Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > જો કુબુદ્ધિ સૂઝે તો જાતને કાબૂમાં રાખવી એ જ શ્રેષ્ઠ પ્રક્રિયા

જો કુબુદ્ધિ સૂઝે તો જાતને કાબૂમાં રાખવી એ જ શ્રેષ્ઠ પ્રક્રિયા

16 June, 2019 11:01 AM IST |
મનોજ નવનીત જોષી - મેરે દિલ મેં આજ ક્યા હૈ?

જો કુબુદ્ધિ સૂઝે તો જાતને કાબૂમાં રાખવી એ જ શ્રેષ્ઠ પ્રક્રિયા

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મેરે દિલ મેં આજ ક્યા હૈ?

ત્રણ દિવસ પહેલાં ગુજરાતમાં સાયક્લોનની પરિસ્થિતિ હતી. સાયક્લોનની એ પરિસ્થિતિ વચ્ચે ટીવી ચૅનલ સતત એ વિસ્તારોને દેખાડવાનું કામ કરતી હતી જે સાયક્લોનની ઇફેક્ટને સહન કરે એવી શક્યતા જોવામાં આવતી હતી. ન્યુઝ ચૅનલ પરના એ વિઝ્યુઅલ્સ જોઈને એક વિચાર સતત આવતો હતો કે કુદરતી ઉપાધિઓ આવે એ સમયે પણ આપણી અંદરનું ગાંડપણ જાગતું હશે, કેમ એવા સમયે પણ શાણપણ ગાયબ થઈ જતું હશે, કેવી રીતે કુબુદ્ધિનું શાસન મગજ પર પથરાઈ જતું હશે?



પાછળ ઊછળતાં મોજાં હોય અને એની આગળ ઊભા રહીને સૅલ્ફી લેવામાં આવતી હોય. ક્યારેય, ક્યારેય એટલે ક્યારેય ચોપાટી પર ફરવા ન જનારો પોરબંદરવાસી પણ આવા સમયે ચોપાટી જોવા પહોંચી જાય અને પછી ત્યાં ઊભો રહીને દરિયો માણે. એ પણ એવા સમયે જે સમયે ચોપાટને ‘નો મૅન લૅન્ડ’ જાહેર કરી દેવામાં આવી હોય. આને ગાંડપણ જ કહેવાય અને આ ગાંડપણ ખરેખર જોખમી છે. તમારી પાછળ તમારો પરિવાર છે, તમારાં સગાંસંબંધીઓ છે એ વિસરવાનું દુ:સાહસ જે કોઈ કરે છે તે એ ભૂલી જાય છે કે આ પરાક્રમ બીજાને દુ:ખ આપવાની નીતિરીતિ સમાન છે. સાયક્લોન, ત્સુનામી, ધરતીકંપ અને એવી જે કોઈ કુદરતી ઉપાધિ છે એની સાથે મજાકમસ્તી ન હોય. એની સાથે બથોડાં ન લેવાના હોય. એનાથી આખેઆખી સરકાર ધ્રૂજી રહી છે એવા સમયે એની સાથે સૅલ્ફી લેવાનું ગાંડપણ ન હોય.


આ પ્રકારની કુદરતી હોનારતની સૌથી મોટી મર્યાદા એ છે કે એની રાહ જોવાની, એ તબાહી કરીને નીકળી જાય એટલે આપણે કામે લાગવાનું અને ફરીથી જીવનને રાબેતા મુજબ બનાવવાનું કામ કરવાનું. બચાવી શકાય તો એ ટૂંકા સમયગાળામાં જેટલું બચાવકાર્ય થાય એ કરી લેવાનું અને શ્રેષ્ઠ માનવફરજ નિભાવી લેવાની. ધરતીકંપ હોય કે સાયક્લોન હોય કે પછી ભલે હોય ત્સુનામી. બસ, એ આવવાની આગાહી થઈ શકે પણ એને અટકાવી ન શકાય, એને રોકી ન શકાય કે પછી એને વાળી ન શકાય.

આપણને સાયક્લોનની આદત પડી ગઈ છે. દર વર્ષે દેશમાં કોઈને કોઈ રાજ્યને સાયક્લોન અડફેટે લે છે અને એની અડફેટમાં જાનમાલને નુકસાન થાય છે, પણ એમ છતાં કશું કરી શકાતું નથી. માત્ર આપણે જ નથી કરી શકતાં એવું નથી, જગતનો કોઈ દેશ આ કામ નથી કરી શકતો. દુનિયાનું જમાદાર બનેલું અમેરિકા પણ ટોર્નાડોની સામે લડત નથી આપી શકતું. દુનિયા આખીની સામે ભારાડી બનીને ઊભા રહેનારા અમેરિકાને જો ટોર્નાડો સામે ઘૂંટણીયે પડવું પડતું હોય તો આપણે કોણ છીએ, કુદરતી ઉપાધિઓ સામે ઊભા રહીને સાયક્લોન સાથે સૅલ્ફી લેવાનું કાર્ય કેવી રીતે થઈ શકે?


આ પણ વાંચો : મહારાષ્ટ્ર વિધાનસભા ઇલેક્શન : મુદ્દાઓની શોધયાત્રા શરૂ, પણ અકાળ પ્રવર્તે છે આ બાબતમાં

વાયુ સાયક્લોન તો હજુ આરંભ છે અને મોન્સૂનના ચાર મહિના હજી રસ્તામાં છે. આવી કોઈ પણ ઉપાધિ આવે ત્યારે એટલિસ્ટ એટલું શાણપણ વાપરીએ અને સૅલ્ફીના ઉધામા ન લો એવી નમ્ર અરજ. અમારી જવાબદારી પૂરી થઈ, હવે આ જ સૂચના આપવાની જવાબદારી પરિવારના સભ્યોની છે. પ્લીઝ પૂરી કરજો.

Whatsapp-channel Whatsapp-channel

16 June, 2019 11:01 AM IST | | મનોજ નવનીત જોષી - મેરે દિલ મેં આજ ક્યા હૈ?

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK