Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કથા સપ્તાહ : હું શીલા જિતેન્દ્ર દવે (શૉર્ટકટની સજા લાંબી હોય છે...)3

કથા સપ્તાહ : હું શીલા જિતેન્દ્ર દવે (શૉર્ટકટની સજા લાંબી હોય છે...)3

26 June, 2019 10:43 AM IST | મુંબઈ
રશ્મિન શાહ - કથા સપ્તાહ

કથા સપ્તાહ : હું શીલા જિતેન્દ્ર દવે (શૉર્ટકટની સજા લાંબી હોય છે...)3

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કથા સપ્તાહ

‘અને આ છે તારા પહેલા ઘરની ચાવી...’



એન.કે. મેહરાએ વિલે પાર્લેના ફ્લૅટની ચાવી હાથમાં મૂકતી વખતે કહ્યું હતું. વિલે પાર્લે જેવા પૉશ એરિયામાં મારો ફ્લૅટ હોય એવી તો મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી. વિલે પાર્લેના ઘરની માલિકી મને પહેલાં મળી હતી અને પેપર્સનું કામ પછી થયું હતું. આ ઘર માટે મારે એક પૈસો પણ કાઢવો નહોતો પડ્યો. કોને ન ગમે આવી સાહ્યબી. એન.કે. સાથેના માત્ર દોઢ વર્ષના સંબંધોમાં મને નોકરી મળી હતી, મને સ્ટેટસ મળ્યું હતું અને હવે મને મુંબઈના પૉશ એરિયામાં ઘર પણ મળી ગયું હતું. ચાલ તો મેં દસેક મહિના પહેલાં છોડી દીધી હતી, પણ ઘરનું ઘર, મારી માલિકીનું ઘર હું વિચારી નહોતી શકતી. જો વિચાર્યું હોત તો પણ હું બોરીવલી કે વધુમાં વધુ કાંદિવલીના લોખંડવાલાનું વિચારી શકી હોત, પણ વિલે પાર્લે? ના, ના ભાઈ ના. અલબત્ત, મારા આ વિચારને એન.કે.એ હકીકતમાં ફેરવી દીધો હતો.


‘નારાયણ, પછી મારે પેમેન્ટ કેવી રીતે ચૂકવવાનું છે તમને?’

‘જો હિસાબ કરવાનો આવે તો તો હું તારો જિંદગીભરનો દેણિયાત થઈ જાઉં...’


એન.કે.એ મારા પર ઝૂકતાં જવાબ આપ્યો હતો.

એ આખી રાત અમે જાગીને વિતાવી હતી. એ રાતે જ એન.કે.એ મને કહ્યું હતું કે ડિવૉર્સ માટે કોર્ટમાં જવું તેને પોસાય એમ નથી. એન.કે.ની વાત સાચી હતી. તેના જૉબ સ્ટે ટસના કારણે તે ડિવૉર્સનો કેસ કોર્ટમાં ફાઈલ કરે તો મીડિયા તેની પાછળ પડી જાય. માત્ર એન.કે.ને જ નહીં, મીડિયા મને પણ શોધી લે.

‘નારાયણ, જો શક્ય હોય તો પ્રેમથી કામ લેજો અને ગુસ્સો નહીં કરતા... જો ઈશ્વર ઇચ્છશે તો બધું શાંતિપૂર્વક પૂરું થઈ જશે...’

મને ખબર નહોતી કે હું શાંતિ રાખવાની સલાહ એવી વ્યક્તિને આપી રહી હતી કે જે વ્યક્તિ આવતા દિવસોમાં મારી જ જિંદગીમાં અશાંતિ ફેલાવી દેવાની હતી.

*

‘શીલા, મારે તને કહેવું તો ન જ

જોઈએ, પણ છતાંય કહેવાયા વિના રહેવાતું નથી એટલે...’

‘ડોન્ટ બી ટિપિ‍કલ ગુજ્જુ ગર્લ યાર...’ મને મારી સાથે કામ કરતી, પણ સ્કાયમાં મારાથી સિનિયર એવી મનોરંજના સુરતી પર ગુસ્સો આવ્યો. દોસ્તીી હોવા છતાં આવી ફૉર્માલિટી કરનારાઓ હકીકતમાં તો માન માગી રહ્યા હોય છે. મેં તો મનોરંજનાને સાફ-સાફ કહીં દીધું, ‘તારે જે કંઈ ભસવું હોય એ વિનાસંકોચે ભસી નાખ...’

‘તું સ્વાતિ ચૌહાણને ઓળખે છે?’

મારી મજાક પછી પણ મનોરંજનાનો ચહેરો ગંભીર હતો.

‘સ્વાતિ ચૌહાણ? એ કોણ...’ પછી મને જ યાદ આવ્યું એટલે મેં પૂછી લીધું,‘પેલી ઇન્ડિયન ન્યુઝમાં આવી છે એ...’

‘હા... એ.’

‘નહીં... ઓળખતી નથી, પણ શું છે સ્વાતિનું?’

‘સૉરી ટુ સે યુ બટ... સ્વાતિને અને એન.કે. વચ્ચે...’

‘કમ ઑન મનોરંજના... તું ક્યાં બીજાઓ જેવી થાય છે. તને આવી બધી સાંભળેલી વાતો...’

‘સાંભળેલી નહીં, પણ જોયેલી વાતો પર તો વિશ્વાસ કરવો જોઈએ અને મેં આ જોયું છે.’

એ દિવસે મારા અને મનોરંજના વચ્ચે બહુ ચર્ચા થઈ હતી. હું મનોરંજનાની દરેક વાતે કાપવાની કોશિશ કરતી હતી અને મનોરંજના પાસે બધી વાતોનો જવાબ હતો. એવું નહોતું કે મને નારાયણ માટે અથાગ લાગણી હોય, પણ મારા મનમાં નારાયણ માટે અધિકારભાવ ચોક્કસ હતો. જો નારાયણ મારી સાથે લગ્ન કરવા તૈયાર ન થાય તો હું ચોક્કસ બીજા કોઈ સરસ, હૅન્ડસમ અને કૂલ પર્સનાલિટી ધરાવતા છોકરા સાથે લગ્ન કરી લઉં, પણ એવું કર્યા પછી પણ હું નારાયણ સાથેના મારા સંબંધો તો પહેલાં જેવા જ રાખું. એ પણ એટલું જ સાચું કે જો નારાયણને તેની પત્ની પાસેથી ડિવૉર્સ ન મળે અને નારાયણ જીવનભર આ જ રીતે મારી સાથે સંબંધો રાખે તો પણ મને વાંધો નહોતો. મારા અને નારાયણના સંબંધોમાં કોઈ મર્યાદા નહોતી. અમારી વચ્ચે કપડાંનું આવરણ હટ્યું એ પહેલાં પણ તે મારી દેખતા બીજી છોકરીઓની થોડી અશ્લીાલ કહેવાય એવી વાતો કરતો. હું સહેજ ગુસ્સો કરતી, પણ મનોમન તો નારાયણની એ કૉમેન્ટ્સને અમારા સંબંધો પ્રત્યેની ખેલદિલી ગણતી. જોકે અત્યારે જે વાતો સાંભળવા મળી રહી હતી એ તો સાવ જુદી જ હતી. મનોરંજનાના કહેવા પ્રમાણે, નારાયણ અને સ્વાતિ વચ્ચે એવા જ સંબંધો હતો જેવા અમારા શરૂઆતના દિવસોમાં હતા.

મેં એ દિશામાં થોડું વિચાર્યું, થોડું હોમવર્ક કર્યું અને મને પુરાવાઓ મળવાના શરૂ થયા. સ્વાતિએ ઇન્ડિયન ન્યુઝ જૉઇન કર્યાને માત્ર સાત મહિના થયા હતા, પણ આ સાત મહિનામાં તેણે ત્રણ એવી મોટી સ્ટોરી કરી હતી કે જે સરકારમાં કોઈ પર્સનલ સોર્સ વિના શક્ય નહોતી. આ સ્ટોરી કોઈ એવી મોટી સ્ટોરી તો નહોતી જ, પણ એ પણ એક ન્યુકમર, એક ફ્રેશ જર્નલિસ્ટો એ પ્રકારની સ્ટોરી લાવે તો તેનું મહત્ત્વ સો ટકા વધી જાય.

અઠવાડિયા પછી મેં સ્વાતિને રૂબરૂ મળવાનું નક્કી કર્યું.

મારો આ નિર્ણય મારી જિંદગી માટે એક સૌથી મોટા વળાંક જેવો હતો.

*

સંબંધો જ્યારે આગળ વધતા હોય છે ત્યારે ખબર નથી હોતી કે આ સંબંધો કઈ

ક્ષણે એવા ખૂણે આવીને ઊભા રહી જશે કે જ્યાંથી આગળ જવાના રસ્તાતનો અંત આવતો હોય છે. એન.કે.મેહરા સાથે પણ એવું જ થયું હતું મારે.

સ્વાતિને મળ્યા પછી, સ્વાતિની વાતો સાંભળ્યા પછી મને ખબર પડી કે નારાયણે સ્વાતિને પટાવવાનું કામ એ જ રીતે પૂરુ પાડ્યું હતું જે રીતે મને પટાવવામાં આવી હતી. નાના ન્યુઝપેપરમાં કામ કરીને મુંબઈમાં સ્થા યી થવાની કોશિશ કરતી સ્વાતિ. અચાનક એક દિવસ એક ફંક્શનમાં નારાયણને મળવું અને નારાયણને મળ્યા પછી નારાયણે તેને મળવા ઑફિસે બોલાવવી. શરૂઆતમાં દોસ્તીમ અને પછી નારાયણના રેફરન્સથી ઇન્ડિયન ન્યુઝમાં મળવા જવું. કન્ફર્મ નોકરી અને પછી સ્વાતિને તેની ક્ષમતા મુજબની ન્યુઝ સ્ટોનરી આપવી. મને નારાયણની સાથોસાથ એકદમ અચાનક જ ન્યુઝચૅનલની નોકરી પર ગુસ્સો આવવા લાગ્યો. મને અચાનક જ જવાબ મળી ગયો કે ન્યુઝચૅનલ શા માટે છોકરીઓને ફટાક દઈને જૉબ ઑફર કરી દેતી હશે. છોકરીઓ ગમે ત્યાં ઘૂસીને સ્ટોરી લાવતી હોય છે. ગમે ત્યાં ઘૂસીને અને જો ઘૂસવા ન મળે તો ગમે તેને ઘુસાડીને પણ સ્ટોરી લાવતી હશે. ઍની વે, અત્યારે આપણે ન્યુઝચૅનલની કોઈ વાત નથી કરવી. ન્યુઝચૅનલ અને ન્યુઝચૅનલમાં ચાલતી નીતિ અને રીતિ-ગેરરીેતિની વાતો કરવા માટે એક સાવ અલાયદું ચૅપ્ટ્ર લખવાનું મેં નક્કી કર્યું છે એટલે આ પાનાંઓ બગાડવાં નથી.

મને શરૂઆતમાં તો સ્વાતિ સાથે ઝઘડો કરવાનું અને સ્વાતિને બેચાર તમાચા ચોડી દેવાનું મન થયું, પણ પછી થયું કે એવું કરવાનો કોઈ અર્થ નથી. વાંક નારાયણનો છે અને મારે આ બાબતમાં નારાયણ સાથે જ ચર્ચા કરવી જોઈએ. હું નારાયણ સાથે આ બાબતમાં વાત કરવાનો યોગ્ય સમય શોધવા લાગી અને ભગવાન પણ જાણે, મને આ બાબતમાં મદદ કરવા માગતો હોય એમ એક દિવસ અચાનક જ નારાયણની ચેમ્બરની બહાર સ્વાતિ મળી ગઈ. સ્વાતિ સાથે તો હાય-હેલો કરીને હું છૂટી પડી ગઈ, પણ ચેમ્બરમાં જઈને મેં નારાયણને સીધો જ સવાલ કરી લીધો.

‘આ બહેન શું આવ્યા હતા?’

‘અરે નથિંગ યાર... ઇન્ફર્મેશન માટે. તું કહે તારી...’

‘નારાયણ, યુ આર ચીફ સેક્રેટરી ઑફ સ્ટેટ ગવર્નમેન્ટ... તમને મળવા માટે

લોકોની લાઇન લાગતી હોય છે અને તમારી પાસે તેને મળવાનો સમય નથી હોતો. જ્યારે આ નવી અને સાવ ફ્રેશ કહેવાય છોકરીને મળવા માટે...’

‘હેય ડાન્ટ રી ઍક્ટ મોર...’ નારાયણનો અવાજ સહેજ મોટો થયો હતો, પણ પછી તેણે અવાજમાં રહેલી ઉગ્રતા દબાવી દીધી, ‘તું પણ ન્યુકમર જ હતી અને જો ન્યુકમરને ન મળવું એવું નક્કી કર્યું હોત તો આપણે કેવી રીતે મળી શક્યાં હોત...’

‘નારાયણ, આઇ ઍમ સિરિયસ... સ્વાતિ સાથે શું ચક્કર ચાલે છે.’

‘ઓહ... તો આપ આજે આ અસાઇન્ટમેન્ટ પર કામ કરી રહ્યાં છો...’ નારાયણ તેની ચૅર પરથી ઊભા થઈને મારી પાછળ આવ્યા. હવે મને મારી ગરદન પર ફરી રહેલી તેની આંગળીઓનો સ્પર્શ અનુભવાઈ રહ્યો હતો. આંગળીઓમાં રહેલી ધ્રુજારી હું અનુભવી શકતી હતી. નારાયણ મારાથી લગભગ દસ વર્ષ મોટા હતા. એ દિવસે મને નારાયણની આંગળીઓમાં રહેલી ધ્રુજારીની સાથોસાથ અમારા વચ્ચે રહેલા ઉંમરના અંતરનો અનુભવ પણ થયો હતો.

‘આઇ સેઇડ યુ નારાયણ, હું સિરિયસ છું... સ્વાતિ સાથે શું ચક્કર છે?’

‘આપણે રાતે ઘરે વાત કરીએ.’

‘મારા ઘરે કે પછી તમારા સરકારી બંગલે?’

‘આપણા ઘરે...’

એ રાતે નારાયણ કૃષ્ણછ ન આવ્યા. રાતે સાડાનવ વાગ્યે મને તેમનો એસએમએસ મળ્યો કે એક અગત્યની મીટિંગ હોવાથી તે સીએમ સાથે બિઝી છે અને એટલે આજે નહીં આવી શકે. મેસેજ મળ્યા પછી તરત જ મેં તેમને ફોન કર્યો, પણ ફોન તેમણે કટ કરી નાખ્યો. ફોન કટ થયા પછી મેં ફરીથી ફોન કર્યો, પણ એટલી વારમાં તો નારાયણનો મોબાઇલ સ્વિતચ ઑફ થઈ ગયો હતો. નારાયણનો મોબાઇલ સ્વિમચ ઑફ થઈ ગયો એટલે મેં તેને ગંદી ગાળોનો એસએમએસ મોકલ્યો હતો. હકીકત તો એ હતી કે મને મારા પર પારાવાર દયા આવી રહી હતી અને એન.કે. પર ભારોભાર ગુસ્સોો આવી રહ્યો હતો. કેટલીયે વખત કેટલાય લોકો આવીને મને એન.કે. માટે ચેતવી ગયા હતા. અરે, એવું પણ કહી ગયા હતા કે હું જે માણસ પર ભરોસો કરીને ચાલી રહું છું એ માણસને નવા શરીરની તલાશ રહે છે, પણ હું... હું હલકટ-નીચ-કુલટા જેવી કોઈનું સાંભળ્યા વિના મારું ધાર્યું કરતી રહી. એવું નહોતું કે મને ખબર નહોતી કે મને નારાયણનાં લગ્નની ખબર નહોતી. મને ખબર હતી, પણ મને એવી પણ ખબર હતી કે તે મારા માટે તેની પત્ની પાસેથી ડિવૉર્સ લેવાનું નક્કી કરીને બેઠો છે, પણ હવે... હવે બધું સ્પષ્ટ થઈ રહ્યું હતું.

મને પેટમાં ચૂથારો ઊપડ્યો. હજુ તો હું કંઈ સમજુ એ પહેલાં તો ઊલટી મારા ગલોફામાં ભરાઈ ગઈ.

હું બાથરૂમ તરફ ભાગી.

*

‘નારાયણ, હું પ્રેગ્નન્ટ છું...’

‘મારે આ બાળક હમણાં નથી જોઈતું?’

પૅગ ભરતાં નારાયણે મારા તરફ જોવાની દરકાર પણ નહોતી કરી ત્યારે હું બીજી કોઈ અપેક્ષા તો કેવી રીતે રાખી શકું.

‘હાઉ કૅન યુ ઇમેજિન ધૅટ... કે હું તારી પરવાનગી માગી રહી છું...’

‘એટલે...’ નારાયણ હવે મારી તરફ ફર્યા. તેમની આંખોમાં અચાનક જ ગુસ્સો આવી ગયો હતો, ‘એટલે તું કહેવા શું માગે છે?’

‘કહેવા નહીં, પણ જાણ કરવા માગું છું કે હું પ્રેગ્નન્ટ છું...’ મને નારાયણ પર ગુસ્સો આવી રહ્યો હતો. મારો ગુસ્સો મેં હોઠ પર દાંત ભીસીને બહાર કાઢ્યો હતો, ‘બસ, મેં તને જાણ કરી દીધી, હવે તારે શું કરવું એ તું નક્કી કરી અને મારે શું કરવું જોઈએ એ મેં વિચારી લીધું છે.’

‘સાલ્લી... રાં...’

*

ટ્રીન... ટ્રીન...

આ પણ વાંચો : કથા સપ્તાહ : હું શીલા જિતેન્દ્ર દવે (શૉર્ટકટની સજા લાંબી હોય છે... - 2)

અચાનક રણકેલા મોબાઇલના કારણે અનુરાગ મહેતાએ ડાયરી બંધ કરીને મોબાઇલ હાથમાં લીધો. શીલા જિતેન્દ્ર દવેની પચાસેક પાનાંની ડાયરી પત્નીની હાજરીમાં વાંચી શકાય એવી શક્યતા ઓછી હતી. ડાયરીનું લખાણ, લખાણમાં રહેલું સ્પષ્ટવક્તાપણું અને આ સ્પષ્ટવક્તાપણા પછવાડે રહેલું એક સ્ત્રીનું આંતરમન. પત્ની પૂનમ જો આ ડાયરીનાં બેચાર પાનાંઓ વાંચી લે તો કોઈ કાળે પૂરી વાંચવા ન દે.

અનુરાગે મોબાઇલની સ્ક્રીન પર જોયું. મોબાઇલની સ્ક્રીન પર ‘ડિયર વાઇફ’ શબ્દ ઝળકી રહ્યો હતો.

અનુરાગે ડાયરીનું પાનું બંધ ન થઈ જાય એની સાવચેતી સાથે ડાયરી બાજુ પર મૂકી. જો એ સમયે અનુરાગનું ધ્યાન ઉપરની તરફ હોત તો ચોક્કસ તે છળી પડ્યો હોત. (વધુ આવતી કાલે)

Whatsapp-channel Whatsapp-channel

26 June, 2019 10:43 AM IST | મુંબઈ | રશ્મિન શાહ - કથા સપ્તાહ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK