Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કથા સપ્તાહ : હું શીલા જિતેન્દ્ર દવે (શૉર્ટકટની સજા લાંબી હોય છે... - 2)

કથા સપ્તાહ : હું શીલા જિતેન્દ્ર દવે (શૉર્ટકટની સજા લાંબી હોય છે... - 2)

27 June, 2019 02:24 PM IST | મુંબઈ
રશ્મિન શાહ - કથા સપ્તાહ

કથા સપ્તાહ : હું શીલા જિતેન્દ્ર દવે (શૉર્ટકટની સજા લાંબી હોય છે... - 2)

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


‘કૅન આઇ પાસ યુ લિફ્ટ...’

હોઠ પર ભારોભાર લખનઉની તહઝીબ અને આંખોમાંથી ફૂંફાડા મારીને બહાર આવતી ફ્લર્ટીનેસ.



‘નો થૅન્કસ, મિસ્ટર નારાયણ... હમારે રાસ્તે અલગ હૈ...’


‘રાસ્તે બદલને કે લીએ મૈં તૈયાર હૂં...’

નારાયણ કૃષ્ણ મેહરાએ સ્ટાઇલિશ રીતે જવાબ આપ્યો હતો અને આ જવાબથી ઇમ્પ્રેશ થઈને મેં નક્કી કર્યું હતું કે કોઈ પણ હિસાબે એન. કે. મેહરા સાથે સંબંધો આગળ વધારવા.


સાવ સાચું કહું તો મારા આ માનવા માટે કંઈ ખોટું પણ નહોતું. એન.કે. મહારાષ્ટ્ર ગવર્નમેન્ટના ચીફ સેક્રેટરી હતા. યુ સી ચીફ સેક્રેટરી. મુખ્ય પ્રધાનથી માંડીને તમામ ખાતાંના મંત્રીઓ અને મહારાષ્ટ્રભરના આઇએએસ અને આઇપીએસ અધિકારીઓની તેનાથી (ગાળ) ફાટતી. જો આ માણસ તમારા હાથમાં હોય તો તમે પણ સલ્તનત વિનાના સુલતાન બની જાવ. અમે લિફ્ટ સ્વીકારવાની હા પાડી તો પણ એન.કે. પાછળની સીટ પર બેસી રહ્યા હતા. મતલબ બહુ સાફ હતો કે અમારામાંથી કોઈ એકે આગળની સીટમાં શૉફરની બાજુમાં બેસવાનું હતું. મારી દોસ્તે પાછળનો દરવાજો ખોલ્યો કે તરત જ મેં ઉતાવળ સાથે અંદર બેસવાની તૈયારી કરી લીધી.

‘થૅન્ક યુ...’

જાણે કે મારી દોસ્તે મને દરવાજો ખોલી આપ્યો હોય.

રસ્તામાં એન.કે.એ અમારા બન્ને વિશે થોડી પૂછપરછ કરી હતી. દોસ્ત તો બહુ સરળતાથી બકવાસ કરતી હતી, પણ મને એક જ વાતની ચિંતા હતી કે ક્યાંક તે અમારા ઘરનું સાચું ઍડ્રેસ ન આપી દે. મને સાચા ઍડ્રેસ સામે કોઈ વાંધો નહોતો, મને વાંધો હતો તો એ મરવા વાંકે ટકી રહેલી ચાલમાં અમે રહીએ છીએ એ જાણે. ઘરે પહોંચતાં સુધીમાં અમારે કઈ રીતે રસ્તો કાઢવો એ વિશે અમને કોઈ ગતાગમ નહોતી, પણ એન.કે.ની જિંદગીમાં આ પ્રકારની લિફ્ટની ઘટના અનેક વખત બની ગઈ હોય એમ તેણે ધીમે-ધીમે વાતો કરવાની શરૂઆત કરી હતી. હૉબીની વાતો પછી અણગમાની વાતો પછી પાર્ટીમાં ડ્રિન્ક લઈને છાકટા થનારા લોકોની વાતો અને છેલ્લે કામની વાતો. મેં ખોટો જવાબ આપીને કહ્યું હતું કે ફૉર અ ચૅન્જ મેં હમણાં જ નોકરી છોડી છે અને ટીવી મીડિયમમાં કામ કરવા માગું છું. મેં એવું પણ કહ્યું હતું કે હજુ હમણાં જ સ્કાય ન્યુઝમાં ઇન્ટરવ્યુ આપ્યો છે અને પૅકેજના વાંકે વાત અટકી રહી છે. મારો જવાબ સાંભળીને મારી દોસ્તે પણ ડિંગ હાંકી દીધી હતી અને કહ્યું હતું કે તેણે હમણાં જ ત્રણ ફિલ્મ સાઇન કરી છે અને એપ્રિલ પછી આ ફિલ્મનું શૂટિંગ શરૂ થવાનું છે. બોરીવલી આવ્યું એટલે મેં જ કારને અટકાવીને કહ્યું હતું કે, હજુ અમારે અમારી એક ફ્રેન્ડને ત્યાં જવાનું છે અને કદાચ અમે લોકો ત્યાં જ રાત રોકાઈશું.

એન.કે.એ અમને સ્ટેશન પાસે ઉતાર્યાં અને પછી એન.કે. ચાલ્યા ગયા.

હું અને નેહા, મારી દોસ્ત ત્યાંથી પછી દહીંસર રિક્ષામાં આવ્યાં હતાં.

અમે બન્ને આખા રસ્તે ખૂબ હસ્યાં હતાં.

‘તેરી ફિલ્મ કી શૂટિંગ કબ શુરૂ હોનેવાલી હૈ...’

‘બસ, તેરી પહેલી સ્ટોરી ઑન ઍર થાય એ જ દિવસથી...’

અમારા બન્નેમાંથી કોઈને ખબર નહોતી કે આવતી કાલ સવારે અમને બન્નેને કેવો મોટો આંચકો મળવાનો છે.

***

સવારે લગભગ અગિયારેક વાગ્યે મારા મોબાઇલ પર કૉલ આવ્યો. હું એ સમયે ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ની ‘એસેન્ટ’ સપ્લિમેન્ટ જૉબ માટે ચેક કરતી હતી.

કૉલ પ્રાઇવેટ નંબર પરથી આવ્યો હતો.

અગાઉ અનેક કૉલ આ રીતે હિડન એટલે કે રિસ્ટ્રિક્ટેડ નંબર પરથી આવ્યા હતા

એટલે મને કોઈ આશ્ચર્ય નહોતું.

‘હેલો...’

સામેથી કોઈ અવાજ ન આવ્યો, પણ ફોન કરનારી વ્યક્તિ કોઈને ઇન્સ્ટ્રક્શન પાસ કરી રહી હતી. પંદરેક સેકન્ડ સુધી તો ફોન મેં કાને માંડી રાખ્યો, પણ પછી કંટાળીને હું ફોન કટ કરવા જતી હતી ત્યાં જ સામેની સાઇડ પરથી અવાજ આવ્યો.

‘વેઇટ ફૉર ફ્યુ સેકન્ડ...’

કોણ હતું એ?

હું જવાબ શોધું એ પહેલાં તો સેકન્ડો પૂરી થઈ ગઈ અને સામેની વ્યક્તિ માઉથપીસ પર આવી ગઈ.

‘હાય...’

‘વુ ઇઝ ઑન ધ લાઇન...’

‘ધૅટ્સ નન ઑફ યૉર બિઝનેસ...’ સામેનો અવાજ પરિચિત લાગતો હતો, પણ તેણે નામ દેવાને બદલે સહેજ ઉદ્ધતાઈ દર્શાવી અને પછી ક્લુ પણ આપી દીધો, ‘સ્કાય ન્યુઝ કે વુડ બી કૉરસપોન્ડન્ટ કો કોઈ ભી કૉલ કર સકતા હૈ...’

ઓહ... એન.કે. મેહરા.

પણ તેની પાસે મારો નંબર ક્યાંથી આવ્યો?

‘આપ કો મેરા નંબર કહાં સે...’

‘સ્કાય ન્યુઝ કી ઑફિસ સે... મૈને વહાં પર ફોન કરકે કહાં કી કુછ દિન પહેલે આપ કે વહાં ઇન્ટરવ્યુ કે લિએ એક ખૂબસૂરત યંગ લડકી આયી થી, ઉસકા નંબર દેંગે તો ઉન્હોને કુછ કહે બગૈર આપ કા હી નંબર દે દિયા... દેખો, ઉન્હે ભી પતા હૈ કિ ઉનકી ઑફિસ મેં પિછલી બાર કૌન ખૂબસૂરત આયા થા....’

એન.કે.ની વાતો સાંભળતાં-સાંભળતાં મને પરસેવો છૂટી રહ્યો હતો અને એમ છતાં મારે એવું દેખાડવાનું હતું કે તમે જે રીતે મારો નંબર સ્કાય ન્યુઝ પરથી મેળવ્યો એ મને ગમ્યું નથી.

‘મિસ્ટર મેહરા...’

‘લુક શીલા, સ્કાય ન્યુઝ કે એક્ઝિક્યુટિવ એડિટર રાજહંસ કૃપાલ મેરે બહોત અચ્છે દોસ્ત હૈ. ઇનફૅક્ટ, હમ દોનો ને ચડ્ડી કૈસે પહેની જાએ યે કામ સાથ મેં શીખા હૈ...’

શીટ... આ માણસે મારી આબરૂના તો કાંકરા કર્યા, પણ હવે...

‘શીલા... મેરી બાત રાજહંસ સે હોગ ગઈ હૈ... ધે આર બૅડલી નીડ ઑફ સમ ગુડ કૉરસપોન્ડન્ટ... સો તુમ એક કામ કરો. ચૅનલ કે ઇનપુટ હેડ સુધિર મિશ્રા સે અભી બાત કર લો... તુમ્હારા રેફરન્સ પાસ હો ગયા હૈ ઔર સુધીર તુમ્હારે કૉલ કી વેઇટ કર રહા હૈ...’

મારી બોલતી બંધ થઈ ગઈ હતી.

‘હેલો... આર યુ હિયર માય સાઉન્ડ?’

મારા તરફથી કોઈ પ્રત્યુત્તર ન આવ્યો એટલે એન.કે.એ ધારી લીધું હતું કે મારા સેલફોનને સિગ્નલની પ્રૉબ્લેમ હશે.

‘હા... ઍમ હિયરિંગ યુ...’

‘ધેન નૉટ નંબર ઍન શૂટ યૉરસેલ્ફ બડી...’

મેં નંબર લખી લીધા અને પછી સુધીર મિશ્રા સાથે વાત કરી લીધી. એન.કે.ની વાત સાચી હતી. મારા નામનો મેસેજ આવી ગયો હતો અને મિશ્રાએ ફોન પર જ મારી જૉબ લગભગ ફાઇનલ કરી નાખી હતી. મિશ્રા સાથે વાત પૂરી કર્યા પછી મેં એન.કે.ને ફોન કરવા માટે રિસીવ્ડ કૉલ મેન્યુ ખોલવા માટે મોબાઇલ હાથમાં લીધો અને મને યાદ આવ્યું કે તેણે મને હિડન નંબર પરથી ફોન કર્યો હતો...

હવે હું લાચાર હતી. મને વિચાર આવ્યો હતો કે હું પણ તેનો નંબર ક્યાંકથી શોધીને તેને સરપ્રાઇઝ આપું, પણ પછી મને જ સમજાઈ ગયું કે એકદમ, અચાનક અને જર્નલિઝમમાંથી બહાર આવી ગયાના મહિનાઓ પછી મને કોઈ મહારાષ્ટ્ર સરકારના ચીફ સેક્રેટરીના નંબર આપી ન દે.

***

સ્કાય ન્યુઝની જૉબ શરૂ થયાના પાંચમા દિવસે મને અચાનક જ ફરીથી એન.કે.નો ફોન આવ્યો.

‘કૈસા ચલ રહા હૈ સબ કુછ...’

‘સુનો... સુનો... મૈં થેન્ક્સ બાદ મૈં કહુંગી મગર પહેલે મુજે આપ કા નંબર દો...’

એન.કે.એ પાર્ટી માગી હતી. મને પાર્ટી આપવામાં કોઈ વાંધો પણ નહોતો. સાવ બેકારીમાંથી તેણે મને બાવીસ હજાર રૂપિયાની નોકરી અપાવી હતી. નોકરી પણ કેવી. દેશની સૌથી ચર્ચાસ્પદ ન્યુઝચૅનલ સ્કાય ન્યુઝની કૉરસપોન્ડન્ટની. પાર્ટી માટે મેં તેને એક મહિનો રાહ જોવાનું કહ્યું હતું, પણ એન.કે.ને પાર્ટીની ઉતાવળ હતી અને એકાદ મહિના પછી કદાચ તેમની ટ્રાન્સફર થવાની પણ શક્યતા તેણે મને દેખાડી હતી. મેં આ વખતે કોઈ પણ જાતની દલીલ વિના પૈસાનું સાચું કારણ કહી દીધું હતું. પર્સમાં ચાલતી તંગદિલીની વાત સાંભળીને એન.કે.એ મને કહ્યું હતું કે આ પાર્ટીનું પેમેન્ટ તે કરશે અને મારે એ પૈસા મારી પહેલી સૅલરીમાંથી તેમને આપી દેવાના રહેશે.

નારાયણ કૃષ્ણ મેહરાએ પાર્ટીની એ લોન ક્યારેય ન વસૂલી. જોકે એ સિવાય તેમની પાસે વસૂલવા જેવું ઘણુંબધું હતું અને મને આ વસૂલી સામે કોઈ વાંધો પણ નહોતો.

***

 ‘તું એક કામ કર, આવતી કાલે બપોરે મને ફોન કરજે.’

‘પણ તમને લાગે છે કે આ ઇન્ફર્મેશન મળવી શક્ય હોય...’

ડૉન દાઉદ ઇબ્રાહિમ ભલે આખા દેશના કરોડોપતિઓ પાસેથી પ્રોટેક્શન મની લે, પણ આ જ દાઉદ ઇબ્રાહિમ તેનું કામ સરળતાથી ચાલતું રહે એ માટે મહારાષ્ટ્રના કેટલાક મિનિસ્ટર અને અમુક આઇપીએસ ઑફિસરને હપ્તો આપે છે એવી ઇન્ફર્મેશનના આધારે મારે સ્ટોરી કરવાની હતી. ચૅનલ માટે આ સ્ટોરી જબરદસ્ત ન્યુઝ હતા અને જો હું કોઈ પુરાવાઓ લાવી શકું તો આ સ્ટોરી મને મુંબઈના ટૉપ ટેન જર્નલિસ્ટમાં મૂકી દેનારી હતી. અગાઉ એન.કે.એ મને ત્રણેક સ્ટોરીમાં નાનકડી એવી હેલ્પ કરી હતી. જે દિવસે મને આ અસાઇન્ટમેન્ટ અપાયું એ જ રાતે મારે એન.કે. સાથે આ મુદ્દે ચર્ચા થઈ અને તેમણે મને બીજા દિવસે ફોન કરવાનું કહ્યું. મને ઇન્ફર્મેશન માટે શંકા જેવું લાગતું હતું, પણ બીજા દિવસે બપોરે એન.કે.એ મને મોબાઇલનું જે મેમરી કાર્ડ આપ્યું એ કોઈ ન્યુક્લિયર બૉમ્બથી નાનું નહોતું.

‘લુક, શીલા... આ ઇન્ફર્મેશન તને ક્યાંથી મળી છે એ વાત સહેજ પણ લીક ન થાય. ક્યાંય નહીં એટલે ક્યાંય નહીં... તારી ચૅનલ પર પણ ખબર પડવી ન જોઈએ કે તારી પાસે આ કાર્ડ ક્યાંથી આવ્યું...’

એન.કે.એ મને મળવા માટે ‘લિટલ ઇટલી’ રેસ્ટોરાંમાં બોલાવી હતી.

‘... પણ એન.કે. આ કાર્ડમાં...’

‘દાઉદ ઇબ્રાહિમ અને ત્રણ મિનિસ્ટરની ટેલિફોનિક ટૉકનું રેકોર્ડિંગ આ કાર્ડમાં છે. ચારેક આઇપીએસ ઑફિસર પણ દાઉદભાઈ સાથે વાત કરે છે એ રેકોર્ડિંગ પણ આ કાર્ડમાં જ છે. બીજા નંબરનું રેકોર્ડિંગ જે આઇપીએસ ઑફિસરનું છે એ તારે કોઈને સંભળાવવાનું કે દેખાડવાનું નથી...’

દાઉદ સાથે થયેલી ફોનટૉકનું રેકોર્ડિંગ મતલબ કે એક એવો અગત્યનો અને મહત્ત્વનો સરકારી પુરાવો કે જેના થકી એ સાબિત થતું હતું કે મુંબઈ પર હજુય ડૉન દાઉદ ઇબ્રાહિમનું રાજ છે.

બચ્ચા, આ તો તારી આવતી કાલની હેડલાઇન સ્ટોરી છે.

મારા કાન પાસે તમરાં બોલી રહ્યાં હતાં અને આ તમરાં સાચું બોલી રહ્યાં હતાં. આ ન્યુઝ બીજા દિવસની હેડલાઇન જ નહીં, પણ ટૉપ ન્યુઝ બન્યા અને આ ટૉપ ન્યુઝે ચોવીસ કલાક માટે દેશભરની ટીઆરપીમાં સૌથી ઉપરનો નંબર લઈ લીધો.

‘થૅન્કસ અ લૉટ...’

‘વિશ યુ ઑલ ધ બેસ્ટ ફૉર ઇટ... યુ ડિડ ઇટ...’

‘પણ એન.કે. ... આ બધું...’

‘આજે મને પ્રાઉડ છે કે મેં જે વ્યક્તિનો રેફરન્સ આપ્યો હતો એ વ્યક્તિ કોઈ ટટ્ટુ નહીં, પણ ડર્બી રેસનો હૉર્સ છે.’

એ સાંજે એન.કે.એ રૂબરૂ મળીને સ્પષ્ટતા કરી કે ક્યારેય આવી કોઈ વાત ફોન પર ન કરવી. જો દાઉદની ફોનટૉકનું રેકર્ડિંગ લોકો સુધી પહોંચી શકતું હોય તો...

એ દિવસ પછી મારી અને એન.કે.ની દોસ્તી વધવા લાગી. આ દોસ્તી માટે મારા પક્ષેથી સ્વાર્થ હતો. મારી કરીઅરનો સ્વાર્થ, મારા સ્ટેટસનો સ્વાર્થ અને સાથોસાથ મારા ફાઇનૅન્સનો સ્વાર્થ. મને ખબર હતી કે એન.કે. આ બધું શું કામ કરતા હતા. મને વાંધો પણ નહોતો. જો મને પહેલા ખબર હોત કે બે શરીરની ચામડી ઘસાવાથી આટલો ફાયદો થતો હોય તો તો મેં આ રસ્તો પહેલાં અપનાવ્યો હોત. એન.કે. સાથે શરીરની ચામડી ઘસવાનો લાભ મને માગ્યા વિના મળતો હતો.

***

અનુરાગ મહેતાના ચહેરા પર અંચબો પથરાઈ ગયો હતો.

અચાનક હાથમાં આવી ગયેલી ડાયરીમાં એક યુવતી આ હદે પ્રામાણિક થઈને પોતાની વાત લખી કઈ રીતે શકે.

આ પણ વાંચો : કથા સપ્તાહ : હું શીલા જિતેન્દ્ર દવે (શૉર્ટકટની સજા લાંબી હોય છે...)1

ભણેશરી મનાતા અનુરાગે આ અગાઉ કોઈ પુસ્તક ન વાંચ્યું હોય એવું નહોતું, પણ અનુરાગે જે કોઈ પુસ્તકો વાંચ્યાં હતાં એ બધાં પુસ્તકો બિઝનેસ મૅનેજમેન્ટ અને બિઝનેસ ડેવલપમેન્ટનાં પુસ્તકો હતાં. આજે પહેલી વખત તે કોઈ એવું વાંચી રહ્યો હતો જે વાંચવા કે ન વાંચવાથી તેની બિઝનેસ ઍડમિનિસ્ટ્રેટિવ ફર્મને કોઈ ફરક નહોતો પડવાનો, પણ સાવ અચાનક જ મળી આવેલી આ ડાયરીનાં પાનાંઓ તેની સામે એક નવી જ દુનિયા ખોલી રહ્યાં હતાં.

પત્નીની ગેરહાજરીમાં ડાયરી વાંચતાં અનુરાગને એ નહોતી ખબર કે ૪ દિવસ પછી પત્ની આવશે ત્યાં સુધીમાં આ ડાયરીએ તેની જિંદગીમાં કેવો મોટો વળાંક લાવી દીધો હશે.

(વધુ આવતી કાલે)

Whatsapp-channel Whatsapp-channel

27 June, 2019 02:24 PM IST | મુંબઈ | રશ્મિન શાહ - કથા સપ્તાહ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK