Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > લોગ કહતે હૈં કિ પૂનમ ઉજલી હૈ ઔર અમાવસ કાલી હૈ

લોગ કહતે હૈં કિ પૂનમ ઉજલી હૈ ઔર અમાવસ કાલી હૈ

11 November, 2019 02:51 PM IST | Mumbai
Pravin Solanki | pravin.solanki@mid-day.com

લોગ કહતે હૈં કિ પૂનમ ઉજલી હૈ ઔર અમાવસ કાલી હૈ

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર


સરસ પંક્તિઓ છે. ઘણાબધા અર્થનો વિસ્તાર કરે છે. અશુભમાં શુભ છુપાયેલું છે. શુભમાં અશુભ. જીવનમાં અનેક વિરોધાભાસ હોય છે. સારા દેખાતા માણસો નઠારા નીકળે છે. નઠારા લાગતા માણસો સારા નીકળે છે અથવા સારા માણસો પાસે ફકત સારાશ જ નથી હોતી. સંજોગવશાત નઠારા પણ થવું પડે છે. એ જ રીતે ખરાબ માણસોમાં ક્યારેક સારા પણ દેખાય છે.
પૂનમ એટલે ઉજાસ, પૂર્ણ પ્રકાશ, સોળે કલાએ ખીલેલો ચંદ્ર. પૂનમ એટલે પવિત્ર દિવસ, શુભ દિવસ, સાગરમાં ભરતીનો દિવસ. સાગર અને શશિના મિલનનો દિવસ. કવિ કાંત સાગર અને શશિના આ મિલનનું અદ્ભુત વર્ણન કરતાં લખે છે કે

આજ મહારાજ! ચંદ્રનો ઉદય જોઈને
હૃદયમાં હર્ષ જામે
સ્નેહધન, કુસુમ વન, વિમલ પરિમલ ગહન
નિજ હૃદય માંહે ઉત્કર્ષ પામે
પિતા કાળના સર્વ સંતાપ સામે!
જલધિજલ દલ પર દામિની દમકતી
યામિની વ્યોયસર માંહે સરતી
કામિની કોકિલા કેલી કુજન કરે
સાગરે ભાસતી ભવ્ય ભરતી
પિતા સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી



શરદપૂનમના દિવસે સાગરતટ પર બેસીને કવિ કાંતે લખેલી આ કવિતા કોઈ પણ રસિકજનનું મન હરી લે એવી છે. કવિતા તો ઠીક, ‘પૂનમ’નું પોતાનું જ મહાત્મ્ય ‍‍એવું છે. પૂનમ એટલે ઉલ્લાસ, ઉત્સાહ ને ઉત્સવ. કવિ કહે છે કે પૂનમનું આટલું મહત્ત્વ હોવા છતાં ‘હોળી’ એટલે કંકાસ, કડવાશ, મુસીબત, કકળાટ! પૂનમના દિવસે હોળી એટલે દૂધપાકમાં પડેલી માખી. પૂનમ શુભ, હોળી અશુભ. હોળાષ્ટક ચાલતાં હોય ત્યારે કોઈ શુભ કામ થતાં નથી એ તો જગજાહેર વાત છે. ઈશ્વર જેવો સ્કીનપ્લે રાઇટર, પટકથાલેખક બીજો કોઈ નથી. તેણે પોતાની સર્વોપરીતા જાળવી રાખવા પોતાની બધી જ કરામત અધૂરી-અપૂર્ણ રાખી છે. માણસજાત સુધ્ધાં. ‘સંપૂર્ણ જગતમાં એક જ ઈશ્વર, માનવમાત્ર અધૂરા.’ દિવસ સાથે રાત જોડી છે, તડકા સાથે છાંયો જોડ્યો છે, સુખ સાથે દુ:ખ, ચડતી સાથે પડતી, ગુલાબ સાથે કાંટા ને માણસ સાથે અભિમાન.
હવે વાત અમાસની. અનાદિકાળથી એક માન્યતા ચાલતી આવી છે કે અમાસ એટલે અશુભ. અપશુકનિયાળ અમાસ એટલે અંધારું, કૃષ્ણ પક્ષનો છેલ્લો દિવસ. આ દિવસે પૃથ્વી અને સૂર્ય વચ્ચે ચંદ્ર આવતો હોવાથી એના જે ભાગ પર પ્રકાશ પડે એ ભાગ પૃથ્વી તરફ રહેતો નથી એટલે ચંદ્ર જાણે હોય જ નહીં એવો ભાસ થાય છે ને અંધારાનું સામ્રાજ્ય છવાય છે. અમાસને દિવસે દરિયામાં ઓટ હોય. ઓટ કોને ગમે? અમાસને દિવસે અંધારું હોય, અંધારું કોને ગમે? સિવાય કે ચોર અને પ્રેમી પંખીડાંઓને.
અમાસ એટલીબધી અપશુકનિયાળ અને અળખામણી છે કે એ દિવસે કોઈ પણ પ્રકારનાં શુભ કામ થતાં નથી. ન લગ્ન, ન વેવિશાળ, ન કોઈ નવા કાર્યનો શુભારંભ. અમાસને દિવસે ઘણા લોકો મુસાફરી કરવાનું પણ ટાળે છે. એ દિવસે ભાઈ-બહેન છૂટાં પડતાં નથી, કેટલાક એ દિવસે એકટાણું જમે છે. અરે કેટલાક તો એ દિવસે વાળ કપાવતા નથી ને નખ કાપતા નથી. જૂના જમાનામાં ગામડા ગામમાં રવિવારની રજાનો રિવાજ નહોતો પણ અમાસને દિવસે દુકાનો બંધ રહેતી.
અમાસનું એક બીજું પણ બિહામણું ચિત્ર છે. અમાસ સાથે ભૂત, પ્રેત, અઘોરીઓની સાધના પણ સંકળાયેલી છે. આ દિવસે અઘોરી બાવાઓ માંસમચ્છી આરોગીને, દારૂ-અફીણ-ગાંજો પી નશામાં ચકચૂર બનીને સ્મશાનમાં પિશાચની પૂજા કરે છે, હવન કરે છે. પશુઓના તો ક્યારેક જીવતા માણસોના પણ બલિ ચડાવાય છે. પ્રેતાત્માઓને આહવાન કરવામાં આવે છે. અઘોરીઓને મન અમાસનો દિવસ (રાત) એટલે સાધનાનો દિવસ. અમાસની કાળી રાતને આ લોકો વધારે બિહામણી બનાવે છે.
અમાસ એટલે અંધારું અને અંધારું અમંગળ છે એ દર્શાવતી આપણી કેટલીક ઉક્તિઓ પણ પ્રચલિત છે. અંધારું ફેલાઈ જવું એટલે ગેરવ્યવસ્થા છવાઈ જવી, અવ્યવસ્થા સર્જાવી. અંધારામાં કૂટાવું એટલે વગર સમજ્યે ખોટો પ્રયત્ન કરવો, અંધારે આથડવું એટલે અજ્ઞાનતાને કારણે ખોટે રસ્તે દોરાવું. અંધારામાં રાખવું એટલે ખરી હકીકત જાણવા ન દેવી. અંધારામાં રહેવું એટલે જાહેરમાં ન આવવું. અંધારામાં ડાંગ મારવી એટલે ફાંફાં મારવાં, હેતુ વગરનું કામ કરવું. અંધારાં આવવાં એટલે ક્રોધ કે નબળાઈથી ચક્કર આવવાં. દીવા પાછળ અંધારું એટલે મોટા માણસનો વારસદાર બેજવાબદાર નીકળવો. અંધારાં ઉલેચવાં એટલે ખોટી ભ્રમણા-માન્યતાઓ દૂર કરવી. અંધારામાં નિશાન તાકવું એટલે આડેધડ પ્રયત્ન કરવા.
અંધારું ને ભયને ગાઢ સંબંધ છે. પ્રકાશ અને નિર્ભયતા એકબીજાનાં પૂરક છે. અંધારામાં કશું દેખાતું નથી અને જે અદૃશ્ય છે એને વિશે માણસ જાતજાતની કલ્પના કરતો હોય છે. દા.ત. ગાઢ અંધકારમાં કોઈ માણસ જંગલમાંથી પસાર થઈ રહ્યા છે. ચાલતાં-ચાલતાં તેના મગજમાં એક જ વિચાર ચાલતો હોય છે કે એક બીજા ડગલા પછી શું હશે? કલ્પના કરવા લાગે કે ભૂત તો નહીં હોય? કોઈ જંગલી જાનવર હશે તો? કાળોતરો સાપ મારગમાં પડ્યો હશે તો? રસ્તામાં ક્યાંક મોટો ખાડો તો નહીં હોયને? જે અદૃશ્ય છે, અજાણ્યું છે એની કલ્પના માણસને ડરાવે છે. એટલે જ કદાચ કહેવાતું હશે કે અજાણ્યા મિત્ર કરતાં જાણીતો દુશ્મન સારો.
‘અમાસ’ નામ કેમ પડ્યું એની પણ પુરાણમાં એક કથા છે. પુરાણ કાળમાં ‘અમાવસુ’ નામનો એક ભક્ત હતો. વિતરાગી ભક્ત. ઇન્દ્રિયો પર અજબનો કાબૂ હતો તેનામાં. એવો સ્થિતપ્રજ્ઞ હતો કે કામ-ક્રોધ-લોભ-મોહ-માયા કશું તેને ચલિત કરી શકે નહીં. અદ્ભુત મનોબળ અને સંયમ દ્વારા ઇચ્છા અને આસક્તિ પર વિજય મેળવ્યો હતો. આવા શુદ્ધ ચારિત્ર્‍‌યવાન સંત પર બર્હિપદની માનસકન્યા અચ્છોદા મોહિત થઈ ગઈ. અચ્છોદા રૂપ-રૂપનો અંબાર હતી. તેનાં દર્શન માત્રથી અનેક યુવાનો દીવાના થઈ જતા અને બુઢાઓ જુવાન થઈ જતા. કાયાનું કામણ અજબનું હતું તેનું. એટલે જ તેને એમ હતું કે અમાવસુને ચપટી વગાડતાં ચલિત કરી નાખશે.
અચ્છોદાએ અમાવસુને લલચાવવા, ફોસલાવવા, વશ કરવા જાતજાતના પેંતરા કર્યા; પણ અમાવસુ મળ્યો નહીં. છેલ્લા ઉપાય તરીકે એક દિવસે એને અમાવસુ સામે નિર્વસ્ત્ર બની કામાતુર થઈ જોરદાર નૃત્ય કર્યું. અમાવસુને રીઝવવા એ દિવસે તેની પાસે જે-જે કળા હતી એનું પ્રદર્શન કર્યું; પણ નિષ્ફળ રહી. સર્વ દેવો અમાવસુની દૃઢતાથી ખુશ થઈ ગયા. અચ્છોદાને શ્રાપ આપી કદરૂપી કરી નાખી.
જે દિવસે અચ્છોદાએ આ કામણ કર્યાં એ દિવસ અમાવસુ એટલે કે અમાવાસ્યા તરીકે ઓળખાવા લાગ્યો. એ દિવસ અમાસનો હતો. દેવોએ એને કીર્તિમાન બનાવવા અમાવસુ નામ આપ્યું ને અમાવસુને અમર કરી દીધો.
ટૂંકમાં અમાસ અશુભ અને પૂનમ શુભ એવી દૃઢ માન્યતા પરંપરાગત છે. ઉપરોક્ત પંક્તિમાં કવિ પ્રશ્ન કરે છે કે પૂનમ જો શુભ ગણાતી હોય તો હોળી જેવો અશુભ અવસર પૂનમમાં કેમ આવે છે? જોકે હોળીનો દિવસ આમ તો રંગોનો તહેવાર ગણાય છે, પણ એ રંગો અનિષ્ટના દહનને કારણે ઉત્સવની ઉજવણી માટેના છે. હોળી એ ભક્ત પ્રહલાદની બહેન હોલિકાના કારસ્તાનનો દિવસ છે. પ્રહલાદને અગનજવાળામાં લપેટવાના પ્રયત્ન કરે છે પણ એ પ્રયત્નો કારગત નીવડતા નથી અને પ્રહલાદ હેમખેમ રહે છે. ‘હોળી’ શબ્દની અશુભતા આપણા વહેવારમાં પણ દેખાય છે. ‘હૈયાહોળી’ થઈ. ઘરમાં ઝઘડો થાય તો કહેવાય છે કે ઘરમાં હોળી થઈ. હોળી પ્રગટી. ફલાણા ભાઈએ ‘બધી હોળી કરી’ એટલે તેમણે જ ઝઘડાનું સ્વરૂપ આપ્યું. ઘણી વાર આપણે એવો પણ શબ્દપ્રયોગ કરીએ છીએ કે ફલાણાભાઈને હોળી અને દિવાળી બધું જ સરખું છે. એટલે કે તેને શુભ-અશુભ કંઈ સ્પર્શતું જ નથી.
અને છેલ્લે એક માર્મિક કથા :
દિવાળીનો દિવસ હતો. એક શ્રીમંત કરોડપતિ યુવાન દર દિવાળીએ પગપાળા ચાલીને મંદિરે દર્શન કરવા જતો. વહેલી સવાર હતી. યુવાન થોડું ચાલ્યો ત્યાં એક ગુંડાટોળીએ તેને આંતર્યો. યુવાન પણ ગાંજ્યો જાય એમ નહોતો. તેણે પ્રતિકાર કર્યો. તેનાં કપડાં ફાટી ગયાં. લોહીલુહાણ થઈ ગયો. લોથપોથ થઈને જમીન પર બેસી ગયો. બે ગુંડાઓેએ તેને બાથમાં જકડી લીધો. બાકીનાએ તેનાં ખિસ્સાં, પાકીટ તપાસ્યાં. માત્ર ૮૦ રૂપિયા નીકળ્યા. ગુંડાઓ સ્તબ્ધ બની ગયા. કહ્યું કે તું કરોડપતિ છે ને દર દિવાળીએ વહેલી સવારે મંદિર દર્શન કરવા જાય છે એ વિગતો જાણીને જ આજે અમે તને આંતર્યો હતો, પણ તું તો કરોડપતિને બદલે કડકો નીકળ્યો. કડકો તો ઠીક, બેવકૂફ પણ. માત્ર ૮૦ રૂપિયા ખાતર તું લોહીલુહાણ થયો ને દિવાળી બગાડી? બેપાંચ લાખ રૂપિયા હોત તો તું શુંનું શું કરત? પેલા યુવાને જવાબ આપ્યો કે બેપાંચ લાખ રૂપિયા હોત તો મેં ચૂપચાપ, કંઈ પણ સામનો કર્યા વગર આપી દીધા હોત. ૮૦ રૂપિયા માટે હું ઝઝૂમ્યો, કારણ કે લોકોમાં, સમાજમાં મારી છાપ કરોડપતિની છે. મારા ખિસ્સામાં માત્ર ૮૦ રૂપિયા જ છે એવું જાહેર થાય તો મારી આબરૂ શું રહે? મારું રહસ્ય ખુલ્લું ન પડી જાય એટલા માટે જ મેં દિવાળીમાં હોળી કરી!
અંતમાં
ચિરાગ કૈસે અપની મજબૂરીયાં બયાં કરે?
હવા ઝરૂરી ભી હૈ ઔર ડર ભી ઉસીસે હૈ


સમાપન
સૃષ્ટિ આખી અનેક વિષમતા, વિસ્મય અને દ્વંદ્વોથી ભરેલી છે. મોર નાચતાં-નાચતાં રડે છે ને હંસ મરતાં-મરતાં ગીત ગાય છે. આ જ જિંદગીનું રહસ્ય છે. દુ:ખભરી રાતે ઊંઘ નથી આવતી તો આનંદની રાતે કયો કમબખ્ત સૂવાનું પસંદ કરે?


Whatsapp-channel Whatsapp-channel

11 November, 2019 02:51 PM IST | Mumbai | Pravin Solanki

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK