Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > અર્જુન બની માગો - લાઇફ કા ફન્ડા

અર્જુન બની માગો - લાઇફ કા ફન્ડા

15 September, 2020 05:08 PM IST | Mumbai
Heta Bhushan | feedbackgmd@mid-day.com

અર્જુન બની માગો - લાઇફ કા ફન્ડા

માગવામાં અર્જુન બનજો, નારાયણી સેના છોડી દેજો અને નારાયણને માગી લેજો.

માગવામાં અર્જુન બનજો, નારાયણી સેના છોડી દેજો અને નારાયણને માગી લેજો.


મહાભારતનો પ્રસંગ છે. કુરુક્ષેત્રના યુદ્ધનાં મંડાણ થઈ ગયાં હતાં. કૌરવ અને પાંડવ બન્ને પક્ષ યુદ્ધની તૈયારીમાં લાગી ગયા હતા. ભગવાન કૃષ્ણની પાસે દ્વારકામાં તેમનો સાથ માગવા અર્જુન અને દુર્યોધન લગભગ એકસાથે પહોંચે છે. પ્રભુ આરામ કરી રહ્યા હોય છે. અભિમાની દુર્યોધન ભગવાન કૃષ્ણના કક્ષમાં તેમના પલંગની બાજુના સિંહાસન પર બેસીને પ્રતીક્ષા કરે છે અને અર્જુન હું મારા ગોવિંદનો દાસ છું તેમ મનથી સ્વીકારી ભગવાન કૃષ્ણના ચરણો પાસે નીચે બેસી પ્રભુના જાગવાની પ્રતીક્ષા કરે છે.
ભગવાન કૃષ્ણ ઊઠે છે. ઊઠતાની સાથે તેમની નજર ચરણોમાં બેઠેલા અર્જુન પર પડે છે અને અર્જુન પ્રણામ કરે છે. ત્યારબાદ પ્રભુ પથારીમાંથી બેઠા થાય છે અને દુર્યોધન ઊભો થઈ નમસ્કાર કરે છે ત્યારે દુર્યોધન પર તેમનું ધ્યાન પડે છે. કૃષ્ણ તો અંતરયામી છે, સમજી જાય છે કે બન્ને યુદ્ધમાં મને પોતાના પક્ષે કરવા આવ્યા છે. દુર્યોધન જાણે છે કે હું આમ તો પાંડવોતરફી છું, પણ પોતાના ગુરુ બલરામની તાકાત અને તેમની નારાયણી સેનાની લાલચે શકુનિએ તેને મદદ માગવા મોકલ્યો છે.
ભગવાન કૃષ્ણ બોલ્યા ‘તમે બે જણ એકસાથે અહીં, શું પ્રયોજન છે.’ બન્ને બોલ્યા ‘આપનો સાથ...’ તેમને વચ્ચે જ અટકાવતા ભગવાન કૃષ્ણ બોલ્યા ‘જુઓ હું થોડી સ્પષ્ટતા કરી દઉં. દાઉજીની આજ્ઞા પ્રમાણે તેઓ આ યુદ્ધમાં ભાગ લેવાના નથી અને મારે પણ શસ્ત્ર ઉપાડવાના નથી. એટલે મારી પાસે તમને મદદમાં આપવા માટે છે મારી નારાયણી સેના અને શસ્ત્ર વિનાનો હું...અને તમે બન્ને એકસાથે આવ્યા છો અને મદદ માગવા આવનારને હું ના પાડતો નથી. એટલે તમને બન્નેને કોઈ પણ એક મળશે, કાં તો યાદવોની નારાયણી સેના અથવા હું પોતે...પણ નિશસ્ત્ર...અને મેં પહેલાં અર્જુનને જોયો છે એટલે પહેલા તે માગશે.’
અર્જુન હાથ જોડી ઊભો હતો. દુર્યોધનને થયું અર્જુન નારાયણી સેના માગી લેશે તો. અર્જુને હાથ જોડી કહ્યું, ‘પ્રભુ મને નારાયણી સેના નહીં મળે તો ચાલશે, મને તમારો સાથ જોઈએ છે.’ અર્જુનના શબ્દો સાંભળી કૃષ્ણ તો ખુશ થયા જ અને દુર્યોધનને પણ ઘણો આનંદ થયો, કારણ તેને નારાયણી સેના જોઈતી હતી અને મળી ગઈ.’
આ પ્રસંગ એક ખાસ સંદેશ આપે છે કે જ્યારે જયારે કંઈક માગવાનું થાય ત્યારે અર્જુન જેવો વિવેક રાખો. જો સુખી થવું હોય અને જીવનનો સાચો આનંદ મેળવવો હોય તો નારાયણી સેનાનો મોહ છોડી નારાયણને માગો. જગતની મોહમાયા, એશોઆરામ, ભોગવિલાસ રૂપી નારાયણી સેના આકર્ષક લાગે છે, મેળવીને ક્ષણિક આનંદ મળે છે, પણ તે જીવનસાફલ્ય આપી શકતી નથી. જ્યારે ભગવાનનો માથે હાથ અને જીવનના દરેક ડગલે સાથ મળી જાય તો જીવન સફળ થઈ જાય છે. માટે માગવામાં અર્જુન બનજો, નારાયણી સેના છોડી દેજો અને નારાયણને માગી લેજો.


Whatsapp-channel Whatsapp-channel

15 September, 2020 05:08 PM IST | Mumbai | Heta Bhushan

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK