હું દેશદ્રોહી હોઉં તો મારા પર પથ્થરમારો કરો : કેશુબાપા

Published: 2nd December, 2012 04:41 IST

ભૂતપૂર્વ ક્રિકેટર અને બીજેપીના સંસદસભ્ય નવજોત સિધુએ શુક્રવારે બાપાને દેશદ્રોહી કહ્યા એ પછી ગઈ કાલે કેશુભાઈ પટેલે આપ્યો આ વળતો જવાબ‘કેશુભાઈ પટેલ કે બારે મેં આપ પૂછ રહે હો? અરે, મૈં ઉનકે બારે મેં ક્યા બોલું, દેશદ્રોહી કે લિયે હમેં અપના વક્ત બરબાદ કિયે બગૈર મોદીજી કા સાથ દેને મેં લગ જાના ચાહિયે ઔર વિકાસ કી રાહ પકડ લેની ચાહિયે... બાત પતે કી હૈના??? તો ફિર ઠોકો તાલી.’

શુક્રવારે જૂનાગઢ જિલ્લાની વિસાવદર ગામમાં થયેલી બીજેપીની જાહેર સભામાં આ શબ્દો બોલનારા ક્રિકેટ અને બીજેપીના સાંસદ નવજોત સિંહ સિધુએ કેશુભાઈ પટેલને દેશદ્રોહી કહેતાં જીપીપીમાં જબરદસ્ત રોષ જાગ્યો હતો. સામાન્ય રીતે કેશુભાઈ પટેલ કોઈ આક્ષેપનો જવાબ આપતા નથી હોતા, પણ નવજોત સિંહ સિધુએ તેમને દેશદ્રોહી કહ્યા પછી ગઈ કાલે કેશુભાઈ પટેલે પોતાની જાહેર સભામાં કહ્યું હતું કે ‘હું દેશદ્રોહી હોઉં તો મારા પર પથ્થરમારો કરો અને મને છૂંદી નાખો, પણ જો આવું ન હોય તો આવું બોલનારાને સ્ટેજ પરથી પાછો જવા નહીં દેતા...’

કેશુભાઈ પટેલના આ વિધાનથી ગુજરાત બીજેપી રીતસર ગભરાઈ ગઈ હતી. કેશુભાઈ પટેલના આ સ્ટેટમેન્ટના જવાબમાં એક પણ બીજેપી નેતાએ જવાબ આપવાની તૈયારી નહોતી દર્શાવી.

કેશુભાઈ પટેલને દેશદ્રોહી હોવાનો આરોપ કરનારા નવજોત સિંહ સિધુ પર ગઈ કાલે રાજકોટના પટેલ અગ્રણી બિપિન રુઘાણીએ ફોજદારી ફરિયાદ દાખલ કરી હતી. બિપીન રુઘાણીએ કહ્યું હતું કે ‘દેશદ્રોહી શબ્દનો ઉપયોગ કોઈ માનવંતી વ્યક્તિ સામે કરવો એ ગુનો છે. આ ગુના હેઠળ અમે પોલીસ ફરિયાદ કરી છે, મંગળવાર સુધીમાં પોલીસ કાર્યવાહી નહીં કરવામાં આવે તો અમે કોર્ટ કેસ ફાઇલ કરીશું.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK