Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ન્યુ નૉર્મલમાં એકલા રહેવું એ શાણપણ છે

ન્યુ નૉર્મલમાં એકલા રહેવું એ શાણપણ છે

24 July, 2020 07:41 PM IST | Mumbai
J D Majethia

ન્યુ નૉર્મલમાં એકલા રહેવું એ શાણપણ છે

હવે માત્ર અમારા જ નહીં, કોઈ પણ ટીવી-સિરિયલના સેટ પર આવું દૃશ્ય જોવા નથી મળતું.

હવે માત્ર અમારા જ નહીં, કોઈ પણ ટીવી-સિરિયલના સેટ પર આવું દૃશ્ય જોવા નથી મળતું.


આ જ વાત ‘ભાખરવડી’ના સેટ પર પણ જોવા મળે છે. કામ પૂરું થાય કે તરત જ ઍક્ટર ચોક્કસ અંતર સાથે દૂર થઈ જાય‘ભાખરવડી’. બિફોર અને આફ્ટર કોવિડ-19. આપણે વાત કરીએ છીએ આ વિષય પર અને ગયા વીકમાં આપણે આફ્ટર કોવિડ-19ને કારણે આવેલા સુધારાની પહેલી ઝલક પણ જોઈ. હવે કરીએ આગળ વાત, પણ આગળની વાત કરતાં પહેલાં મને એક વાત ખાસ કહેવી છે કે આ કોરોનાએ આપણને ઘણી રીતે ડિસિપ્લિન્ડ કરી દીધા છે. કહેવું યોગ્ય છે કે નહીં એની તો મને નથી ખબર, પણ હકીકત છે એટલે કહેવામાં સંકોચ રાખ્યા વિના કહું છું તમને. આપણે પહેલાં કોઈ લાઇનમાં માનતા જ નહોતા. લાઇન તોડતા કે લાઇન તોડીને આગળ આવતા બહુ લોકોને મેં જોયા છે. દુકાનમાં એક કાઉન્ટર હોય ત્યાં આગળ ચાર જણની ઊભા રહેવાની જગ્યા હોય તો પણ આપણે વ્યવસ્થિત લાઇન સાથે આગળ નહોતા વધતા. બધા એકસાથે તૂટી પડે. પાછળવાળો પણ હાથ ઊંચા કરીને પૈસા આગળ આપતો હોય, પહેલાં પોતાની વસ્તુ મળી જાય એને માટે. લાઇન તોડવાની આ માનસિકતાને લીધે એવું બનતું કે બાળકો અને સ્ત્રીઓ કે પછી શારીરિક રીતે વીક હોય એવા લોકો આગળ હોય, પોતાનો વારો આવવામાં હોય તો પણ બિચારા પાછળ રહી જાય. તેમને લાગે કે તેઓ પડે અને એ પછી પણ ઉતાવળ તો સૌકોઈની અકબંધ હોય. આવું તમે પણ ઘણી જગ્યાએ જોયું હશે અને તમને એ જોઈને ગુસ્સો પણ આવ્યો હશે, પણ કોરોનાએ આ બાબતમાં શિસ્તબદ્ધતા લાવી દીધી. બધામાં ડિસિપ્લિન આવી ગઈ.

આ ડિસિપ્લિનવાળી વાત સાથે જ આપણે ફરી આવીએ મૂળ વિષય પર.
બધા સેટ પર લાઇનસર ઊભા હોય, એકદમ ડિસિપ્લિન સાથે. બધાનું ચેકિંગ થાય, પછી બધા અંદર જાય અને પોતાની મેકઅપ-રૂમમાં પહોંચે પછી તેને હાશકારો થાય. મેકઅપ-રૂમનો આ હાશકારો ક્યાંક ને ક્યાંક સેટની સફાઈને કારણે હોય. પ્રોડ્યુસર તરીકે અમે આખી રાત કામ કરીને બધું સૅનિટાઇઝ કરી નાખ્યું હોય અને સૅનિટાઇઝેશન થયા પછી સેટ પર કોઈ એન્ટર ન થાય એની ચુસ્ત તકેદારી પણ રાખવામાં આવી હોય. મેકઅપ-રૂમમાં ગયા પછી એ જે આર્ટિસ્ટ હોય તેનો મેકઅપ કે હેરસ્ટાઇલિસ્ટ અંદર દાખલ થાય. મેકઅપવાળાએ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (પીપીઈ) કિટ પહેરી હોય. હવેના સમયમાં બધાને પીપીઈ કિટ શું છે એની ખબર જ છે. એક આડવાત તમને વચ્ચે કહી દઉં. આ કોરોનાના સમયમાં આપણને કેટલા નવા શબ્દોની ખબર પડી, કેટલા નવા શબ્દો મોઢે થયા. આજે તમે જુઓ શાકવાળો પણ કોરોના અને વાઇરસ અને પીપીઈ કિટ જેવા શબ્દો સહજતાથી બોલે છે. લૉકડાઉન નામનો શબ્દ આપણી ડિક્શનરીમાં હતો જ નહીં. કરફ્યુ આપણે સાંભળ્યું હતું, પણ લૉકડાઉન શબ્દ પણ આ કોરોના લઈ આવ્યો.
પીપીઈ કિટ પહેરેલાને તમે સડનલી જુઓ તો એમ જ લાગે કે આ કોઈ સ્પેસ પર જવા માટે તૈયાર થયો છે અને કાં તો સ્પેસ પરથી આવ્યો હોય એવું લાગે. આપણે પહેલાં સ્પેસ પર જનારા અને એવાં કપડાં પહેરનારાઓના વિડિયો બહુ જોતા. અત્યારે એ વિડિયો સાચા થઈ ગયા હોય એવું લાગે છે. જો કોરોનાને કારણે પીપીઈ કિટ બહુ પૉપ્યુલર ન થઈ હોત તો લોકો આના ફોટો પાડીને વૉટ્સઍપ કરી-કરીને બધાને આશ્ચર્યચકિત કરતા હોત કે જો જો જો, આણે શું પહેર્યું છે?
પીપીઈ કિટ વિશે તમને ખબર છે, પણ તમને એ ખબર છે કે આ કિટ માણસ પહેરી રાખે તો એ આખો દિવસ બાથરૂમ પણ ન જઈ શકે! ખાવાપીવાના પણ તેને વાંધા પડી જાય અને જો એસી ચાલુ ન હોય તો ૧૫ મિનિટમાં એ કિટ પહેરેલો પરસેવે રેબઝેબ થઈ જાય. મેકઅપમૅને આ કિટ ૧૨ કલાક પહેરી રાખવાની. કેમ કે તે જે-તે વ્યક્તિના ક્લોઝ કૉન્ટૅક્ટમાં હોય છે. હેરડ્રેસરનું કામ પણ તેના નામ પરથી જ ખબર પડી જાય છે. એ બધાની હેરસ્ટાઇલ બનાવતી હોય, પણ સાથોસાથ બધાને એ કૉસ્ચ્યુમ કે પછી સાડી પહેરવામાં મદદ પણ કરતી હોય.
બધા રેડી થઈ જાય એટલે પછી વાત આવે કલાકારની. ગયા શુક્રવારે મેં તમને કહ્યું કે પહેલાંના એટલે કે બિફોર-કોરોનાના પિરિયડમાં અમે બધા સાથે બેસીને રીડિંગ કરતા હતા, પણ હવે એવું રહ્યું નથી. હવે રીડિંગ સૌ કોઈએ પોતપોતાની રીતે કરવાનું, એને માટે ભેગા નહીં થવાનું. પહેલાં રીડિંગના ટાઇમે સૌકોઈ મજા કરતા, પણ હવે એના પર પાબંદી આવી ગઈ છે. અમે ‘ભાખરવડી’ના સેટ પર છત્રીનો કન્સેપટ લાવ્યા છીએ, જેની વાત આપણા ‘મિડ-ડે’માં જ ન્યુઝ તરીકે આવી ગઈ છે અને છતાં એક લાઇનમાં કહી દઉં કે દરેક ઍક્ટર અને ટેક્નિશ્યનના હાથમાં છત્રી ફરજિયાત છે. છત્રી લઈને કલાકારો અને ટેક્નિશ્યન ફરતા હોય એટલે કોઈ નજીક આવી શકે નહીં. છત્રીના ઘેરાવાને કારણે નજીક આવે તો સામેવાળાની છત્રી ભટકાય અને એવું બને એટલે ચોક્કસ અંતર રાખીને જ રહેવું પડે અને આપોઆપ સોશ્યલ ડિસ્ટન્સ મેઇન્ટેન થાય.
હું તમને પણ કહીશ કે તમે પણ બહાર નીકળો, વરસાદ હોય કે ન હોય, છત્રી સાથે રાખો. સોશ્યલ ડિસ્ટન્સ મેઇન્ટેન આપોઆપ થશે અને એમાં પણ જો બધાએ આ નિયમ અપનાવી લીધો તો ખરેખર બહુ મોટો ફાયદો થશે, કોરોના-સંક્રમણમાં છત્રીદાયી બ્રેક લાગશે.
આફ્ટર કોરોનાકાળમાં આગળ વધીએ.
હવે કલાકારોએ પોતાની રૂમમાંથી ડાયલૉગ વાંચીને, બધું યાદ કરીને કે પાકું કરીને બહાર આવવાનું છે. બહાર આવીને બેસે તો પણ દૂર-દૂર રહેવાનું. ખુરસીઓ પહેલાં એકદમ નજીક રહેતી, હવે દૂર હોય છે. પહેલાં બધા સાથે બેસીને સરસ કૂંડાળું બનાવતા, પણ હવે એવું નથી થતું. બને ત્યાં સુધી બધા પોતાના ડાયલૉગ રૂમની અંદર જ વાંચે અને જો બહાર આવીને વાંચે તો પણ એકબીજાથી દૂર-દૂર બેસે. ડાયલૉગ્સ વાંચી લીધા પછીનો જે સમય છે એ સમય છે રિહર્સલ્સનો.
રિહર્સલ્સમાં ઍક્ટર આવે ત્યારે જે લોકોની જરૂર ન હોય એવા એટલે કે આર્ટ ડિપાર્ટમેન્ટ, મેકઅપમૅન, લાઇટબૉય એ બધા સેટથી દૂર થઈ જાય અને શક્ય હોય ત્યાં સુધી તો એ બહાર જ નીકળી જાય. બધા બહાર હોય એ દરમ્યાન રિહર્સલ્સ થાય. આ રિહર્સલ્સ થાય ત્યાં સુધી આર્ટિસ્ટોએ માસ્ક પહેરેલા હોય અને એ પહેરેલો જ રાખવાનો. ઉતારવાની મનાઈ છે અને ઉતારવા કોઈ રાજી પણ નથી. રિહર્સલ્સ ઓકે થયા પછી વાત આવે ફાઇનલ ટેકની.
જેવો ફાઇનલ ટેક શરૂ થાય એટલે ઍક્ટર માસ્ક ઉતારી લે અને એ લોકો પોતાના કૅરૅક્ટરમાં આવીને સંવાદ શરૂ કરે. આ સંવાદ શરૂ થાય એ પહેલાં બધી તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી હોય અને નાનામાં નાની ચોખવટ પણ કરી લીધી હોય, જેથી ફાઇનલ ટેકમાં પ્રૉબ્લેમ ન થાય અને વગરમાસ્કે વધારે કામ કરવું ન પડે. કહેવાનો ભાવાર્થ એટલો જ કે બધાને મનમાં એક જ વાત હોય કે બને એટલું જલદી કામ પતાવવામાં માલ છે.
કલાકારો પણ હવે એકદમ શિસ્તબદ્ધ પોતાની લાઇન યાદ રાખે છે. અમારા જેવા પ્રોડ્યુસર માટે આ ફાયદાની વાત છે. પહેલાં ઘણા કલાકારો શિસ્તબદ્ધ નહોતા, ડાયલૉગ પર ધ્યાન આપતા નહીં (હા... હા... હા...). હવે તો શિસ્તબદ્વ થઈને ડાયલૉગ પર ધ્યાન આપે અને ડાયલૉગ એકદમ પાકા કરીને યાદ રાખે. સીન આપવાનો અને જેવો શૉટ પતે કે તરત જ પૂછી લેવાનું, ‘મારું કામ છે?’
જો ડિરેક્ટર ના પાડે તો તરત જ બહાર જઈને ખૂણામાં એકલા બેસી જાય. સોશ્યલ ડિસ્ટન્સ. અમારે ‘ભાખરવડી’ના સેટનું એક મોટું સુખ છે, અમારો સેટ લૉક્ડ નથી. મેઇન ડોર સિવાયના બાકીના બધા ભાગે એટલે કે બારી-બારણાથી એ ખુલ્લો છે અને હવે બધું ખુલ્લું જ રહે છે. એસી ચાલુ હોય તો પણ બધું ખુલ્લું હોય અને આ મોકળાશને કારણે બધાને ફ્રેશ ઍર મળતી રહે. આ ફ્રેશ ઍર બહુ જરૂરી છે ન્યુ નૉર્મલ લાઇફ-સ્ટાઇલમાં. ન્યુ નૉર્મલ લાઇફ-સ્ટાઇલ અને આફ્ટર-બિફોર કોરોનાની આ જ વાતો આવતા વીકમાં પણ ચાલુ રાખીશું, પણ, પણ, પણ યાદ દેવડાવવાનું તમને કે ‘ભાખરવડી’ જોવાનું ચૂકતા નહીં, માત્ર સોની સબ પર.
આ જોખમ અમે તમારે માટે, અમારા દર્શકો માટે લઈએ છીએ. માત્ર ને માત્ર તમારે માટે...


Whatsapp-channel Whatsapp-channel

24 July, 2020 07:41 PM IST | Mumbai | J D Majethia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK