Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > જો આવી ઘટનાઓ ચાલું રહી તો આવનારાં સમયમાં પુરુષ સમાજને કોઈ બચાવી નહિ શકે

જો આવી ઘટનાઓ ચાલું રહી તો આવનારાં સમયમાં પુરુષ સમાજને કોઈ બચાવી નહિ શકે

12 December, 2019 02:36 PM IST | Mumbai Desk
Jayesh Chitaliya

જો આવી ઘટનાઓ ચાલું રહી તો આવનારાં સમયમાં પુરુષ સમાજને કોઈ બચાવી નહિ શકે

જો આવી ઘટનાઓ ચાલું રહી તો આવનારાં સમયમાં પુરુષ સમાજને કોઈ બચાવી નહિ શકે


સ્કૂલમાં ભણતી છોકરીનું અપહરણ કરી તેના પર બળાત્કાર કરનાર યુવાનને પોલીસ પકડી જાય એ પહેલાં ટોળાએ જ તેને જીવતો બાળી નાખ્યો

એક સગીર બાળા સાથે દુષ્કર્મ કરનાર આધેડ વયના પુરુષને કેટલીક સ્ત્રીઓએ મારી-મારીને પતાવી નાખ્યો
સામૂહિક બળાત્કારના અપરાધીઓને ફાંસીની સજા કરાવવા વ્યાપક આંદોલન, કોર્ટમાં દાખલ કરાયેલી સંખ્યાબંધ પિટિશન
સંખ્યાબંધ મહિલાઓએ પત્ની પર અત્યાચાર કરનાર પતિને મેથીપાક ચખાડ્યો અને પત્નીએ પણ તેને જૂતાંથી માર્યા બાદ તેને ઘરમાંથી કાઢી મૂક્યો
સ્કૂલની બાળકીઓ સાથે અભદ્ર-અશ્લીલ વર્તન કરનાર શિક્ષકને સ્કૂલના મૅનેજમેન્ટે પોતે જ નોકરીમાંથી દૂર કરી તેનું મોઢું કાળું કરી જૂતાંનો હાર પહેરાવી ફેરવ્યો
ટ્રેનમાં યુવતી સાથે અભદ્ર ચેડાં કરનાર યુવાનને સ્ટેશન પર ઊતરીને એકસાથે ભયંકર માર મારીને આવી રહેલી ટ્રેન સામે પાટા પર ફેંકી દીધો
અનેક શહેરોમાં સ્ત્રીઓનાં આંદોલન : બળાત્કારની સજા માત્ર અને માત્ર ફાંસી જ જોઈએ
સામૂહિક બળાત્કાર કરનાર યુવાનોને સામૂહિક રીતે જાહેરમાં લોકોએ જ ફાંસી આપી દીધી આગામી અમુક વરસ બાદનાં અખબારોમાં આવી અને આનાથી પણ વધુ ભયાનક હેડલાઇન સાથેના સમાચાર નિયમિત વાંચવા મળે તો નવાઈ નહીં. અહીં આપેલી હેડલાઇન્સમાં સંયમ રખાયો છે, પરંતુ વાસ્તવમાં આનાથી પણ ભયંકર ઘટના સ્ત્રીઓ-યુવતીઓ સાથે શારીરિક અત્યાચાર કરનાર લોકો સાથે બની શકે છે એ લખી રાખો. આ ભવિષ્યવાણી નથી બલકે વાસ્તવિક વાણી છે. એક અંતિમવાદથી બીજા અંતિમવાદ પર આ ઘટના જવાની છે. સ્ત્રીઓ મારફત, સ્ત્રીઓ દ્વારા પુરુષ સમાજ સામે બહુ ક્રૂર રીતે બદલો લેવાશે. નારી જગતે સહન કરવાની લગભગ તમામ સીમાઓ પૂરી થવા આવી છે તેમ છતાં તેમના પર એક યા બીજા સ્વરૂપે આક્રમણ ચાલુ જ છે. આ બધાના કાતિલ પ્રત્યાઘાત હવે તૈયાર થઈ રહ્યા છે. સમય ખતરનાક કરવટ લઈ રહ્યો છે. આમાં ક્યાંક સાચો-સારો પુરુષ પણ ભોગ બની શકે છે, પરંતુ હવે જે પુરુષ સમાજે સ્ત્રીઓ સાથે કર્યું છે એનાથી બમણા જોર સાથે સ્ત્રી સમાજ પુરુષો સાથે કરશે. અલબત્ત, પુરુષ નિર્દોષ નારીઓ-યુવતીઓ પર પણ સિતમ કરતો આવ્યો છે, જ્યારે સ્ત્રીઓ મોટા ભાગે અપરાધી પુરુષોને જ ટાર્ગેટ કરશે. તેમની સામે લડશે, બળવો કરશે; જેમાં તે હિંસા અને ક્રૂરતા સુધી જાય તો જરાય નવાઈ પામવા જેવું નહીં હોય.



અપરાધીની માતાનો ન્યાય
હૈદરાબાદમાં જે યુવાન ડૉક્ટર પર સામૂહિક બળાત્કાર અને તેને જીવતી બાળી નાખવાની ઘટના બની એ પછી આખા દેશમાં આક્રોશ ફેલાયો ત્યારે એક અવાજ અપરાધીની માતા તરફથી પણ બહાર આવ્યો હતો, જેની ગંભીર નોંધ લેવાની જરૂર છે. આ માતાએ પોતાના પુત્રના એ કાળા કૃત્ય બદલ તેને જીવતો સળગાવી દેવાની વાત કરી હતી. આવું હજી સુધી ભાગ્યે જ બન્યું હશે કે કોઈ માતાએ પોતાના અપરાધી દીકરાને આટલી ક્રૂર સજા કરવાનું કહ્યું હોય. ‘મધર ઇન્ડિયા’ ફિલ્મ આજે પણ આપણા સમાજમાં દાખલારૂપ છે જેમાં માતા તરીકે નર્ગિસ પોતાનો પુત્ર જ્યારે ગામની સ્ત્રીને જબરદસ્તી ઉપાડીને ભાગતો હોય છે ત્યારે એ માતા પોતાના પુત્ર પર બંદૂકની ગોળી ચલાવીને તેને મરણને શરણ કરી દે છે.


આવા દુષ્કૃત્યના સમાચાર ક્યાં સુધી?
આ ઘટનાના સમાચાર સંભળાવતી વખતે અને એના પર અભિપ્રાય લેતી વખતે એક ચૅનલની મહિલા ખુદ રડી પડી હતી અને તેણે આક્રોશ સાથે એ પણ કહ્યું હતું કે ક્યાં સુધી અમે આ સમાચાર આપતા રહીશું? કેટલી વાર એના વિશે ચર્ચા ગોઠવતા રહીશું? કેમ આ દુષ્કૃત્ય અટકતાં નથી? ઉપરથી સતત બનતાં જ જાય છે! આ બન્ને સ્ત્રીસહજ પીડાની પરાકાષ્ઠા હતી. જેમને એ ભોગ બનેલી ડૉક્ટર સાથે કોઈ સંબંધ ન હોવા છતાં અનેક મહિલાઓએ (પુરુષોએ પણ) આ અપરાધનો ભયંકર વિરોધ કર્યો છે. અપરાધીઓને ફાંસીથી ઓછી સજા ન થવી જોઈએ એવી માગણી પણ ઊઠી. આવું દિલ્હીમાં અમુક વરસ પહેલાં નિર્ભયા કેસમાં પણ બન્યું હતું, જે પણ પુરુષોની ક્રૂરતાની દર્દનાક કથા હતી જ્યારે કે હૈદરાબાદની ઘટના પણ એટલી જ ક્રૂર અને કરુણ હતી.

મોતની સજા કાયમી ઉપાય ગણાય?
હૈદરાબાદ કેસમાં સજાની બાબતે હજી તો લોકોનો આક્રોશ ચાલી રહ્યો છે અને આ વિષયમાં અદાલતમાં કેસ ચાલે એ પહેલાં તો આ ચાર નરાધમોને મોતની સજા મળી ગઈ. આ ચારેયને એન્કાઉન્ટરના નામે ગોળીએ દેવાયા હતા (પબ્લિક બધું સમજતી હોય છે એન્કાઉન્ટર વિશે). અન્યથા કોર્ટમાં આ કેસ વિશે જાત જાતની સુનાવણી થાત. સજાના નામે અમુક વરસની જેલ થાત. દેશના અગ્રણીઓ આ ઘટનાની ભારે આલોચના કર્યા કરત. પરંતુ પછી શું? કાનુન તેના દાયરામાં રહીને કામ કરત. તેને બદલે પહેલીવાર એવું બન્યું કે અમુક દિવસમાં જ પોલીસોએ આ અપરાધીઓને રફાદફા કરી નાંખ્યા. આ ઘટનાને મહત્તમ જાહેર જનતાએ વધાવી લીધી છે, તેનો અર્થ પણ એ જ થાય કે ભવિષ્યમાં આવા નરાધમોને આવી જ ક્રુર સજા થશે તો ભાગ્યે જ તેનો વિરોધ થશે, ઉપરથી તેને બિરદાવાશે. કથિત માનવતાવાદીઓ પણ આવા કેસમાં આગળ આવતા વિચારશે. જો કે થોડા દિવસો કે મહિના પછી આવી ઘટના ફરી બની શકે છે, કિંતુ સંભવત એક ભય જરૂર ઊભો થશે. અહીં એ નોંધવું જરૂરી છે કે આ ઘટના બની એ પછી પણ તરત જ ઉપરાઉપરી આવી શારીરિક અત્યાચાર-બળાત્કારની ઘટના બનતી ગઈ હતી. ફાંસી કે મોતની સજા બાદ ડર વધી શકે, કિંતુ આવી ઘટના અટકી જવાનું સંભવ નથી. એનો અર્થ એ નથી કે આવા અપરાધીઓને ફાંસી યા મોત ન આપવા જોઈએ. પણ આ સાથે આવી સમસ્યાના ખરાં અને નક્કર ઉપાય માટે કંઈક જબરદસ્ત કાનુની અને સુરક્ષા વ્યવસ્થા બનવી જોઈએ. જેમાં અમુક જ દિવસમાં સજા થઈ જવી જોઈએ. રિઅલ સેન્સમાં ફાસ્ટ ટ્રેક કોર્ટ કહી શકાય એવી રચના સાથે તેનો અમલ થવો જોઈએ.


યુવતીઓ કોની–કોની સામે લડશે?
કેટલાંક લોકોએ સમાજને એવી સલાહ આપી છે કે યુવતીઓને મહેંદી, ડાન્સ, મ્યુઝિક વગેરેના કલાસ ભરાવાને બદલે સેલ્ફ ડિફેન્સના કલાસ–તાલીમ અપાવો. આવું કહેવાનો અર્થ એ થઈ શકે કે સ્ત્રીઓ પર અત્યાચાર થતા રહેશે અને તેમણે પોતે સેલ્ફ ડિફેન્સ માટે તાલીમ લેવી જોઈશે. શું સ્ત્રી સમાજમાં સ્વતંત્રતા સાથે કોઈપણ ભય વિના જીવી શકે નહીં? પોતાના શોખ કે ઈચ્છા પુરી કરવા માટે તેમણે સેલ્ફ-ડિફેન્સ સાથે સજજ થવું પહેલાં જરૂરી છે? તેમને પૂર્ણ સલામતી કેમ મળી શકે નહીં? આ કેવો સમાજ ગણાશે? જયાં સ્ત્રીઓ પરના અત્યાચાર અટકાવવાને બદલે-બંધ કરાવવાને બદલે સ્ત્રીઓને તેનો સામનો કરવા સજજ થવાનું કહેવાય છે. આ સલાહ આપણી માનસિકતાની બહુ મોટી કરૂણતા છે. મહિલા કયાં-કયાં પોતાની રક્ષા કરે? કઈ ઉંમરથી રક્ષા કરવાનું શરૂ કરી દે? કોની અને કેટલાં લોકો સામે રક્ષા માટે સજજ થાય? એ કરાટે પણ શીખી લે તોય શું ? તેના પર આક્રમણ કરનારાની સંખ્યા મોટી હોય છે. તેને ફસાવવાની રીતો-ચાલાકી પણ ખતરનાક હોય છે. ચાર વરસની બાળા કયાંથી પોતાની રક્ષા કરવાની? યુવાન સ્ત્રી હોય તો પણ તે કેટલાંની સામે લડવાની? મહિલા કેટલાં લોકોનો સામનો કરી શકવાની? તો શું મહિલાઓએ આ માટે જન્મ લીધો છે કે પુરુષ સમાજ તેમના પર અત્યાચાર કરે ત્યારે તેમણે પોતે સ્વ-રક્ષણ માટે તૈયાર રહેવાનું! યુવતીઓના માતા-પિતાએ કાયમ તેની દીકરીઓની ચિંતા કરતા રહેવાનું? અને તેની સાથે દુર્ઘટના બની જાય ત્યારે ન્યાય માટે લડતા રહેવાનું? સ્ત્રીઓને સલાહ આપતા રહેવાનું કે તેમણે આ વસ્ત્રો ન પહેરવા, મોડે સુધી બહાર ન રહેવું, પાર્ટીઓમાં ન જવું, અમુક સમય દરમ્યાન બહાર ન જવું વગેરે. પુરુષોને સમાજ કંઈ નહીં કહે? કાનુન પણ કંઈ નહીં કહે? એટલે કે મહિલા જયાં અને જ્યારે પણ બહાર જાય ત્યારે તેની સાથે કોઈપણ અકસ્માત ઘટી શકે છે એ માટે તેણે તૈયાર રહેવાનું અને ભોગવવાનું ! કાં તો ઘરમાં બેઠાં રહેવાનું !

જવાબદાર કોણ-કેટલું?
આવી પરિસ્થિિત માટે જવાબદાર કોણ છે ? સંયુકત રીતે તો ઘણાં પરિબળો જવાબદાર ગણાઈ શકે, કિંતુ ચોક્કસ ફિલ્મો અને સોશ્યલ મીિડયા પણ ઘણેખરે અંશે જવાબદાર બને છે. ખાસ કરીને સેન્સર વિનાના પ્રસાર માધ્યમો આ જુલમ-અત્યાચાર-સેક્સની આગ પ્રગટાવવામાં, તેમાં ઘી, પેટ્રોલ કે ડિઝલ નાંખવામાં બહુ જ ભૂંડી ભૂમિકા ભજવી રહ્યા છે. એમાં વળી મોબાઈલ પર મળતી કંઈપણ જોવાની સવલત પર કોઈ અંકુશ નથી. આપણે કાયમ આપણા દેશ માટે ગૌરવ લેવાની વાતો કરીએ છીએ અને મેરા ભારત મહાનના નારા લગાવીએ છીએ. આપણે કહીએ છીએ , હમ ઉસ દેશ કે વાસી હૈ, જીસ દેશમેં ગંગા બહેતી હૈ, કિંતુ હવે એવો સમય આવ્યો છે કે આપણે કહેવું પડે
હમ ઉસ દેશ કે વાસી હૈ
જીસ દેશમેં ગંગા રોતી હૈ,
સરકાર કિસી કી ભી હો,
ઐસે મામલોમેં વોહ હંમેશા સોતી હૈ - જ.ચિ.

Whatsapp-channel Whatsapp-channel

12 December, 2019 02:36 PM IST | Mumbai Desk | Jayesh Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK