Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > પ્રયત્નનો યજ્ઞ અંતિમ સુધી કરતા રહો

પ્રયત્નનો યજ્ઞ અંતિમ સુધી કરતા રહો

14 October, 2020 03:24 PM IST | Mumbai
Sejal Ponda

પ્રયત્નનો યજ્ઞ અંતિમ સુધી કરતા રહો

પ્રયત્ન શબ્દને જિંદગીમાં અપનાવવા જેવો છે, પોતીકો કરવા જેવો છે.

પ્રયત્ન શબ્દને જિંદગીમાં અપનાવવા જેવો છે, પોતીકો કરવા જેવો છે.


પ્રયત્ન એક એવો ભાવ છે જે અત્યંત જુસ્સાપૂર્વક કરવામાં આવે તો એનાં સારાં પરિણામ મળી શકે છે. ક્યાંક પહોંચવા માટે કે કંઈક મેળવવા માટે આપણે જે પ્રયત્ન કરીએ છીએ એનું આમ તો કોઈ માપ નથી હોતું, પણ આપણે ઘણી વાર બોલીએ છીએ કે મેં મારા ૧૦૦ ટકા પ્રયત્ન કર્યા.
૧૦૦ ટકા પ્રયત્નનો અર્થ છે કે આપણે આપણા અંતિમ સુધી પ્રયત્ન કર્યા. જ્યાં સુધી આપણી કૅપેસિટી હતી, આપણી મર્યાદા હતી એના અંતિમ છેડા સુધીના પ્રયત્ન એટલે ૧૦૦ ટકા પ્રયત્ન.
દોડવાની હરીફાઈમાં ફિનિશિંગલાઇન દોરવામાં આવી હોય છે. એ ફિનિશિંગલાઇન સુધી દોડવાનું હોય છે. જે દોડીને પહેલાં પહોંચે છે તે પ્રથમ આવે છે. એ પછી બીજો, ત્રીજો, ચોથો નંબર આપવામાં આવે છે. દોડતી વખતે દરેક સ્પર્ધક પોતાના પૂરા પ્રયત્ન કરીને ત્યાં પહેલાં પહોંચવાના પ્રયત્ન કરે છે. દોડતી વખતે દરેક સ્પર્ધકનું લક્ષ્ય પહેલાં પહોંચવાનું હોય છે, પણ બધા જ પહેલા નંબરે નથી પહોંચી શકતા. એનો અર્થ એ નથી કે બાકી સ્પર્ધકોએ પૂરા પ્રયત્ન નહોતા કર્યા, પણ પ્રથમ આવનાર સ્પર્ધકમાં કંઈક તો વિશેષ છે જ જે તેને બધા કરતાં જુદો પાડે છે. એક તો તેનો જુસ્સો અને બીજી તેની આવડત. દોડતી વખતે સ્પર્ધકની એનર્જીનું પ્રમાણ પણ એને પહેલા નંબર સુધી પહોંચાડે છે. હાર-જીત માટે આવા સામાન્ય તર્ક નીકળતા હોય છે.
દરેક વ્યક્તિમાં આવડત અને જુસ્સાનું પ્રમાણ વધતું ઓછું હોય છે. નંબર-વન આવીએ તો જ ૧૦૦ ટકા પ્રયત્ન કર્યા કહેવાય એવું જરાય નથી. સૌથી પહેલાં તો સ્પર્ધામાં ભાગ લેવાનો જુસ્સો દાખવ્યો એ જ મોટી વાત છે. એ પછી જીતવાની તૈયારી બતાવી. એ માટે પોતાના પૂરતા પ્રયત્ન કર્યા. મનમાં આગળ આવવાની ગાંઠ વાળી. બીજા પ્રતિસ્પર્ધીઓ સાથે ઊભા રહેવાની હિંમત દાખવી. એ જ સૂચવે છે કે વ્યક્તિમાં જુસ્સો છે. કંઈક બતાવવાની હેસિયત અને હિંમત છે. પોતાની જાત પર આત્મવિશ્વાસ છે.
જ્યારે આપણે કંઈ કરવાનું નક્કી કરીએ છીએ એ સૂચવે છે કે આપણે નવી દિશા તરફ જવાનું મન મક્કમ કરી લીધું છે. વ્યક્તિ જ્યારે કશુંક કરવા માટે મનથી તૈયાર થાય છે ત્યારે સમજવું કે એ વ્યક્તિને પોતાની અંદર રહેલી શક્તિને ઉજાગર કરવી છે.
શક્તિને ઉજાગર કરવાનો અર્થ પ્રદર્શન કરવાનો બિલકુલ નથી, પણ આપણે જેમાં પારંગત છીએ, એનું ભાન આપણને છે અને ઘણી વાર જેમાં પારંગત નથી છતાં એમાં ઝંપલાવવાનો જુસ્સો છે તો આપણી એ પારંગતતાને આપણે દુનિયા સામે લાવવાની તાકાત ધરાવીએ છીએ.
ભાખોડિયાં ભરતું બાળક પહેલી વખત ચાલવાનો પ્રયત્ન કરતું હોય ત્યારે તેનું બૅલૅન્સ કેટલીયે વાર હલી જાય છે અને તે નીચે પડે છે. વળી ઊભું થાય છે. આપણે તેને સહારો આપીએ છીએ, પણ તેને ચાલતાં શીખવીએ છીએ. વાસ્તવમાં આપણો સહારો બાળક દ્વારા થતા પ્રયત્નને હોય છે.
પ્રયત્નની કોઈ હદ નથી હોતી કે ના તો એનું કોઈ પ્રમાણ હોય છે. શેરડીનો સાઠો એના અંતિમ સુધી પિલાઇને બધો રસ નિચોવી નાખે છે. એમ આપણે પણ આપણા અંતિમ સુધી જઈને પ્રયત્ન કરતા રહીએ તો અંતિમ સુધીના એ પ્રયત્ન આપણા માટે નવી શરૂઆતના રસ્તા ખોલી શકે છે.
પ્રયત્ન કર્યા વગર જ એમ માની લેવું કે મારાથી નહીં થાય તો એનો અર્થ એ જ છે કે આપણે મેદાનમાં ઊતર્યા એ પહેલાં જ હાર માની લીધી છે. જ્યાં સુધી હારી ન જઈએ ત્યાં સુધી હાર શું કામ માનવી જોઈએ? હાર્યા બાદ કમસે કમ એક હાશકારો તો રહેશે કે પ્રયત્ન કરીને હાર્યા, પ્રયત્ન કર્યા વગર નહીં.
જે માણસ પ્રયત્ન કરીને હારે છે તેનામાં તેની હારને જીતમાં ફેરવવાની તાકાત હોય જ છે. એ હારમાંથી શીખવાનું છે કે હવે પછી હજી વધુ જુસ્સા સાથે પ્રયત્ન કરીશ. પ્રયત્ન શબ્દને જિંદગીમાં અપનાવવા જેવો છે, પોતીકો કરવા જેવો છે.
પરીક્ષામાં ફેલ થતો વિદ્યાર્થી જો નાસીપાસ થઈને ફરી પરીક્ષા આપવાના પ્રયત્ન છોડી દે તો એ ખોટું છે. પરીક્ષા ભણતરની હોય કે જીવનની એ તો આવ્યા જ કરવાની છે અને આપણે પરીક્ષા આપ્યા જ કરવાની છે. જે નથી કરવાનું એ છે હાર નથી માનવાની.
અમુક લોકો પ્રયત્નની શરૂઆત તો કરે છે અને પછી એ પ્રયત્નને અધવચ્ચેથી જ છોડી દે છે. તેમની અંદર ક્યાંક ડર હોય છે કે હું હારી જઈશ તો! અને અમુક કિસ્સામાં આળસ પણ હોય છે. આ બનને હાનિકારક છે.
ન તો પ્રયત્ન કરતાં ડરવાનું છે કે ન તો એના પરિણામથી. બસ જાત નિચોવાઈ જાય ત્યાં સુધી પ્રયત્ન કરતા રહેવું જોઈએ. ઘણી વાર કોઈ પ્રોજેક્ટ કરતી વખતે આપણે વિચારતા હોઈએ કે બસ મારે હવે આટલી જ મહેનત કરવી છે કે આટલા જ પ્રયત્ન કરવા છે, કારણ આગળ પ્રોજેક્ટ મળે છે કે નહીં એ નક્કી નથી. તો જે નક્કી નથી એને માટે તો વધારે પ્રયત્ન કરવા જોઈએ જેથી એ આપણને મળી શકે. વિદ્યાર્થી જો એમ વિચારે કે હું પાસ થઈશ કે નહીં એ નક્કી નથી તો પછી મારે હવે બસ વધારે વાચવું નથી તો? તો એ પાસ થતો હશે તોય નહીં થાય, કારણ તેણે અડધેથી જ પ્રયત્ન કરવાનું છોડી દીધું.
જીતશું કે નહીં, પ્રોજેક્ટ મળશે કે નહીં, પરીક્ષામાં પાસ થવાશે કે નહીં, નોકરી મળશે કે નહીં આવા વિચાર કરીને આપણે આપણી જાતને ઢીલી પાડી નાખીએ છીએ. આપણા પ્રયત્નને ઢીલા કરી નાખીએ છીએ. જે થવાનું હશે એ થશે, પણ પ્રયત્ન વગર જ હારને સ્વીકારી લેવી તદ્દન ખોટું છે.
કોઈ પણ નવું કે જૂનું કાર્ય આગળ ધપાવતી વખતે જાતને કહેવું જોઈએ, ‘લગે રહો.’
(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

જ્યારે આપણે કંઈ કરવાનું નક્કી કરીએ છીએ એ સૂચવે છે કે આપણે નવી દિશા તરફ જવાનું મન મક્કમ કરી લીધું છે. વ્યક્તિ જ્યારે કશુંક કરવા માટે મનથી તૈયાર થાય છે ત્યારે સમજવું કે એ વ્યક્તિને પોતાની અંદર રહેલી શક્તિને ઉજાગર કરવી છે


Whatsapp-channel Whatsapp-channel

14 October, 2020 03:24 PM IST | Mumbai | Sejal Ponda

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK