શીખવા મળે એને ગ્રહણ કરો અને ગ્રહણ કરેલી વાતને શ્રેષ્ઠ રીતે અમલમાં મૂકો
ચાણક્ય
મેરે દિલ મેં આજ ક્યા હૈ?
જુઓ, તમને હજી એક વખત સ્પષ્ટતા સાથે કહું કે આજે પણ ચાણક્યને તમે વાજબી રીતે જોતા રહો તો તમને એ કયા સ્તર પર આજે પણ પ્રસ્તુત છે એ સમજાશે. ચાણક્યને આજે પણ અમલી બનાવી શકાય છે અને તેમની વિચારધારાને પણ આજે ઉપયોગમાં લઈ શકાય છે. ફરક છે તો માત્ર એટલો જ કે એ સમયની વાતને આજના દૃષ્ટિકોણથી જોવાની છે અને આજના દૃષ્ટિકોણ સાથે જ તમારે એને સમજવાની છે.
ADVERTISEMENT
ચંદ્રગુપ્ત મૌર્યની મદદથી ચાણક્યએ સિકંદરને સિંધુ નદીના કિનારેથી પાછો મોકલી દીધો ખરો, પણ એવંવ કરવાથી તેમના અને ચંદ્રગુપ્તમાં એક ગજબ પ્રકારનો આત્મવિશ્વાસ આવી ગયો. તેમને લાગ્યું કે તેમની સ્ટ્રૅટેજી જો સિકંદરને પણ પાછા પગ કરવા માટે યથાયોગ્ય હોય તો તમારે એનો ઉપયોગ હવે આગળ પણ કરવો જોઈએ. આ જ વિચાર સાથે ચંદ્રગુપ્ત મૌર્ય અને ચાણક્યએ નક્કી કર્યું કે હવે મગધની રાજધાની પાટલીપુત્ર પર હુમલો કરવો જોઈએ. પાંચ હજાર હાથી-ઘોડા અને સૈનિકો એકત્રિત કરવામાં આવ્યા.
અહીં ચાણક્યનાં ગુણગાન ગાવાની વાત નથી, હવે અહીં ચાણક્યએ કરેલી ભૂલને જોવાની વાત છે.
ચાણક્યએ તૈયાર કરેલી સેના રવાના થઈ પાટલીપુત્ર જવા માટે અને એ સેનાએ હુમલો કર્યો પાટલીપુત્ર પર. અહીં ભૂલ એ થઈ કે ચંદ્રગુપ્ત માટે જ્યારે સેના એકત્રિત કરવામાં આવી રહી હતી ત્યારે જ એ માહિતી મગધ પહોંચી ગઈ હતી અને એટલે જ પાટલીપુત્રને ચારે તરફથી સુરક્ષિત કરી દેવામાં આવ્યું હતું. તમારી યોજના જાહેર થાય એમાં કશું ખોટું નથી, પણ તમારી યોજનાને વિશ્વાસમાં લીધા વિના જો એને જાહેર કરી દેવામાં આવે તો એ ચોક્કસ નડતર બની શકે છે. યુદ્ધ કરવા જવાનું છે પણ યુદ્ધ ક્યાં કરવા જવાનું છે એ મૌર્ય સેનાને ખબર નહોતી. છેક પાટલીપુત્ર આવે એ પહેલાં તેમની સમક્ષ આ વાત મૂકવામાં આવી, જેને લીધે બન્યું એવું કે પાટલીપુત્ર પર હુમલો કરતાં પહેલાં જ મૌર્ય સેનાનાં હાજાં ગગડી ગયાં અને અડધોઅડધ સૈનિક તો મનથી જ હારી ગયા. જીતની શરૂઆત સૌથી પહેલાં મનથી થતી હોય છે, જે યુદ્ધ મનના પટ પર હારી જવાતું હોય છે એ યુદ્ધમાં જીત ક્યારેય હાંસલ નથી થતી. બન્યું પણ એવું જ. સૈનિકોનું મૉરાલ તૂટી ગયું અને એટલે જ યુદ્ધની શરૂઆતના કલાકોમાં જ મગધની સેનાએ મૌર્ય સેનાનું કચ્ચરઘાણ વાળી નાખ્યું. પરિસ્થિતિ એ ઊભી થઈ કે સેનાના જવાનોએ રીતસર રણછોડ બનીને ભાગવું પડ્યું અને એ જ અવસ્થા ઊભી થઈ ચંદ્રગુપ્ત અને ચાણક્યની.
આ પણ વાંચો: ચંદ્રગુપ્ત મૌર્યની સફળતાનો જે ગ્રાફ છે એ ગ્રાફ ચાણક્યને આભારી છે
બન્ને રીતસર જીવ બચાવવા માટે ભાગ્યા અને બપોર પડતાં સુધીમાં તો ચંદ્રગુપ્ત મૌર્યની આખી સેના તહસનહસ થઈ ગઈ. જોકે એ પછી જે ઘટના ઘટી એણે બધાને દેખાડ્યું કે શીખવા મળે એ તમામ વાતને ગ્રહણ કરવા માટે તત્પર રહેવાનું, જો તત્પર રહી શકો તો જ તમે નવું ગ્રહણ કરી શકો.


