Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ની-રિપ્લેસમેન્ટ ન કરાવવું પડે એ માટે તમે શું કરશો?

ની-રિપ્લેસમેન્ટ ન કરાવવું પડે એ માટે તમે શું કરશો?

Published : 31 January, 2019 02:41 PM | IST |
જિગીષા જૈન

ની-રિપ્લેસમેન્ટ ન કરાવવું પડે એ માટે તમે શું કરશો?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઘૂંટણનો આર્થ્રાઈટિસ ઉંમર સાથે આવતી એ તકલીફ છે જેને સંપૂર્ણપણે દૂર કરી શકાતી નથી. ઉંમર થાય એટલે શરીરને ઘસારો લાગે જ. એમ ઘૂંટણને પણ ઘસારો લાગે છે. આ ઘસારાને અટકાવી ન શકાય, પરંતુ એ ઘસારાની ઝડપને ઓછી કરી શકાય છે. જો એ ઓછી કરી શકીએ તો ની-રિપ્લેસમેન્ટને પાછું ઠેલવી શકાય અથવા કોઈ કેસમાં ટાળી પણ શકાય. આજે જાણીએ એ કઈ રીતે શક્ય છે

ની-રિપ્લેસમેન્ટ સર્જરી આજકાલ ખૂબ જ સામાન્ય બની ગઈ છે. જો ઘૂંટણ ઘસાઈ જાય તો ફરી પગભર થવા માટે આજના સમયનું બેસ્ટ સોલ્યુશન ની-રિપ્લેસમેન્ટ જ છે. પરંતુ ઘૂંટણ ઘસાવાનું શરૂ થાય ત્યારે અમુક પ્રકારની સાવચેતીથી આ ઘસારાને ધીમો પાડી શકીએ છીએ અને આ સર્જરીને ટાળી શકીએ અથવા પાછળ ધકેલી શકીએ છીએ. આવી જુદી-જુદી ટ્રીટમેન્ટ છે. દરેક પ્રકારની ટ્રીટમેન્ટનું એકમાત્ર લક્ષ્ય એ છે કે કુદરતી આપણને જે ઘૂંટણ મળ્યાં છે એને સાચવી રાખવાં. આ બધી જ પ્રક્રિયા નિષ્ફળ જાય ત્યારે ની-રિપ્લેસમેન્ટ કરાવવું પડે છે. કોઈ પણ રીતે જો ઘૂંટણ પરનું પ્રેશર કે સ્ટ્રેસ ઘટાડી શકાય તો ઘૂંટણને સાચવી શકાય છે. બાકી આર્થ્રાઇટિસને ઊલટાવી શકાતો નથી, જડથી દૂર કરી શકાતો નથી. પરંતુ એની ગતિને ધીમી પાડી શકાય છે. ગતિ ધીમી પાડીએ તો ચોક્કસ ઘૂંટણના ઘસારાને ધીમો પાડી શકાય અને આ રીતે વૃદ્ધાવસ્થાને હેલ્ધી રીતે જીવી શકાય છે. આજે સમજીએ આર્થ્રાઇટિસની શરૂઆતમાં કયા પ્રકારનો ઇલાજ છે જે મદદરૂપ થઈ શકે છે અને ઘસારાની ઝડપને ઘટાડી શકે છે.



લાઇફ-સ્ટાઇલમાં બદલાવ


ઘૂંટણનો ઘસારો ધીમો કરવા માટે લાઇફ-સ્ટાઇલમાં અમુક જરૂરી ફેરફાર કરવામાં આવે તો ઘણાં સારાં રિઝલ્ટ મળતાં હોય છે. જોવા મળે છે કે જે વ્યક્તિઓની લાઇફ-સ્ટાઇલ એકદમ હેલ્ધી છે તેમને ઘૂંટણનો ઘસારો ૬૦-૬૫ વર્ષ પછી દેખાતો હોય છે. ઘણા લોકો તો ૮૦ વર્ષે પણ દોડતા હોય છે અને તેમનાં ઘૂંટણ એકદમ હેલ્ધી રહે છે. એની સામે જેમની લાઇફ-સ્ટાઇલ ખરાબ છે એવા લોકોમાં ૩૫-૪૦ વર્ષે જ ઘૂંટણની તકલીફ આવી જાય છે. પરંતુ લાઇફ-સ્ટાઇલના બદલાવ વિશે ક્યારે વિચારી શકાય એ બાબતે સ્પક્ટતા કરતાં ઑર્થોપેડિક ની-સર્જ્યન ડૉ. મિતેન શેઠ કહે છે, ‘જ્યારે તમે તમારાં ઘૂંટણને લાંબો સમય સુધી હેલ્ધી રાખવા માગો છો તો તમારે પહેલેથી જ લાઇફ-સ્ટાઇલ સારી રાખવી. જો એવું શક્ય ન બન્યું હોય અને તમારો ઘસારો હજી શરૂ જ થયો છે અને તમને જે પેઇન થાય છે એને તમે કાબૂમાં કરી શકો છો તો લાઇફ-સ્ટાઇલ બદલાવવી. પરંતુ જો તમારાં દૈનિક કામોમાં દુખાવાને કારણે તકલીફો શરૂ થઈ ગઈ હોય, તમારા નૉર્મલ ચાલવા-બેસવા, ઊઠવામાં તકલીફ થવા લાગી હોય તો ફક્ત લાઇફ-સ્ટાઇલમાં બદલાવ લાવવાથી નહીં ચાલે. બીજું પણ સાથે કરવું પડશે.’

એક્સરસાઇઝ


ઘૂંટણને જો તમારે હેલ્ધી રાખવાં હોય તો એક્સરસાઇઝ જરૂરી છે જ. પરંતુ લાંબા ગાળા માટે એક્સરસાઇઝ બાબતે શું ધ્યાન રાખવું એ વિશે વાત કરતાં ડૉ. મિતેન શેઠ કહે છે, ‘તમે વધુ એક્સરસાઇઝ કરો એના કરતાં રેગ્યુલર એક્સરસાઇઝ કરો એ મહત્વનું છે. બાળકો અને યુવાનોને રમતો અને હાઈ ઇમ્પૅક્ટ એક્સરસાઇઝ કરાવી શકાય છે, પરંતુ જો તમે ૪૦ પસાર કરી ચૂક્યા છો અને ખાસ ઍક્ટિવ લાઇફ-સ્ટાઇલ ધરાવતા નથી તો તમારા માટે ઘૂંટણની હેલ્થ જાળવવા હાઈ ઇમ્પૅક્ટ એક્સરસાઇઝ જેમ કે આઉટડોર રમતો કે દોડવું કે પર્વતારોહણ કરતાં લો-ઇમ્પૅક્ટ એક્સરસાઇઝ જેમ કે ચાલવું, સાઇક્લિંગ, સ્વિમિંગ વધુ લાભદાયી છે. ઘૂંટણનો ખોટો અને વધુપડતો ઉપયોગ એના ઘસારા માટે જવાબદાર બને છે. એનો યોગ્ય ઉપયોગ અને એની સ્ટ્રેન્ગ્થને વધારવા માટે થતી એક્સરસાઇઝ ઉપયોગી છે એ ધ્યાન રાખવું.’

વેઇટલૉસ

જો તમારું વજન વધારે છે તો એ સૌથી મોટું રિસ્ક છે તમારા ઘૂંટણના ઘસારા માટે. આજે જે પણ લોકોને ઘૂંટણની તકલીફ થાય છે એમાંથી મોટા ભાગના લોકોની આ તકલીફ પાછળ તેમનું વધુપડતું વજન જ જવાબદાર હોય છે. જે લોકોને આર્થ્રાઇટિસની શરૂઆત જ થઈ છે એવા લોકો જો ૪-૫ કિલો પણ વજન ઓછું કરે તો તેમને ઘણા સારા ફાયદા દેખાય છે. જો તમે ઇચ્છતા હો કે ઘૂંટણની હેલ્થ સારી જ રહે તો તમારું વજન વધવા જ ન દો. જો તમને ઘૂંટણની તકલીફો શરૂ થઈ ગઈ છે તો એક્સપર્ટની મદદ લઈને વેઇટલૉસ કરો. વેઇટલૉસમાં જાતે અખતરા ન કરો. દરેક શરીર અલગ છે. વજન ઉતારવા માટે કોઈ પણ શૉર્ટકટ રીતોમાં ન ફસાવ. મહેનત કરો. રિઝલ્ટ મેળવો અને એ રીતે જ ઘૂંટણને પણ બચાવો.

સપ્લિમેન્ટ્સ

આમ તો આપણો ખોરાક પહેલેથી યોગ્ય હોય તો સાંધાને પૂરતું પોષણ મળી રહેતું હોય છે. પરંતુ આજકાલ આપણું ખાનપાન એટલું બદલાઈ ગયું છે કે પોષણની કમી થવાની જ. એની અસર સાંધા પર પડે જ છે. જ્યારે તમને લાગે કે સાંધાનો ઘસારો શરૂ થઈ ગયો છે અથવા શરીર થોડું નબળું પડતું જાય છે ત્યારે અમુક પ્રકારનાં સપ્લિમેન્ટ્સ ઘણાં ઉપયોગી સાબિત થાય છે. એ વિશે વાત કરતાં ડૉ. મિતેન શેઠ કહે છે, ‘એફ્લાપીન, બોસ્વેલિઆ સેરાટીઆ એક્ટ્રૅક્ટ, ગ્લુકોસેમાઇન, કોન્ડ્રોઇટીન સલ્ફેટ અને બાયોઍક્ટિવ કોલાજન પેપ્ટાઇડ્સ એવાં સપ્લિમેન્ટ છે જેનાથી ઘૂંટણની ઢાંકણીની હેલ્થ સુધરે છે. જોકે એને હંમેશાં માટે તો ન લઈ શકાય. વળી આ સપ્લિમેન્ટ બધા પર સરખી અસર બતાવતાં નથી. ઘણા પર વધુ તો ઘણા પર ઓછી એવી એની અસર જોવા મળે છે. મહkવની વાત એ છે કે એની કોઈ મોટી સાઇડ ઇફેક્ટ નથી એટલે એનો પ્રયોગ કરી શકાય છે.’

વિસ્કો-સપ્લિમેન્ટેશન અને પ્લેટલેટ-રિચ પ્લાઝમા ઇન્જેક્શન્સ

જે દરદીઓ પર લાઇફ-સ્ટાઇલ ચેન્જ, સપ્લિમેન્ટ્સ, દવાઓની અસર ન થાય તેમનાં ચિહ્નો કે તેમના દુખાવાને હળવો કરવા માટે વિસ્કો-સપ્લિમેન્ટેશન અને પ્લેટલેટ-રિચ પ્લાઝમા ઇન્જેક્શન્સ વાપરવામાં આવે છે. આ ઇન્જેક્શનની ઉપયોગિતા જણાવતાં ડૉ. મિતેન શેઠ કહે છે, ‘કોઈ વ્યક્તિને ૬ મહિના કે ૧ વર્ષ સુધી ઍન્ટિ-ઇન્ફ્લૅમેટરી દવાઓ આપીએ તો જે પ્રકારની અસર જોવા મળે છે એ અસર આ પ્રકારનું ઇન્જેક્શન એક જ વારમાં દેખાડે છે. તાત્કાલિક રાહત માટે એ ઘણું ઉપયોગી સાબિત થાય છે.’

સર્જરી

ની-રિપ્લેસમેન્ટ ન કરાવવું પડે એ માટે પણ એક સર્જરી છે, જે વિશે વાત કરતાં ડૉ. મિતેન શેઠ કહે છે, ‘તમારો પગ અને પગનું હાડકું જેવું છે એનું અલાઇનમેન્ટ આખું સર્જરી દ્વારા બદલી શકાય છે, જેના દ્વારા ઘૂંટણ પર જે સમગ્ર ભાર આવતો હતો એ બહાર અલગ-અલગ સાંધા પર જતો રહે અને એને કારણે ઘૂંટણ પરનું સ્ટ્રેસ ઘટી જાય. આ રીઅલાઇનમેન્ટની પ્રોસીજરને ઑસ્ટિયોટમી કહે છે. આ પ્રકારની સર્જરી દ્વારા ઘૂંટણને લાંબો સમય ટકાવી શકાય છે.’

આ પણ વાંચો : તમારા શરીરની ઘડિયાળ બગડી જાય તો શું કરશો?

ફિઝિયોથેરપી

હાડકાંના ઘસારાને અટકાવવા માટે ફિઝિયોથેરપી અત્યંત ઉપયોગી છે, કારણ કે અમુક ખાસ એક્સરસાઇઝ વડે ઘૂંટણના સ્નાયુઓને મજબૂત બનાવી શકાય છે, જે સાંધાને સર્પોટ આપતા હોય છે. એનાથી ઘૂંટણની સ્ટ્રેન્ગ્થ વધે છે અને ઘૂંટણની સ્થિતિસ્થાપકતા પણ એનાથી વધે છે. જ્યારે તમને હજી આર્થ્રાઇટિસની શરૂઆત જ હોય ત્યારે એને નહીં અવગણતાં જો વ્યવસ્થિત ફિઝિયોથેરપી તમે ચાલુ કરો તો ચોક્કસ ઘણો ફાયદો દેખાય છે. મોટા ભાગના લોકો ફિઝિયોથેરપીને ઓછું મહkવ આપે છે અને દવાઓને વધુ. પરંતુ એવું ન કરો. ફિઝિયોથેરપી લાંબા ગાળાનો ઉપાય છે. ફિઝિયોથેરપીમાં ઉપયોગમાં લેવાતાં સાધનો જેમ કે બ્રેસિસ, સપ્લિમેન્ટ્સ અને શૂઝની અંદર લગાડવામાં આવતા ઇન્સર્ટ સાંધા પર ઓછું સ્ટ્રેસ આપવામાં મદદરૂપ થતા હોય છે.

Whatsapp-channel Whatsapp-channel

31 January, 2019 02:41 PM IST | | જિગીષા જૈન

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK