Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > દુનિયાઆખીની નજર અત્યારે ભારત પર અને આપણી નજર આપણા સ્વજનો પર

દુનિયાઆખીની નજર અત્યારે ભારત પર અને આપણી નજર આપણા સ્વજનો પર

27 March, 2020 05:28 PM IST | Mumbai
Jamnadas Majethia

દુનિયાઆખીની નજર અત્યારે ભારત પર અને આપણી નજર આપણા સ્વજનો પર

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


એકવીસ દિવસનું લૉકડાઉન. લગભગ બધા સમજદાર લોકો એક્સપેક્ટ કરતા હતા. આના સિવાય કોઈ પર્યાય પણ નથી. ૧૩પ કરોડથી વધારે વસ્તીવાળો દેશ હજી સમજતો નથી. સાહેબે કહ્યું હતું કે બાલ્કનીમાં થાળી અને તાળી વગાડજો, પણ આપણો ઉત્સાહ તો ઝાલ્યો ન ઝલાય એવો હતો. પાંચ મિનિટને બદલે પાંચ કલાકો સુધી આ ઉત્સાહ ચલાવ્યો. ઠેકઠેકાણે લોકો શેરી અને ગલીઓમાં ઊતરી આવ્યા. અરે ભાઈ, ડૉક્ટર્સ અને નર્સ, પોલીસ અને સફાઈ-કર્મચારી અને આવી બીજી ઘણી સેવાઓ જે પોતાના જીવના જોખમે આપી રહ્યા છે એવા લોકોનો આભાર માનવા માટે થાળી અને તાળી વગાડવાની હતી અને આપણે, થાળી અને તાળી કીધું એટલે ગરબા રમ્યા. આપણને સમજાય ખરું કે આપણને ચાઇનીઝ કંપનીનો કૉન્ટ્રૅક્ટ નથી મળ્યો કે બધાને વૅક્સિન કે વાઇ-ફાઇ ફ્રીમાં મળશે. એવું નથી. આ વાઇરસ ફ્રીમાં મોકલ્યો છે જેની આપણે બહુ મોટી કિંમત ચૂકવવી પડશે. આ વાઇરસે આખી દુનિયાને અત્યારે પાયમાલ કરી નાખી છે. ગુજરાતીઓ છો, શૅરબજારમાં ઇન્વેસ્ટમેન્ટ તો હશે જ એટલે જોતા તો હશો જ કે રોજ શું થતું હશે અને ગણતા પણ હશો. છેને? હંઅઅઅ.

અત્યારે આવી હાલત વચ્ચે આપણે કોઈ દિવસ વિચાર કર્યો હતો કે કોઈની શરદી-ઉધરસથી આપણે આટલા પાયમાલ થઈ જઈએ અને કોઈનો જીવનો જોખમમાં આવી જાય. અરે આપણે જ નહીં, દેશ, ના દેશ જ નહીં, વિદેશ. લગભગ આખા વિશ્વનો જીવ જોખમમાં આવી જશે? એટલે આની ગંભીરતા સમજાવવા અને આપણી અને આપણી આસપાસના લોકોમાં તથા આપણા લોકોમાં ઓછામાં ઓછી જાનહાનિ થાય એવા હેતુથી આપણા લોકોને બચાવવા આ નિર્ણય લીધો છે. એક બહુ સરસ વાક્ય હતું તેમનું. આ ૨૧ દિવસ જો આપણે આ બંધની ગંભીરતા છાજે એમ નહીં પાળીએ તો આપણો આખો દેશ ૨૧ વર્ષ પાછળ જતો રહેશે.



તો ૨૧ દિવસ શાને માટે બધાને ટીવી સમાચારમાં જોવા મળે જ છે. સોશ્યલ ડિસ્ટન્સિંગ. એકબીજાથી દૂર રહેવું. અમારા જેવા લોકો પાસેથી અને ‘મિડ-ડે’ જેવા ન્યુઝપેપરમાંથી ઇન્ફર્મેશન મળે કે બહાર ન નીકળવું અને નીકળવું જ પડે ને ક્યાંક કોઈક વસ્તુઓને કે પછી સર્ફેસને અડો તો એ હાથ સાબુથી ધોતાં પહેલાં મોઢા પર ન અડાડવો. પહેલાં તો માસ્ક પહેરી જ રાખો અને પછી ઘરે આવીને સાબુ કે સૅનિટાઇઝરથી હાથ ધોવા, નાહવું, કપડાં બોળી નાખવાં એ બધું તો કરવું જ અને આ બધા કહે જ છે એટલે મોઢાં ધોઈ રહેશે, પણ આ સાલું આ ૨૧ દિવસ કેવી રીતે કાઢવા એના વિશે કોઈ કશું નથી કહેતું. મારા તો ૨૮ થશે. પહેલેથી જ શૂટિંગ બંધ થયું છે અને ત્યારથી અમે ઘરે જ છીએ. હા, પણ મારું એવું છે કે જરૂર પડે તો આનાથી વધારે દિવસો પણ કેવી રીતે કાઢવા એ કરી ચૂક્યો છું અને તમારી સાથે શૅર પણ કરી શકું છું, પણ હમણાં એ વાત નહીં, કારણ કે હમણાં આપણને કોઈ કહે અને સમજાવે એના કરતાં આપણે જ આ રસ્તો કાઢવો પડશે.


૧૯૯૯માં ફૉરેન લૅન્ગ્વેજમાં ઑસ્કર જીતેલી એક ફિલ્મનું ટાઇટલ હતું, ‘લાઇફ ઇઝ બ્યુટિફુલ’. ટાઇટલ જ કેટલું સરસ છે. જેમ હમણાં આપણી લાઇફ છેને એવી જ, લાઇફ લઝ બ્યુટિફુલ. વર્લ્ડ વૉરમાં ઇટલી (જો પાછી ઇટલીની વાત આવી) પર જર્મનીએ ચડાઈ કરી અને નાઝીઓએ લોકોને પકડી લીધા. એ પકડી લીધેલા લોકોમાં સ્ત્રી-પુરુષોને એકલાં પાડીને બાળકોને મારી નાખવામાં આવ્યાં. આ બધામાં એક બાપ પોતાના બાળકને બચાવીને બાળકને પોતાની સાથે એટલે કે મોટી ઉંમરના રેફ્યુજી લોકોના કૅમ્પમાં સંતાડી રાખે છે. હવે નાઝીઓ તો આ કેદીઓ પાસે કામ કરાવે છે એટલે આ બાપે રોજ કામ કરવા જવું પડે. જો પછીથી સૈનિકો બાળકને પકડી પાડે તો તેણે જીવ ગુમાવવો પડે અને નહીં તો બાપથી દૂર તો થઈ જ જાય. આવું બને નહીં એટલે બાપ બાળકને સમજાવે છે. નાસમજ છે બાળક. અત્યારે પણ આપણે આપણાં બાળકોને સમજાવવાં જ પડે છે એવી રીતે જ. બાપ બાળકને સમજાવે છે કે દિવસ દરમ્યાન દુશ્મન સૈનિકો વચ્ચે કેવી રીતે રહેવાનું છે. બાળમાનસને એમ પણ ન કહેવાય કે જો પકડાઈ જઈશું તો મારી નાખશે. બાપ સરસ રીતે તેને સમજાવે છે કે આ આખી ગેમ છે, એક શો છે. એમાં જો સંતાઈને રહીશું અને અમુક સમય સુધી પકડાઈશું નહીં તો રસ્તા પર તું જે મોટી ટૅન્ક જુએ છે એ આપણને ઇનામમાં મળશે. ઇનામ બધાને દેખાડવાનું હોય એટલે જ એ ટૅન્કને સામે રાખી છે.

આ ફિલ્મ દરેકે એક નહીં, બે વાર જોવા જેવી છે અને હમણાં તો નવરાશ જ છીએ. બનાવો જોવા જેવી ફિલ્મનું બકૅટ લિસ્ટ. ‘લાઇફ ઇઝ બ્યુટિફુલ’, ‘ચિલ્ડ્રન ઑફ ધ હેવન’. આ ખાસ જોજો બન્ને પિક્ચર. હમણાં ઑસ્કર જીતેલી ફિલ્મ ‘પૅરાસાઇટ’ પણ ખાસ જોજો. હવે આવી જઈએ આપણી મૂળ વાત પર.


આપણે આ ૨૧ દિવસ સુધી કોરોના નામના ક્રૂર સૈનિકોથી બચવા અને સાથોસાથ માનસિક તનાવથી બચતા રહીનેહસતાં-રમતતાં કેવી રીતે દિવસો પસાર કરી શકીએ અને આજની આ પરિસ્થિતિને એક ગેમ શોમાં બદલી શકીએ એ જોવાનું છે. હમણાં જ બહુ પૉપ્યુલર થયેલો શો ‘બિગ બૉસ’ યાદ છેને. ક્યારેક તો જોયો જ હશે તમે એ. કેવી રીતે બધા હાઉસ-અરેસ્ટ થઈને રહે છે. એક જ ઘરમાં બધા નજરકેદ. એ લોકો તો ૧૦૦થી પણ વધારે દિવસ ખેંચી કાઢે છે અને આપણે ટિંગાઈ-ટિંગાઈને જોઈએ છીએ તો આ તો સાલું આપણું પોતાનું બિગ બૉસ. વિચાર કરો કે આપણને આપણું પોતાનું બિગ બૉસ રમવા મળશે. આપણને કોઈ કાઢી પણ ન શકે. આપણા જ ઘરના મેમ્બર્સ અને આપણી અગેઇન્સ્ટ વોટ કરે તો પછી તેમનું આવી પણ બને... હા, હા, હા...

ગેમ શો ‘બિગ બૉસ’માં તો તેમની પાસે ટીવી પણ નથી અને ઇન્ટરનેટ પણ નહીં અને ઘરની બહાર પણ નીકળવા નથી મળતું અને આપણને, આપણને જીવનજરૂરી ચીજવસ્તુઓ લેવાની પરમિશન પણ મળે એટલે ૨૧ દિવસની અવધિમાં ત્રણ-ચાર દિવસે વારાફરતી જઈને જરૂરી ચીજવસ્તુઓ લેતા આવવાની. આંટો પણ મરાઈ જાય. રિસ્ક બહુ છે અને ડર પણ બહુ લાગે, પણ બધી સલાહને ગોખી રાખવાની.

આવીએ આપણે આપણા બિગ બૉસ પર, ના, બિગ નહીં, બિગેસ્ટ બૉસ. દર બે-ત્રણ દિવસે આઠ વાગ્યે એ આવીને આપણને નવુ-નવું રમાડશે પણ અને આપણી સુરક્ષા પણ કરશે. આપણે તેમને કંઈ કહેવું હોય તો ટ્વીટ કરીને કહી પણ શકાય અને હા, આ બિગેસ્ટ બૉસ જનતાના આવા ટ્વીટ પર ધ્યાન પણ આપે છે. બિગ બૉસની ગેમ રમશો તો ઘરમાં કામની જવાબદારી પણ વહેંચાઈ જશે. તમને રસોઈ નહીં આવડતી હોય તો ઘરની બિગ બૉસ તમને શીખવશે. એલાવ, રશ્મિ દેસાઈ નહીં, તમારી બૈરી બિગ બૉસ. કોઈએ ઝાડુ-પોતાંની જવાબદારી લઈ લેવાની તો કોઈએ વાસણમાં હાથ આપવાનો. ઘણું શીખવા મળશે. હું ત્રણ-ચાર દિવસથી આ બધું કરું છું. જુદો જ અનુભવ થઈ રહ્યો છે. અત્યારે બધું જુદું જ કરવાનું. અત્યારે કોઈનો બૉસ કોઈને કશું કહેવાનો નથી અને કોઈએ કામ પર જવા માટે ટ્રેન પકડવાની નથી. કોઈ વઢવાનું પણ નથી માટે ચિંતા બાજુએ મૂકી દઈ આ સમયનો ભરપૂર સદુપયોગ કરજો.

પરિવાર સાથે રહી શકાય એનો આનાથી સુંદર મોકો નહીં મળે. મારી મજા એ છે કે કેસર અને મિશ્રી બન્ને ઘરે છે અને સૌથી મોટો અફસોસ એ છે કે બા-બાપુજીને મળવા જવાતું નથી. અત્યારે ગમે એટલું તેમને મિસ કરું તો પણ તેમની તબિયતનનું ધ્યાન રાખીને પણ મારાથી ન જવાય.

કંઈ પણ કરો અને મજા આવે એમ કરો. સમય પસાર ન થતો હોય તો કબાટ સાફ કરો. કબાટમાંથી બધાં કપડાં કાઢીને એક વાર એ બધાં ગણો. કેટલાં પૅન્ટ, મોજાં, શર્ટ, અન્ડરગાર્મેન્ટ્સ. ગણો... ગાંડા જેવું લાગે એવી વાતો કરવાની છૂટ પણ અત્યારે મહત્ત્વની વાત કરીએ. જૂના ફોટો જુઓ. જો વિડિયો હોય એ જુઓ. સાથે મળીને ગીતો ગાઓ. આવડે કે ન આવડે. સાથે જમવાનો નિયમ બનાવી લો. કસરત કરો અને હા, ભગવાનનું નામ. એ બહુ જરૂરી છે. આવતા સમયમાં ગંભીર સમાચારો વધારે આવે એવું બની શકે છે. આપણે હવે એક એવા ફેઝમાં આવી રહ્યા છીએ જ્યાં બધાનું ધ્યાન છે. એવું કહેવાય છે કે ભારતમાં કોરોના વાઇરસ ફેલાયો તો વિશ્વ આ મહામારીમાંથી લાંબા સમય સુધી બહાર નહીં આવી શકે. વિશ્વની મીટ મંડાઈ છે આપણા પર અને આપણી મીટ હોવી જોઈએ આપણા સ્વજનો પર અને લૉકડાઉન પર. તમે કોઈના યમરાજ નહીં બનતા. લૉકડાઉન એટલે લૉકડાઉન. બિગ બૉસ રમવાનું. એક વાત ધ્યાન રાખવાનું, ઝઘડા નહીં થવા દેવાના. આદત નહીં હોય આમ આખો દિવસ સાથે રહેવાની એટલે બની શકે કે થોડા સ્પાર્ક થશે, તણખા ઝરશે પણ એક વાત યાદ રાખવાની કે કોઈ ખોટું નહીં અને બધા સાચા, એવા નિયમો બનાવવા. બસ, તમને કહું છંુ... તમે સમજી જાઓ તો ઘણું. હાહાહા...

હમણાં જ મારી પત્નીનો ઝઘડો શરૂ થવાનો છે મારી સાથે. એ બોલાવે છેને હું અહીં તમારી સાથે છું. બાય, આવતા અઠવાડિયે મળું છું. મજાક બાજુ પર, પણ મજા સાથે રહેજો અને બહુ બધું ધ્યાન રાખજો.

Whatsapp-channel Whatsapp-channel

27 March, 2020 05:28 PM IST | Mumbai | Jamnadas Majethia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK