ગ્રામપંચાયત સંભાળનારી આ છે ભારતની સૌથી યંગ છોકરીઓ

Published: 25th December, 2011 09:23 IST

આણંદ પાસે આવેલા સિસ્વાના કારભારની જવાબદારી આ વખતે ગામની ૨૨થી ૨૬ વર્ષની એજ્યુકેટેડ દીકરીઓને સોંપવામાં આવી છે, જે એક રાષ્ટ્રીય રેકૉર્ડ છે(ગુજરાતની આજકાલ-શૈલેશ નાયક)

અણ્ણા હઝારેના ભ્રષ્ટાચાર સામેના આંદોલને ભારતની આમપ્રજાનો અવાજ રજૂ કર્યો છે અને ભારતની સંસદમાં પણ આજકાલ ભ્રષ્ટાચારના મુદ્દે લોકપાલ બિલની બબાલ ઊઠી છે ત્યારે ગુજરાતના આણંદ પાસેના બોરસદ નજીક આવેલા ૫૦૦૦ની વસ્તી ધરાવતા સસ્વા ગામમાં ગ્રામપંચાયતનો વહીવટ મહિલાઓએ હાથમાં લીધા બાદ ગામમાંથી કરપ્શને તો ક્યારનીયે વિદાય લઈ લીધી છે. મહિલાઓએ ગામનો વહીવટ બખૂબી રીતે નિભાવ્યો હોવાનું ગામના નાગરિકોએ અનુભવતાં હવે આ ગામે એક ઐતિહાસિક કહી શકાય એવો સામૂહિક નિર્ણય કરીને આ વખતે આગામી પાંચ વર્ષ માટે ગ્રામપંચાયતમાં સત્તાનાં સૂત્રો ગામની ૨૨થી ૨૬ વર્ષની ૧૨ એજ્યુકેટેડ દીકરીઓના હાથમાં સોંપ્યાં છે ત્યારે સિસ્વા ગામ કદાચ ભારતના પંચાયતીરાજના ઇતિહાસમાં સંભવત: સૌપ્રથમ યંગેસ્ટ ગલ્ર્સ દ્વારા ઑપરેટેડ ગ્રામપંચાયત બનશે.

સિસ્વા ગામમાં મહિલાઓનું રાજ ચાલે છે એવું કહેવામાં કદાચ અતિશ્યોક્તિ નહીં લાગે, કેમ કે આ ગામમાં ૨૦ વર્ષથી ગ્રામપંચાયતની ચૂંટણી નથી થઈ. અહીંની ગ્રામપંચાયત બે દાયકાથી સમરસ છે. આશ્વર્યની વાત એ છે કે છેલ્લાં ૨૦ વર્ષથી સરપંચ તરીકે મહિલાઓ કામકાજ સંભાળી રહી છે. એમાં પણ છેલ્લાં પાંચ વર્ષથી ગામની મહિલાઓએ જ આખી ગ્રામપંચાયતનાં સત્તાનાં સૂત્રો સંભાળ્યાં છે.

સિસ્વા ગામના અગ્રણી અને ભૂતપૂર્વ ડેપ્યુટી સરપંચ પ્રવીણ પટેલ સરતાજને કહે છે, ‘ગ્રામપંચાયતમાં મહિલા-સભ્યોને કારણે કરપ્શન અટક્યું અને ગામના ખેડૂતો સહિતના નાગરિકોનાં કામો કરપ્શન વગર થવા લાગ્યાં. અમને એ અનુભવ થયો કે ગ્રામપંચાયતમાં કોઈ કામમાં કરપ્શન થતું નથી. એની પાછળનું કારણ એ છે કે મહિલાઓ મૃદુતાથી કામ કરી શકે છે અને દરેકના પ્રશ્ન સાંભળીને-વિચારીને જવાબ આપે છે એ અમે અનુભવ્યું છે. મહિલાઓને પંચાયતમાં સભ્યો બનાવવાથી સારાં પરિણામો આવ્યાં, પણ અગાઉની પંચાયતની બૉડીમાં કેટલીક મહિલા-સભ્યો ઓછું ભણેલી હતી અને કેટલીક મહિલા-સભ્યો અનએજ્યુકેટેડ હતી. અમને થયું કે જો ગામની જ એજ્યુકેટેડ દીકરીઓને ગ્રામપંચાયતની સભ્યો બનાવીએ તો ગામનો વિકાસ સારો થઈ શકે અને એ માટે આજના ૨૧મી સદીના જમાનામાં એજ્યુકેટેડ દીકરીઓને જ ગ્રામપંચાયતની સભ્યો અને સરપંચ બનાવવામાં વાંધો નથી. ગામનો વહીવટ કરવામાં મહિલાઓ સફળ રહી એટલે આ વિચાર આવ્યો અને ગામસભા બોલાવી એમાં ગામના નાગરિકોએ સામૂહિક રીતે નિર્ણય કર્યો કે આ વખતે પણ ગામમાં ચૂંટણી યોજવી નથી, પણ ભણેલી દીકરીઓની પસંદગી કરીને ગ્રામપંચાયતનો વહીવટ તેમને જ સોંપવો. ગામની દીકરીઓ શિક્ષિત હોવાથી કામો સમજી શકશે અને અનુભવથી કામ ઉકેલી પણ શકશે. જરૂર પડ્યે ગામના નાગરિકો દીકરીઓને સાથ-સહકાર અને માર્ગદર્શન પણ આપશે.’

ગામના અગ્રણી અને ભૂતપૂર્વ સરપંચ શૈલેશ પટેલ સરતાજને કહે છે, ‘ભારતમાં કદાચ પહેલી વાર એવું બનશે કે ગામની એજ્યુકેટેડ દીકરીઓને જ ગ્રામપંચાયતમાં સભ્યો અને સરપંચ બનાવીને વહીવટ સોંપ્યો હોય. ભારતમાં ૩૩ ટકા મહિલા અનામતની વાતો થતી આવી છે, પણ અમારા ગામમાં તો ગ્રામપંચાયતની તમામ બેઠકો મહિલાઓને સોંપીને ૧૦૦ ટકા મહિલા અનામતનો અમલ પાંચ વર્ષ પહેલાંથી જ કરી દીધો હતો અને હવે બીજાં પાંચ વર્ષની ટર્મમાં પણ પંચાયતની તમામ બેઠકો પર ગામની દીકરીઓને પસંદ કરીને ૧૦૦ ટકા મહિલા અનામતનો સિલસિલો યથાવત્ રાખ્યો છે.’

જે યુવતીઓને ગ્રામપંચાયતના સંચાલન માટે પસંદ કરવામાં આવી છે એમાં બે છોકરીઓ એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે એટલે ગામમાં ભવિષ્યમાં કોઈ પ્લાનિંગ કરવામાં મદદરૂપ થઈ શકે. બે યુવતીઓ ટીચર છે એટલે સાક્ષરતા બાબતનું ધ્યાન રાખશે અને શિક્ષણનો વ્યાપ વધારશે. બે યુવતીઓએ નર્સિંગનો અભ્યાસ કર્યો છે એટલે આરોગ્યની બાબતમાં ધ્યાન આપી શકશે. એક યુવતી એમબીએ (માસ્ટર ઑફ બિઝનેસ ઍડ્મિનિસ્ટ્રેશન)નો અભ્યાસ કરી રહી છે તે પણ મદદરૂપ થશે. એક યુવતી અકાઉન્ટન્ટ છે એટલે હિસાબ-કિતાબ સંભાળી શકે અને બીજી છોકરીઓ સોશ્યલ વર્કિંગ માટે રહેશે. આમ વિચારીને ગામના અગ્રણીઓએ પંચાયતના સભ્યો તરીકે દીકરીઓની પસંદગી કરી છે. ગુજરાતમાં ગ્રામપંચાયતોની ચૂંટણીઓનો હાલમાં જોરદાર પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે આ ચૂંટણીઓ પૂરી થઈ ગયા બાદ સિસ્વા ગામનું ઍડ્મિનિસ્ટ્રેશન યંગ ગલ્ર્સની બ્રિગેડ સંભાળશે.

સમરસ ગ્રામપંચાયત એટલે શું?

ગુજરાતની કુલ ૧૩૬૯૫ ગ્રામપંચાયતમાંથી ૨૧૪૭ ગ્રામપંચાયત સમરસ થઈ છે. સમરસ એટલે જ્યાં ચૂંટણી કરવાની જરૂર ન પડે એવી ગ્રામપંચાયત. એમાંથી ૩૦૯ ગ્રામપંચાયત મહિલા સમરસ બની છે, મતલબ કે ત્યાંનો કારભાર સ્ત્રીઓ જ સંભાળશે. સિસ્વા ગામની પંચાયત આમાંની જ એક છે અને એની વધારાની ખાસિયત એ છે કે ગામની શિક્ષિત દીકરીઓ જ ગ્રામપંચાયત સંભાળવાની છે. આટલી નાની વયની યુવતીઓ આખી ગ્રામપંચાયત સંભાળવાની હોય એવું ભારતમાં આ પહેલાં ક્યાંય નથી બન્યું. ગ્રામપંચાયત સમરસ બને તો ગુજરાત સરકાર દ્વારા એને ત્રણથી સાત હજારની વસ્તી મુજબ દોઢથી ત્રણ લાખ રૂપિયા આપવામાં આવે છે. જો ગ્રામપંચાયત મહિલા સમરસ બને તો એને ડબલ પૈસા મળે છે.

ફાધર-મધર પછી હવે હીનલ ગામની સરપંચ

હીનલ પટેલના પિતા શૈલેશભાઈ અને માતા પ્રવીણાબહેન અગાઉ સિસ્વા ગામના સરપંચપદે રહી ચૂક્યાં છે. હવે દીકરી હીનલની પણ ગામના સરપંચ તરીકે પસંદગી થઈ છે એ એક અનોખી ઘટના છે.પ્રવીણાબહેન સરતાજને કહે છે, ‘મને એ વાતનો આનંદ છે કે ગામની દીકરીઓને પંચાયતનો કારભાર સોંપીને તેમને ગામ માટે કામ કરવાની તક પૂરી પાડવામાં આવી. પંચાયતના સભ્યો તરીકે પસંદ કરવામાં આવેલી તમામ દીકરીઓને અમે સાથસહકાર આપીશું. ગામમાંથી ભ્રષ્ટાચાર ગયો એ વાતનો પણ આનંદ છે.’શૈલેશ પટેલ સરતાજને કહે છે, ‘પંચાયતના સભ્ય તરીકે પસંદ થયેલી તમામ છોકરીઓને ગામનાં કામ કરવામાં અને ગામનો વિકાસ કરવામાં રસ છે અને સભ્ય બનીને ખુશ થઈ છે. આ તમામ છોકરીઓ શિક્ષિત હોવાથી કામ સમજી શકશે અને ઉકેલી પણ શકશે.’

પંચાયતની ગલ્ર્સ-મેમ્બર્સનું વિલેજ માટેનું ડ્રીમ શું છે?

ગામના તમામ નાગરિકોને કમ્પ્યુટરનું નૉલેજ હોય હું ગામમાં ગૃહઉદ્યોગ શરૂ કરવા ઇચ્છું છું, કેમ કે એનાથી સામાન્ય નાગરિકને પણ રોજી મળી રહે છે. મારું બીજું ડ્રીમ એ છે કે ગામના તમામ નાગરિકોને કમ્પ્યુટરનું નૉલેજ હોય અને એ મળે. આ ઉપરાંત ગામમાં જેમને બૅન્કિંગકામ નથી આવડતું તેમને એનું કામ શીખવવું છે, ખાસ કરીને બૅન્કમાં પૈસાની લેવડ-દેવડ વિશેનું. ઉપરાંત સ્વચ્છતા માટે ખાસ અવેરનેસ ઊભી કરવી છે.
- સરપંચ હીનલ પટેલ

 

સાયન્સ સ્ટ્રીમ તથા સાયન્સ કૉલેજ શરૂ કરવી છે

ગામમાં સ્કૂલ છે, પરંતુ અગિયારમા અને બારમા ધોરણમાં સાયન્સ સ્ટ્રીમ નથી એટલે ગામના સ્ટુડન્ટ્સે બહાર અભ્યાસ માટે જવું પડે છે અનેઅપ-ડાઉન કરવામાં તકલીફ પડે છે. ખાસ કરીને છોકરીઓને એનો બહુ જ પ્રૉબ્લેમ થાય છે એટલે ગામમાં અગિયારમા અને બારમા ધોરણ માટે સાયન્સ સ્ટ્રીમ અને સાયન્સ કૉલેજ શરૂ કરવાનું ડ્રીમ છે જેથી ગામના સ્ટુડન્ટ્સને મુશ્કેલી ન પડે.

- અંજલિ કાન્તિ પટેલ


પીવાનું પાણી શુદ્ધ કરવાની સિસ્ટમ લાવવાનો આઇડિયા

ગામમાં ક્ષારવાળું પાણી આવે છે એટલે અહીં પીવાનું પાણી શુદ્ધ કરવાની સિસ્ટમ લાવવાનો વિચાર છે જેથી ગામના નાગરિકોને પીવાનું ચોખ્ખું પાણી મળી રહે. આમ થવાથી ગામના નાગરિકોની હેલ્થ સારી રહેશે.
- દર્ષિતા વિનોદ પટેલ

ગામમાં કોઈ બીમાર ન રહે
મારું ડ્રીમ છે કે ગામમાં કોઈ બીમાર ન રહે, બધા હેલ્ધી રહે. ગામના પ્રાથમિક આરોગ્યકેન્દ્રમાં સારવારની તમામ સુવિધા ઉપલબ્ધ થાય. પ્રાથમિક ટ્રીટમેન્ટ વધુ સારી રીતે અને ઝડપથી મળી રહે, કેમ કે અમારા ગામની આસપાસનાં બીજાં દસથી બાર ગામના નાગરિકો પ્રાથમિક આરોગ્યકેન્દ્રમાં સારવાર માટે આવે છે.
- વિરલ હર્ષદ સરવૈયા

સિસ્વા ગ્રામપંચાયતની ગલ્ર્સ બ્રિગેડ

૧. પટેલ હીનલ શૈલેશ
( સરપંચ તરીકે પસંદગી)
ઉંમર : ૨૫ વર્ષ
અભ્યાસ : બીએસસી નર્સિંગ
૨. પટેલ અંજલિ કાન્તિ
ઉંમર : ૨૫ વર્ષ
અભ્યાસ : બીએસસી વિથ કેમિસ્ટ્રી
૩. સરવૈયા વિરલ હર્ષદ
ઉંમર : ૨૩ વર્ષ
અભ્યાસ : જનરલ નર્સિંગ
૪. પટેલ રાધા વિજય
ઉંમર : ૨૨ વર્ષ
અભ્યાસ : એસવાયબીઈ
૫. પટેલ શ્રેયા જયંતી
ઉંમર : ૨૩ વર્ષ
અભ્યાસ : એમબીએ સેકન્ડ યર
૬. પટેલ ખુશ્બૂ રમેશ
ઉંમર : ૨૪ વર્ષ
અભ્યાસ : બીકૉમ
૭. પટેલ ક્રિષ્ના પ્રજ્ઞેશ
ઉંમર : ૨૨ વર્ષ
અભ્યાસ : એસવાયબીકૉમ
૮. પટેલ કિન્નરી રજની
ઉંમર : ૨૪ વર્ષ
અભ્યાસ : બીકૉમ
૯. પટેલ ખ્યાતિ નવનીત
ઉંમર : ૨૨ વર્ષ
અભ્યાસ : ટીવાયબીએસસી વિથ માઇક્રોબાયોલૉજી
૧૦. પટેલ નિશા પ્રવીણ
ઉંમર : ૨૩ વર્ષ
અભ્યાસ : બીકૉમ
૧૧. રોહિત કિરણ ઈશ્વર
ઉંમર : ૨૬ વર્ષ
અભ્યાસ : પીટીસી (પ્રાઇમરી ટીચર સર્ટિફિકેટ)
૧૨. પટેલ દર્શિતા વિનોદ
ઉંમર : ૨૩ વર્ષ
અભ્યાસ : ટીવાયબીએ

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK