Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > અભિનંદન, તારો ખૂબ-ખૂબ આભાર

અભિનંદન, તારો ખૂબ-ખૂબ આભાર

08 March, 2019 01:16 PM IST |
જમનાદાસ મજીઠિયા

અભિનંદન, તારો ખૂબ-ખૂબ આભાર

અભિનંદન

અભિનંદન


જેડી કૉલિંગ

આખા દેશમાં ચોરે ને ચોકે એક જ ચર્ચા છે, ભારતે પાકિસ્તાને સામે શું પગલાં લેવાં જોઈએ? આપણા લોકોના સ્વભાવની એક કમાલ છે. પોતાના ઘરના પ્રૉબ્લેમનું કોઈ સોલ્યુશન તેમની પાસે નથી હોતું, પણ ભારત-પાકિસ્તાના પ્રૉબ્લેમના ઘણા સોલ્યુશન તેમની પાસે હોય છે. જેમ ઘણી વાર મૅચ રમતી વખતે કેવી રીતે બોલરે કેવી બોલિંગ કરવી જોઈએ કે પછી બૅટ્સમૅને કયા બૉલને ક્યાં ફટકારવો જોઈએ કે પછી કૅપ્ટને મૅચની એ સિચુએશનમાં શું નિર્ણય કરવો જોઈએ એની જેમ ટીવી પર મૅચ જોતું ઑડિયન્સ નક્કી કરતું હોય છે એમ જ. આપણને એવું લાગતું હોય છે કે ત્યાં મેદાન પર રમતા ખેલાડીઓ કરતાં આપણને વધારે ખબર પડતી હોય છે, ડિટ્ટો એવી જ રીતે. મૂળ વાત પર આવીએ. જેમ અત્યારે બધા પોતાનાં મંતવ્યો આપી મોદીસાહેબને કન્ફ્યુઝ કરે છે એમ મારાથી પણ આ આર્ટિકલમાં થઈ જાય એવું બને તો આ જ રીતે સમજી જવું આ વાતની સ્પષ્ટતા પણ હું અત્યારથી જ કરી દઉં છું. હાહાહા...



જાણે કે અત્યારે નરેન્દ્ર મોદી પાસે સમય છે આવી બધી વાતો માટે અને બધાનું સાંભળી, સમજીને નિર્ણય લેવા માટે... હું તો કહું જ છું, આ જ સમય છે. આખા દેશનું સાંભળી, વિચારી, સમજી ને સંભાળીને નિર્ણય લેવાનો. આપણે બધા આ નિર્ણયમાં કેવી રીતે ભાગ ભજવી શકીએ એની વાત પછી કરીએ, પહેલાં ગાડી જરાક વળાંક પર લઈ લઉં છું. પુલાવામાથી લઈને બાલાકોટ પર ઍર સ્ટ્રાઇકની વાત બધાને ખબર છે. અત્યારે ભલે એના પર એક શરમજનક વિવાદ છે કે કેટલા મર્યા. મારો મુદ્દો અહીંથી વળાંક લે છે કે કેટલા બચ્યા? આપણે બધા બચી ગયા કે કહો કે આપણા દેશમાંથી ઘણા બચી ગયા.


૨૬ ફેબ્રુઆરીની ઍર સ્ટ્રાઇકે પાકિસ્તાનને એવી પરિસ્થિતિમાં મૂકી દીધું કે તેમના દેશમાં ટેરરિસ્ટ કૅમ્પ હતા અને ભારતે એ કૅમ્પ્સ પર હુમલો કર્યો છે એવા ભારતના દાવાને સમર્થન મળે અને જો કંઈ કરે તો યુદ્ધનો આરંભ કહેવાય. ઘણાંબધાં છાપાંઓમાં અને ટીવી ચૅનલો પર આવી ગયું છે કે પાકિસ્તાને યુદ્ધ ન પરવડે. ધંધાસર અને ઘણીબધી બાબતો પર યુદ્ધ આપણને પણ ન પરવડે. બૉમ્બમારામાં લોકોના જીવ જાય, બૉર્ડર પર કે બૉર્ડર પરના શહેરોમાં લોકોના જીવ જાય એ તો જરાય ન પરવડે, પણ વાતાવરણ તો એવું જ સર્જાયું હતું અને એમાં ચમત્કાર થયો અને એવી ઘટના ઘટી કે જે અત્યાર કરતાં અમુક વષોર્ પછી તો એ વધુ ચમત્કારી લાગશે. પાકિસ્તાને હુમલો કર્યો અને એના આધુનિક જહાજની સામે આપણા જાંબાઝ કમાન્ડરે સેકન્ડ જનરેશન ડાઉન એવા જહાજથી એનો સામનો કર્યો અને એને તગેડી મૂક્યું. એમ કરતાં-કરતાં તેમનું પ્લેન પાકિસ્તાની સરહદમાં પહોંચી ગયું. પાકિસ્તાનની મિસાઇલ દ્વારા એ તોડી પાડવામાં આવ્યું. વિન્ગ કમાન્ડર અભિનંદનના જીવનમાં ઇતિહાસ લખાયો હતો, નહીં તો આટલી ઝડપે ઊડતા અને પડતા જહાજમાંથી પૅરૅશૂટ સાથે ઊડી જવું એ જાદુ કે ચમત્કાર કરતાં પણ વિશેષ છે. એક ક્ષણ માટે તો તેમને એવું જ લાગ્યું હશે કે આપણે તો ગયા, પણ પૅરૅશૂટ ખૂલ્યું અને આકાશમાં તેમણે શ્વાસ લીધો અને તેમને નિરાંત થઈ હશે કે હાશ, આપણે તો નીકળી ગયા, પણ ત્યાં તો બીજો જબરદસ્ત વળાંક. તેમની પૅરૅશૂટ લૅન્ડ થઈ પાકિસ્તાનમાં. થોડી વારની ઝપાઝપી પછી તે હતા પાકિસ્તાન આર્મીની પકડમાં. એ સમયે તેમને થયું હશે કે હવે આ લોકો તો મારો કૂડદો બોલાવી દેશે. ટૉર્ચર કરશે અને પાકિસ્તાનની જેલમાં આખી જિંદગી નરક જેવું જીવન જીવવું પડશે.

અહીં આખા હિન્દુસ્તાનની ટીવી ચૅનલથી લઈને દરેક વ્યક્તિના વૉટ્સઍપ કે ફેસબુક પર અભિનંદનના ફૅમિલી કરતાં વધારે ચિંતા હોય એવી રીતે ઇન્ફર્મેશન શૅર કરતા હતા. સાચી કે ખોટી, પણ એ ચાલુ જ હતું. કેટલાક સલાહ આપતા હતા તો કેટલાક પ્રાર્થના પણ કરતા હતા. અભિનંદનના ભાગ્ય વિશે કેટલાકને અફસોસ હતો તો પાકિસ્તાનના વડા પ્રધાન ખોટી માહિતી પ્રસારિત કરતા હતા, જ્યારે ભારતના વડા પ્રધાને ખાતરી આપી હતી કે દેશને ઝૂકવા કે રોકાવા નહીં દે. અને કોઈ પણનાં હાજાં ગગડી જાય એવી પરિસ્થિતિમાં અભિનંદન પાકિસ્તાન આર્મીને જવાબ આપી રહ્યા હતા કે હું કોઈ પણ સંજોગોમાં દેશ વિરુદ્ધના સવાલોનો જવાબ નહીં આપી શકું.


ધન્ય છે તેમનાં માતાપિતાને, તેમના શિક્ષકોને, તેમને ઍરફોર્સની તાલીમ આપનારા ઑફિસરોને કે તેમને આટલા ધૈર્ય અને હિંમતવાળા બનાવ્યા. હું તો કહીશ કે મહેન્દ્રસિંહ ધોની કરતાં પણ કંઈક ગણા વધારે છે આ કૅપ્ટન કૂલ. તે જો ન પકડાયા હોત તો કદાચ ભારત પાકિસ્તાન પર હુમલો કરત. પૂરેૂપુરો અધિકાર હતો ભારત પાસે. પાકિસ્તાનના વિમાનોએ ભારતમાં ઘૂસીને હુમલો કરવાની કોશિશ કરી હતી અને એનો જવાબ તો જરૂરી હતો જ, પણ અભિનંદનની પકડે આખી ઘટનાને નવો વળાંક આપી દીધો. આખા દેશની જીભ પર એક જ વાત હતી, પાકિસ્તાનને કાયમી પાઠ ભણાવવા યુદ્ધ કરવું પડે તો આ વખતે કરવું જ જોઈએ. એમાંથી ગમે એ કરવું પડે, કરવું જોઈએ; પણ અભિનંદનને તો પાછો લાવવો જ જોઈએ એના પર આવી ગયા. અમેરિકા, ઑસ્ટ્રેલિયા, સાઉદી, યુકે વગેરે જેવા દેશોએ પણ પાકિસ્તાન પર દબાણ શરૂ કરી દીધું કે જીનિવા કરારના ઉલ્લંઘન કરવાનું સપને પણ નહીં વિચારતા. જીનિવા કરાર મુજબ યુદ્ધમાં પકડાયેલા કેદીઓને હાનિ પહોંચાડ્યા વિના તેમના દેશમાં પાછા મોકલી દેવા એવું દુનિયાના ૧૭૫ દેશોએ મળીને નક્કી કર્યું છે. ઇમરાન ખાને જાણે કે ક્રિકેટના દાવની વાત હોય એમ કહ્યું કે અમે શાંતિ ઇચ્છીએ છીએ એટલે અમે કમાન્ડર અભિનંદનને છોડી દેશું. ફરી પાછું વિવાદ અને કમ્યુનિકેશનનું વાતાવરણ ગરમાગરમ રહ્યું અને બન્ને દેશોના લોકોનાં મંતવ્યો યુદ્ધ તરફથી રાજનીતિ તરફ ફંટાવા માંડ્યાં. રાહુલ ઍન્ડ ગૅન્ગ તો તૈયાર જ હતી વળતો હુમલો કરવા માટે. અરેરેરે, ખોટું નહીં સમજતા. હુમલો પાકિસ્તાનમાં રહેલા આતંકવાદીઓ પર નહીં પણ નરેન્દ્ર મોદી પર. કૉન્ગ્રેસ જો પાકિસ્તાન પર હુમલો કરવાનું વિચારતી હોત તો આટલાં વર્ષોમાં કેટકેટલી વાર એવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, પણ ચાર શાબ્દિક હુમલા પણ નથી કરી શક્યા. અમને કીધું જ નહીં, અમને વિશ્વાસમાં લેવા જોઈતા હતા અને આવા બીજા આક્ષેપો કરવામાં આવ્યા. અરે ભાઈ, તમને કહે તો ભારતનું પ્લેન પાકિસ્તાનમાં જાય એની પહેલાં ક્યાંક ને ક્યાંકથી આ વાત પાકિસ્તાન ન પહોંચી જાય? આવી મોટી બાબતોમાં ગુપ્તતા જાળવવી સૌથી મહત્વની હોય છે.

કૉન્ગ્રેસના અને બીજા વિરોધ પક્ષોના જવાબ અને અભિનંદનને કોઈ પણ જાતના ટૉર્ચર વિના ભારત પાછા લાવવાની નરેન્દ્ર મોદીની મહેનતે બધાનું ધ્યાન હુમલા પરથી હટાવી દીધું. વિરોધ પક્ષોને એટલું સમજાઈ ગયું છે કે આવો જડબાતોડ જવાબ હિન્દુસ્તાનમાં એક જ માણસ આપી શકે છે અને એ છે નરેન્દ્ર મોદી, એવું લોકોના મનમાં જડબેસલાક બેસી ગયું છે અને ૨૦૧૯ના ઇલેક્શનનું રિઝલ્ટ દેખાવા લાગ્યું છે. એટલે હવે ચાલુ થયું કે સાબિતી આપો કે આ હુમલામાં કેટલા મરાયા છે. બીજા દિવસે અભિનંદન વાઘા બૉર્ડરથી આવશે એવા સમાચારે બધાને બિઝી રાખ્યા. બિચારા અભિનંદનને તો ખબર જ નથી કે તે તો હિન્દુસ્તાનનો એક રિયલ સુપરહીરો બની ગયો છે. તે તો માનસિક અને શારીરિક રીતે હજી પણ પાકિસ્તાનના કબજામાં છે અને આટલાં વષોર્ના અનુભવોએ પાકિસ્તાન આર્મીનો ભરોસો તો પાકિસ્તાનની જનતા પણ નથી કરતી એટલે તે તો ફક્ત ‘શું થશે’ના શૂન્યાવકાશના જ વાતાવરણમાં હતો, પણ તેમના આ શૂન્યાવકાશે એક મોટો અવકાશ ઊભો કર્યો.

આ પણ વાંચો : સોશ્યલ ઇન્ટરૅક્શનને તમારા મગજ સાથે શું સંબંધ છે?

એક યુદ્ધને થોડા કલાકો માટે પકડી રાખ્યું અને એટલા કલાકોમાં વાતાવરણ થોડું ટાઢું પડ્યું નહીં તો બન્નો દેશના કેટકેટલાય સૈનિકોના પરિવારોમાં પોતાનાં સંતાનોની ક્યારેય રાહ નહીં જોવાની પરિસ્થિતિ આવી જાત. કેટકેટલાય સામાન્ય નાગરિકોના જીવ રગદોળાઈ જાત. અભિનંદનને ખરાં અભિનંદન. પોતાનો જીવ જોખમમાં રાખી અને આ યુદ્ધને ટાળીને ખૂબ બધા લોકોના જીવ બચાવવા માટે અભિનંદનને ખરેખર અભિનંદન આપવાં ઘટે. જેમ-જેમ વષોર્ વીતતાં જશે એમ-એમ અભિનંદનના આ પ્રસંગનું મહત્વ ભારત-પાકિસ્તાના સંદર્ભમાં વધતું જશે. આને એક ચમત્કાર જ કહી શકાય, ઈશ્વરે સર્જેલો ચમત્કાર.

Whatsapp-channel Whatsapp-channel

08 March, 2019 01:16 PM IST | | જમનાદાસ મજીઠિયા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK