જૈન શાસનમાં અભૂતપૂર્વ ઘટના

Published: 13th December, 2012 02:48 IST

પંન્યાસ ચન્દ્રશેખરવિજયજી મ.સા.ને મરણોત્તર આપવામાં આવી યુગપ્રધાન આચાર્યની પદવી

રોહિત પરીખ મુંબઈ, તા. ૧૩ જૈન શાસનની એક વિરલ ઘટના ગઈ કાલે સુરતના ગોપીપુરામાં બની હતી. ગઈ કાલે ગોપીપુરામાં હેમેન્દ્ર ચાવાળાના ગૃહજિનાલયમાં ગયા વર્ષની ૮ ઑગસ્ટે કાળધર્મ પામેલા પરમ પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી ચન્દ્રશેખરવિજયજી મહારાજસાહેબની ચરણપાદુકાની પ્રતિષ્ઠા પ્રસંગે ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજસાહેબના સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય જયઘોષસૂરીશ્વરજી મહારાજસાહેબે ચન્દ્રશેખરવિજયજી મહારાજસાહેબને મરણોત્તર અવૉર્ડરૂપે યુગપ્રધાન આચાર્ય ચન્દ્રશેખરસૂરીશ્વરજી મહારાજસાહેબની પદવી એનાયત કરી હતી. આ ઘોષણા સાથે જ હવેથી સ્વર્ગીય પંન્યાસ ચન્દ્રશેખરસૂરીશ્વરજી મહારાજસાહેબ યુગપ્રધાન આચાર્ય ચન્દ્રશેખરસૂરીશ્વરજી મહારાજસાહેબ તરીકે ઓળખાશે. જિનશાસનના ઇતિહાસમાં આવી વિરલ ઘટના પ્રથમ વાર બનતાં ત્યાં હાજર રહેલો સાધુસમુદાય અને જનસમુદાય ભાવવિભોર બની ગયો હતો. ત્યાં હાજર રહેલા સાધુઓએ કહ્યું હતું કે ‘ચન્દ્રશેખરવિજયજી મહારાજસાહેબ જેવું વ્યક્તિત્વ ભૂતકાળમાં કે ભવિષ્યમાં મળવું અશક્ય છે. તેઓ ભાવાચાર્ય તો હતા જ, પણ નિ:સ્પૃહ હોવાથી આચાર્યની પદવીથી દૂર રહ્યા હતા.’ ચન્દ્રશેખરવિજયજી મહારાજસાહેબે જીવતેજીવ આચાર્યની પદવી લેવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો, પરંતુ સુરતના ગોપીપુરામાં ચાલી રહેલા તેમની ચરણપાદુકાની પ્રતિષ્ઠા પ્રસંગે મંગળવારે રાતે તેમના ગુણાનુવાદનો ઉત્સવ ઊજવાયો હતો. ત્યારથી જ ત્યાંનું વાતાવરણ ચન્દ્રશેખરમય બની ગયું હતું. ગઈ કાલે સવારે પહેલાં ગુણાનુવાદ ભક્તિ યોજવામાં આવી હતી. ભક્તોએ નાચી-કૂદીને તેમણે કરેલા ઉપકારોની હેલી વરસાવી હતી. ત્યાર બાદ તેમના પરમ ભક્ત હેમેન્દ્ર ચાવાળાના ગૃહજિનાલયના ભોંયરામાં આચાર્ય જયઘોષસૂરીશ્વરજી મહારાજસાહેબ વીસ મિનિટ સુધી પાદુકા સમક્ષ જાપમાં બેસી પાદુકાની પ્રતિષ્ઠા કરીને બહાર આવ્યા બાદ અચાનક તેમણે બે પેઢીના ઋણી એવા ચન્દ્રશેખરવિજયજી મહારાજને મરણોત્તર અવૉર્ડ આપવો જોઈએ એવી ઇચ્છા પ્રગટ કરી હતી જેને ત્યાં હાજર રહેલા આચાર્ય જયસુંદરસૂરીશ્વરજી મહારાજસાહેબે વધાવી લીધી હતી અને જે અવૉર્ડનો તેમણે જીવતેજીવ સ્વીકાર નહોતો કર્યો એ આચાર્ય પદવી આપવાની દરખાસ્ત કરી હતી. જયઘોષસૂરીશ્વરજી મહારાજસાહેબે આ પદવીમાં ઉમેરો કરતાં કહ્યું હતું કે ચન્દ્રશેખરવિજયજી જેવી વિરલ વ્યક્તિ માટે ફક્ત આચાર્ય વિશેષણ અધૂરું કહેવાય, તેમને તો યુગપ્રધાન આચાર્ય ચન્દ્રશેખરસૂરીશ્વરજી કહેવા જોઈએ. આ વાતને ત્યાં હાજર રહેલા મોટા સાધુસમુદાય અને જનમેદનીએ તાળીઓના ગડગડાટ સાથે સ્વીકારી લીધો હતો. આ માહિતી આપતાં અખિલ ભારતીય સંસ્કૃતિ રક્ષક દળના સરસેનાધિપતિ અને નવસારીના તપોવન સંસ્કાર વિદ્યાપીઠના સર્વસ્વ લલિત ધામીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આજે જિનાલયો અને ઉપાશ્રયોમાં જો ઢગલાબંધ યુવાનો દેખાતા હોય અને પ્રવચનોમાં કાળા વાળવાળા ભાઈઓ દેખાતા હોય તો એનો યશ એકમાત્ર ચન્દ્રશેખરવિજયજી મહારાજસાહેબને જાય છે. સ્વ. ગચ્છાધિપતિ પૂજ્ય શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજસાહેબ કહેતા કે ચન્દ્રશેખર, તારા વ્યાખ્યાનમાં તો મડદાં બેઠાં કરવાની તાકાત છે.’ આવા જિન શાસનના ઉદ્ધારક ગુરુદેવે જીવતેજીવ આચાર્ય પદવી ગ્રહણ ન કરી એ માટે સાધુભગવંતોને હંમેશાં વસવસો રહેતો હતો એમ જણાવતાં લલિત ધામીએ કહ્યું હતું કે ‘ગઈ કાલે અચાનક હાલના ગચ્છાધિપતિ આચાર્ય જયઘોષસૂરીશ્વરજી મહારાજસાહેબને ગુરુદેવની પાદુકાની પ્રતિષ્ઠા પ્રસંગે સ્ફુરણા થઈ અને તેમની ગુરુદેવને મરણોત્તર અવૉર્ડ આપવાની જાહેરાત સાથે જ આ વિરલ ઘટનાના સાક્ષીઓ ભાવવિભોર બની નાચી ઊઠuા હતા.’ આ સાથે જ પંન્યાસ મહાબોધિવિજયજી મહારાજસાહેબે જાહેરાત કરી હતી કે ‘હવેથી જ્યાં-જયાં ચન્દ્રશેખરવિજયજી મહારાજસાહેબના નામનો ઉલ્લેખ થશે ત્યાં તેમના નામની આગળ પંન્યાસને બદલે યુગપ્રધાન આચાર્ય ચન્દ્રશેખરસૂરીશ્વરજી મહારાજસાહેબ એમ લખવામાં આવશે જેની ભારતભરના જૈન સંઘોએ નોંધ લેવી.’
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK