Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > તું નાટક કેવી રીતે ઓપન કરીશ, પચીસમીએ તો અમારો શો છે

તું નાટક કેવી રીતે ઓપન કરીશ, પચીસમીએ તો અમારો શો છે

02 June, 2020 07:47 PM IST | Mumbai
Sanjay Goradia | sangofeedback@mid-day.com

તું નાટક કેવી રીતે ઓપન કરીશ, પચીસમીએ તો અમારો શો છે

આપણી લેન નહીંને: જે સમયે ઉપેન્દ્ર ત્રિવેદીની એક ઝલક જોવા માટે એકેક ગુજરાતી કલાકો સુધી તડકામાં ઊભો રહેતો એ સમયે વનેચંદે ઉપેન્દ્રભાઈને ઓળખ્યા નહીં, એટલું જ નહીં, વટથી જવાબ પણ દીધો: ‘આપણે નો ઓળખી, આપણી લેન નહીંને!’

આપણી લેન નહીંને: જે સમયે ઉપેન્દ્ર ત્રિવેદીની એક ઝલક જોવા માટે એકેક ગુજરાતી કલાકો સુધી તડકામાં ઊભો રહેતો એ સમયે વનેચંદે ઉપેન્દ્રભાઈને ઓળખ્યા નહીં, એટલું જ નહીં, વટથી જવાબ પણ દીધો: ‘આપણે નો ઓળખી, આપણી લેન નહીંને!’


આપણી વાત ચાલી રહી છે ‘બા રિટાયર થાય છે’ના સર્જનકાળની. ૨પ ફેબ્રુઆરીની સાંજે તેજપાલ ઑડિટોરિયમથી નાટકનો શુભારંભ કરવાનું નક્કી કરી મેં અને શફી ઈનામદારે રૂબરૂ જઈને તેજપાલ, પાટકર ભવન, નેહરુ અને બિરલા ક્રીડા આમ લાઇનસર પાંચ શો માટે ઑડિટોરિયમ બુક કરી દીધાં અને એ પછી શફીભાઈએ મને કહ્યું કે મેં બધાં ભાડાં ભરી દીધાં છે એટલે હવે હું કોઈ ખર્ચ નહીં કરું, હવે બધો ખર્ચ તારે કરવાનો છે.

મારાં તો ખિસ્સાં સાવ ખાલી હતાં, પણ એ સમયે મને તરત ને તરત પૈસા ઊભા ક્યાંથી કરવા એની ચિંતા નહોતી, કારણ કે રિહર્સલ્સ તો જાન્યુઆરીમાં શરૂ થવાનાં હતાં અને પૈસાની જરૂર ત્યારે પડવાની હતી. ઑક્ટોબર મહિનાની આ વાત છે, પણ મારું મન તો એ સમયે જ ફેબ્રુઆરીમાં પહોંચવા માટે થનગનવા માંડ્યું હતું. મને એમ થતું હતું કે જલદી ફેબ્રુઆરી આવે, જલદી ૨પમી તારીખ આવે અને જલદીથી હું તેજપાલે પહોંચું પણ એવું નથી થતું. સમય એની યાત્રા પોતાની અવધિ મુજબ જ પૂરી કરે છે.



હવેના ત્રણ મહિનામાં અમારે કાસ્ટિંગ પૂરું કરવાનું હતું. અરવિંદ જોષીનું લેખનકાર્ય ચાલુ હતું તો હું અને શફીભાઈ પણ આ નાટક ઉપરાંત અમારી ગુજરાતી સિરિયલ પાસ કરાવવાની મહેનતમાં પડ્યા હતા. એ સિરિયલના એકેક પાઇલટ એપિસોડ સંજય છેલ અને આતિશ કાપડિયા લખતા હતા. આ બન્ને એપિસોડ મારે અમદાવાદ દૂરદર્શનમાં આપવાના હતા અને એપિસોડ અપ્રૂવ કરાવવાના હતા. અગાઉ મેં તમને કહ્યું હતું એમ ‘રેશમી તેજાબ’ નાટકના છેલ્લા-છેલ્લા શો ચાલતા હતા. ‘ફતેચંદનું ફુલેકું’નાં રિહર્સલ્સ ચાલુ હતાં. એ જ આ જ સમયગાળામાં ‘રેશમી તેજાબ’ની અમદાવાદની ટૂર ગોઠવાઈ એટલે હું મારા ‘ફતેચંદનું ફુલેકું’નાં રિહર્સલ્સમાંથી પરવાનગી લઈને અમદાવાદ શો કરવા ગયો. સાથે સંજય અને આતિશ પાસેથી પાઇલટ એપિસોડ અને સિનોપ્સિસ પણ લઈ લીધાં. અમદાવાદમાં તો શો રાતે હોય, દિવસના ભાગમાં મોહપાત્રા નામના દૂરદર્શનના પ્રોગ્રામ-હેડને મળ્યો. તેમને સ્ક્રિપ્ટ આપી અને તેમણે ત્યાં ને ત્યાં, ત્યારે ને ત્યારે જ મને મૌખિક અપ્રૂવલ આપી દીધું. કહેવાની જરૂર નથી કે અપ્રૂવલ માટે મારે તેમના ખિસ્સામાં શું મૂકવું પડ્યું હતું. ચાલ્યા રાખે. તેમને ગમ્યું એ સાચું.


અહીં એક બીજી ઘટના એવી ઘટી જેણે અમારાં ઘણાં સપનાંઓને ડહોળવાનું કામ કર્યું. અમારી અમદાવાદની ટૂર ચાલતી હતી એ દરમ્યાન અમદાવાદમાં સુરેશ રાજડાના નાટક પદ્‍‍મારાણી અભિનીત ‘અગ્નિપથ’ની પણ ટૂર ચાલુ હતી. સંજોગોવશાત્ મારા ‘રેશમી તેજાબ’ અને રાજડાના ‘અગ્નિપથ’ નાટકની ટીમ એક જ હોટેલમાં રોકાઈ હતી. ઑલમોસ્ટ આખી ઇન્ડસ્ટ્રીને ખબર પડી ગઈ હતી કે ‘અગ્નિપથ’ પછી હું અને શફીભાઈ ૨પ ફેબ્રુઆરીની સાંજે તેજપાલમાં અમારું નાટક ઓપન કરવાના છીએ અને એમાં પદ્‍‍મારાણી કાસ્ટ થયાં છે અને બાકીના કાસ્ટિંગનું કામ હવે ચાલુ થવાનું છે.

એક જ હોટેલમાં હોવાથી સુરેશભાઈ મને અનાયાસ જ હોટેલમાં મળી ગયા. એમ જ અમારી વાતો શરૂ થઈ અને વાતમાંથી વાત અમારા નવા નાટકની નીકળી. તેમણે મને કહ્યું કે તું પચીસમીએ તારું નાટક કેવી રીતે ઓપન કરીશ?


મને નવાઈ લાગી, પણ હું કંઈ પૂછું એ પહેલાં તો તેમણે તરત જ ચોખવટ કરતાં કહ્યું કે પચીસમીએ તો અમારા ‘અગ્નિપથ’નો શો સુરતમાં છે. હું તો મૂંઝાઈ ગયો. મને નવાઈ પણ લાગી કે પદ્‍‍માબાહેનને આૉલરેડી ખબર છે કે નાટક પચીસમીએ ઓપન કરવાના છીએ તો તેમણે આવું કેમ કર્યું?

હું કંઈ વધારે પૂછું કે કરું એ પહેલાં સુરેશભાઈએ નવો બૉમ્બ ફોડ્યો. મને કહે કે સુરતના શો પછી ‘અગ્નિપથ’ની ટૂર ફરી અમદાવાદમાં છે, આમાં તારાથી નાટક કેવી રીતે ઓપન થશે?

સાચે, આ સાંભળીને હું ખરેખર ડરી ગયો હતો. બધા શો નક્કી હતા, ઑડિટોરિયમનાં ભાડાં ભરાઈ ગયાં હતાં. હવે કરવું શું? મુંબઈ પાછા જઈને મેં શફીભાઈને વાત કરી અને એ પછી અમે પદ્‍‍માબહેન પાસે ગયા. પદ્‍‍માબહેને પણ તરત જ પોતાની ભૂલ કબૂલીને કહ્યું કે સંજય, હું તને કહેતાં ભૂલી ગઈ, પણ આઇએનટીએ ૨પ ફેબ્રુઆરીએ સુરતમાં શો આપી દીધો છે એટલે આપણે એ શો સાચવવો પડશે.

એક દિવસ કે પછી એક શોની વાત હોય તો સમજાય પણ અહીં તો સુરત પછી તરત જ અમદાવાદની ટૂરની પણ વાત હતી.

મેં પદ્‍‍માબહેનને સુરેશભાઈએ જે કહ્યું હતું એ જણાવ્યું એટલે બહેને કહ્યું, ‘એની ચિંતા કરવાની તારે જરૂર નથી. આપણે તેમની ૨પ ફેબ્રુઆરીની ડેટ સાચવી આપીએ અને આપણું નાટક ૪ માર્ચે ઓપન કરીએ. પછી એ લોકો આપણું નાટક ઍડ્જસ્ટ કરશે. આ સ્પષ્ટતા પછી મેં હાશકારો અનુભવ્યો. મને થયું કે ફક્ત એક રવિવારનો પ્રશ્ન છે એટલે વાંધો નહીં, પણ વાત અહીં પૂરી નહોતી થવાની. હવે અમારે ઑડિટોરિયમની તારીખો પણ ફેરવવાની હતી. અમે ફરી ભાઈશેઠસાહેબને મળ્યા. તેમને રિક્વેસ્ટ કરી કે અમને ડેટમાં ચેન્જ કરી આપો. ભાઈશેઠસાહેબે કહ્યું કે ૪ માર્ચ તો અપાઈ ગઈ છે, ૧૧ માર્ચ હું આપી શકું એમ છું એટલે ૧૧ માર્ચની ડેટ લઈને ખાનોલકરને મળીને અમે ભવનની ડેટ ૧૮ માર્ચ કરી. એ પછી અમે બિરલા ક્રીડા કેન્દ્રની પણ ડેટ ફેરવી અને ત્યાં ૨પ માર્ચનો શો ફાઇનલ થયો. આમ જે નાટક ૨પ ફેબ્રુઆરીએ તેજપાલથી ઓપન થવાનું હતું એ નાટક હવે ૪ માર્ચે પાટકરથી ઓપન કરવાનું નક્કી થયું.

અચાનક ઊભી થઈ ગયેલી આ ચિંતા વચ્ચે પણ ભાગદોડ જરાય અટકી નહોતી, કારણ કે મારું નાટક ‘ફતેચંદનું ફુલેકું’નાં રિહર્સલ્સ ચરમસીમા પર હતાં અને નાટક ઓપન થવાની તૈયારીમાં હતું. ‘ફતેચંદનું ફુલેકું’ વિશે આપણે અગાઉ વાત કરી જ છે અને મેં તમને એ પણ કહ્યું હતું કે મારા ઍક્ટર-મિત્ર નીતિન દેસાઈએ ભવિષ્યવાણી પણ કરી હતી કે કાં તો મારું ઍક્ટિંગવાળું અને કાં તો મારા પ્રોડક્શનવાળું બેમાંથી એક નાટક ચાલશે. મને ‘ફતેચંદનું ફુલેકું’ માટે બહુ હોપ હતી. હું તો ટોચ પર હતો કે આપણા લીડ રોલમાં નાટક આવે છે એટલે હું તો હવે ગુજરાતી નાટક ઇન્ડસ્ટ્રીનો સ્ટાર બની જઈશ. ફતેચંદના લીડ રોલમાં હું અને મારા મામાના રોલમાં દેવેન ભોજાણી તથા ફતેચંદના ભાઈબંધ ડગલીના રોલમાં પરેશ ગણાત્રા હતા. બહુ મોટી કાસ્ટ હતી. વીસથી બાવીસ ઍક્ટર હતા. પહેલાં એમાં મારા પાત્રનું નામ વનેચંદ જ હતું, પણ વનેચંદના સર્જક શાહબુદ્દીન રાઠોડે ના પાડી એટલે વનેચંદ નામ વાપરી શકાયું નહીં અને પછી તો સમય જતાં શાહબુદ્દીનભાઈએ પણ વનેચંદનું વિઠ્ઠલ કરી નાખ્યું હતું.

વનેચંદ વિઠ્ઠલ કેવી રીતે બન્યો એની વાત જાણવા જેવી છે. વનેચંદ શાહુબદ્દીનભાઈના થાનગઢમાં જ રહેતો, શાહબુદ્દીનભાઈનો જૂનો મિત્ર. થાનગઢમાં તેની સાઇકલ-રિપેરિંગની દુકાન. ‘વનેચંદનો વરઘોડો’ બહુ પૉપ્યુલર થઈ ગયો અને એને કારણે વનેચંદની હાલત કફોડી બની ગઈ હતી. વનેચંદ હવે મોટો થઈ ગયો હતો. તેણે લગ્ન પણ કરી લીધાં હતાં. શાહબુદ્દીનભાઈ પાસે આવીને તેણે તેની મૂંઝવણ કહી અને ત્યારથી શાહબુદ્દીનભાઈએ વનેચંદની જગ્યાએ પાત્રનું નામ વિઠ્ઠલ કરી નાખ્યું અને અમે પણ વનેચંદની જગ્યાએ ફતેચંદ કરી નાખ્યું. વનેચંદનો એક કિસ્સો કહું તમને, જે મને મારા મિત્ર અને પાર્ટનર કૌસ્તુભ ત્રિવેદીએ કહ્યો હતો અને શાહબુદ્દીનભાઈએ પણ અમુક કાર્યક્રમમાં કર્યો હતો.

કૌસ્તુભના કાકા અને ગુજરાતી થિયેટરના સુપરસ્ટાર ઉપેન્દ્ર ત્રિવેદી એક વાર થાનગઢની આજુબાજુમાં ક્યાંક શૂટિંગ કરતા હતા. થાનગઢ પાસે એટલે ઉપેન્દ્રભાઈ શાહબુદ્દીનભાઈને મળવા તેમની થાનગઢની સરકારી સ્કૂલમાં ગયા. બન્ને થોડી વાર બેઠા અને પછી શાહબુદ્દીનભાઈના ઘરે જવા માટે રવાના થયા. એ સમયે શાહબુદ્દીનભાઈએ આગ્રહ કર્યો કે આપણે બજારની વચાળેથી ચાલતા જઈએ. તો શું થાય કે ગામના લોકો તમને જોઈ પણ શકે અને જેમને મળવું હોય ‍તે તમને મળી પણ શકે. બન્ને ચાલતા નીકળ્યા અને બજારમાં આવ્યા. બધા ઉપેન્દ્રભાઈને અહોભાવથી જોયા કરે અને તેમના ઑટોગ્રાફ લેવા દોડતા આવે. રસ્તામાં વનેચંદની દુકાન આવી એટલે શાહબુદ્દીનભાઈએ વનેચંદને બતાવીને કહ્યું, ‘આને ઓળખ્યો કે નહીં, આ વનેચંદ.’

ઉપેન્દ્ર ત્રિવેદીએ ફટાક દઈને કહી દીધું કે બરાબર. તમે વર્ણન કરો છો એવો જ છે. હવે વારો આવ્યો વનેચંદનો. શાહબુદ્દીનભાઈએ વનેચંદને પૂછ્યું, ‘તું આમને ઓળખશ કે નહીં?’ વનેચંદે ના પાડી એટલે શાહબુદ્દીનભાઈએ કહ્યું, ‘ભલા માણસ, આ ગુજરાતી ફિલ્મના બહુ મોટા સ્ટાર, ઉપેન્દ્ર ત્રિવેદી છે.’

‘હશે, પણ એ આપણી લેન નહીંને!’

વનેચંદે જવાબ આપ્યો અને પાછો તે સાઇકલનું પંક્ચર સાંધવા મંડ્યો. આ વનેચંદ આધારિત નાટક ‘ફતેચંદનું ફુલેકું’નો શુભારંભ કેવો રહ્યો અને ‘બા રિટાયર થાય છે’ના બાકીના કાસ્ટિંગમાં કોણ-કોણ આવ્યું એની વાતો કરીશું આવતા મંગળવારે.

Whatsapp-channel Whatsapp-channel

02 June, 2020 07:47 PM IST | Mumbai | Sanjay Goradia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK