રફી-વિશેષ - ન ફનકાર તુઝસા તેરે બાદ આયા, મોહમ્મદ રફી તૂ બહોત યાદ આયા

Published: Dec 24, 2014, 05:32 IST

માત્ર પંચાવન વર્ષની ઉંમરે દુનિયા છોડીને જતા રહેલા આ મહાન ગાયક તેમના સ્વરરૂપે સદા અમર રહેશે
દર વર્ષે નાતાલની પૂર્વ સંધ્યાએ ૨૪ ડિસેમ્બરે ભારતીય ફિલ્મસંગીતના ચાહકોને મરહૂમ ગાયક મોહમ્મદ રફી અચૂક યાદ આવે અને આજે આ મહાન ગાયકની ૯૦મી  જન્મજયંતી છે.

ટેક્નૉલૉજીના આ યુગમાં ઑડિયો-વિઝ્યુઅલ મીડિયમની ઝાકઝમાળ અને ઈસ્ટર્ન-વેસ્ટર્ન મ્યુઝિકની ભેળસેળમાં તેમ જ મ્યુઝિક, સિન્ગિંગ અને રેકૉર્ડિંગની અવનવી ટેક્નિકના કારણે છેલ્લાં થોડાં વર્ષોથી સાચું સંગીત અને સમર્પિત ગાયકી સાઇડલાઇન થઈ ગયાં છે; પરંતુ ભારતીય સિનેમાના મહાનતમ કલાકાર-કસબીઓની યાદી તૈયાર કરવામાં આવે તો પ્લેબૅક સિન્ગિંગમાં ઑલરાઉન્ડર ગાયક મોહમ્મદ રફી ટોચ પર હોય અને ઉમદા કલાકાર અને ઉમદા ઇન્સાનના માપદંડથી મહાનતમ કલાકાર-કસબીઓની યાદી તૈયાર કરવામાં આવે તો રફીસાહેબને ચોક્કસ ટૉપ ટેનમાં તો સ્થાન આપવું જ પડે.

ટૂંકી પણ યાદગાર જીવનસફર

આજના ભારતના પંજાબના કોટલા સુલતાન સિંઘમાં ૧૯૨૪ની ૨૪ ડિસેમ્બરે જન્મેલા મોહમ્મદ રફીની જીવનસફર ૧૯૮૦ની ૩૧ જુલાઈ સુધીની માત્ર પંચાવન વર્ષની હતી, પરંતુ ૧૯૪૪થી ૧૯૮૦ વચ્ચે ૩૪ વર્ષની પ્લેબૅક સિન્ગિંગની કરીઅરમાં આ ગાયકે ખાસ તો ૧૯૭૦ સુધી ફિલ્મસંગીતના ક્ષેત્રમાં સામ્રાજ્ય ભોગવ્યું હતું.

સુપરસ્ટાર પ્લેબૅક સિંગર


રફીની પેઢીના અને ત્યાર બાદ ચમકેલા મહાન ભારતીય પુરુષ પ્લેબૅક સ્ટાર-સિંગરોમાં મુકેશ, મન્ના ડે, કિશોરકુમાર, મહેન્દ્ર કપૂર સહિતના તમામ ગાયકોની કોઈ ને કોઈ પ્રકારનાં ગીતોમાં માસ્ટરી રહી છે; પરંતુ ઇન્ડિયન ક્લાસિકલ, ગઝલ, કવ્વાલી, ઠુમરી, સોલો, રોમૅન્ટિક, ડ્યુએટ અને ખાસ તો ભજન એમ ફિલ્મસંગીતનાં કોઈ એવા પ્રકારનાં ગીતો નથી જેમાં મોહમ્મદ રફીના સૂરનો પનો ટૂંકો પડ્યો હોય. ફિલ્મની સ્ટોરીની માગ પ્રમાણે હીરોનાં ગીતોમાં દેશભક્તિ, ખુશી, ગમ, પ્રેમ, નફરત, કૉમેડી, સૌંદર્ય, કુદરત, ફિલૉસૉફી કે એકલતાના ભાવ લાવવાના હોય કે પછી કોઈ બાળગીત ગાવાનું હોય; સંગીતકારોએ રફીસાહેબને યાદ કરવાં જ પડે. ખુદાના બંદા હોવા છતાં તેમણે ગાયેલાં ભક્તિરસથી તરબોળ ફિલ્મી ભજનોના કારણે સંગીતના સાચા સાધક અને એક પૂર્ણ ગાયક તરીકે સંગીતરસિયાઓ આજેય રફીને પૂજે છે.

ખરેખર તો રફી પ્લેબૅક સિન્ગિંગના સુપરસ્ટાર છે કેમ કે માત્ર હિન્દી જ નહીં; આસામી, કોંકણી, ભોજપુરી, ઓરિયા, પંજાબી, બંગાળી, મરાઠી, સિંધી, કન્નડ, ગુજરાતી, તેલુગુ, માઘી, મૈથિલી અને ઉદૂર્ એમ તમામ ભારતીય ભાષાઓ ઉપરાંત ઇંગ્લિશ, પર્શિયન, સ્પૅનિશ અને ડચ ભાષાઓનાં ગીતો પણ તેમણે ગાયાં છે.

ગલીઓમાં ગાતા ફકીરોની નકલ 


પિતા હાજી અલી મોહમ્મદના છ પુત્રોમાં પાંચમો નંબર મોહમ્મદ રફીનો. બ્રિટિશ કાળમાં પંજાબથી હાજી અલીનો પરિવાર રોજીરોટીની તલાશમાં પાકિસ્તાનના લાહોરમાં રહેવા ચાલ્યો ગયો હતો અને હાજી મોહમ્મદે ત્યાં હેરકટિંગ સલૂન શરૂ કર્યું હતું. ઘરમાં ફીકોના નામે ઓળખાતા મોહમ્મદ રફીએ બચપણથી જ લાહોરમાં ગલીઓમાં ગીતો ગાતા ફરતા ફકીરોની નકલ કરીને કબીરનાં ભજનો ગાવાનું શરૂ કર્યું હતું. રફીના મોટા ભાઈ મોહમ્મદ દીનના મિત્ર અને બાદમાં તેમના બનેવી અબ્દુલ હમીદે બાળ મોહમ્મદ રફીની ટૅલન્ટ પારખી લીધી હતી અને કેટલાંક વર્ષો લાહોરમાં ગાયકી માટે સર્પોટ કર્યા બાદ હાજી અલીના પરિવારને સમજાવીને મોહમ્મદ રફીને ૨૪ વર્ષની વયે મુંબઈ લાવ્યા હતા.

પહેલું પંજાબી ગીત

રફીએ ઉસ્તાદ બડે ગુલામ અલી ખાન, ઉસ્તાદ અબ્દુલ વહીદ ખાન, પંડિત જીવન લાલ મટ્ટ અને ફિરોઝ નિઝામી પાસેથી ક્લાસિકલ મ્યુઝિકની તાલીમ લીધી હતી. લાહોરમાં માત્ર ૧૩ વર્ષની વયે રફીએ કે. એલ. સાયગલની ફિલ્મનું એક ગીત લલકાર્યું હતું જે તેમનો પહેલો સ્ટેજ-પર્ફોર્મન્સ હતો. ૧૯૪૧માં લાહોરમાં શ્યામ સુંદરના સંગીતમાં તેમણે ૧૯૪૪માં રિલીઝ થયેલી પંજાબી ફિલ્મ ‘ગુલ બલોચ’ માટે પ્લેબૅક આપ્યું હતું. એ વર્ષે જ રફીને ઑલ ઇન્ડિયા રેડિયોના લાહોર સ્ટેશન માટે ગાવાનું નિમંત્રણ મળ્યું હતું.

મુંબઈમાં પહેલું હિન્દી ગીત 


૧૯૪૪માં અબ્દુલ હમીદ સાથે મુંબઈ આવ્યા બાદ રફી ભીંડી બજારમાં દસ બાય દસ ફૂટની એક ખોલીમાં ભાડે રહેતા હતા. ગીતકાર તનવીર નકવીએ રફીની ઓળખ અબ્દુલ રશીદ કારદાર, મેહબૂબ ખાન અને ઍક્ટર-ડિરેક્ટર નાઝીર જેવા એ વખતના ફિલ્મકારો સાથે કરાવી હતી. લાહોરમાં પંજાબી ફિલ્મમાં તેની પાસે ગીત ગવડાવી ચૂકેલા શ્યામ સુંદર મુંબઈમાં હતા અને તેમણે ૧૯૪૫માં હિન્દી ફિલ્મ ‘ગાંવ કી ગોરી’માં જી. એમ. દુરાની સાથે ‘અજી દિલ હો કાબૂ મેં તો દિલદાર કી ઐસી-તૈસી...’ ગીત રફી પાસે ગવડાવ્યું, જે તેમનું પહેલું હિન્દી ફિલ્મનું ગીત બની રહ્યું. પરંતુ રફીએ ક્લાસિક ગીતો મહાન સંગીતકાર નૌશાદનાં ગાયાં છે અને ૧૯૪૪થી જ તેમનાં ગીતોમાં કોરસ આપતા હતા. આ રીતે તેમણે પહેલું ગીત ગાયું કારદારની ફિલ્મ ‘પહલે આપ’નું ‘હિન્દુસ્તાન કે હમ હૈં...’.

પડદા પર પણ દેખાયા

મોહમ્મદ રફી બે ફિલ્મોમાં પડદા પર પણ દેખાયા છે. ૧૯૪૫ની ફિલ્મ ‘લૈલા મજનૂ’ના ગીત ‘તેરા જલવા જિસને દેખા...’માં તેઓ પડદા પર પણ દેખાયા હતા.

નૂરજહાં સાથે ડ્યુએટ

રફીએ નૌશાદના સંગીતમાં ગીતો ગાવાની શરૂઆત કરી એ સમયમાં જ ફિલ્મકાર મેહબૂબની ફિલ્મોમાં પણ યાદગાર ગીતો ગાયાં હતાં. મેહબૂબની ૧૯૪૬ની ફિલ્મ ‘અનમોલ ઘડી’નું ‘તેરા ખિલૌના ટૂટા બાલક...’ હિટ રહ્યું હતું અને ૧૯૪૭ની ફિલ્મ ‘જુગ્નૂ’માં ‘યહાં બદલા વફા કા...’ એ સમયનાં ફેમસ ગાયિકા નૂરજહાં સાથે ગાયું હતું. જોકે દેશની સ્વતંત્રતા બાદ નૂરજહાંએ પાકિસ્તાનમાં જઈને પ્લેબૅક સિંગર અહમદ રશ્દી સાથે જોડી જમાવી હતી, પરંતુ મોહમ્મદ રફીએ લાહોરથી પોતાના પરિવારને મુંબઈ બોલાવી લીધો હતો અને છેલ્લા શ્વાસ સુધી ભારતમાં જ રહ્યા હતા.

૧૯૪૯થી નિકલ પડી

૧૯૪૯થી નૌશાદના સંગીતમાં ‘ચાંદની રાત’, ‘દિલ્લગી’ અને ‘દુલારી’, ‘બાઝાર’માં શ્યામ સુંદર અને ‘મીના બાઝાર’માં હુસ્નલાલ ભગતરામના સંગીતથી ઓપતી ફિલ્મોમાં સોલો ગીતો ગાઈને રફીએ પ્લેબૅકમાં સિક્કો જમાવવાની શાનદાર શરૂઆત કરી હતી. શરૂઆતમાં રફી કે. એલ. સાયગલ અને જી. એમ. દુરાની જેવા ગાયકોના અવાજથી પ્રભાવિત હતા અને પોતાની ગાયકીમાં તેમની સ્ટાઇલ લાવવાના પ્રયાસો કરતા હતા અને તેમના આઇડૉલ્સ સાથે પણ ગીતો ગાયાં હતાં. ત્યાર બાદ રફીએ ૧૯૫૦-૭૦ના બે દાયકામાં નૌશાદ ઉપરાંત ઓ. પી. નૈયર, શંકર-જયકિશન, એસ. ડી. બર્મન અને રોશન સાથે સંગીતના તમામ મૂડનાં એક-એકથી ચડિયાતાં ગીતો ગાવાની લાંબી હારમાળા સર્જી પોતાનું નામ બનાવ્યું હતું. 

નેહરુએ નોતર્યા

૧૯૪૮માં મહાત્મા ગાંધીની હત્યા બાદ સંગીતકાર હુસ્નલાલ ભગતરામ, ગીતકાર રાજેન્દ્ર ક્રિષન અને ગાયક રફીની ત્રિપુટીએ રાતોરાત ‘સુનો સુનો અય દુનિયાવાલો, બાપુજી કી અમર કહાની..’ ગીત ક્રીએટ કર્યું હતું અને આ સાંભળીને દેશના પહેલા વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ તેમને ઘરે બોલાવીને આ ગીત ગાવાનું નિમંત્રણ આપ્યું હતું. એ વર્ષે જ દેશના સ્વાતંત્ર્ય દિને નેહરુના હાથે રફીને સિલ્વર મેડલ પણ એનાયત થયો હતો.

નૌશાદને પ્રભાવિત કર્યા

એ સમયે ફેમસ સંગીતકાર નૌશાદનાં ગીતોમાં સરળ સ્વભાવના રફી કોરસ ગાતા હતા અને નૌશાદના ફેવરિટ ગાયક હતા તલત મેહમૂદ. પરંતુ એક વાર તલતને રેકૉર્ડિંગ દરમ્યાન સિગારેટ ફૂંકતા જોઈ ગયા બાદ નૌશાદને ગુસ્સો આવ્યો અને ફિલ્મ ‘બૈજુ બાવરા’નાં તમામ ગીતો રફી પાસે ગવડાવ્યાં. ‘ઓ દુનિયા કે રખવાલે..’ અને ‘મન તડપત હરિ દર્શન કો આજ..’ જેવાં આ ફિલ્મના ક્લાસિકલ ભજનોથી રફી પ્લેબૅક સિન્ગિંગમાં અને ખાસ કરીને ક્લાસિકલ ગીતોમાં સ્થાપિત થઈ ગયા હતા. ૧૯૬૦ની ક્લાસિકલ ફિલ્મ ‘મુગલ-એ-આઝમ’ના ‘અય મોહબ્બત ઝિંદાબાદ..’ સહિત નૌશાદના સંગીતમાં તેમણે ૮૧ સોલો સહિત કુલ ૧૪૯ ગીતો ગાયાં હતાં.

એસ. ડી. બર્મન અને શંકર-જયકિશન

૧૯૬૦ના દાયકામાં ગાયક રફી શંકર-જયકિશનની સંગીતકાર બેલડી સાથે હિન્દી ફિલ્મસંગીતનો ગોલ્ડન પિરિયડ લાવ્યા હતા. રફીને ગાયકી માટે જે છ ફિલ્મફેર અવૉર્ડ મળ્યા છે એમાંથી ત્રણ ગીતોમાં સંગીત શંકર-જયકિશનનું હતું. ફિલ્મોમાં એ સમયના જાણીતા સંગીતકારોમાંથી રવિ, મદન મોહન, ઓ. પી. નૈયર, લક્ષ્મીકાંત-પ્યારેલાલ કે એસ. ડી. બર્મનમાંથી ભલે ગમે તેનું સંગીત હોય; સ્ટાર ઍક્ટરો દિલીપ કુમાર અને શમ્મી કપૂર, રાજેન્દ્ર કુમાર અને દેવ આનંદ સહિતના હીરોનો પડદા પરનો અવાજ મોહમ્મદ રફી જ હોય.

ઓ. પી. સાથે ૩ વર્ષ સંબંધો કટ

શંકર-જયકિશનના ગીતના રેકૉર્ડિંગમાં મોડું થઈ જતાં એક વાર રફી ઓ. પી. નૈયરના રેકૉર્ડિંગમાં લેટ પડ્યા તેથી ઓ. પી.એ કહ્યું કે મને પણ તારા માટે ટાઇમ નથી અને ફિલ્મ ‘સાવન કી ઘટા’ના રેકૉર્ડિંગથી બન્નેના સંબંધો બગડી ગયા હતા અને ત્યાર બાદ ત્રણ વર્ષ સુધી સાથે કામ નહોતું કર્યું.

ટોચના સિંગર્સ સાથે રફી

તેમના સમકાલીન પુરુષ ગાયકોમાંથી મુકેશ, મન્ના ડે, કિશોરકુમાર અને મહેન્દ્ર કપૂર તેમ જ લતા અને આશા ભોસલે સાથે રફીએ સહગાયકોની રેન્જ અને મૂડ પ્રમાણે સુંદર ગીતો ગાયાં છે. કિશોરકુમાર તો ઍક્ટર પણ હતા. તેથી રફીએ તેમના માટે તો પ્લેબૅક પણ આપ્યું હતું. રફીએ સૌથી વધુ વરાઇટી ડ્યુએટ ગીતો આશા ભોસલે સાથે અને ત્યાર બાદ મન્ના ડે અને લતા મંગેશકર સાથે ગાયેલાં છે.

મન્નાડેએ રફી માટે કહ્યું હતું કે ‘અમે બન્ને બધું જ ગાઈ શકીએ છીએ અને તે એક જેન્ટલમૅન છે. રફી મારા કરતાં ચડિયાતા ગાયક છે અને મને કહેવા દો કે તેની આસપાસનો કોઈ સિંગર નથી. તેને મહેનત અને સંગીતની સાધનાથી આ કુદરતી બક્ષિસ મળી છે.’

રમતિયાળ ઍક્ટિંગથી ફેમસ શમ્મી કપૂરે પણ એક મુલાકાતમાં કહ્યું હતું કે ‘રફીના અવાજ વગર હું અપૂર્ણ રહ્યો હોત. હું રેકૉર્ડિંગમાં જતો અને મારે કેમ ઍક્ટિંગ કરવાની છે એ કહેતો ત્યારે રફી પોતાના અવાજના જાદુથી ગીતમાં ઍક્ટિંગના રંગ ભરી દેતા.’

કિશોરકુમાર સાથે ટક્કર

રાજેશ ખન્ના, દેવ આનંદ, જિતેન્દ્ર અને અમિતાભ બચ્ચન જેવા ફિલ્મસ્ટાર્સના ઉદય સાથે ઍક્ટિંગ છોડી પ્લેબૅકમાં ઝંપલાવનારા ગાયક કિશોરકુમારનું નામ ગાજતું થયું અને રફીસાહેબને બરાબરની ટક્કર મળી હતી. થોડાં વર્ષો સુધી કિશોરકુમાર જ છવાયેલા રહ્યા હતા, પરંતુ ૧૯૭૦ના દાયકામાં પોતાના જીવનના ઉત્તરાર્ધમાં ફિલ્મ ‘સરગમ’નાં ‘રામજી કી નિકલી સવારી..’ અને ‘ડફલીવાલે ડફલી બજા..’ જેવાં ગીતોથી ફરીથી રફી હિટ ગીતોમાં કિશોરકુમારની લગોલગ પહોંચ્યા હતા. જોકે ત્યાં સુધીમાં તેમનો સમય અને તન-મનને તરોતાજાં કરી શકે એવા સંગીતનો સમય જ પૂરો થઈ ગયો હતો. નવી પેઢીના સ્ટાર્સ અને સંગીતકારો તેમ જ ફિલ્મોનો નવો દોર શરૂ થઈ ગયો હતો, જેમાં મોહમ્મદ રફીના અવાજની ગરિમા માટે સ્થાન જ નહોતું.

 લતાજી સાથેની કન્ટ્રોવર્સી


રફીના જીવનનાં છેલ્લાં વર્ષોમાં લતા મંગેશકરનું નામ સૌથી વધુ ફિલ્મી ગીતો ગાવા માટે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં નોંધાયું હતું. ૧૯૭૭માં રફીએ પત્ર લખીને ૨૫,૦૦૦થી વધુ ગીતો ગાવાના લતાના દાવાને પડકારીને પોતે ૨૬,૦૦૦થી વધુ ગીતો ગાયાં હોવાનો દાવો કર્યો હતો. જોકે ૧૯૮૪ની એડિશનમાં રેકૉર્ડ-બુકમાં લતાજીનું નામ છપાયું, પરંતુ નોંધ કરાઈ હતી કે મોહમ્મદ રફીએ ૧૯૪૪-૧૯૮૦ વચ્ચે ૧૧ ભારતીય ભાષાઓમાં ૨૮,૦૦૦ જેટલાં ગીતો ગાયાં હોવાનો દાવો કર્યો હતો, પરંતુ ફિગર્સ પ્રમાણે લતા આગળ છે. જોકે ૧૯૯૧માં સૌથી વધુ ગીતો ગાવાનો રેકૉર્ડ આશાજીએ નોંધાવતાં ગિનેસ રેકૉર્ડ્સમાંથી લતા અને રફીનાં નામ પણ હટાવાઈ ગયાં હતાં.

આખરી ગીત

૩૧ જુલાઈ, ૧૯૮૦ના રોજ રાત્રે ૧૦.૫૦ વાગ્યે માત્ર પંચાવન વર્ષની વયે હાર્ટ- અટૅકથી આ મહાન સિંગરનો જીવનદીપ બુઝાઈ ગયો હતો. પોતાના મોતના થોડા કલાકો પહેલાં જ તેમણે લક્ષ્મીકાંત-પ્યારેલાલના સંગીતમાં ફિલ્મ ‘આસપાસ’ના ગીત ‘શામ ફિર ક્યૂં ઉદાસ હૈ દોસ્ત..’નું રેકૉર્ડિંગ કયુંર્ હતું, જે તેમનું છેલ્લું ગીત બની રહ્યું.

રફીનાં કેટલાંક અવૉર્ડ-વિનિંગ કે એવરગ્રીન ગીતો

ફિલ્મ    ગીતના શબ્દો

ચૌદવીં કા ચાંદ    ચૌદવીં કા ચાંદ હો..

સસુરાલ    તેરી પ્યારી-પ્યારી સૂરત કો..

હમ કિસી સે કમ નહીં    ક્યા હુઆ તેરા વાદા..

ઘરાના    હુસ્નવાલે તેરા જવાબ નહીં..

પ્રોફેસર    અય ગુલબદન.. અય ગુલબદન..

મેરે મેહબૂબ    મેરે મેહબૂબ તુઝે..

દોસ્તી    ચાહૂંગા મૈં તુઝે સાંજ-સવેરે..

કાજલ    છૂ લેને દો નાઝુક હોઠોં કો..

સૂરજ    બહારોં ફૂલ બરસાઓ..

બ્રહ્મચારી    દિલ કે ઝરોકે મં તુઝકો..

જીને કી રાહ    આને સે ઉસકે આએ બહાર..

ખિલૌના    ખિલૌના જાનકર તુમ તો..

નૈના    હમ કો તો જાન સે પ્યારી..

માં, બહન ઔર બીબી    અચ્છા હી હુઆ દિલ ટૂટ ગયા..

અમર અકબર ઍન્થની    પરદા હૈ પરદા..

અપનાપન    આદમી મુસાફિર હૈ..

જાની દુશ્મન    ચલો રે ડોલી ઉઠાઓ..

દોસ્તાના    મેરે દોસ્ત કિસ્સા યે ક્યા હો ગયા..

કર્ઝ    દર્દે દિલ દર્દે જિગર..

અબદુલ્લા    મૈંને પૂછા ચાંદ સે..

અંગત-સંગત

મોહમ્મદ રફીનાં બે લગ્ન થયાં હતાં. પહેલાં લગ્ન પંજાબમાં તેમના ગામમાં જ રહેતી તેમની કઝિન બશીરા સાથે થયાં હતાં, પરંતુ દેશની સ્વતંત્રતા બાદ ઇન્ડિયા-પાકિસ્તાનના ભાગલા વખતે બશીરાના પેરન્ટ્સનાં રમખાણોમાં મોત થયાં હતાં અને રફીએ લાહોરથી પોતાના પરિવારને મુંબઈ તેડાવ્યો ત્યારે બશીરાએ ઇન્ડિયામાં રહેવા જવાનો ઇનકાર કરી દીધો હતો. ત્યાર બાદ તેમણે બીજાં લગ્ન કયાર઼્ હતાં. મોહમ્મદ રફીના પરિવારમાં ચાર પુત્રો અને ત્રણ પુત્રીઓ છે.

અવૉર્ડ્સ

બેસ્ટ પ્લેબૅક સિંગર (મેલ)નો ફિલ્મફેર અવૉર્ડ ૬ વાર

૧૯૪૭ની ૧૫ ઑગસ્ટે ભારત સ્વતંત્ર થયા બાદ ૧૯૪૮માં સ્વાતંત્ર્યદિનની પહેલી ઉજવણી વખતે પ્રાઇમ મિનિસ્ટર જવાહરલાલ નેહરુના હાથે સિલ્વર મેડલ.

૧૯૬૭માં પદ્મશ્રી.

૨૦૦૧માં હીરો હૉન્ડા અને સ્ટારડસ્ટ મૅગેઝિને વોટિંગ દ્વારા રફીને ‘બેસ્ટ સિંગર ઑફ ધ મિલેનિયમ’ જાહેર કર્યા હતા.

૨૦૧૩માં એક મલ્ટિનૅશનલ ન્યુઝ-ચૅનલના પોલમાં રફી ‘ગ્રેટેસ્ટ વૉઇસ ઇન હિન્દી સિનેમા’ જાહેર થયા હતા.

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK