વડીલોના શ્રાદ્ધની સાર્થકતા તેમના મૃત્યુ પહેલાં સમજાઈ જાય તો...

Published: 10th September, 2020 11:43 IST | Jayesh Chitalia | Mumbai

આજ ઉંગલી થામ કે તેરી તુઝે મૈં ચલના સીખલાઉં, કલ હાથ પકડના મેરા જબ મૈં બૂઢા હો જાઉં... આ અપેક્ષા રાખવાનો સમય હવે રહ્યો છે ખરો? આ શ્રાદ્ધના સમયમાં વિચારીએ...

લોકો પોતાના સ્વર્ગવાસી સ્વજનના આત્માને શાંતિ મળે એ માટે તેમના પરિવારજનો તેમના નામે દાન-પુણ્યનાં કાર્ય કરતા હોય છે.
લોકો પોતાના સ્વર્ગવાસી સ્વજનના આત્માને શાંતિ મળે એ માટે તેમના પરિવારજનો તેમના નામે દાન-પુણ્યનાં કાર્ય કરતા હોય છે.

આજ ઉંગલી થામ કે તેરી તુઝે મૈં ચલના સીખલાઉં, કલ હાથ પકડના મેરા જબ મૈં બૂઢા હો જાઉં... આ અપેક્ષા રાખવાનો સમય હવે રહ્યો છે ખરો? આ શ્રાદ્ધના સમયમાં વિચારીએ...

તાજેતરમાં શ્રાદ્ધપક્ષના દિવસો ચાલી રહ્યા છે. લોકો પોતાના સ્વર્ગવાસી સ્વજનના આત્માને શાંતિ મળે એ માટે તેમના પરિવારજનો તેમના નામે દાન-પુણ્યનાં કાર્ય કરતા હોય છે. સારી વાત છે, એ નિમિત્તે સૌ પોતાના સ્વર્ગવાસી વડીલો-સ્વજનોને યાદ કરે છે અને સારાં કાર્ય પણ કરે છે. ધાર્મિક તેમ જ સામાજિક હિતમાં પણ આ વાત સારી ગણાય, પરંતુ જે સ્વજનોની વિદાય બાદ તેમના આત્માની સુખ-શાંતિ માટે વ્યક્ત થતી આ ભાવના જ્યારે તેઓ જીવતા હોય છે, નજરની સામે બેઠા હોય છે ત્યારે ક્યાં ચાલી ગઈ હોય છે? જ્યારે તેઓ ઘરમાં-પરિવારમાં વૃદ્ધ થઈને નિવૃત્ત જીવન ગાળતા હોય છે ત્યારે આ જ વડીલોનાં દિલ-હૃદયને કેમ ઠેસ પહોંચાડવામાં આવતી હોય છે? આ સવાલ જેમને પણ લાગુ પડતો હોય તેઓ આના પર વિચાર કરે.
પોતાના જ ઘરમાં અનાથ
દુનિયાભરમાં અનેક અનાથાશ્રમ અને વૃદ્ધાશ્રમ છે. કમનસીબે એ વધતા રહ્યા છે. જોકે વાસ્તવવાદીઓ કહે છે કે સારું છે, આવા આશ્રમો છે, અન્યથા આ અનાથ બાળકો અને સનાથ-અનાથ વૃદ્ધો ક્યાં જાત? કોણ તેમની કાળજી રાખત? ખેર, આ કરુણ કથા સૌની નજર સામે છે, પરંતુ વૃદ્ધોની વધુ એક કરુણતા તેમના પોતાના ઘરમાં પણ ફેલાવા લાગી છે, જે સીધી નજરે પડતી નથી, પરંતુ જેના પર વીતે છે તે જાણે છે. સ્પષ્ટ ભાષામાં કહેવું હોય તો એમ કહી શકાય કે કેટલાક કિસ્સામાં વડીલોની દશા હવે એવી થઈ રહી છે કે તેઓ પોતાના જ ઘરમાં અનાથની જેમ રહે છે અથવા વૃદ્ધાશ્રમમાં રહેતા હોવાની લાગણી અનુભવે છે.
ઘર ઘર કી કહાની
તમને કંઈ ખબર ન પડે, તમારે વચ્ચે ન બોલવું, તમને નહીં સમજાય, તમે તમારું ધ્યાન રાખો, બસ ચૂપચાપ શાંતિથી બેઠા રહો, અમને સલાહ નહીં આપો! આવાં અનેકવિધ વિધાનો સાંભળવાનું હજારો વડીલો-વૃદ્ધો માટે સહજ થઈ ગયું છે. જેઓ એક સમયે જે ઘર-પરિવારના મોભી હતા, આધારસ્તંભ હતા, દરેક જણ તેમની વાત માનતા હતા, કારણ કે દરેકને તેમણે પોતાની મહેનતથી મોટા કર્યા હતા, સાચવ્યા હતા. તેમની તકલીફોમાં કાળજી લીધી હતી, ભણાવ્યા-ગણાવ્યા હતા. આ બધું જ એક ફરજ-કર્તવ્યના ભાગરૂપ આ વડીલો કરતા રહે છે ત્યારે એક દિવસ તેમને જ આમ હાંસિયામાં ધકેલી દેવાશે એની કલ્પના સુધ્ધાં નથી હોતી. વેધક કરુણતા એ છે કે હવેના તમામ વડીલો આર્થિક રીતે કેટલા સધ્ધર છે, શારીરિક રીતે કેટલા મજબૂત છે અર્થાત્ કેટલા કામના છે એના આધારે ઘરમાં તેમનું સ્થાન બનવા માંડ્યું છે. તેમનાં પોતાનાં સંતાનો હવે મધ્યમ ઉંમરનાં થઈ ગયાં છે અને પોતાનાં બાળકો ધરાવે છે. આમ ઘરમાં ત્રણ પેઢી છે. ક્યાંક આ ત્રણેય પેઢીઓ સાથે રહે છે, ક્યાંક જુદી રહે છે, જેવી જેની સ્થિતિ, પણ વૃદ્ધોનું મહત્ત્વ તેમની ઉપયોગિતા આધારિત થઈ ગયું છે. ક્યાંક અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘બાગબાન’ જેવી દશા છે, જ્યાં પોતાનાં સંતાનો હોવા છતાં વડીલો અનાથ જેવા બની જાય છે. કોઈ ઘરમાં માતાનું હજી ચાલે છે, તો બાપુજીને હાંસિયામાં ધકેલી દેવાયા છે. વળી ક્યાંક બાપુજી હજી ચલણમાં છે, જ્યારે માતા ઘરનોકર જેવી જિંદગી જીવે છે. તો વળી કોઈ ઘરમાં બન્ને વધારાનાં છે. તેમની જરૂરિયાત માત્ર તેમનાં પૌત્ર-પૌત્રીને સાચવવા માટે છે.
આમ શા માટે થઈ રહ્યું છે, કોને કારણે થઈ રહ્યું છે? જેવા સવાલોની ચર્ચા એ માનસશાસ્ત્રીઓ-સમાજશાસ્ત્રીઓનો વિષય છે, પણ હવે આમ થતું રહેશે એવી કલ્પના વાસ્તવિકતા બનવા લાગી છે. તાળી ભલે બે હાથે જ પડે, પણ મોટા ભાગે વાંક એ જ હાથનો નીકળે, જે નબળો હોય. દુનિયાનો દસ્તૂર છે, જે નબળો હોય એ જ ગુનેગાર બની જાય છે.
વૃદ્ધો આર્થિક સ્વાસ્થ્ય પણ સાચવે
દરેક પરિવારની જુદી-જુદી દાસ્તાન છે, દરેક વૃદ્ધની અલગ કથા છે, પરંતુ કેટલીક સમસ્યા કૉમન હોઈ શકે. કોઈ પણ વ્યક્તિ સમય સાથે વૃદ્ધ થાય એ સ્વાભાવિક છે, પણ કમજોર પડે તો નહીં ચાલે. ખાસ કરીને આર્થિક રીતે નબળા પડવું વધુ મોંઘું પડી શકે. જેમને પોતાનાં સંતાનો-પરિવાર તરફથી ચોક્કસ સંકેત મળવા લાગ્યા હોય તો તેઓ પહેલાં પોતાની જાતકમાણી-બચતની આર્થિક પોઝિશનને સધ્ધર રાખવાનું શીખી લે. બીજું, પોતાના સ્વાસ્થ્યની ખાસ કાળજી લે. દીકરાઓ કે વહુઓ સેવા કરશે એવી આશા દરેક કેસમાં સાચી ન પણ ઠરે. વૃદ્ધ પિતા પોતાની વૃદ્ધ પત્નીની પણ આર્થિક સલામતી ઊભી કરી રાખે એ બહેતર છે, જેથી પોતાની વિદાય બાદ પત્નીએ પુત્રો કે તેમની વહુઓ પર આર્થિક દૃષ્ટિએ નિર્ભર ન રહેવું પડે. ઇન શૉર્ટ, હવે પછી કોઈ પણ રીતે દરેક માતા-પિતા પોતાના વૃદ્ધત્વ પહેલાં જ પોતાનું આર્થિક આયોજન મજબૂત બનાવી દે એ જરૂરી છે, જે તેમની બચતમાંથી સંભવ બની શકે. આ સાથે શારીરિક-માનસિક સ્વસ્થતા પણ ટકાવવી આવશ્યક છે.
પહેલેથી સમજી લેવામાં સાર
ઘરમાં તેમને પરિવારજનો ‘તમે બેઠા રહો ચૂપચાપ’ એમ કહેવા માંડે એ પહેલાં જ સાનમાં સમજી લેવાની જરૂર છે. વૃદ્ધો પણ સમજી લે કે તેઓ કાયમ માટે ઘરના-પરિવારના વડીલ ન રહી શકે. તેમણે ઘરના લોકોની અંગત જિંદગીમાં વારંવાર ખટપટ ન કરવી જોઈએ. પોતાના કોઈ જડ કે જટિલ નિયમો-સિદ્ધાંતો લાદવા ન જોઈએ. દરેકની પોતાની જિંદગી હોય છે. દરેકે પોતાનું ભલું શેમાં છે એ પોતે સમજવું અને નક્કી કરવું હોય છે, જે તેમને આજે નહીં સમજાય તો કાલે તેમનાં સંતાનો તેમને સમજાવશે. આજે જેઓ પોતાનાં માતા-પિતાને નહીં સાચવે, તેમને તેમનાં સંતાનો સાચવશે ખરાં? આ સવાલનો સામનો દરેકે કરવાનો આવશે એ યાદ રહે, ‘મુઝ વીતી તુઝ વીતશે...’ અમસ્તું જ નથી કહેવાતું.
માત્ર સંતાનો જવાબદાર નથી હોતાં
જોકે દરેક બાબતમાં અને દરેક કિસ્સામાં માત્ર સંતાનો જવાબદાર જ હોય છે એમ કહેવું યોગ્ય નથી. વડીલો પણ વધુપડતી દરમ્યાનગીરી કરતા રહે, પોતાનું જ ધાર્યું થવું જોઈએ એવી જીદ કર્યા કરે યા પરિવારજનોને ઇમોશનલ બ્લૅકમેઇલ કર્યા કરે તો એ પણ ન્યાયી ન ગણાય. સમય-સંજોગ સાથે વડીલોએ તેમના સ્વભાવ અને અભિગમ બદલવા જોઈએ. બે પેઢી વચ્ચેના અંતરની સમસ્યા આજની નથી, વર્ષોની છે. એમાં પણ આજની જનરેશન નવા યુગની છે, તેમની સામે શરૂઆતથી સુવિધા સાથે સમસ્યાઓ પણ અનેક છે. વડીલોએ હવે માત્ર વડીલની ભૂમિકાને બદલે મિત્રની ભૂમિકા પણ ભજવવી જોઈએ. ક્યાંક આપણે સૌ જવાબદાર છીએ. ક્યાંક આપણે જે લાઇફસ્ટાઇલ અપનાવી છે એ પણ જવાબદાર ગણાય. પ્રત્યેકને પોતાની સ્પેસ, સ્વતંત્રતા, મરજી, મહેચ્છા, લક્ષ્ય મુજબ જીવવું છે.
વૃદ્ધો જ્યારે બાળક બની જાય છે
શ્રાદ્ધ એ માત્ર ધાર્મિક ક્રિયા યા રિવાજ નથી, એના બહુ ગહન અર્થ છે, પરંતુ આપણે બધા કરે છે અને કરવું જોઈએ એટલે કરીએ છીએ. પરંપરાના ભાગરૂપ કરીએ છીએ. અલબત્ત, આપણે જો આપણા વડીલો-સ્વજનોને ખરેખર માનીએ-ચાહીએ છીએ તો તેમના મૃત્યુ પહેલાં, તેમના જીવતા કેમ તેમને સાચવતા નથી? વાસ્તવમાં વડીલો-વૃદ્ધો પોતાની વધતી ઉંમર સાથે બાળક જેવા થતા જાય છે. તેમની આંખે દેખાવાનું ઓછું કે ઝાંખું થઈ જાય છે, કાન સાંભળવામાં કાચા પડે છે. હાથ-પગ બહુ મજબૂત સાથ આપી શકતા નથી. તેમને ઉંમર સાથે આવતા કેટલાક રોગ ઘેરીને કમજોર કરી નાખે છે, તેઓ ક્યારેક સાવ બાળક જેવી વિચિત્ર માગણી અથવા અપેક્ષા પણ વ્યક્ત કરે છે. આવા સમયમાં તેમણે જ્યારે આપણે બાળક હતા ત્યારે આપણને જેમ સાચવેલા તેમ આપણે તેમને જાળવી લેવા જોઈએ. માતા-પિતા, દાદા-દાદી, નાના-નાનીવાળો પરિવાર લકી ફૅમિલી ગણાય. જો આપણે તેમને સાચવીને માણી શકીએ. બાકી ‘જૈસી કરની વૈસી ભરની’ એ કુદરતનો સનાતન નિયમ છે.
(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK