ભારતરત્નોની તપાસની માગ કરનારાઓની માનસિક સ્થિતિની તપાસ કરાવોઃ ફડણવીસ

Published: 9th February, 2021 12:26 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને જોરદાર નિંદા કરતાં કૉન્ગ્રેસના પ્રવક્તાએ સ્પષ્ટતા કરી કે અમે લતા મંગેશકર કે સચિનની નહીં, બીજેપીની તપાસની માગણી કરી છે

દેવેન્દ્ર ફડણવીસ
દેવેન્દ્ર ફડણવીસ

ગૃહપ્રધાન અનિલ દેશમુખના તપાસના આદેશને ઘૃણાસ્પદ અને અપમાનજનક ગણાવતાં વિરોધપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે મરાઠી હોવાનો તમારો ગર્વ ક્યાં ગયો અને ક્યાં ગયો તમારો મહારાષ્ટ્ર ધર્મ? આવાં રત્નો તો આખા દેશમાં શોધ્યાં નહીં જડે જે દેશ માટે એકઅવાજે ઊભા રહી જનારાં સચિન તેન્ડુલકર અને લતા મંગેશકર જેવા ભારત રત્ન અવૉર્ડના વિજેતાઓ વિરુદ્ધ તપાસના આદેશ આપી શકે.’

ફડણવીસે વધુમાં કહ્યું હતું કે ‘તપાસ તો એમવીએ સરકારની કરાવી જોઈએ. તેમને ભારત રત્ન માટે તપાસ જેવો હીન શબ્દ વાપરતા શરમ આવવી જોઈએ. વાસ્તવમાં ભારત રત્નની વિરુદ્ધ તપાસની માગણી કરનારાઓની માનસિક સ્થિતિની તપાસ કરાવવી જોઈએ.’

જોકે આના જવાબમાં મહારાષ્ટ્ર કૉન્ગ્રેસના પ્રવક્તા સચિન સાવંતે કહ્યું હતું કે ‘અમે ખ્યાતનામ હસ્તીઓની નહીં, પરંતુ બીજેપીની તપાસની માગણી કરી છે. અક્ષયકુમાર અને સાયના નેહવાલનાં એકસમાન ટ્વીટ અંગે બીજેપી કેમ મૌન સેવી રહી છે. સુનીલ શેટ્ટીએ તેનું ટ્વીટ બીજેપીના હોદ્દેદારોને કેમ ટૅગ કર્યું છે. બીજેપી તપાસથી કેમ ડરે છે?

ખેડૂત આંદોલન પર ટ્વીટ કરવા કેટલીક ખ્યાતનામ હસ્તીઓ પર દબાણ કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપમાં રાજ્યનો ઇન્ટેલિજન્સ વિભાગ તપાસ કરશે, એમ મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખે ગઈ કાલે જણાવ્યું હતું.

સત્તારૂઢ ગઠબંધનના સાથી કૉન્ગ્રેસે કેટલીક સેલિબ્રિટીઝના ટ્વીટ સાથે કથિત રીતે બીજેપીનું કનેક્શન હોવાનો દાવો કરતાં આ ટ્વીટમાં ભગવા પાર્ટીનો હાથ તો નથી એમ જણાવી મહારાષ્ટ્ર કૉન્ગ્રેસના પ્રવક્તા સચિન સાવંત અને પક્ષના અન્ય કેટલાક નેતાઓએ વિડિયો-કૉન્ફરન્સના માધ્યમથી ગૃહપ્રધાન અનિલ દેશમુખ સમક્ષ તપાસની માગણી કરી હતી. કોવિડ-19 પૉઝિટિવ હોવાથી અનિલ દેશમુખ હાલમાં આઇસોલેશનમાં છે.

ક્રિકેટર સચિન તેન્ડુલકર અને લતા મંગેશકર સહિત અનેક અગ્રણી હસ્તીઓએ હાલમાં #ઇન્ડિયાટુગેધર અને #ઇન્ડિયાઅગેન્સ્ટપ્રૉપગૅન્ડા સાથે સોશ્યલ મીડિયા પર કેન્દ્ર સરકારની પ્રશસ્તિ કરી હતી. 

અમેરિકન પૉપ સ્ટાર રિહાના અને ક્લાયમેટ ઍક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે નવી દિલ્હીની સરહદ પર નવા ફાર્મ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોને પોતાનો ટેકો જાહેર કર્યા બાદ સોશ્યલ મીડિયા પર # અભિયાન શરૂ કરાયું હતું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK