ડીસીપીના બંગલામાં ચાલતા સેક્સ-રૅકેટ મામલે પોલીસની ઉચ્ચ સ્તરની તપાસ શરૂ

Published: 30th December, 2011 04:57 IST

ડેપ્યુટી પોલીસ-કમિશનર (ડીસીપી) નંદકુમાર ચૌગુલેની માલિકીના બંગલામાં ચાલતા સેક્સ-રૅકેટ બાબતના ‘મિડ-ડે’ના અહેવાલ બાદ આ મામલે મુંબઈપોલીસે ઉચ્ચ સ્તરની તપાસ શરૂ કરી છે તેમ જ નંદકુમાર તથા તેમના પરિવારજનોની માલિકીવાળાં મકાનો વિશે પણ એસીબી (ઍન્ટિ-કરપ્શન બ્યુરો) દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

 

ગઈ કાલે ‘મિડ-ડે’માં વર્સોવાના ચાર બંગલા વિસ્તારમાં આવેલા ક્લિયોપેટ્રા-ડે સ્પામાં ૧૦ ડિસેમ્બરે મુંબઈપોલીસની સોશ્યલ સર્વિસ બ્રાન્ચ દ્વારા રેઇડ પાડવામાં આવી હોવાનો અહેવાલ છાપવામાં આવ્યો હતો. આ વિશે વધુ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે આ બંગલો ડીસીપી નંદકુમાર ચૌગુલેનો છે.

સોશ્યલ સર્વિસ બ્રાન્ચે નંદકુમાર તથા સરોજ ભાકુની વચ્ચે થયેલા લિવ ઍન્ડ લાઇસન્સ કરારની તપાસ શરૂ કરી છે. ડીસીપીનાં પત્ની માધુરીના નામ પર બોલાતા આ બંગલામાં સરોજ દ્વારા સ્પા ચલાવવામાં આવતો હતો. ઝોન-૪ના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ  પ્રતાપ દિગ્વિજયકરે કહ્યું હતું કે અમે રેન્ટ-ઍગ્રીમેન્ટની માગણી કરી છે તથા એનો અભ્યાસ કરી રહ્યા છીએ. નંદકુમારનો કેસ વર્સોવા પોલીસ-સ્ટેશનમાં ચાલી રહ્યો છે એ પ્રતાપ દિગ્વિજયકરના તાબા હેઠળ આવેલું છે. મુંબઈપોલીસે પણ આ કેસ વિશે તપાસ શરૂ કરી છે. પોતાનું નામ ન જણાવવાની શરતે એક સિનિયર પોલીસ-ઓફિસરે કહ્યું હતું કે ‘ સોશ્યલ સર્વિસ બ્રાન્ચે વર્સોવા પોલીસ-સ્ટેશન પાસેથી રેન્ટ-ઍગ્રીમેન્ટ મેળવી તપાસ શરૂ કરી છે. નંદકુમાર વિરુદ્ધ કાયદા પ્રમાણે કયાં પગલાં લઈ શકાય એ બાબતે અમે કાર્ય કરી રહ્યા છીએ.’

એસીબીના એક પોલીસ-ઑફિસરે કહ્યું હતું કે ‘અમે આ વિશેનો સંપૂર્ણ અહેવાલ મગાવ્યો છે અને ત્યાર બાદ કાર્યવાહી કરીશું. સંપૂર્ણ તૈયારી બાદ જ કયાં પગલાં લઈ શકાય એ વિશેનો નિર્ણય લઈશું.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK