Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ભાઈદાસ, મહેશકુમાર ઍન્ડ પાર્ટી અને પ્રીત, પિયુ ને પાનેતર

ભાઈદાસ, મહેશકુમાર ઍન્ડ પાર્ટી અને પ્રીત, પિયુ ને પાનેતર

27 August, 2019 03:56 PM IST | મુંબઈ
જે જીવ્યું એ લખ્યું - સંજય ગોરડિયા

ભાઈદાસ, મહેશકુમાર ઍન્ડ પાર્ટી અને પ્રીત, પિયુ ને પાનેતર

પ્રીત, પિયુ ને પાનેતર

પ્રીત, પિયુ ને પાનેતર


બૅન્કમાં નોકરી કરતા અમિત દિવેટિયાને નાટક માટે બૅન્કમાંથી રજા મળે નહીં એટલે અમિતભાઈ ફ્લાઇટમાં મુંબઈ આવે અને શો કરીને અમદાવાદ પાછા ચાલ્યા જાય. આ એ સમયની વાત છે જે સમયે ફ્લાઇટમાં બેસનારાને અહોભાવની નજરથી જોવામાં આવતા.

મારા ‘ચિત્કાર’ છોડ્યા બાદ આગળનો કોઈ પ્લાન હતો નહીં અને ભવિષ્યના ગર્ભમાં શું છે એની પણ ખબર નહોતી અને એ પછી પણ મેં ૨૧૦મા શોએ ‘ચિત્કાર’‌ છોડી દીધું. નાટક છોડી દેવાનો આ નિર્ણય એ લાંબા સમયની પ્રક્રિયા હતી અને એ પછી પણ મેં નાટકના ૨૦૦મા શોની ટ્રોફીની ડિઝાઇનથી માંડીને એ સમયસર તૈયાર થઈ જાય અને એ પ્રસંગ સૌકોઈ માટે યાદગાર બની રહે એ રીતે મન દઈને કામ કર્યું હતું. કહેવાનો ભાવાર્થ એટલો જ કે જે જગ્યાએ તમે ઊભા નથી રહેવાના એની તમને જાણ હોય એ પછી પણ કામમાં દિલદોંગડાઈ નહીં કરવાની. છેલ્લી મ‌િનિટ સુધી, છેલ્લી ક્ષણ સુધી ખરા મનથી અને સાચા દિલથી મહેનત કરવાની.



‘ચિત્કાર’ પછી શું એની વાત કરતાં પહેલાં મારે થોડી બીજી વાતો કરવી છે. ‘ચિત્કાર’ની સર્જનયાત્રા દરમ્યાન આપણે ભાઈદાસ ઑડિટોરિયમની સર્જનગાથા પણ કરી. એ પછી અને ઑડિટોરિયમ કઈ રીતે અને કેવા સંજોગો વચ્ચે ડેવલપ થયું એ વાંચીને મને ઘણાબધા વાચકોના પ્રત્યાઘાતો આવ્યા. બધાને એ વાતો ખૂબ ગમી. ફોન આવ્યા, ઈ-મેઇલ પણ આવી અને અઢળક મેસેજ પણ આવ્યા. આ બધામાં એક ફોન હતો પોપટભાઈ શાહનો. પોપટભાઈ મારા એક સમયના સાથી કહી શકાય. તેમની અત્યારે ઉંમર છે ૯૧ વર્ષ. પોપટભાઈ મહેશકુમાર ઍન્ડ પાર્ટીના મૅનેજર હતા. હું ‘ચિત્કાર’નું પ્રોડક્શન સંભાળતો ત્યારે તેમની સાથે ઑલમોસ્ટ બિરલા માતુશ્રીમાં રોજ મુલાકાત થાય. ૧૯૬૦થી ૧૯૮૦ના અરસામાં ઑર્કેસ્ટ્રા પાર્ટીનો જમાનો હતો. ઑર્કેસ્ટ્રા જોવા જવાનો લોકોમાં ક્રેઝ હતો, જે આજે નામશેષ થઈ ગયો છે, પણ હા, આ ઑર્કેસ્ટ્રાનો એક સુવર્ણ કાળ હતો, જે મેં જોયો છે અને જેણે નથી જોયો એને માટે પણ એ બધી વાતો અદ્ભુત છે.


પોપટભાઈએ મને ફોન કરીને કહ્યું કે ભાઈદાસ ઑડિટોરિયમમાં પારસ પબ્લિસિટીવાળા વસાણીકાકાએ ૭ દિવસનો નાટ્ય ફેસ્ટિવલ કર્યો અને એ ઑડિટોરિયમ ગિયરમાં આવી ગયું, પણ આ જ ઑડિટોરિયમમાં મહેશકુમાર ઍન્ડ પાર્ટીએ ૬ મહિનામાં ૫૦ પ્રયોગ કર્યા હતા અને બધા શો હાઉસફુલ. ભાઈદાસને પૉપ્યુલર કરવામાં મહેશકુમાર ઍન્ડ પાર્ટીનો પણ ફાળો છે.

ધીમે-ધીમે ભાઈદાસ ડિમાન્ડમાં આવવા લાગ્યું અને મહેશકુમાર ઍન્ડ પાર્ટીને તારીખ મળવાની ઓછી થઈ. મહેશકુમાર ઍન્ડ પાર્ટીની સાથોસાથ જે નાટકનો જમાનો હતો એ પણ પોપટભાઈ સાથે વાત નીકળી એટલે મને થયું કે આ બધી વાતો મારે તમને કરવી જ જોઈએ. નાટક-જગતમાં જો કોઈ નાટકે સિંહસ્થાન ભોગવ્યું હોય તો એ નાટક હતું ‘પ્રીત, પિયુ ને પાનેતર’. આ નાટકના હીરો અને નિર્માતા હતા અમિત દિવેટિયા અને એના લેખક-દિગ્દર્શક વિનોદ જાની. જોકે અમિત દિવેટિયા બહુ પછીથી નાટકના નિર્માતા બન્યા, શરૂઆતમાં નાટકના પ્રોડ્યુસર કોઈ બીજા હતા. આ નાટક એટલું ચાલ્યું અને સફળ થયું કે વાત ન પૂછો. આ નાટક જેટલું સફળ નાટક આજની તારીખે બીજું કોઈ નાટક નથી.


‘પ્રીત, પિયુ ને પાનેતર’ ચાલતું ત્યારે અમિત દિવેટિયા અમદાવાદમાં બૅન્કમાં નોકરી કરતા અને સાથે-સાથે આ નાટકમાં કામ કરતા. નાટકનો શો મુંબઈમાં હોય એટલે અમિતભાઈએ મુંબઈ આવવું પડે અને બૅન્ક રજા આપે નહીં એટલે અમિત દિવેટ‌િયા ફ્લાઇટમાં મુંબઈ આવે અને શો પતાવીને ફ્લાઇટમાં પાછા અમદાવાદ જાય. અમિત દિવેટિયાએ ફ્લાઇટમાં શો કરવા માટે જેટલી વાર અવરજવર કરી છે એટલી વાર ગુજરાતી રંગભૂમિનો કોઈ ઍક્ટર પ્લેનમાં ફર્યો નથી.

અમિત દિવેટિયા સાથે મારી ખૂબ લાંબા સમયની દોસ્તી, અમે સાથે ખૂબ નાટકો કર્યાં, ‘ચિત્કાર’ પછી તેમના દિગ્દર્શનમાં મેં અભિનેતા તરીકે કામ કર્યું અને એ સમયથી અમારી મિત્રતા બંધાઈ. મારા પ્રોડક્શનમાં તેમણે ડિરેક્શન નથી કર્યું, પણ મારા પ્રોડક્શનમાં તેમણે ઍક્ટિંગ જરૂર કરી છે અને જ્યારે પણ મેં તેમને પૈસા માટે પૂછ્યું છે ત્યારે તેમણે મને એક જ જવાબ આપ્યો છે, ‘મારે તારી સાથે પૈસાનો કોઈ સંબંધ નથી, તારે જે આપવા હોય એ આપજે.’ જોકે આવું તેઓ શું કામ કરતા એની પાછળનું પણ કારણ છે, પણ એ વાત પછી.

અમિતભાઈના ડિરેક્શનમાં મેં અનેક નાટકોમાં કામ કર્યું છે. છેલ્લે હમણાં રિલીઝ થયેલી ફિલ્મ ‘વેન્ટિલેટર’માં અમે બન્ને સાથે હતા. ફિલ્મ જેણે જોઈ છે તેમને ખબર છે કે અમારા મોટા ભાગના સીન સાથે હતા એટલે શૂટિંગ પણ લગભગ સાથે જ હોય. હું ઍરપોર્ટ જતી વખતે તેમને ઘરે લેવા જાઉં. એ સમયથી લઈને શૂટિંગ પરથી પાછા ફરીએ અને તેમને ઘરે ડ્રૉપ કરું ત્યાં સુધી અમે સાથે જ હોઈએ. તેમની પાસેથી સાંભળેલી વાતો એવી તે અદ્ભુત છે કે મને થયું કે એ બધું મારે તમને કહેવું જ જોઈએ.

જો માંડીને વાત કહેવા જાઉં તો કહેવું પડે કે વાત છે ૧૯પ૮-’પ૯ના અરસાની. એ સમયે અમદાવાદ શહેર સાબરમતી નદીની એક બાજુએ વસેલું હતું અને સાબરમતીની સામેની બાજુએ ગુજરાત લૉ કૉલેજ અને યુનિવર્સિટીનું કૅમ્પસ હતાં, પણ એ સિવાય વસવાટના નામે ખાસ કંઈ નહીં. અત્યારે તો સાબરમતી ક્રૉસ કરવા માટે નેહરુ બ્રિજ, ગાંધી બ્રિજ અને સુભાષ બ્રિજ છે, પણ એ સમયે માત્ર એલિસ બ્રિજ હતો. આ એ સમયકાળની વાત છે જે દિવસોમાં અમિત દિવેટ‌િયા, વિનોદ જાની અને શંકરસિંહ વાઘેલા સાથે ભણતા.

જી હા, ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શંકરસ‌િંહ વાઘેલાની જ વાત કરીએ છીએ પણ એ વાત આગળ વધારતાં પહેલાં લેવો પડશે બ્રેક.

(શંકરસિંહ વાઘેલા અને અમિત દિવેટિયાની ભાઈબંધી, ‘પ્રીત, પિયુ ને પાનેતર’ અને મહેશકુમાર ઍન્ડ પાર્ટીની વધુ વાતો કરીશું આવતા મંગળવારે)

(sangofeedback@gmail.com)

food-sanjay

ફૂડ ટિપ્સ

મિત્રો, હમણાં અમારા નાટકનો શો મુલુંડમાં હતો. આજકાલ મુલુંડ પહોંચવામાં બહુ વાર લાગે છે. મારી ઑફિસ જોગેશ્વરી-વેસ્ટમાં એટલે મુલુંડ જવા માટે હું જેવીએલઆરના રસ્તેથી નીકળું. ગૂગલ દેખાડે કે મને પહોંચતાં દોઢ કલાક થશે, પણ જેવો સ્ટાર્ટ થયો કે એવો ધોધમાર વરસાદ આવ્યો કે મુલુંડ પહોંચતા સુધીમાં તો અઢી કલાક થઈ ગયા. ભૂખ કકડીને લાગી ગઈ હતી. ઑડિટોરિયમ પહોંચીને મેં તો એવા ઇરાદે ચાલતી પકડી કે નજીકમાં ક્યાંક કંઈક ખાવાનું મળી જાય.

ઑડિટોરિયમની ડાબી બાજુએ હું સીધો આગળ ગયો, ત્યાં પાંચ રસ્તા ભેગા થાય છે. આ પાંચમાંથી જમણી બાજુનો રસ્તો સીધો સ્ટેશન તરફ જાય. આ રસ્તા પર હું થોડો ચાલ્યો તો ત્યાં મને જમણી બાજુની ફફુટપાથ પર જય જલારામ ભેળ સેન્ટર દેખાયું. મેં વિચાર્યું કે જેવું હોય એવું, જલદી ભૂખ ભાંગું પણ મિત્રો, મારી ધારણા ખોટી હતી. અદ્ભુત સ્વાદ. મેં સૌથી પહેલાં ભેળ મગાવી, ભેળ આવી ત્યારે મને ખબર પડી કે એ આઇસ ભેળ હતી. એકદમ ચિલ્ડ ચટણી, સેવ, મમરા, કાંદા અને એવુંબધું, પણ મજા આવી ગઈ. આઇસ ભેળમાં આમ જોઈએ તો એની અંદર પડતી બધી જ ચટણી ઠંડી ખરી, પણ એ સિવાય બીજું કશું ઠંડું નથી હોતું, પણ ચટણી પણ કેટલી ઠંડી કરવી એની કરામત હોય છે. ઠંડી ચટણી બાકીની બધી વરાઇટીની અંદર સુધી પોતાની ઠંડક પહોંચાડી દે અને ખાતાની સાથે જ તમને એ આઇસ-કોલ્ડ ઠંડકનો અનુભવ થાય. આઇસ ભેળનો ટેસ્ટ ખૂબ સરસ હતો એટલે મેં બીજી વરાઇટી ટેસ્ટ કરી, દહીં પૂરી. એકદમ થીજેલું ઠંડુંગાર દહીં. આ દહીંપૂરીનો સ્વાદ પણ એના ઠંડા દહીંને કારણે જ અવ્વલ દરજ્જાનો થઈ જતો હતો. મિત્રો, મુલુંડ જવાનું બને તો એક વખત ચોક્કસ જય જલારામની આ આઇટમ ટેસ્ટ કરજો. ટેસડો પડી જશે.

તૃપ્ત બાહુબલીઃ ખાવા માટે હાથવગું કશું ન હોય એવા સમયે જો બેસ્ટ ટેસ્ટનું ફૂડ મળી જાય તો સાતે કોઠે દીવા થાય અને મનને મોક્ષનો અનુભવ થાય. એવું જ બન્યું જ્યારે મેં જય જલારામની આઇસ ભેળ અને દહીં પૂરી ખાધી.

Whatsapp-channel Whatsapp-channel

27 August, 2019 03:56 PM IST | મુંબઈ | જે જીવ્યું એ લખ્યું - સંજય ગોરડિયા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK