે ૨૫ ટકા જેટલા ડબ્બાવાળાઓ પોતાના વતન પાછા જતા રહ્યા છે. એ સિવાય હવે આ પ્રોફેશનમાં બહુ ઓછા લોકો જોડાય છે અને ગ્રામ્ય વિસ્તારના યુવાનો પણ અભ્યાસનું મહત્વ સમજીને આગળ ભણી રહ્યા છે. પોતાની પરિસ્થિતિ વિશે વાત કરતાં અંધેરીના લોખંડવાલા વિસ્તારની ઝૂંપડપટ્ટીમાં રહેતા અને ડબ્બાવાળાનું કામ કરતા ૩૪ વર્ષના વિલાસ શિંદેએ કહ્યું હતું કે ‘હું છેલ્લાં પંદર વર્ષથી મારા પરિવારના આઠ સભ્યો સાથે ૯૦થી ૧૦૦ ચોરસફૂટની રૂમમાં રહું છું. મારા બન્ને દીકરાઓ મ્યુનિસિપલ સ્કૂલમાં ભણે છે. મારી માતા મારા બન્ને દીકરાઓની સંભાળ રાખે છે, જ્યારે હું અને મારી પત્ની સવારથી જ કામ પર નીકળી જઈએ છીએ. મારી પત્ની ઘરકામ કરે છે. હું એસએસસી પાસ છું અને ૧૫ વર્ષ પહેલાં પુણે નજીકના ગામથી રોજીરોટીની શોધમાં મુંબઈ આવ્યો હતો. હું કામ કરીને મહિને દસેક હજાર રૂપિયા કમાઉં છું અને મારી પત્ની ચાર હજાર રૂપિયા લાવે છે. મોટા ભાગના ડબ્બાવાળાઓ પુણેના અલગ-અલગ ગામમાંથી આવ્યા છે. શરૂઆતમાં આ ટિફિન મિલના કામદારોને પહોંચાડવામાં આવતાં હતાં, પણ મિલો બંધ થઈ ગયા બાદ કૉર્પોરેટ ઑફિસોમાં અમારી સર્વિસ શરૂ કરવામાં આવી હતી. જે જગ્યા માટે પહેલાં હું ભાડા તરીકે ૩૦૦ રૂપિયા ચૂકવતો હતો એના હવે ૩૦૦૦ રૂપિયા ચૂકવવા પડે છે. સિલિન્ડરના ભાવ પણ એટલા વધી ગયા છે કે અમે ફરીથી માટીના ચૂલાનો વપરાશ શરૂ કરવાનું વિચારી રહ્યા છીએ. મારાં સંતાનો સુધરાઈની સ્કૂલમાં ભણે છે છતાં મારે તેમને રોજ ૧૦ રૂપિયા વાપરવા આપવા પડે છે. આ અસહ્ય મોંઘવારીને કારણે વધુમાં વધુ ડબ્બાવાળાઓ પોતાના વતન જઈ રહ્યા છે. એ વાત સાચી છે કે ૨૫ ટકા જેટલા ડબ્બાવાળાઓ પોતાના વતન પાછા જતા રહ્યા છે. હવે નવા યુવાનો આ પ્રોફેશનમાં નથી આવતા. મોંઘવારી વધી જતાં અમે અમારી જીવનશૈલીમાં કાપ મૂકી દીધો છે અને બહાર ફરવા જવાનું તો લગભગ બંધ જ કરી દીધું છે. મને લાગે છે કે જો આ જ રીતે મોંઘવારી વધતી જશે તો ડબ્બાવાળાઓની વ્યવસ્થા જ સદંતર તૂટી જશે. ટિફિન દ્વારા થતા બૉમ્બ-બ્લાસ્ટ પછી અનેક સ્કૂલો-ઑફિસોએ અમારી સર્વિસ બંધ કરી દીધી છે એને કારણે પણ અનેક ડબ્બાવાળાઓને વતન પાછા ફરવાની ફરજ પડી છે. જોકે એ વાત અલગ છે કે અત્યાર સુધી ક્યારેય ડબ્બાવાળાઓના ટિફિન દ્વારા બ્લાસ્ટ નથી થયા.’


વિલાસ શિંદે જેવો જ મત ડબ્બાવાળાનું કામ કરતા ૩૫ વર્ષના બબન યેવલેનો છે. બબન અંધેરીમાં લોખંડવાલા વિસ્તારની ઝૂંપડપટ્ટીમાં પોતાના પરિવારના સાત સભ્યો સાથે રહે છે. બબન સ્વીકારે છે કે તેની પત્નીના નોકરીના સર્પોટ વગર તે ક્યારેય મુંબઈમાં પરિવાર સાથે ન રહી શક્યો હોત. બબન રોજ ૨૦ ટિફિન પહોંચાડે છે. પોતાના અનુભવ વિશે વાત કરતાં બબને કહ્યું હતું કે ‘મારી પત્ની ચારથી પાંચ જણનાં ઘરકામ કરીને મહિને ૪૦૦૦ રૂપિયા કમાય છે અને મારી કમાણી ૮૦૦૦ રૂપિયા છે. અમે અંધેરીના લોખંડવાલાની ઝૂંપડપટ્ટીમાં બહુ નાની રૂમમાં રહીએ છીએ. અહીં ભાડું એટલું બધું છે કે અમને પણ ખબર નથી પડતી કે અમે અહીં ક્યાં સુધી રહી શકીશું? હવે આ વ્યવસાયમાં યુવાનો નથી જોડાતા. હવે સ્કૂલોમાં જ બૉમ્બ-વિસ્ફોટના ડરથી પોતાની કેટરિંગ સર્વિસ શરૂ કરી દેવામાં આવી હોવાથી તેમણે ડબ્બાવાળાઓની સર્વિસ લેવાનું બંધ કરી દીધું છે. એને કારણે અમને મોટો ફટકો પડ્યો હોવાથી અનેક ડબ્બાવાળાઓ વતન પાછા ફરી ગયા છે. હવે અમારા વતનમાં વિકાસ થવાથી અમને અહીં મળે છે એટલા જ રૂપિયા ત્યાં મળી જતા હોય તો ત્યાંનું શાંતિપૂર્ણ જીવન છોડીને અમે અહીં શા માટે આવું કામ કરીએ?’


બબનની પત્ની શૈલા યેવલેએ કહ્યું હતું કે ‘અમે અમારાં બાળકોને પ્રાઇવેટ મરાઠી મિડિયમ સ્કૂલમાં મોકલીએ છીએ અને બન્ને બાળકો માટે ફીના ૨૪૦૦ રૂપિયા ચૂકવીએ છીએ. આવતા વર્ષે ફી કેટલી વધશે અને અમે આ વધારાને પહોંચી વળી શકીશું કે નહીં એની પણ અમને ખબર નથી. અમને એ વાતની ચિંતા છે કે હવે સરકારે ગૅસ-સિલિન્ડરોની સંખ્યા પણ ઘટાડી દીધી હોવાથી આટલા ઓછા સિલિન્ડરમાં અમારું કામ કઈ રીતે ચાલશે? એક મહિનામાં અમને ગૅસનાં બે સિલિન્ડર જોઈએ છે જે માટે અમે ૧૦૦૦ રૂપિયા ચૂકવીએ છીએ. અમે દર મહિને એક અનાથાલયમાં ૩૦ રૂપિયાના હિસાબે ચાર અનાથાલયમાં દાન કરીએ છીએ. એ સિવાય વર્ષે એક વાર અનાથાલયના રિનોવેશન માટે ૧૦૦૦ રૂપિયા આપીએ છીએ. મારાં સંતાનો પ્રાઇવેટ સ્કૂલમાં ભણે છે એટલે હવે મારો દીકરો તો ક્યારેય તેના પિતાનો વ્યવસાય નહીં અપનાવે. મારા પતિને પણ વધી રહેલી મોંઘવારીને કારણે બે શિફ્ટમાં કામ કરવાની ફરજ પડે છે.’

મોટા ભાગના ડબ્બાવાળાઓની પત્નીઓ બીજાને ત્યાં ઘરકામ કરે છે જેથી તેઓ પરિવારને નાણાકીય મદદ કરી શકે. શહેરમાં ૩૦ વર્ષથી રહેતા ૫૦ વર્ષના કમલેશ નાથા ગડાડેએ લોખંડવાલાની ઝૂંપડપટ્ટીમાં ઘર ખરીદ્યું છે. તેમણે ચાર વર્ષ પહેલાં એક પુત્રીનાં અને બે વર્ષ પહેલાં બીજી પુત્રીનાં લગ્ન કરાવ્યાં હતાં. હાલમાં તે પત્ની સાથે રહે છે અને દીકરો કૉમર્સના પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે. પોતાના સંઘર્ષ વિશે વાત કરતાં કમલેશે કહ્યું હતું કે ‘પહેલાં હું ૫૦થી ૬૦ ટિફિનની ડિલિવરી કરતો હતો, પણ હવે સંખ્યા ઘટીને ૨૦ થઈ ગઈ છે. હું મહિને ૮૦૦૦ રૂપિયા કમાઉં છું. મારી પત્ની ચાર જગ્યાએ ઘરકામ કરીને મને ટેકો આપે છે. અમે પુણેના શિવે ગામમાંથી આવ્યાં છીએ જે હવે વિકસી ગયું છે. હું દર વર્ષે મારા દીકરાની ફીના ૭૦૦૦ રૂપિયા ખર્ચું છું જેથી તેને જે બનવું હોય એ તે બની શકે. તે ક્યારેય મારો વ્યવસાય નહીં અપનાવે, કારણ કે શિક્ષિત યુવાનો હવે આ વ્યવસાયમાં નથી આવતા. પહેલાં અમને પણ બહુ મોંઘવારી નડતી હતી, પણ હવે મારી પત્નીના ટેકાને કારણે તથા પોતાનું ઘર હોવાથી એટલી બધી સમસ્યા નથી નડતી. હું સવારે આઠથી સાંજે સાડાપાંચ વાગ્યા સુધી કામ કરું છું અને મારી પત્ની સવારે નવથી બપોરે બે વાગ્યા સુધી કામ કરે છે. જે લોકો હવે ઘરડા થઈ ગયા છે અથવા તો જેમને ગામમાં જઈને શાંતિથી કમાણી કરવી છે તેઓ આ વ્યવસાયને છોડી રહ્યા છે. હવે શહેરની સાથે ગામડાંઓમાં પણ શિક્ષણનો વ્યાપ વધતાં કોઈ પણ શિક્ષિત વ્યક્તિ આ વ્યવસાયમાં આવવા નથી માગતી. અમારી ટીમમાં મુંબઈના આકર્ષણથી અહીં ખેંચાઈ આવેલા એક-બે યુવાનો જ હવે ડબ્બાવાળાનું કામ કરે છે.’

એસએસસી = સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ
Whatsapp-channel Whatsapp-channel

28 October, 2012 03:08 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK