મીરા-ભાઇંદર મહાનગરપાલિકા બની કુટુંબપાલિકા

Published: 18th October, 2012 06:37 IST

બાબરા રૉડ્રિગ્સના વિજય સાથે ગિલ્બર્ટ મેન્ડોન્સા પરિવારના કુલ સાત કૉર્પોરેટરછેલ્લાં ૨૧ વર્ષથી મીરા-ભાઈંદરમાં મેન્ડોન્સા પરિવારે પોતાનું વર્ચસ તો સંભાળી રાખ્યું છે. સાથે પેટાચૂંટણીમાં બાબરા રૉડ્રિગ્સનો વિજયી થવાથી ગિલ્બર્ટ મેન્ડોન્સાના કુટુંબમાંથી જ સાત સભ્ય મીરા-ભાઈંદર મહાનગરપાલિકામાં જોવા મળશે, એથી મહાનગરપાલિકા ‘કુટુંબપાલિકા’ બની ગઈ છે.

મીરા-ભાઈંદર સુધરાઇના વૉર્ડ-નંબર ૨૧ (અ)ની પેટાચૂંટણીનું રિઝલ્ટ ૧૫ ઓક્ટોબરે જાહેર થયું હતું. આ પેટાચૂંટણીમાં એનસીપીનાં બાબરા રૉડ્રિગ્સનો ૫૫૮ વોટથી વિજય થયો હતો. બીજેપીનાં રોહિણી કદમને ૨૨૨૧ વોટ અને બહુજન સમાજ પાર્ટીનાં નયના મ્હાત્રને ફ્ક્ત ૫૬ વોટ મળ્યાં હતા. આ વૉર્ડમાં કુલ ૧૦,૭૯૭ મતદારો હોવા છતાં મતદાનના દિવસે ફ્ક્ત બાવન ટકા મતદાન જ થયું હતું.

મીરા-ભાઈંદર સુધરાઇની ૧૨ ઑગસ્ટે થયેલી ચૂંટણીમાં વૉર્ડ-નંબર ૨ અને વૉર્ડ-નંબર ૨૧ (અ)થી ગિલ્બર્ટ મેન્ડોન્સાનાં પુત્રી અસેન્લા મેન્ડોન્સાએ ઉમેદવારી નોંધાવી હતી. અસેન્લા મેન્ડોન્સા બન્ને વૉર્ડમાંથી ચૂંટાઈ આવ્યાં હોવાથી તેમણે વૉર્ડ-નંબર ૨૧ (અ) પરથી રાજીનામું આપ્યું હોવાથી ૧૪ ઑક્ટોબરે પેટાચૂંટણી યોજાઈ હતી. પેટાચૂંટણીનાં જાહેર થયેલાં પરિણામમાં ૨૭૭૯ વોટથી ગિલ્બર્ટ મેન્ડોન્સાની બહેન બાબરા રૉડ્રિગ્સે વિજય મેળવ્યો હતો.

૨૧ વર્ષથી શહેરમાં એનસીપી સત્તા સાથે વૉર્ડ ક્રમાંક-૨૧(અ)માં પણ પહેલાંથી એનસીપીની સત્તા છે, તેથી આ વૉર્ડ  એનસીપીનો જાણે એક પારંપરિક વૉર્ડ બની ગયો હોય એવું લાગે છે. ૧૯૯૧-૧૯૯૬માં એનસીપીના હાલના વિધાનસભ્ય ગિલ્બર્ટ મેન્ડોન્સાની નાની બહેન ગ્રેટા ફેરો ચૂંટણીમાં વિજ્યી બન્યાં હતાં. બે ટર્મ પછી ગ્રેટા ફેરો અને મેન્ડોન્સાના જ નાના ભાઈ સ્ટીવન મેન્ડોન્સા વર્ષ ૨૦૦૩થી ૨૦૧૨ સુધી આ વૉર્ડના નગરસેવક હતા. સ્ટીવન મેન્ડોન્સાએ સ્ટૅન્ડિંગ કમિટીના ચૅરમૅન તેમ જ ડેપ્યુટી મેયર તરીકે ફરજ બજાવી છે અને હવે ગિલ્બર્ટ મેન્ડોન્સાની બહેન બાબરા રૉડ્રિગ્સ નગરસેવિકા બન્યાં છે.

મીરા-ભાઈંદર મહાપાલિકા કુટુંબપાલિકા કેવી રીતે બની...

૧૯૯૦-૧૯૯૬ સુધી ગિલ્ર્બટ મેન્ડોન્સા નગરાધ્યક્ષ રહ્યા હતા. ૧૯૯૯-૨૦૦૨ સુધી મેન્ડોન્સાની નાની બહેન જેનવી અલમેડા ઉપનગરાધ્યક્ષ રહ્યાં હતાં. ૨૦૦૨માં મહાપાલિકાનાં પહેલાં મેયર મેન્ડોન્સાનાં પત્ની માયરા મેન્ડોન્સા હતાં. મેન્ડોન્સાના નાના ભાઈ સ્ટીવન મેન્ડોન્સા ૨૦૦૭-૨૦૦૯ સુધી ડેપ્યુટી મેયરપદે અને ૨૦૦૯-૨૦૧૧ સુધી સ્ટૅન્ડિંગ કમિટીના ચૅરમૅનપદે રહ્યા હતા તેમ જ હાલમાં મેન્ડોન્સાની મોટી દીકરી કૅટલીન પરેરા મેયરપદે ચૂંટીને આવ્યાં છે. હાલમાં મેન્ડોન્સાના કુટુંબીજનોમાંથી જ સાત સદસ્ય નગરસેવક છે. ગિલ્બર્ટ મેન્ડોન્સાની બે પુત્રી, પુત્ર, ભાઈ, બે બહેનો અને હવે બાબરા રૉડ્રિગ્સનો પેટાચૂંટણીમાં વિજય થયો હોવાથી વિધાનસભ્ય ગિલ્બર્ટ મેન્ડોન્સાના કુટુંબના જ સાત સભ્ય મહાનગરપાલિકામાં જોવા મળશે, એથી મીરા-ભાઈંદર મહાપાલિકા ગિલ્બર્ટ મેન્ડોન્સાની ‘કુટુંબપાલિકા’ બની છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK