ચોર પાસે સાચુ બોલાવવા પોલીસે તેના ગળામાં છ ફુટનો સાપ ભરાવી દીધો
આરોપી સાચું ઓકી નાખે એ માટે પોલીસો જાતજાતનાં ટૉર્ચર કરતા હોય છે. જોકે ઇન્ડોનેશિયાના પપુઆ વિસ્તારની પોલીસે કદાચ અત્યાર સુધીમાં કદી કોઈએ ન કર્યું હોય એવું ટૉર્ચર આરોપી પર કર્યું હતું. આ કરતૂતનો એક વિડિયો તાજેતરમાં સોશ્યલ મીડિયા પર લીક થયો છે. ચોરીની શંકાથી એક યુવકને પોલીસે પકડ્યો હતો અને તેની પાસેથી ગુનાની કબૂલાત કરાવવા અને વિગતો કઢાવવા માટે પોલીસ તેની ઊલટતપાસ કરી રહી હતી. પહેલાં પોલીસ ઘાંટાઘાંટી કરે છે અને પછી એણે છ ફૂટ લાંબો અને જાડો સાપ લાવીને રૂમમાં મૂકી દીધો. આરોપી ગભરાઈ ગયો એટલે પોલીસે તેને વધુ ડરાવવા માટે સાપ ઉઠાવીને આરોપીના ગળે ભરાવી દીધો. ડરેલો આરોપી આજીજી કરતો હતો અને ઇન્ટરોગેટર પોલીસને મજા પડતી હોવાથી તે અટ્ટહાસ્ય કરતો હતો. આટલેથી અટકવાને બદલે પોલીસે સાપને ગરદનથી પકડીને આરોપીના નાક અને મોંને અડે એટલું નજીક સાપનું મોં લાવી દીધું.
આ પણ વાંચોઃ લો બોલો! 12 વર્ષે ખોવાયેલી વીંટી નાકમાંથી મળી!
ADVERTISEMENT
જો સાપ કરડશે તો તું પાણી માગવા પણ જીવતો નહીં રહે એવી ધમકીઓ આપીને પોલીસ ડરાવતી રહી અને આરોપી ધ્રૂસ્કે-ધ્રૂસ્કે રડતો પોતે નિર્દોષ છે એવું જ કહેતો રહ્યો. આ વિડિયો વાઇરલ થયા પછી ઇન્ડોનેશિયાની પોલીસે સોશ્યલ મીડિયા પર ચોખવટ કરી છે કે સાપ બિનઝેરી હતો અને આરોપી ડરના માર્યા સાચું કબૂલી લે એ માટે તેને માત્ર ડરાવવામાં આવ્યો હતો.


