Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કથા સપ્તાહ : તેરા ‌જિક્ર હૈ યા ઇત્ર હૈ... (2)

કથા સપ્તાહ : તેરા ‌જિક્ર હૈ યા ઇત્ર હૈ... (2)

28 May, 2019 03:47 PM IST |
રશ્મિન શાહ - કથા સપ્તાહ

કથા સપ્તાહ : તેરા ‌જિક્ર હૈ યા ઇત્ર હૈ... (2)

એક લોહિયાળ લવસ્ટોરી

એક લોહિયાળ લવસ્ટોરી


કથા સપ્તાહ

ઍપલ ઇન્સ્ટિટ્યૂટની દેશભરમાં દોઢસોથી વધુ ફ્રેન્ચાઇઝી છે. ગ્રાફિક ડિઝાઇન, વીએફએક્સ, ઍનિમેશન ફિલ્મમેકિંગ જેવા અનેક કોર્સ ચલાવતી ઍપલની કોલકાતા બ્રાન્ચના ઓપનિંગ સમયે અશોક હાંડા ચીફ ગેસ્ટ બન્યા હતા. અશોક હાંડાના કારણે જ આ ઇન્સ્ટિટ્યૂટ કોલકાતામાં શરૂ થઈ શકી હતી એવું કહેવામાં પણ ખોટું નથી. વર્ષોથી અશોક હાંડાની ગાર્મેન્ટ કંપની માટે કામ કરતા સુબોધ ગાંગુલીના નાના ભાઈ સૌરવને જ્યારે બિઝનેસ શરૂ કરવો હતો ત્યારે અનાયાસે અશોક હાંડા તેને મળી ગયા અને સૌરવને અશોક હાંડાએ જ સલાહ આપીને ઍપલ ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરવાનું સૂચન કર્યું હતું.



‘ભવિષ્ય ટીવી, કમ્પ્યુટર અને ફિલ્મનું છે દોસ્ત... એવું કંઈ કર કે જેના માટે તારે લોકોને શોધવા ન જવું પડે, પણ લોકો તને શોધતાં આવે...’


‘સર, એક ઍડવાઇઝ જોઈએ છે.’

‘એક વણમાગી સલાહ આપી દઉં...’ અશોક હાંડાએ મક્કમતા સાથે કહ્યું, ‘મફતમાં મળે એ ક્યારેય અને કંઈ લેવું નહીં.’


સૌરવના ચહેરા પર ચમક આવી ગઈ હતી, જે જોઈને અશોક હાંડા હસ્યા હતા. તેમણે કહ્યું પણ હતું: ‘તારુ સ્માઇલ કહે છે કે હવે તને ઍડવાઇઝની જરૂર નથી.’

‘નો સર... જિંદગીભર કામ લાગે એવી સલાહ આજે મળી ગઈ.’

અનાયાસે થયેલી એ મીટિંગ પછી સૌરવ અને અશોક હાંડાને બેત્રણ વાર મળવાનું થયું હતું. સૌરવ પાસેથી અશોક હાંડાને ખબર પડી હતી કે સૌરવ ઍપલ ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરવા માટે તૈયારી કરી રહ્યો છે. અશોક હાંડાએ જ સૌરવને બોલાવીને એ ઇન્સ્ટિટ્યૂટ માટેનું લોકેશન સજેસ્ટ કર્યું હતું.

‘સર, જગ્યા બહુ કૉસ્ટલી છે.’

‘કામ પણ તો તું કૉસ્ટલી લેવલ પર કરવાનો છે...’ અશોક હાંડાએ મૅનેજરને બોલાવીને સૌરવ સાથે ઓળખાણ કરાવીને ઑર્ડર આપી દીધો હતો, ‘પ્રીતમપાલ લૅનની એ જગ્યા આપણી કંપનીના નામે લઈ લો... એ જગ્યાએ સૌરવ ઇન્સ્ટિટ્યૂટ કરવા માગે છે, એને ટોકન રેન્ટ પર આપણે ભાડે આપવાની છે.’

ઇન્સ્ટિટ્યૂટ શરૂ થઈ. ઓપનિંગ માટે અશોક હાંડાને બોલાવવામાં આવ્યા, જેમાં તેમની સાથે દીકરી કરિશ્મા પણ આવી હતી. ઇન્સ્ટિટ્યૂટમાં દેખાડવામાં આવી રહેલા પ્રોમો જોઈને કરિશ્માને આ ઇન્સ્ટિટ્યૂટ જૉઈન કરવાનું મન થયું.

‘અરે નો... મૅડમ, તમને આ જ બધું શીખવું હશે તો હું એની બધી અરેજમેન્ટ ઘરે કરી આપીશ. તમારે અહીંયાં ધક્કો ખાવાની જરૂર નથી.’

‘સૌરવ...’ અશોક હાંડાએ સરબતનો ગ્લાસ હોઠને સ્પર્શ કરવાને બદલે વેઇટરને પાછો આપી દીધો, ‘જે કામ જ્યાં થતું હોય ત્યાં જ થાય. આઇ લાઇક કરિશ્માઝ સ્પિરિટ. ભલે અહીંયાં કોર્સ કરવા આવે...’

‘ઓકે સર... પણ.’

‘નો પણ ઓર બણ... કરિશ્મા અહીંયાં જ આવશે શીખવા અને અહીંયાં શીખ્યા પછી કરિશ્મા આપણી કંપનીનું બ્રૅન્ડિંગનું કામ સંભાળી લેશે.’ અશોક હાંડાએ કરિશ્માની સામે જોયું, ‘રાઇટ કરિશ્મા?’

કરિશ્માની કોઈ નારાજગી હતી નહીં. કામ એને એવું જ કરવું હતું, જેમાં કામ કર્યાનો ભાર પણ ન વર્તાતો હોય અને કામ કર્યાનો આનંદ પણ થોકબંધ મળતો હોય. લક્સ-ઑન ગાર્મેન્ટસની બ્રૅન્ડ મોટી થઈ રહી હતી, બહારથી એક્સપર્ટને લઈ આવવા પડતા હતા. એવા સમયે જો ઘરમાં જ કોઈ એક્સપર્ટ બનતું હોય તો એનાથી ઉત્તમ બીજું શું હોય. કચ્છીમાડુંઓ જેવો સીધો હિસાબ હતો, પણ આ સીધો હિસાબ થોડા જ સમયમાં અનેકની જિંદગીનું ગણિત નેસ્તનાબૂદ કરી નાખે એ સ્તર પર પહોંચવાનો હતો જેનો કોઈને અણસાર પણ નહોતો.

*****

‘તું પાગલ છે???!!!’

‘કહો છો કે પૂછો છો?’

ઇર્શાદના જવાબથી આમ તો સૌરવને હસવું આવી ગયું હોત, પણ આજે હસવું તો શું તેના હોઠ મરકવા માટે પણ રાજી નહોતા. કલકત્તા યુનિવસિર્ટીમાં સૉફ્ટવેર એન્જિનિયરિંગમાં ગોલ્ડ મેડલ જીતનારા ઇર્શાદ દલને ઍપલ ઇન્સ્ટિટ્યૂટમાં લાવવામાં આવ્યાને આજે છ મહિના થઈ ગયા હતા. મજાની વાત એ છે કે યુનિવર્સિટીમાંથી પણ ડિગ્રી લઈને બહાર આવ્યાને તેને માંડ સાત મહિના થયા હતા. નાનો પરિવાર અને મધ્યમવર્ગિય આવકના કારણે ઇર્શાદને વધારે સમય જૉબ શોધવામાં બગાડવો નહોતો, જેને કારણે જેવી તેને ઍપલની ઑફર આવી કે તરત જ તેણે એ ઑફર સ્વીકારી લીધી.

‘પ્રામાણિકતા અને વફાદારી સાથે કામ કરશે એ મને ગમશે.’

‘વફાદારી અને પ્રામાણિકતા કૂતરાના સ્વભાવ છે મિસ્ટર ગાંગુલી...’ ઇર્શાદે ઑર્ડર સાઇન કરતાં પહેલાં કહ્યું હતું, ‘આ બન્ને ક્વૉલિટી મારામાં છે અને મને જાળવી રાખવી પણ ગમે છે, પણ ઍટ લીસ્ટ હું એવી અપેક્ષા રાખીશ કે સારા માલિક બનવાની ક્વૉલિટી તમારામાં અકબંધ રાખજો.’

જૉબ શરૂ થયા પછી ઇર્શાદની કોઈ ફરીયાદ નહોતી આવી અને ન તો એવું બન્યું હતું કે જેમાં ઇર્શાદને ક્યારેય કોઈએ ઠપકો આપવો પડ્યો હોય. વ્યક્તિ જ્યારે નિષ્ઠાનું સેવન કરતી હોય ત્યારે એ નિષ્ઠાની જ અપેક્ષા રાખતી હોય છે. ઇર્શાદનું પણ એવું જ હતું. ભણવાની બાબતમાં ઇર્શાદ જેટલો સિરિયસ હતો એટલો જ સિરિયસ એ ભણાવવાની બાબતમાં હતો. પહેલી વખત એવું બન્યું હતું કે ઇર્શાદે કોઈની માટે, કોઈના પર અવાજ મોટો કર્યો હોય. એવું સહેજ પણ નહોતું બન્યું કે ઇર્શાદ બીજી કોઈ વાતથી અપસેટ હોય અને એ અપસેટનેસ વચ્ચે તેણે સ્ટુડન્ટ પર ગુસ્સો કર્યો હોય. સ્ટુડન્ટના વર્તને તેને ઉશ્કેરવાનું કામ કર્યું હતું અને હવે ઉશ્કેરાટની દિશા બદલાઇને સૌરવ સુધી પહૉંચી હતી.

‘તું પાગલ છે???!!!’

‘કહો છો કે પૂછો છો?’

‘ડોન્ટ ટ્રાય ટુ મૅક મી ફૂલ...’ સૌરવ તાડુકી ઊઠ્યો હતો, ‘તેં જે સ્ટુડન્ટ સાથે આજે મિસબિહૅવ કર્યુ છે એ કોણ છે ખબર છે?’

‘હા, એ છોકરી એક સ્ટુડન્ટ છે એ ખબર છે અને એનાથી આગળની ઓળખાણની મને જરૂર નથી...’

‘ડોન્ટ બી સ્ટુપિડ... તું અત્યારે જે પ્રિમાઇસીસમાં ભણે છે એ પ્રિમાઇસીસ એના બાપની છે... તેં જે ક્લાસરૂમમાંથી એને કાઢી છે એ ક્લાસરૂમમાંથી તો શું, તને અને મને બન્નેને એ આ બિલ્ડિંગમાંથી કાઢી શકે એવી તેની ઔકાત છે.’

મનમાં આછોસરખો ડર ઇર્શાદને ઘૂસી ગયો, પણ દેખાડવાથી ડરની માત્રા વધતી હોય છે. ઇર્શાદે મનમાં રહેલા ડરને હિંમતનો લેપ લગાડ્યો.

‘કોઈ ખરાબ રીતે વર્તે અને બીજા સ્ટુડન્ટ્સને એનાથી ડિસ્ટર્બ થાય તો એ ચલાવી લેવાનું? મને લાગે છે કે...’

‘અરે મારા પિતાશ્રી, તને જે લાગે એ તું તારા ખાનદાન પૂરતું સીમિત રાખ. અહીંયા, મારી બૅન્ડ મારવાનું બંધ કરી દે.’

સૌરવને મન તો ઇર્શાદને એ જ સેકન્ડે મારવાનું થતું હતું અને એ કદાચ પોતાની ઇચ્છાને અમલમાં પણ મૂકી દેત પણ એ જ સમયે મોબાઇલની રિંગ વાગી એટલે તેનું ધ્યાન ક્ષણભર માટે મોબાઇલ સ્ટેન્ડ પર ગોઠવી રાખેલા નોકિઆના મોબાઇલ પર ગયું.

અશોક હાંડા.

‘ફિશ...’

એફ ફોર ફોકસવાળી અંગ્રેજી ગાળને જાહેરમાં બોલીને ઔદિચ્ય જાળવી રાખવાની આ જે પ્રથા અમલમાં મુકાય છે એ મૂળભૂત રીતે બેંગોલીબાબુની સ્ટાઇલ છે.

‘તારા તાઉનો ફોન આવી ગયો...’

સૌરવ ગાંગુલી ફોન ઊંચકવા માટે ગયા, પણ કોણ જાણે કેમ ઇર્શાદને શું થયું કે તેણે ઝપટ મારીને ફોનને ઝૂટવી લીધો અને મોબાઇલ ફોન કાને લગાડી દીધો.

‘યેસ સર... ધીસ ઇઝ ઇર્શાદ દલ. વોટ શૂડ આઇ ડુ ફોર યુ?’

‘યુ કૅન ડુ લૉ્ટ્સ ઑફ થિંગ્સ ફૉર મી...’ સામેથી સત્તાવાહી સૂર સંભળાયો અને એ પછી પહેલું કામ પણ સોંપાઈ ગયું, ‘રાઇટ નાઉ યુ જસ્ટ ગિવ સેલફોન ટુ સૌરવ. ઇટસ બિટ અરજન્ટ.’

‘સર, ઇફ યુ વૉન્ટ ટુ ટૉક અબાઉટ કરિશ્મા ધેન...’

‘ડોન્ટ યુ અન્ડરસ્ટેન્ડ નોર્મલ ઇંગ્લિંશ?’ અશોક હાંડાના અવાજમાં સખતાઈ હતી, ‘ગિવ ફોન ટુ સૌરવ.’

સૌરવની તરફ ફોન લંબાયો ત્યારે ઇર્શાદે સૌરવના ચહેરા સામે જોયું હતું. એ ચહેરા પર બાઝી ગયેલાં હજારો પ્રસ્વેદબિંદુઓએ આંતરિક યુધ્ધ શરૂ કરીને એકબીજાની સીમારેખામાં ઘૂસવાનું શરૂ કરી દીધું હતું.

‘જી બાબુ... ઇટ વૉઝ માય મિસ્ટેક.’

સામેથી કંઈ કહેવાય એ પહેલાં જ માફી માગતો સૌરવ ચેમ્બરની બહાર નીકળી ગયો. સૌરવ બહાર ગયો એટલે ઇર્શાદે ઊંડો શ્વાસ લીધો અને સૌરવના ટેબલ પર પડેલા કોરા કાગળોની થપ્પીમાંથી એક કાગળ ઉપાડીને એના પર લખવાનું શરૂ કર્યુ.

‘ધીસ ઇઝ ઇર્શાદ રહેમત દલ... આઇ ઍમ રિઝાઇનિંગ ફ્રૉમ માય ડ્યુટી ઑફ ફેક્લ્ટી ઑફ ઍપલ...’

નીચે સહી કરી ત્યાં સુધી સૌરવ પાછો આવ્યો નહોતો એટલે ઇર્શાદ પોતાની બધી જ જવાબદારીઓ સૌરવના ટેબલ પર મૂકીને બહાર નીકળી ગયો. નવી નોકરીની તલાશ કરવાની હતી અને મિડલ ક્લાસ ફૅમિલીને મદદરૂપ થવાની નવેસરથી તૈયારી પણ કરવાની હતી.

***** ***** *****

‘બેટા, કંઈક તો જમી લે.’ અમ્મીએ ઇર્શાદના માથે હાથ ફેરવ્યો, ‘જૉબ તો કાલે મળી જશે, એમાં શું કામ ચિંતા કરે છે.’

ઇર્શાદને જવાબ આપવો હતો કે તારા જેવી હજારો અમ્મી કોલકાતામાં બેઠી છે જે પોતાના દીકરાને દરરોજ આવું જ આશ્વાસન આપે છે અને એ આશ્વાસનના આધારે દરરોજ દીકરો જોબ શોધવા માટે બહાર નીકળે છે પણ રાતે વિલામોઢે પાછો આવે છે. ઘરમાં આવ્યા પછી નવી નિરાશા અને જૂની આશા વચ્ચે વિખવાદ થાય છે અને એ વિખવાદ વચ્ચે એનું પેટ ભરાય જાય છે.

‘તુજે મેરી કસમ, ચલ એક રોટી ખાલે.’

અમ્મીએ થાળીમાં પડેલી બેમાંથી એક રોટી સામેથી કાઢી લીધી એટલે ઇર્શાદે પણ કોઈ જાતની દલીલ વિના થાળીમાં રહેલી રોટી તોડીને મોંમાં ઓરવાનું શરૂ કરી દીધું.

ઘણણણ...

(વધુ આવતી કાલે)

હાઈલાઇટ

‘સર, એક ઍડવાઇઝ જોઈએ છે.’

‘એક વણમાગી સલાહ આપી દઉં...’ અશોક હાંડાએ મક્કમતા સાથે કહ્યું, ‘મફતમાં મળે એ ક્યારેય અને કંઈ લેવું નહીં.’

સૌરવના ચહેરા પર ચમક આવી ગઈ હતી, જે જોઈને અશોક હાંડા હસ્યા હતા.

આ પણ વાંચો : કથા સપ્તાહ : તેરા ‌જિક્ર હૈ યા ઇત્ર હૈ... (1)

હાઈલાઇટ

‘પ્રામાણિકતા અને વફાદારી સાથે કામ કરશે એ મને ગમશે.’

‘વફાદારી અને પ્રામાણિકતા કૂતરાના સ્વભાવ છે મિસ્ટર ગાંગુલી...’ ઇર્શાદે ઑર્ડર સાઇન કરતાં પહેલાં કહ્યું હતું, ‘આ બન્ને ક્વૉલિટી મારામાં છે અને મને જાળવી રાખવી પણ ગમે છે, પણ ઍટ લીસ્ટ હું એવી અપેક્ષા રાખીશ કે સારા માલિક બનવાની ક્વૉલિટી તમારામાં અકબંધ રાખજો.’

Whatsapp-channel Whatsapp-channel

28 May, 2019 03:47 PM IST | | રશ્મિન શાહ - કથા સપ્તાહ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK