(વરુણ સિંહ)
મુંબઈ, તા. ૨
૧૯૯૩માં એમઆઇડીસી (મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન)એ અંધેરી (ઈસ્ટ)ની પોતાની જમીન પરનાં ૪૬૦૦ ઝૂંપડાંથી છુટકારો મેળવવાનું નક્કી કર્યું અને એ માટેનાં ટેન્ડર બહાર પાડ્યાં. આકૃતિ સિટીને આ પ્રોજેક્ટ મળ્યો, જે હેઠળ બિલ્ડરે ૧.૩૧ લાખ સ્ક્વેર મીટર વિસ્તાર રીડેવલપમેન્ટ કરવાનો હતો. આમાંની ૨૨.૫ ટકા જમીન એમઆઇડીસીને પાછી આપી દેવાની હતી અને બાકીની ૭૭.૨ ટકા જમીન પર બિલ્ડરે ઝૂંપડપટ્ટીવાસીઓ માટેનાં ઘર તથા વેચવા માટેના ફ્લૅટ બાંધવાના હતા. આ બધું જ કામ ૨૦૦૫માં પૂરું થઈ જવાનું હતું, પરંતુ ૨૦૧૧માં પણ હજી આ પ્રોજેક્ટ વિવાદોથી ઘેરાયેલો રહ્યો છે. હવે આ પ્રોજેક્ટ પૂરો કરવા માટેની ડેડલાઇન ૨૦૧૩ સુધી લંબાવવામાં આવી છે.
૨૦૦૬માં એમઆઇડીસીને ઝૂંપડપટ્ટીવાસીઓ તરફથી એવી ફરિયાદો મળી કે આકૃતિ નિર્માણ લિમિટેડના પ્રમોટર વિમલ ઉર્ફે વ્યોમેશ શાહના પરિવારજનો, સગાંવહાલાં તથા કંપનીના હોદ્દેદારોનાં નામ ઝૂંપડપટ્ટીવાસી તરીકે મૂકવામાં આવ્યાં છે. આવી ફરિયાદ પછી નવેમ્બર ૨૦૦૬માં ૯૨ ઝૂંપડપટ્ટીવાસીઓનાં નામ એમઆઇડીસી દ્વારા યાદીમાંથી હટાવી દેવામાં આવ્યાં. આમાંનાં કેટલાંક નામો આ પ્રમાણે હતાં : રાજેન્દ્ર કાન્તિલાલ શાહ, ફાલ્ગુની શાહ, હેમંત પારેખ, અલ્પા શાહ, એસ. મયૂર, ઈ. સી. પૉલોસ, નૅન્સી પરેરા, વગેરે આ બધા જ કાં તો વિમલ શાહનાં સગાં છે અથવા તેમના માટે કામ કરે છે.
આરટીઆઇ (રાઇટ ટુ ઇન્ફર્મેશન) ઍક્ટિવિસ્ટ અમિત મારુએ એમઆઇડીસી પાસેથી આરટીઆઇની અરજી દ્વારા જે માહિતી કઢાવી એના પરથી એવું ફલિત થાય છે કે ૨૦૦૯માં આકૃતિએ બીએસઈ (બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ)ને જે દસ્તાવેજો મોકલ્યા હતા એમાંનાં નામો સાથે આ ૯૨ ઝૂંપડપટ્ટીવાસીઓનાં નામો મેળ ખાતાં હતાં. તેમના કહેવા પ્રમાણે ઝૂંપડપટ્ટીવાસી તરીકે ફાલ્ગુની શાહનું નામ જોવા મળે છે, પરંતુ કંપનીએ બીએસઈને મોકલેલા દસ્તાવેજોમાં તેમનું નામ વિમલ શાહનાં પત્ની તરીકે છે. આ જ રીતે નૅન્સી પરેરાને ઝૂંપડપટ્ટીવાસી ગણાવવામાં આવ્યાં છે, પરંતુ તેમને કંપનીનાં ચીફ અકાઉન્ટ્્સ ઑફિસર તરીકે દર્શાવવામાં આવ્યાં છે. આ ઉપરાંત ઝૂંપડપટ્ટીવાસી તરીકે જેમનાં નામ ગણાવવામાં આવ્યાં હતાં એવા રાજેન્દ્ર કાન્તિલાલ શાહ આકૃતિના ચીફ ફાઇનૅન્સર ઑફિસર છે. ઈ. સી. પૉલોસ કંપનીના ચીફ સિવિલ એન્જિનિયર છે.
આકૃતિ નિર્માણ લિમિટેડનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે બિલ્ડરે એ વિશે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. બિલ્ડરની પીઆર (પર્સનલ રિલેશન્સ) એજન્સીને ‘મિડ-ડે’એ ૨૦ ઑક્ટોબરે એક મેઇલ કરી હતી, પરંતુ એનો જવાબ પણ આપવામાં નથી આવ્યો. એમઆઇડીસીના ચીફ એન્જિનિયર આર. વી. સોણજે તથા ડેપ્યુટી એન્જિનિયરે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે અમને ફરિયાદો મળી કે તરત અમે ગેરકાયદે ઝૂંપડપટ્ટીવાસીઓ તરીકે મૂકવામાં આવેલાં ૯૨ નામો હટાવી દેવાનું બિલ્ડરને જણાવી દીધું હતું.
જોકે બિલ્ડર સામે કોઈ પગલાં લેવામાં આવ્યાં હોવાનો આ અધિકારીઓએ ઇનકાર કર્યો હતો. એક અધિકારીએ કહ્યું હતું કે બિલ્ડર સામે પગલાં ભરવાનો કોઈ ઉલ્લેખ ટેન્ડરમાં કરવામાં નહોતો આવ્યો. અમિત મારુએ એમઆઇડીસીને આ આખો પ્રોજેક્ટ ગેરકાયદે જાહેર કરવાનું જણાવ્યું છે, કારણ કે બિલ્ડરે દસ્તાવેજો સાથે ચેડાં કર્યા છે.
બિલ્ડરને કેટલો નફો?
આ પ્રોજેક્ટમાં બિલ્ડરને ૧.૦૫ લાખ સ્ક્વેરફૂટ એરિયા મળે છે, જેમાં એણે ૪૬૦૦ ઝૂંપડપટ્ટીવાસીઓમાંના દરેકને ૨૨૫ સ્ક્વેરફૂટનાં રહેઠાણો આપવાનાં છે. બાકીની જગ્યા એ વેચી શકે છે. આ માટે બિલ્ડરને ૨.૫ની એફએસઆઇ મળે છે. આ રીતે બિલ્ડરે ઝૂંપડપટ્ટીવાસીઓને રહેઠાણો આપવા માટે એક લાખ સ્ક્વેરમીટર વાપર્યા અને બાકીનો ૧.૫૨ લાખ સ્ક્વેરમીટર વિસ્તાર એ વેપારી ધોરણે વેચી શકે છે. આ વિસ્તારની કમર્શિયલ રેટ્સ તરીકે ગણતરી કરીએ તો બિલ્ડરને એ જગ્યા વેચીને ૬૦૦૦ કરોડ રૂપિયા મળે.
મહારાષ્ટ્ર: કોવિડ વેક્સિનનો બીજો ડૉઝ લીધાની થોડીવારમાં વ્યક્તિનું નિધન
3rd March, 2021 14:44 ISTબૉલીવુડમાં ફીમેલ સિંગરનો ટૅગ હટાવવા માગે છે શિલ્પા રાવ
3rd March, 2021 12:30 ISTકમલ હાસને લીધી વૅક્સિન
3rd March, 2021 12:23 ISTઅર્થની રીમેકમાં બૉબી દેઓલ સાથે દેખાશે જૅકલિન અને સ્વરા?
3rd March, 2021 12:21 IST