Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > જોઈ લો દેશના સૌપ્રથમ સૅનિટાઇઝર મશીનને, નામ છે કોરોના કિલર

જોઈ લો દેશના સૌપ્રથમ સૅનિટાઇઝર મશીનને, નામ છે કોરોના કિલર

01 April, 2020 07:26 AM IST | Rajkot
Rashmin Shah | rashmin.shah@mid-day.com

જોઈ લો દેશના સૌપ્રથમ સૅનિટાઇઝર મશીનને, નામ છે કોરોના કિલર

કોરોના કિલર મશીન

કોરોના કિલર મશીન


સૅનિટાઇઝર કોરોનાના વાઇરસને કિલ કરે છે એ વાત હવે સૌકોઈ જાણે છે, પણ આ વાતને કેન્દ્રમાં રાખીને રાજકોટના ત્રણ યુવાનોએ ‘કોરોના કિલર’ નામનું દેશનું પહેલું અને જગતનું કદાચિત પ્રથમ સૅનિટાઇઝર મશીન બનાવ્યું છે. આનંદ સાવલિયા, હર્ષિત પટેલ અને ભાવિન ડાભીએ મળીને બનાવેલું આ મશીન ૧૦ જ સેકન્ડમાં આખું શરીર ડિસઇન્ફેક્ટ કરી નાખે છે જે એની સૌથી મોટી હાઇલાઇટ છે. આખા શરીર પર જે સૅનિટાઇઝરનો સ્પ્રે થાય છે એમાં પાણીમાં માત્ર ૬ ટકા હાઇડ્રોજન પૅરોક્સાઇડ ભેળવવામાં આવે છે, જે જંતુમુક્ત કરવાનું કામ કરે છે.

corona-killer-01



કોરોના કિલર મશીન અત્યારે રાજકોટ મ્યુનિસિપલ કૉર્પોરેશનના મેઇન બિલ્ડિંગમાં મૂકવામાં આવ્યું છે. અત્યારે કૉર્પોરેશનના તમામ અધિકારીઓની રજા કૅન્સલ કરવામાં આવી હોવાથી કર્મચારીઓએ ઑફિસ આવવાનું રહે છે. આ કર્મચારીઓ બહારથી કોરોનાના વાઇરસ લઈને બિલ્ડિંગમાં દાખલ ન થાય એ માટે ગેટ પર મૂકવામાં આવેલા આ મશીનમાંથી દાખલ થાય અને સેન્ટર ભાગમાં ૧૦ સેકન્ડ ઊભા રહેવાથી એ મશીન કર્મચારીને ડિસઇન્ફેક્ટિવ કરે છે. સેન્સરથી કામ કરતા આ મશીનમાં એક બિલ્યન કોરોના વાઇરસ નાબૂદ થઈ શકતા હોવાનો દાવો પણ એના મેકર્સે કર્યો છે. મશીન કારગત હોવાથી જ એને મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં મૂકવામાં આવ્યું છે. એક વ્યક્તિદીઠ અંદાજે બે રૂપિયા જેટલો ખર્ચ થાય છે.


રાજકોટનાં મેયર બીનાબહેન આચાર્યએ કહ્યું કે ‘આ મશીન ખરેખર ઉપયોગી છે અને રાજકોટની યુવા ટીમે બનાવ્યું એ ગર્વની વાત છે. આવતા સમયમાં જરૂર જણાશે તો આ પ્રકારનાં બીજાં મશીન શહેરના અન્ય વિસ્તારોમાં અને ગવર્નમેન્ટ ઑફિસમાં પણ મૂકવામાં આવશે.’

યુનિવર્સલ ડિઝાઇનના આનંદ સાવલિયાએ કહ્યું કે ‘જાહેર સ્થળે આ પ્રકારના મશીનથી ઘણો ફરક પડે છે. હાઇડ્રોજન પૅરોક્સાઇડ સહેલાઈથી ઉપલબ્ધ થાય છે અને એ સર્ફેસ પર રહેલા વાઇરસને મારવા માટે કારગત છે. આ થિયરી પર અમે આ મશીન ડિઝાઇન કર્યું છે.’


‘કોરોના કિલર’ જો કારગત નીવડે તો મુંબઈ માટે પણ ભારોભાર ઉપયોગી પુરવાર થાય અને દરેક રેલવે-સ્ટેશન પર મૂકવામાં આવે તો લોકલ ટ્રેનમાં કોરોનાના ઇન્ફેક્શનથી બચવાની પૂરતી શક્યતા રહે. વૉક થ્રૂ ડિસઇન્ફેક્ટિવનો ખર્ચ પણ પ્રમાણમાં ખૂબ જ મામૂલી હોવાનું પણ આનંદ સાવલિયાએ કહ્યું હતું.

Whatsapp-channel Whatsapp-channel

01 April, 2020 07:26 AM IST | Rajkot | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK