ચંદ્રગુપ્ત મૌર્યની સફળતાનો જે ગ્રાફ છે એ ગ્રાફ ચાણક્યને આભારી છે
પ્રતીકાત્મક તસવીર
મેરે દિલ મેં આજ ક્યા હૈ?
આપણે વાત કરીએ છીએ ચાણક્યની અને એ પણ તમારા જ કહેવાથી. ચાણક્યનું કૅરૅક્ટર આજના સમયમાં કેટલું પ્રસ્તુત ગણાય એવા એક પ્રfન સાથે શરૂ થયેલી આ સિરીઝની વાત એ જ સમજાવવાનું કામ કરે છે કે ચાણક્ય આજે પણ સંપૂર્ણપણે પ્રસ્તુત છે. ચાણક્ય માત્ર અંગત રીતે જ નહીં પણ બિઝનેસ-હરીફાઈથી માંડીને પારિવારિક પ્રશ્નોની બાબતમાં પણ એટલા જ પ્રસ્તુત છે જેટલા તે ગઈ કાલે હતા. ચાણક્યની વાતોમાં આપણે વાત કરી કે ચંદ્રગુપ્ત મૌર્યને તેમણે સિકંદરની સેનામાં સામેલ કરી દીધો. આ કામ કરવા પાછળનો હેતુ બહુ સ્પષ્ટ હતો કે દુશ્મનની નજીક જઈને પહેલાં તેને નજીકથી ઓળખો, જો શત્રુને ઓળખતા નહીં હો તો શત્રુને હરાવવા માટે તેની જે નબળાઈ જાણવી જરૂરી હશે એ પણ નહીં જાણી શકો. આજે પણ આ વાત કેટલી યોગ્ય રીતે સમજી શકાય છે. શત્રુને, હરીફને પાછળ રાખવો હોય તો પણ તમારે પહેલાં તો તેને ઓળખવો પડે અને ઓળખવા માટે જો કોઈ શ્રેષ્ઠ માર્ગ હોય તો એક જ કે તમે તેની નજીક જાઓ અને તેની ખાસ વ્યક્તિ બનો. જો આ કામ તમે કરી શકશો તો બે લાભ થશે. એક તો તમે જેને શત્રુ માનો છો એ શત્રુ નીકળે જ નહીં અને તમને વાસ્તવિકતાની સભાનતા આવી જાય. જેનો પહેલો લાભ એ કે તમે ખોટી વ્યક્તિ સાથે કટુતા રાખીને બેઠા હતા એ નીકળી જશે અને તમે શત્રુતા ભૂલી શકશો. બીજું કે શત્રુની નજીક જવાથી તમને ખબર પડી ગઈ કે તે ક્યારેય તમારી સાથે હાથ મિલાવી શકે એમ છે જ નહીં તો નજીક રહ્યા પછી તમને તેની નબળાઈઓની ખબર પડશે, જે નબળાઈઓથી તમે તેને હરાવી શકશો, પછાડી શકશો અને આજના આ હરીફાઈના યુગમાં કરવાનું એ જ હોય.
ADVERTISEMENT
આ પણ વાંચો : શત્રુને બરાબર ઓળખવો હોય તો પહેલાં તેને ઓળખવો પડે, તેની નબળાઈ જાણવી પડે
ચંદ્રગુપ્ત મૌર્યની સફળતાનો જે આખો ગ્રાફ છે એ ગ્રાફ ચાણક્યને આભારી છે અને ચાણક્ય જ એ ગ્રાફમાં દેખાય છે. ચંદ્રગુપ્ત મૌર્યને સિકંદરની સેનામાં સામેલ કર્યા પછી ચાણક્યએ પહેલું કામ એ કર્યું કે શરીરથી થાકેલી એ સેનાને તેમણે મનથી પણ થાક આપવાનો શરૂ કર્યો. જો તમે ઇતિહાસ જાણતા હશો તો તમને ખબર હશે કે સિકંદરની સેના હજી તો સિંધુ નદી પાર પણ નહોતી કરી ત્યાં જ એમાં ચંદ્રગુપ્ત મૌર્ય સામેલ થઈ ગયો હતો. ચંદ્રગુપ્ત પાસેથી મળતી માહિતીના આધારે ચાણક્યએ આ સેનામાં ફાટફૂટ પડાવવાની શરૂ કરી દીધી. થાકેલી સેના વધારે વિચારવાને સક્ષમ નહોતી અને એટલે જ મળી રહેલી ખોટી માહિતીને સાચી માનીને અંદરોઅંદર કજિયા કરતી થઈ ગઈ. હું એક વાત કહેવા માગીશ કે અજાત શત્રુ પણ આંતરિક વિખવાદો વચ્ચે તૂટી પડે છે, હારી જાય છે અને એવું જ બન્યું હતું સિકંદર સાથે. આખી સેના પર પોતાનો પ્રભાવ રાખી શકેલા સિકંદરની આંખ સામે તેની સેનાનો વિખવાદ અને ઝઘડો વધતો જતો હતો અને સિકંદર પણ પોતાના નિયમોના આધારે એ સેનામાં ગેરશિસ્ત ફેલાવનારાઓને સજા કરતો જતો હતો. આંતરિક વિખવાદ સૌથી પહેલાં તોડવાનું કામ કરે છે. કોઈ પાક્કી ઇમારતને તોડવી હોય તો એને તોડવાનું કામ બહારથી નહીં, અંદરથી કરવામાં આવે છે. ઇમારતની સાથોસાથ આ વાત માણસને પણ લાગુ પડે છે. જો કોઈને તોડી પાડવો હોય તો તેને બહારથી તોડવાને બદલે તેના અંતર પર પ્રહાર કરજો, એ ખરાબ રીતે તૂટી પડશે અને તમારે બહારથી મહેનત ઓછી કરવી પડશે.


