Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > એંસીના એ દસકામાં રંગભૂમિ પર છપ્પનની છાતીવાળાઓનું રાજ ચાલતું હતું

એંસીના એ દસકામાં રંગભૂમિ પર છપ્પનની છાતીવાળાઓનું રાજ ચાલતું હતું

03 March, 2020 05:28 PM IST | Mumbai Desk
Sanjay Goradia | sangofeedback@mid-day.com

એંસીના એ દસકામાં રંગભૂમિ પર છપ્પનની છાતીવાળાઓનું રાજ ચાલતું હતું

અદ્ભુત નાટકોના અદ્ભુત સર્જકઃ શેક્સપિયર

અદ્ભુત નાટકોના અદ્ભુત સર્જકઃ શેક્સપિયર


આપણે વાત કરતા હતા દૂરદર્શનની બ્રેકફાસ્ટ સિરિયલની. વિજય તલવારને કુલ ૧૨ એપિસોડ મળ્યા હતા. ચાર-ચાર એપિસોડનું પૅકેજ મળતું. સારું કામ જોઈને બે વખત એક્સટેન્શન આપવામાં આવ્યું અને આમ કુલ ૧૨ એપિસોડ અમે કર્યા. એ પછી તો વિજયભાઈના ભાઈ અને જાણીતા દિગ્દર્શક રમેશ તલવારને પણ બ્રેકફાસ્ટ સિરિયલ માટે અપ્રૂવલ મળ્યું. વિજય તલવારની સિરિયલનું નામ હતું ‘ફુલવારી’ અને રમેશજીની સિરિયલનું નામ હતું ‘ગડબડ’. એનું ડિરેક્શન મૈનાક ત્રિવેદી કરતો હતો. આ મૈનાક ત્રિવેદી પુણેની ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટનો  સ્નાતક અને ખૂબ જ ટૅલન્ટેડ. સવારે શૂટિંગ પર આવે એ પહેલાં પૂરું હોમવર્ક કરીને આવે. મિત્રો, યાદ રાખજો કે જે માણસ શૂટિંગ કે રિહર્સલ્સને ત્યાં જ છોડીને નીકળી જાય છે એ કામને માત્ર વર્કિંગ-અવર્સ તરીકે જુએ છે, પણ કામ જેનું પૅશન છે તે ૨૪ કલાક એની સાથે રહેતો હોય છે. તેના મનમાં સતત એ જ કામ ચાલ્યા કરે છે.

‘ગડબડ’ની વાર્તા બહુ ઇન્ટરેસ્ટિંગ હતી. એમાં બે રાઇવલ જાસૂસની વાત હતી અને લીડ રોલમાં ડેઇઝી ઈરાની હતી. ડેઇઝી એક જમાનામાં ફેમસ ચાઇલ્ડ આર્ટિસ્ટ હતી. ‘હમલોગ’માં લલ્લુનું કૅરૅક્ટર કરનારો રાજેશ પુરી પણ એક મહત્ત્વનું કૅરૅક્ટર કરતો હતો તો સુચિત્રા કૃષ્ણમૂર્તિ પણ એમાં એક કૅરૅક્ટર કરતી હતી. આ સુચિત્રાએ ત્યાર પછી શાહરુખ ખાન સાથે ‘કભી હા, કભી ના’ ફિલ્મ પણ કરી અને એ પછી તેણે ડિરેક્ટર શેખર કપૂર સાથે મૅરેજ કર્યાં અને ડિવૉર્સ પણ લઈ લીધા.



‘ગડબડ’ના અમે ૧૨ એપિસોડ કર્યા. એમાં પણ હું પ્રોડક્શન-મૅનેજરની જવાબદારી નિભાવતો, પણ એ ઉપરાંત ઍક્ટર તરીકે પણ મારો ખૂબ ઉપયોગ કરવામાં આવ્યો. સંજય ગોરડિયાને માન આપવાનું અને મારી ઍક્ટિંગ-ટૅલન્ટ પર સૌથી વધારે વિશ્વાસ મૂકવાનું કામ જો કોઈએ કર્યું હોય તો એ છે ડિરેક્ટર મૈનાક ત્રિવેદી. આજે હું એક પ્રોડ્યુસર છું, ડિરેક્ટર પણ છું અને એ પછી પણ ઍક્ટર સંજય ગોરડિયા તરીકે મારી ઓળખ વધારે છે પણ એ બન્યું ૨૦૦૩ પછી, એ પહેલાં મને પોતાને પણ મારી આ ઍક્ટર તરીકેની કૅપેસિટીની ખબર નહોતી, પણ મૈનાક ત્રિવેદી પહેલી એવી વ્યક્તિ છે જેણે હંમેશાં કહ્યું કે સંજય ગોરડિયા ખૂબ સારો ઍક્ટર છે. એ પછી બીજી સિરિયલ બનાવી ત્યારે પણ તેણે મને અલગ-અલગ રોલ આપ્યા અને મારી ઍક્ટિંગ--સ્કિલને બિરદાવી. ‘ગડબડ’ પછીની સિરિયલમાં હું પ્રોડક્શન સંભાળી નહોતો શકતો, પણ ઍક્ટર તરીકે ખાસ રોલ ઑફર કરીને મને બોલાવવામાં આવ્યો અને એ વાત એક ઍક્ટર માટે બહુ મોટી છે. એ વાત જુદી છે કે મૈનાકની બીજી કોઈ સિરિયલ ટીવી-સ્ક્રીન સુધી પહોંચી નહીં, પણ મને ઍક્ટર તરીકે સૌપ્રથમ વાર રેકગ્નાઇઝ કરવાનું કામ તો મૈનાકે જ કર્યું હતું.


મિત્રો, આ બધું ચાલતું હતું એ દરમ્યાન સતત નવાં નાટકો આવતાં રહેતાં હતાં. આ નાટકોમાં જો કોઈ નાટક અત્યારે મને યાદ આવતું હોય તો એ છે ‘ગગનભેદી’. આ નાટક ઓરિજિનલી મરાઠી હતું. શેક્સપિયરના ત્રણ વર્લ્ડ ફેમસ નાટક ‘ઓથેલો’, ‘મૅકબેથ’ અને ‘હેમ્લેટ’ને ભેગાં કરીને આ નાટક બનાવવામાં આવ્યું હતું. મિત્રો, શેક્સપિયરનાં નાટકોનો તમે અભ્યાસ કરશો તો તમને દેખાશે કે તેઓ માણસની, જીવનની અને જીવનના દરેક રસો પરથી નિર્માણ થતી પરિસ્થિતિ પર નાટકો લખતા. તેમનાં નાટકોમાં દરેક પ્રકારની વ્યક્તિની માનસિકતા અને તેની નબળાઈઓ સ્પષ્ટપણે દેખાતી. ‘ઓથેલો’ જુઓ તમે, એમાં હીરો શંકાશીલ છે, તે સતત શંકા કરે છે અને એની આ શંકા કેવું પરિણામ આપે છે એની વાત છે. ‘ઓથેલો’ પરથી વિશાલ ભારદ્વાજે ‘ઓમકારા’ બનાવી, જેમાં અજય દેવગન, સૈફ અલી ખાન, કરીના કપૂર અને વિવેક ઑબેરૉય હતાં. માનવજાતની સૌથી મોટી દુશ્મન જો કોઈ હોય તો એ શંકા છે એ વાતને દર્શાવવાનું કામ ‘ઓથેલો’એ કર્યું હતું. શેક્સપિયરના બીજા નાટક ‘મૅકબેથ’ની વાત કરીએ. ‘મૅકબેથ’માં માણસની અંદર જે ગુનાહિત ભાવના છે એની વાત કરવામાં આવી છે. આ ભાવના દરેક માણસમાં હોય છે. દરેકમાં કોઈ ને કોઈ ગિલ્ટ છે અને આ ગિલ્ટ સાથે તે આખી જિંદગી જીવે છે. ‘મૅકબેથ’ પરથી પણ વિશાલ ભારદ્વાજે ઇરફાન ખાનને લઈને ‘મકબૂલ’ બનાવી હતી. હવે વાત કરીએ ત્રીજા નાટક ‘હેમ્લેટ’ની. ‘હેમ્લેટ’નો હીરો સતત કન્ફ્યુઝ છે કે શું કરું, ક્યાં જાઉં? આ બાજુ જાઉં કે પેલી તરફ જાઉં. એનો ફેમસ ડાયલૉગ હજી પણ મને યાદ છે, To be or not to be.

શેક્સપિયરનાં આ ત્રણેય નાટક અને એનાં પાત્રો પરથી એક નાટક બન્યું, નામ એનું ‘ગગનભેદી’. આગળ કહ્યું એમ, નાટક પહેલાં મરાઠીમાં બન્યું અને એ પછી ગિરેશ દેસાઈએ નાટક ગુજરાતીમાં બનાવ્યું. ‘ગગનભેદી’ સુપરફ્લૉપ થયું, પણ સાહેબ, આવું નાટક કરવાની હિંમત હોવી જોઈએ. આ એ સમયગાળો હતો જ્યારે સાચા અર્થમાં છપ્પનની છાતીવાળા નિર્માતા-દિગ્દર્શક ગુજરાતી રંગભૂમિ પાસે હતા. છપ્પનની છાતીવાળા રંગકર્મીઓની વાત થતી હોય ત્યારે મહેન્દ્ર જોષીને કેવી રીતે ભૂલી શકાય. મહેન્દ્રભાઈએ ‘ખેલૈયા’ કર્યું. ‘ખેલૈયા’નો શો પૃથ્વી થિયેટરમાં થયો અને એ પછી મહેન્દ્ર જોષીના આ પ્રકારના નાટક પૃથ્વી થિયેટરમાં થવા માંડ્યાં. અત્યારે મને સતીશ આલેકરનું ‘મહાનિર્વાણ’ નાટક યાદ આવે છે. આ નાટક ગુજરાતીમાં ‘તાથૈયા’ના નામે થયું હતું, જેમાં દેવેન ભોજાણીનો ખૂબ જ સરસ રોલ હતો. ‘તાથૈયા’માં આમિર ખાન બૅકસ્ટેજ કરતો હતો. એ પછી મહેન્દ્ર જોષીનું નાટક આવ્યું, ‘પશિયો રંગારો’. આ નાટકમાં આમિર ખાનનો બહુ નાનો રોલ હતો.


આમિર ખાન અને દેવેન ભોજાણી મહેન્દ્ર જોષીને કારણે કેવી રીતે એકબીજાને મળ્યા અને દેવેનને કેવી રીતે ફિલ્મમાં એન્ટ્રી મળી એની વાતો કરીશું આવતા મંગળવારે.

ફૂડ ટિપ્સ

મહેસાણાનો શો પૂરો કરીને અમે બીજા દિવસે મોડાસા જવા નીકળ્યા. મોડાસા અમદાવાદથી લગભગ ૨૦૦ કિલોમીટર દૂર આવેલું એક નાનકડું ટાઉન છે જે રાજસ્થાનની બૉર્ડરની સાવ નજીક છે. મોડાસામાં અમારા નાટક ‘બૈરાંઓનો બાહુબલી’નો શો હતો. મોડાસા નાનું ટાઉન. આ ગામની સૌથી મોટી જો કોઈ ઓળખ હોય તો એ છે વણજારી વાવ. વણજારી વાવ સિવાય બીજી કોઈ વાત ગામની સાંભળી નહોતી અને ખાસ તો ક્યારેય મોડાસાની ખાવાને લગતી કોઈ સ્પેશ્યલ વરાઇટીની વાત સાંભળી નહોતી એટલે મને નહોતું કે ત્યાંથી તમારા માટે કોઈ સારી ફૂડ-ટિપ મળશે, પણ હું ખોટો પડ્યો. મોડાસાની ફેમસ વણજારી વાવથી થોડે દૂર મેઇન બજાર છે. આ મેઇન બજારમાં એક રેસ્ટોરાં છે, નામ એનું પૂર્ણિમા. આ પૂર્ણિમા રેસ્ટોરાંમાં અમને ઑર્ગેનાઇઝર નાસ્તો કરવા લઈ ગયા. આ નાસ્તામાં એક આઇટમ હતી, લીલી ભેળ. સાચે હું તો આભો બની ગયો. લીલી ભેળ શું છે એની તમને વાત કહું.

Sanjay Goradiaવાવ અને ભેળનો સમન્વય : મોડાસામાં મળતી લીલી ભેળનો સ્વાદ અને વણજારી વાવનો નજારો બન્ને અદ્ભુત છે.

લીલી ભેળમાં વઘારેલા મમરા, સેવ, પૌંઆ, મકાઈ પૌંઆ, દાલમૂઠ, ગાંઠિયા નાખીને એમાં થોડી સાકર ભેળવે અને પછી એના પર લીંબુ, કાંદા, ટમેટાં, લીલાં મરચાં અને કોથમીર નાખીને તમને આપવામાં આવે. આમ તો આ ભેળ સૂકી ભેળ જેવી છે, પણ એ ખાતી વખતે ક્યાંય તમને ગળે અટકતી નથી. મજાની વાત પાછી એ કે એનો ટેસ્ટ અદ્ભુત છે. આજ સુધી વણજારી વાવને લીધે ફેમસ ગણાતા મોડાસા માટે હું તો કહીશ કે મોડાસાને આ લીલી ભેળને કારણે પણ ઓળખવું જોઈએ. માત્ર પૂર્ણિમા રેસ્ટોરાંમાં મળતી આ લીલી ભેળની બીજી એક ખાસિયત એ છે કે એ ખાધા પછી પેટ જરા પણ હેવી નથી થતું. મિત્રો, જો મોડાસા જવાનું થાય તો બે કામ અચૂક કરજો. એક તો વાવ જોજો અને ત્યાંથી સીધા લીલી ભેળ ખાવા માટે પહોંચી જજો.

Whatsapp-channel Whatsapp-channel

03 March, 2020 05:28 PM IST | Mumbai Desk | Sanjay Goradia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK