Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > જાવેદ અખ્તરને ગુજરાતી સેલેબ્સની સલાહ, વાંચો કોણે શું કહ્યું ?

જાવેદ અખ્તરને ગુજરાતી સેલેબ્સની સલાહ, વાંચો કોણે શું કહ્યું ?

Published : 11 March, 2019 07:48 AM | Modified : 11 March, 2019 08:00 AM | IST |

જાવેદ અખ્તરને ગુજરાતી સેલેબ્સની સલાહ, વાંચો કોણે શું કહ્યું ?

જાવેદ અખ્તર પર બગડ્યા ગુજરાતીઓ

જાવેદ અખ્તર પર બગડ્યા ગુજરાતીઓ


ના રે, જરાય જરૂર નથી

જાવેદ અખ્તર ખૂબ જ સારા લેખક અને શાયર છે, પણ તેમની આ કમેન્ટ જરાય હેલ્થી નથી. આ તેમણે કટાક્ષ જ કર્યો છે. જોકે યાદ રાખવું જોઈએ કે કટાક્ષ હંમેશાં પૂર્વગ્રહ વિના જ કરવો જોઈએ. ગુજરાત રેજિમેન્ટ હોવા કે ન હોવાનું કોઈ કારણ નથી. આપણે ત્યાં ગુરખા અને રાજપૂતોની રેજિમેન્ટ છે, પણ એ પ્રજા નૅચરલ વૉરિયર્સ છે અને એટલે એમની રેજિમેન્ટ બની છે. રેજિમેન્ટ બનાવવાની વાતમાં ક્યાંય સમાજવાદ કે પ્રાંતવાદની કોઈ આવશ્યકતા નથી. હું કહીશ કે દેશને સર્પોટ ખાલી રેજિમેન્ટથી ન થઈ શકે. દેશને સર્પોટ આપવાના અનેક રસ્તાઓ છે. જો જાવેદ અખ્તરને ખબર ન હોય તો હું કહીશ કે સેન્ટ્રલ ગવર્નમેન્ટનો કોઈ પણ અધિકારી ટ્રાન્સફર થઈને ગુજરાત આવે તો એ પછી તેનો પ્રયાસ એ જ હોય છે કે તે લાઇફટાઇમ અહીં જ રહે, કારણ કે ગુજરાત લૉ-લેસ સ્ટેટ છે અને ગુજરાતીઓ કાયદાપાલનમાં માનતી પ્રજા છે. આવા રાજ્યનું ઘડતર કરવું અને પ્રજાને આવી નિયમપાલક બનાવવી એ પણ રેજિમેન્ટ બનાવવા જેટલું જ અગત્યનું છે.



- ગુણવંત શાહ, સાહિત્યકાર અને વક્તા


બોલવાનું ભાન નથી

પહેલાં તો જાવેદ અખ્તરે સ્પષ્ટ કરવું જોઈએ કે તેમની ફૅમિલીને મિલિટરી સાથે શું સંબધ છે? તેમની ફૅમિલીમાંથી ભારતીય લશ્કરમાં કોણ જોડાશે? જાવેદ અખ્તર ૬૦ વર્ષની ઉંમર વટાવી ગયા છે અને તેમની માનસિકતા કોમવાદી વલણ ધરાવે છે. તેઓ શું બોલે છે એનું તેમને કંઈ ભાન નથી. બ્રાહ્મણો, રાજપૂતો અને ઓબીસી એમ અલગ-અલગ તમામ ગુજરાતીઓ ભારતીય લશ્કર સાથે વષોર્થી જોડાયેલા જ છે.


- યોગેશ સાગર, ચારકોપના વિધાનસભ્ય

જાતિના આધારે ટુકડા કરાય?

ભારત એક દેશ છે. એ અનેક વિવિધતાથી ભરેલો છે. ભારતીય બંધારણ સૌપ્રથમ છે. રાષ્ટ્રીય સુરક્ષામાં બધા લોકોનો ફાળો છે. આ રીતે જાતિના નામે ટુકડા કરવાની વાત યોગ્ય નથી. હું જાવેદ અખ્તરની વાતને કન્ડેમ કરું છું.

- શાયના એન.સી., પ્રવક્તા, ભારતીય જનતા પાર્ટી, મુંબઈ

વાત ખોટી નથી, પણ ચિંતા કરનારી વ્યક્તિ ખોટી છે

ગુજરાત રેજિમેન્ટ હશે તો એ ચોક્કસ આપણને સૌને પ્રાઉડ આપનારી વાત હશે એટલે હું કહીશ કે એ બને તો એમાં કશું ખોટું નથી, પણ આવું કહેનારી કે પછી આવી ચિંતા દેખાડનારી વ્યક્તિ ખોટી છે એવું હું કહીશ. નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા એને હજી પાંચ વર્ષ પણ હવે પૂરાં થશે, પણ તેમના પહેલાં ૬૦ વર્ષ સુધી જે સરકાર હતી એ સરકારના કોઈ વડા પ્રધાનને તો આવો પ્રfન કરવામાં નહોતો આવ્યો. શું કામ એ સમયે આ વાત સૂઝી નહીં?

હું કહીશ કે મનમાં અંતરાય રાખીને ક્યારેય રાષ્ટ્રભાવ ન દેખાડી શકાય. કોઈના માટે મનમાં અંટશ રાખીને ક્યારેય સલાહ પણ આપી ન શકાય. જો તમે ઇચ્છતા હો કે તમારે સાચી વાત કરવી છે તો તમારે એના આગળ-પાછળના રેફરન્સ જોઈ લેવા જોઈએ અને પછી જ એ વાત કહેવી જોઈએ.

- અપરા મહેતા, ટીવી-ફિલ્મ અને રંગભૂમિનાં ઍક્ટ્રેસ

રેજિમેન્ટ બને તો જ ગુજરાતીઓ દેશપ્રેમી કહેવાય?

આપણે બીઇંગ અ ગુજરાતી બેસ્ટ આપી જ રહ્યા છીએ ત્યારે શું આપણી રેજિમેન્ટ બને તો જ દેશીપ્રેમી કહેવાઈએ? એવું તો હોય જ નહીં કે ગુજરાતી આર્મીમાં ન હોય. આજે રાજપૂતાના અને રાજપૂત રેજિમેન્ટ છે જ અને એમાં અનેક ગુજરાતીઓ છે જ. જરૂરી છે સેના માટે માન હોવું, સન્માન હોવું અને એના માટે કામ કરવું. ગુજરાતીઓ આ કામ કરે જ છે એટલે એવી રેજિમેન્ટ ન હોય તો પણ એમાં કશું ખોટું નથી અને મને તો લાગે જ છે કે આવતા સમયમાં એ પણ બનશે જ. એક સમયે ગુજરાતીઓ સ્ર્પોટ્સ પ્રત્યે ઓછી રુચિ ધરાવે છે એવી ફરિયાદ થતી હતી, પણ આજે તમે જુઓ કે ક્રિકેટમાં કેટલા ગુજરાતીઓ જોવા મળે છે. ગુજરાતીઓ સેનામાં પણ આવશે, મોટી સંખ્યામાં આવશે; પણ એ માટે થોડા સમયની જરૂર છે. એટલા પૂરતી રાહ જોવી જ પડશે. બીજું એ કે આ સલાહ નરેન્દ્ર મોદીને આપવાની જરૂર નથી. મોદીને તો આમાં ખોટા ટાર્ગેટ કરવામાં આવ્યા છે.

- રવીન્દ્ર જાડેજા, ટીમ ઇન્ડિયાનો ક્રિકેટર

કલમ ચલાવવી તમારું કામ છે, દેશ ચલાવવો મોદીનું કામ છે

દેશ ચલાવવો અને કલમ ચલાવવી એ બન્ને વચ્ચે બહુ મોટો ફરક છે. જાવેદ અખ્તર ગીતો લખી શકે, ફિલ્મો લખી શકે, બહુ સારી ગઝલો લખી શકે અને એવી જ રીતે નરેન્દ્ર મોદી દેશ બહુ સારી રીતે ચલાવી શકે તો આ બન્ને ક્ષેત્રો પણ જુદાં છે. જે કામમાં જાવેદ અખ્તર માહેર છે એમાં બીજા કોઈએ માથું મારવું ન જોઈએ અને જે કામમાં નરેન્દ્ર મોદી માહેર છે એમાં જાવેદ અખ્તરે ચંચુપાત ન કરવો જોઈએ. દેશ ચલાવવો એ સબ્જેક્ટ-ઓરિયેન્ટેડ કામ નથી. જાવેદ અખ્તરને એક સબ્જેક્ટ આપો તો તેઓ એના પર ખૂબ સારી લખી શકે, પણ દેશ એવી રીતે ન ચાલે. વિશ્વના ટોચના પાંચ પાવરફુલ નેતામાં નરેન્દ્ર મોદીની ગણના થતી હોય ત્યારે આવી કમેન્ટનો કોઈ અર્થ નથી.

મને ઘણા પેશન્ટો આવીને કહે છે કે ગાંધીજી બ્રહ્મચર્યનું પાલન કરતા તો તમે કેમ એ ઍડ્વાઇસ નથી આપતા. મારે કહેવું પડે છે કે હું સેક્સોલૉજિસ્ટ છું અને મારું કામ આ જ છે. બાપુ સમાજસેવા કરતા એટલે તેમનું કામ એ હતું. સૌ સૌનું કામ કરે અને એ જ કામ કરવાની સાચી રીત હોય. જાવેદ અખ્તરને પણ આ જ વાત લાગુ પડે છે.

- ડૉ. પ્રકાશ કોઠારી, સેક્સોલૉજિસ્ટ

રેજિમેન્ટનો ખર્ચ કાઢી શકે એવા બિઝનેસમેન છીએ એ પણ બેસ્ટ વાત છે

આપણે બિઝનેસ કમ્યુનિટી છીએ. એવી જ રીતે પંજાબી કે જાટ જે છે એ લડાકુ કમ્યુનિટી છે. જો તેમની પાસેથી બિઝનેસની અપેક્ષા નથી રાખવામાં આવતી તો પછી શું કામ આપણી પાસે આવી રેજિમેન્ટની અપેક્ષા રાખવી જોઈએ. પંજાબીઓમાંથી કેમ કોઈ અંબાણી કે અદાણી નથી આવ્યું એવી તો કોઈ ફરિયાદ ક્યારેય કોઈએ કરી નથી. હું કહીશ કે દેશને બધા પ્રકારના ફીલ્ડમાં બેસ્ટ લોકો જોઈતા જ હોય છે. આપણી પાસે બિઝનેસની બેસ્ટ સ્કિલ છે તો આપણે એ સ્કિલનો ઉપયોગ કરીએ એમાં મને કંઈ ખોટું કે ખરાબ નથી લાગતું. રેજિમેન્ટનો ખર્ચ કાઢી શકે અને દેશને મૅક્સિમમ ટૅક્સ-ઇન્કમ આપી શકીએ એવા બિઝનેસમેન ગુજરાતીઓ બને તો એ પણ મારી દૃષ્ટિએ બેસ્ટ વાત જ છે.

- ભવ્ય ગાંધી, ટીવી-ફિલ્મ અને રંગભૂમિનો ઍક્ટર

દરેક ફીલ્ડમાં ઓપિનિયન આપવો જરૂરી છે?

પહેલાં તો હું એ કહી દઉં કે મારી ફૅમિલીમાંથી ઘણા મેમ્બરો આર્મીમાં છે અને એટલે મને ખબર છે કે રેજિમેન્ટ બનાવવી એ નર્ણિય સરકાર કે વડા પ્રધાનના હાથમાં નથી હોતો પણ આર્મીના ચીફના હાથમાં હોય છે અને એ માટેની ચર્ચા પણ રાષ્ટ્રપતિ સાથે પહેલાં થાય છે. જાવેદ અખ્તરે આ જે સ્ટેટમેન્ટ કર્યું એ મેં બપોરે જ વૉટ્સઍપ પર જોયું અને ત્યારે જ મને ખરેખર ગુસ્સો આવી ગયો હતો. જરૂરી નથી કે તમે બધા જ ફીલ્ડમાં તમારો ઓપિનિયન આપતા ફરો. તમારે કોઈને અંગત રીતે ટાર્ગેટ કરવા હોય તો પણ આ વિષયને છોડીને બીજા કોઈ ટૉપિક પર બોલવું જોઈએ. એક તો તમે એવું બોલો કે દરેક વાતમાં સેનાને વચ્ચે ન ઘુસાડવાની હોય અને પછી તમે એ જ સેનાની આડશમાં આવું ટોન્ટિંગ કરો એ તો કેવી વાહિયાત વાત કહેવાય. ગુજરાતના અસંખ્ય યુવાનો આર્મીમાં છે જ એટલે એવું પણ નથી કે આપણા યુવાનો આર્મીમાં નથી જતા. આજનો યુવાન જે પ્રાંતવાદને ભૂલવા માગે છે એ જ પ્રાંતવાદને આપણા આ સિનિયરો યાદ રાખે છે. બહુ ખરાબ કહેવાય.

- ધર્મેશ વ્યાસ, ટીવી અને રંગભૂમિના ઍક્ટર

સેનાની બધી પાંખમાં ગુજરાતીઓ છે એ ઓછું કહેવાય?

રેજિમેન્ટ બનાવવી કે નહીં એ સિસ્ટમ નક્કી કરે, આપણે શું કામ એમાં દખલ કરવાની? અને બીજી વાત, દેશની સેનાની એક પણ પાંખ એવી નથી જેમાં આપણો ગુજરાતી ભાઈ ન હોય. આ કંઈ ઓછું થોડું છે? એકેએક પાંખમાં આપણો ગુજરાતી છે તો હવે ગુજરાતની રેજિમેન્ટ બનાવવી કે નહીં એ સેનાના અધિકારીઓને નક્કી કરવા દો. રેજિમેન્ટ બને કે ન બને એનાથી મને તો કોઈ ફરક પડતો નથી દેખાતો. આવું કરવાથી તો ક્યાંક આપણે જ આપણા સમાજને અલગ-અલગ કરવાનું કામ કરી બેસીશું. અલ્ટિમેટલી સેના સાથે રહેલાનું કામ તો એક જ દે - દેશ માટે જ લડવાનું અને એ કામ તો એકેએક હિન્દુસ્તાની કરે જ છે. હું કહીશ કે આ પ્રકારનું સ્ટેટમેન્ટ કરીને આપણે દેશમાં ખોટો વિવાદ ઊભો ન કરવો જોઈએ.

- અરવિંદ વેગડા, ગુજરાતી રૉકસ્ટાર

દેશની આટલી ચિંતા થતી હોય તો પહેલાં ભારતીય બનો

જ્યારે કોઈ નક્કી કરે કે તેણે મિલિટરીમાં જવું છે ત્યારે તે કોઈ પ્રાંતનો કે રાજ્યનો નથી રહેતો, તે ભારતીય બની જાય છે. જાતિ, જ્ઞાતિ કે પ્રાંતને જે તોડી શકે તે જ આર્મીમાં જઈ શકે. મારે કહેવું છે કે જાવેદ અખ્તરે જે સ્ટેમટેન્ટ કર્યું એ શું આ દેશને નવેસરથી આવા ભાગલામાં વહેંચવાના હેતુથી થયું છે? સેનાની માટે કોઈ ગુજરાતી કે પંજાબી કે મરાઠા નથી હોતો અને સેના માટે કોઈ હિન્દુ કે મુસલમાન નથી હોતો. સેનાના જવાનનો એક જ ધર્મ છે - તિરંગો. મારે કહેવું છે કે જો જાવેદસાહેબને આટલી ચિંતા થતી હોય તો પહેલાં તે ભારતીય બને. ભારતીય બનીને વિચારશે તો તેમને સમજાશે કે રેજિમેન્ટ બનાવવી કે નહીં એ વડા પ્રધાનની જવાબદારી નથી કે એનો નર્ણિય તેમણે નથી લેવાનો હોતો. આ નર્ણિય મિલિટરી લેતી હોય છે અને એને જરૂર લાગશે તો એ લેશે. મારે, તમારે કે પછી જાવેદસાહેબે એના વિશે ચિંતા કરવાની કોઈ જરૂર જ નથી.

- કમલેશ મોતા, ગુજરાતી રંગભૂમિના ઍક્ટર-ડિરેક્ટર

અલગ રેજિમેન્ટ બને

ગુજરાતીઓ શૂરવીરતામાં ઓછા નથી. રજવાડાંના સમયથી રાજપૂતો લડવૈયા રહ્યા છે. ગુજરાતીઓમાં વેપારની સાથે દેશપ્રેમ છલોછલ છે. એથી ગુજરાત રેજિમેન્ટ અલગથી બને તો એમાં કંઈ ખોટું નથી.

- ઉપેન્દ્ર દોશી, અધ્યક્ષ, ગુજરાતી સેલ, મુંબઈ કૉન્ગ્રેસ

આર્મીની ટ્રેઇનિંગ ફરજિયાત બનાવો

હું એમ માનું છું કે દરેક વ્યક્તિને આર્મીની ટ્રેઇનિંગ ફરજિયાત અપાવવી જરૂરી છે. અનેક દેશોમાં સ્કૂલનાં બાળકોને ફરજિયાત આર્મીની ટ્રેઇનિંગ આપવામાં આવતી હોય છે જેને કારણે જ્યારે બાળક મૅચ્યોર બને ત્યારે તેનું મનોબળ સ્ટ્રૉન્ગ રહેતું હોય છે. એટલે મારું પણ માનવું છે કે ભારતના દરેક પ્રાંતમાં સૈન્યની ભરતી માટે રેજિમેન્ટ હોવી જરૂરી છે.

- ઐશ્વર્યા મજમુદાર, સિંગર

ડિમાન્ડ જ અયોગ્ય

અનેક ગુજરાતીઓ પ્રથમથી જ ભારતીય સૈન્યની ત્રણેય પાંખમાં ફરજ પર છે. રેજીમેન્ટ પ્રથા બ્રિટિશકાળથી ચાલતી આવે છે. ગુજરાતીઓ વેપાર, વિકાસ, શિક્ષણ અને પોલીસદળ એમ દરેક ક્ષેત્રમાં અગ્રેસર છે. હવે ગુજરાત રેજિમેન્ટ અલગથી કરવાનો કોઈ મતલબ નથી. આ પ્રકારની જાવેદ અખ્તરે ડિમાન્ડ કરવી અયોગ્ય છે. હું આ વાતને કન્ડેમ કરું છું.

- અતુલ શાહ, ભૂતપૂર્વ વિધાનસભ્ય અને નગરસેવક

આ પણ વાંચોઃ જાવેદ અખ્તરે PM મોદીને આપી ગુજરાત રેજિમેન્ટ બનાવવાની સલાહ

આજેય આર્મીમાં સારી સંખ્યામાં ગુજરાતીઓ છે જ

ગુજરાત રેજિમેન્ટ નથી એ સાચું; પણ એવી જ રીતે પãમ બંગાળની પણ કોઈ રેજિમેન્ટ નથી, મણિપુર રેજિમેન્ટ નથી, મધ્ય પ્રદેશ રેજિમેન્ટ નથી, ઓડિશા રેજિમેન્ટ પણ નથી. જોકે રેજિમેન્ટ ન હોવાનો અર્થ એવો નથી થતો કે જે-તે રાજ્યના લોકો આર્મીમાં નથી. આપણા દેશમાં વાણીસ્વાતંhય એ સંવિધાનિક અધિકાર છે એટલે જેને જે યોગ્ય લાગે એ બોલે, એમાં આપણે કોઈ કમેન્ટ કરી ન શકીએ. જોકે વાસ્તવિકતા એ છે કે હમણાં પણ ઘણી એવી બટૅલ્યન છે જેમાં સારાએવા પ્રમાણમાં ગુજરાતીઓ છે. યોગાનુયોગ જ છે કે આર્મીની રેજિમેન્ટનાં નામ સ્ટેટ અને કમ્યુનિટીના આધારે આપવામાં આવ્યાં છે. બાકી ઍરફોર્સમાં કે નેવીમાં આવા કોઈ સ્ટેટના નામે રેજિમેન્ટ નથી. અત્યારની પરિસ્થિતિ જોતાં ગુજરાત રેજિમેન્ટ બને એવી શક્યતા નથી. હવે સમય બદલાયો છે એટલે આવનારા સમયમાં ગુજરાતી છોકરાઓ પણ આર્મીમાં હશે. હવે છોકરાઓ ભણે છે, પિતાના ધંધામાં જ જોડાવાને બદલે પોતાની રીતે પોતાની કરીઅર બનાવે છે. એટલે આર્મીમાં પણ ગુજરાતીઓની સંખ્યા વધે એવો સમય આવી ગયો છે.

- પાંચ વર્ષ માટે મદ્રાસ રેજિમેન્ટ (ઇન્ફન્ટ્રી)માં આર્મી ઑફિસર તરીકે કામ કરી ચૂકેલા કૅપ્ટન પૂર્વેશ ગડા

Whatsapp-channel Whatsapp-channel

11 March, 2019 08:00 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK