નોકરો પર શક હતો, પરંતુ ચોરી કરનાર નીકળી ઘરે આવતી ટીચર

Published: 21st October, 2011 19:11 IST

કાંદિવલી-વેસ્ટમાં એમ. જી. રોડ પર આવેલા રોનક અપાર્ટમેન્ટમાં રહેતી ૩૧ વર્ષની કિન્નરી સોમાણીના ઘરે ૧૫ સપ્ટેમ્બરના રાતના સાડાઆઠ વાગ્યાથી ૬ ઑક્ટોબરે બપોરે ત્રણ વાગ્યા દરમ્યાન કબાટમાંથી ડિજિટલ સેફમાંથી હીરાજડિત સોના-ચાંદીના ૧૯ લાખ ૭૫ હજાર રૂપિયાનાં ઘરેણાંની ચોરી થઈ હતી એ કેસમાં ઘરે જે ટીચર કિન્નરીના બાળકોને ભણાવવા આવતી હતી તે ૩૬ વર્ષની ગુજરાતી મહિલા હેતલ તન્નાની ક્રાઇમ બ્રાન્ચ યુનિટ ૧૧એ ધરપકડ કરી હતી.

 

કિન્નરી સોમાણી અને તેના હસબન્ડને તેમના ઘરે કામ કરતા નોકરો પર શંકા હતી, પણ ટીચર પર જરાય નહોતી એવું પોલીસનું કહેવું છે. સોમાણી-ફૅમિલીને જેના પર વિશ્વાસ હતો તેણે જ વિશ્વાસઘાત કર્યો હોવાનું ધરપકડ પછી બહાર આવ્યું હતું.

કિન્નરી બાળકોને ભણાવવા માટે આવતી હેતલ તન્નાને ૧૨ ઑક્ટોબરે ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-૧૧ના અધિકારીએ તાબામાં લઈને પૂછપરછ કરતાં તેણે આ ગુનો કર્યો હોવાની કબૂલાત કરી હતી. ત્યાર પછી ૧૯ લાખ ૭૫ હજાર રૂપિયાનાં સોના-ચાંદીનાં ઘરેણાં પોલીસે જપ્ત કયાર઼્ હતાં. હેતલની પૂછપરછ કરતી વખતે પહેલાં તો તે કંઈ ન બોલી, પણ પછી ભાંગી પડી હતી એવું ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-૧૧ના પોલીસ-અધિકારીનું કહેવું છે. પોલીસનું કહેવું છે કે ‘ઘરમાં કોઈ મોટી વ્યક્તિ નહોતી એટલા માટે લાલચ જાગતાં આવું થઈ જાય. હેતલ તન્ના સારા ઘરની મહિલા છે અને તે એવું કરી શકે એવી નહોતી, પરંતુ લાલચ થઈ જવાને કારણે આવું થઈ ગયું હશે.’

કિન્નરી સોમાણીએ ફૅમિલી-ફંક્શન હોવાને કારણે ઘરેણાં પહેરવા માટે કાઢ્યાં હતાં અને ઘરેણાં મૂકવા માટે ડિજિટલ સેફ ૧૫ સપ્ટેમ્બરના છેલ્લે ખોલ્યું હતું. ત્યાર બાદ તેણે પોતે ડિજિટલ સેફ લૉક કર્યું હતું. કિન્નરી સોમાણી જ્યારે ૬ ઓક્ટોબરના બહારગામથી પાછી આવી ત્યારે દશેરાના દિવસે પહેરવા માટે ઘરેણાં કબાટમાંથી લેવા ગઈ ત્યારે ઘરેણાં ગાયબ હોવાની જાણ થઈ હતી. આ કોઈ ઓળખીતી વ્યક્તિનું કામ હોવાનું પોલીસનું માનવું હતું, કારણ કે ઘરેણાં જે સેફ બૉક્સમાં કિન્નરી મૂકતી હતી એના પાસવર્ડની તો ફક્ત તેમને જ ખબર હતી. ઇલેક્ટ્રૉનિક ડિજિટલ સેફ તોડવામાં આવ્યું ન હોવાથી એ કોઈ જાણભેદુનું જ કામ હોવાનું લાગ્યું હતું. કિન્નરીએ ડિજિટલ સેફનો પાસવર્ડ કાગળમાં લખીને કબાટમાં રાખ્યો હતો.

દિનેશ સોમાણી, જેઓ કાગોર્ કુરિયર સર્વિસ ચલાવે છે અને તેમની પત્ની કિન્નરીએ પોલીસને જણાવ્યું હતું કે ત્રણ નોકરો અને તેમનાં બાળકોને ભણાવવા માટે એક ટીચર હેતલ તન્ના રોજ ઘરે આવે છે. કિન્નરીનો દીકરો એસએસસીમાં છે અને દીકરી ત્રીજા ધોરણમાં ભણે છે. હેતલ તેમને ઘરે આવીને ભણાવે છે. ચોરી કર્યા પછી પણ તે બાળકોને ભણાવવા માટે આવતી હતી. હેતલ છેલ્લા એક વર્ષથી ટ્યુશન-ટીચર તરીકે કિન્નરી સોમાણીના ઘરે ભણાવવા માટે આવતી હતી. હેતલ તન્ના કાંદિવલીમાં જ રહે છે.

ચોરી કર્યા પછી રાતે સૂઈ શકતી નહોતી

હેતલ ચોરી કર્યા પછી રાતના સૂઈ શકતી નહોતી. ત્યાર પછી તેણે પોતે કિન્નરી સોમાણી પાસે ઘરેણાં પાછાં કરી સરેન્ડર કર્યું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

સાત ઑક્ટોબરે હેતલ બાળકોને ભણાવવા માટે આવી હતી ત્યારે સોમાણીની દીકરીને આંખ લાગી ગઈ હતી ત્યારે તે બેડરૂમમાંથી કબાટની ચાવી શોધી એમાંથી ડિજિટલ સેફમાંથી ઘરેણાં કાઢીને લઈ ગઈ હતી. ત્યાર પછી કિન્નરી સોમાણીએ કાંદિવલી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સોમાણી-ફૅમિલીએ ઘરમાં કામ કરતા નોકરો પર શંકા વ્યક્ત કરી હતી, પણ આરોપી ટીચર તો આ કામ ન કરી શકે એટલો ફૅમિલીને વિશ્વાસ હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK