જામનગરમાં ઍરફોર્સનાં બે હેલિકૉપ્ટર અથડાયાં : કુલ નવનાં મોત

Published: 30th August, 2012 08:16 IST

ઘટનાસ્થળથી થોડા જ અંતરે આવેલી સ્કૂલમાં ૪૮ સ્ટુડન્ટ્સ ભણી રહ્યા હતા : પાસિંગના ખોટા કોડ આપવાને કારણે ટક્કર થઈ હોવાની શક્યતા

 

helicopter-jamnagarજામનગરથી પંદર કિલોમીટર દૂર આવેલા સરમત ગામની હદમાં ગઈ કાલે ઍરફોર્સનાં બે હેલિકૉપ્ટર અથડાતાં બે પાઇલટ સહિત નવ જણનાં મોત થયાં હતાં. આ ઘટનાની ઇન્ક્વાયરી ઍરફોર્સ અને કેન્દ્ર સરકાર ઉપરાંત રાજ્ય સરકાર પણ કરશે. જામનગરના કલેક્ટર સંદીપકુમારે કહ્યું હતું કે ‘આ ઘટનામાં દોષી કોણ છે એ જાણવાના હેતુથી રાજ્ય સરકાર પણ આ કેસની ઇન્ક્વાયરી કરવા માગે છે. જો રાજ્ય સ્તરની કોઈ ભૂલ હશે તો એના માટે પગલાં પણ લેવામાં આવશે.’

દુર્ઘટના બની એનાથી માંડ સાતસો ફૂટ દૂર સરમત ગામની સ્કૂલ આવેલી હતી. આ સ્કૂલમાં ૪૮ સ્ટુડન્ટ્સ ભણતા હતા. જો હેલિકૉપ્ટર સ્કૂલ પર પડ્યાં હોત તો મૃત્યુઆંક ઘણો મોટો અને વધુ કરુણ બન્યો હતો.

ગઈ કાલે બપોરે સાડાબાર વાગ્યાની આસપાસ બનેલી આ ઘટનામાં ઍરફોર્સના રશિયન બનાવટના એમ.આઇ-૧૭ મૉડલના માલવાહક હેલિકૉપ્ટરમાં ઍરફોર્સના ટ્રેઇની સ્ટુડન્ટ્સ બેઠા હતા. માલવાહક હેલિકૉપ્ટરમાં બેઠા હોઈએ અને ઇમર્જન્સી આવે તો એવા સમયે કઈ રીતે હેલિકૉપ્ટરમાંથી બહાર આવવું એ સંદર્ભની ટ્રેઇનિંગ સવારે લગભગ અગિયાર વાગ્યે શરૂ થઈ હતી. આ ટ્રેઇનિંગ દરમ્યાન એકબીજાને પાસિંગના ખોટા કોડ આપી દેવાને કારણે બન્ને હેલિકૉપ્ટર ધડાકાભેર જમીનથી લગભગ ચારસો ફૂટ ઉપર અથડાયાં હતાં. ઍક્સિડન્ટ પછી બન્ને હેલિકૉપ્ટરમાં જબરદસ્ત આગ લાગી ગઈ હતી અને અંદર બેઠેલા બધા ભસ્મીભૂત થઈ ગયા હતા. એવી ધારણા મૂકવામાં આવે છે કે માલવાહક એવાં આ હેલિકૉપ્ટરની અંદર વિસ્ફોટક સામાન પણ ભર્યો હોઈ શકે છે. જોકે આ બાબતની સ્પષ્ટતા ઍરફોર્સના જામનગર સેન્ટર પરથી કરવામાં આવી નથી. હેલિકૉપ્ટર અથડાયાં એ પછી એના ફુરચાઓ છેક દોઢ હજાર ફૂટ વેરાયા હતા. જામનગરના પોલીસ-સુપરિન્ટેન્ડન્ટ હરિકૃષ્ણ પટેલે કહ્યું હતું કે ‘ખોટા કોડને કારણે બન્ને હેલિકોપ્ટરના પંખાઓ અથડાતાં દુર્ઘટના સર્જાઈ હોવાની શક્યતા છે.’

૩ વર્ષમાં ઍરર્ફોસે ૩૩ પ્લેન ગુમાવ્યાં

છેલ્લાં ત્રણ વર્ષમાં ઍરર્ફોસે અકસ્માતોમાં કુલ ૩૩ ફાઇટર ઍરક્રાફ્ટ ગુમાવ્યાં છે; જેમાં એક જૅગ્વાર, બે મિરાજ-૨૦૦૦, ત્રણ સુખોઈ-૩૦ તથા મિગ સિરીઝનાં ૨૭ ફાઇટર પ્લેન (જેમાં ૧૦ હેલિકૉપ્ટર પણ સામેલ) છે. આ અકસ્માતોમાં કુલ ૨૬ લોકોનાં મોત થયાં હતાં, જેમાં ૧૩ પાઇલટ હતા. આ અકસ્માતોમાં છ નાગરિકોએ પણ જીવ ગુમાવ્યા હતા.

છેલ્લી ઘડી સુધી આંકડાનો અંદાજ નહીં

હેલિકૉપ્ટરમાં કેટલાનું મોત થયું એ બાબત બે કલાક સુધી ગડમથલ અને મૂંઝવણ ચાલી રહી હતી. શરૂઆતમાં બેનાં મોતની માહિતી આપવામાં આવી હતી એ પછી ધીમે-ધીમે આંકડો વધતો ગયો અને છેક બપોરે અઢી વાગ્યે સાચા આંકડાની જાહેરાત કરવામાં આવી હતી. એક તબક્કે તો ઍરફોર્સના કેટલાક અધિકારીઓએ ટ્રેઇનિંગ લઈ રહેલા ઍરફોર્સના ટ્રેઇનીઓની ગણતરી પણ કરી હતી. ઘટના બન્યા પછી દિલ્હી અને હૈદરાબાદથી ઍરફોર્સના કેટલાક સિનિયર અધિકારીઓ જામનગર આવવા માટે રવાના થઈ ગયા હતા.Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK