દુશ્મનો સાવધાન, ભારતને મળ્યું લાદેન કિલર હેલિકૉપ્ટર અપાચે

Published: May 12, 2019, 10:04 IST | (જી.એન.એસ.) | નવી દિલ્હી

ભારતે અમેરિકા પાસેથી પ્રથમ અપાચે ગાર્ડિયન અટૅક હેલિકૉપ્ટર મેળવ્યું, અમેરિકાની માફક ભારત પણ આતંકવાદીઓનાં ઠેકાણાં પર ઍરસ્ટ્રાઇક કરી શકશે : આ વર્ષે જુલાઈ સુધી હેલિકૉપ્ટરનો પ્રથમ બૅચ ભારત મોકલવાનો પ્રયાસ : વાયુસેનાનું ટ્વીટ

અપાચે હેલિકૉપ્ટર
અપાચે હેલિકૉપ્ટર

અમેરિકાથી ભારતને પ્રથમ અપાચે ગાર્ડિયન અટૅક હેલિકૉપ્ટર મળ્યું છે. અમેરિકાના એરિઝોનામાંના પ્રોડક્શન ફૅસિલિટી સેન્ટરમાં ભારતીય વાયુસેનાએ પ્રથમ હેલિકૉપ્ટર મેળવ્યું છે. ભારતે અમેરિકા સાથે બાવીસ અપાચે ગાર્ડિયન અટૅક હેલિકૉપ્ટરનો કરાર કર્યો છે. ભારતીય વાયુસેનાએ આ પ્રસંગે ટ્વીટ કરીને કહ્યું કે આ વર્ષે જુલાઈ સુધી હેલિકૉપ્ટરનો પ્રથમ બૅચ ભારત મોકલવાનો પ્રોગ્રામ છે. ઍર-ક્રૂ અને ગ્રાઉન્ડ-ક્રૂએ અલબામાસ્થિત અમેરિકન સેનાની ટ્રેઇનિંગ ફૅસિલિટીમાં પ્રશિક્ષણ લીધું હતું. અપાચેને સોંપવાના પ્રસંગે ભારતીય વાયુસેનાના ઍરમાર્શલ એ. એસ. બુટોલા અને અમેરિકી સરકારના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. અપાચે ગાર્ડિયન મલ્ટિ રોલ ફાઇટર હેલિકૉપ્ટર છે જે ૨૮૪ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઊડી શકે છે અને એમાં બે હાઈ પર્ફોર્મન્સ એન્જિન છે.

ભારતે ૨૦૧૫માં અમેરિકન વિમાન પ્રોડક્શન કંપની બોઇંગ સાથે ૨૨ અપાચે ખરીદવાની ડીલ કરી હતી. ૨.૫ અબજ ડૉલર (અંદાજિત ૧૭.૫ હજાર કરોડ રૂપિયા)ની આ ડીલમાં ૧૫ ચિનુક હેલિકૉપ્ટર પણ સામેલ હતાં. બોઇંગ અનુસાર સૌથી શક્તિશાળી હેલિકૉપ્ટર અપાચે ખાસ પ્રકારે ભારતીય વાયુસેનાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યાં છે. ઓછી ઊંચાઈએ ઉડાનની ક્ષમતાને કારણે એ પહાડી વિસ્તારમાં છુપાઈને વાર કરવા માટે સક્ષમ છે.

હેલિકૉપ્ટરમાં લેઝ, ઇન્ફ્રારેડ અને અન્ય નાઇટ વિઝન સિસ્ટમ લગાવવામાં આવી છે જે અંધારામાં પણ દુશ્મનોને ટાર્ગેટ કરીને પ્રહાર કરી શકે છે. હેલિકૉપ્ટરથી અત્યાધુનિક મિસાઇલ ફાયર કરી શકાય છે અને સાથે જ એ અનેક પ્રકારના બૉમ્બ-બ્લાસ્ટ કરવામાં પણ સક્ષમ છે. દુશ્મનોની નજરે પડ્યા વગર આ હેલિકૉપ્ટર ટાર્ગેટ-લોકેશનને નક્ટ કરી શકે છે.

અપાચેનું નિર્માણ અમેરિકાના એરિઝોનામાં થયું છે. આ અગાઉ ભારતીય વાયુસેનાને ચિનુક હેવીલિફ્ટ હેલિકૉપ્ટર મળી ગયું છે. બોઇંગ એએચ-૬૪ઈ અપાચે વિશ્વનાં સૌથી ઘાતક હેલિકૉપ્ટર ગણાય છે. ગયા વર્ષે અમેરિકાએ ભારતીય સેનાને ૬ એએચ-૬૪ઈ હેલિકૉપ્ટર આપવાની સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા જેને ચીન અને પાકિસ્તાનની બૉર્ડર પર તહેનાત કરવામાં આવશે.

અપાચેની ખાસિયતો

અપાચે હેલિકૉપ્ટરની મહત્તમ સ્પીડ છે ૨૮૦ કિલોમીટર પ્રતિ કલાક.

આ હેલિકૉપ્ટરને રડારથી પકડવાં ખૂબ જ મુશ્કેલ છે.

એનું સૌથી ખતરનાક હથિયાર છે ૧૬ ઍન્ટિ ટૅન્ક મિસાઇલ છોડવાની ક્ષમતા.

અપાચે હેલિકૉપ્ટરની નીચે લાગેલી રાઇફલમાં એક વારમાં ૧૨૦૦ ગોળીઓ ભરી શકાય છે.

આ હેલિકૉપ્ટરની ફ્લાઇંગ રેન્જ છે આશરે ૫૫૦ કિલોમીટર.

અપાચે હેલિકૉપ્ટર સતત પોણાત્રણ કલાક સુધી ઊડી શકે છે.

નાઇટવિઝન સિસ્ટમની મદદથી રાતે પણ દુશ્મનોને શોધવા, હવામાંથી જમીન પર વાર કરનારાં રૉકેટ છોડવા અને મિસાઇલ વગેરે લઈ જવામાં સક્ષમ.

આ પણ વાંચો : 61 વર્ષે થયું માતા-દીકરીનું મિલન, આંખ ભીની કરે એવો નજારો

અપાચે દુનિયાનાં એ ગણ્યાંગાંઠ્યાં હેલિકૉપ્ટરોમાં સામેલ છે, જે કોઈ પણ ઋતુ અથવા કોઈ પણ સ્થિતિમાં દુશ્મન પર હુમલો કરી શકે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK