સુરતનું પૅડ-કપલ: નૅચરલ ડાયમન્ડના પારખુ વેપારીએ બનાવ્યાં નૅચરલ સૅનિટરી પૅડ

Published: Feb 12, 2020, 07:46 IST | Tejash Modi | Surat

કેળ, વાંસનાં ફાઇબર અને કૉર્ન સ્ટાર્ચનાં સૅનિટરી પૅડ છે પ્લાસ્ટિક-મુક્ત

સુરતના હીરા ઉદ્યોગપતિ ચિરાગ અને તેમનાં પત્ની હેતલ વીરાણી
સુરતના હીરા ઉદ્યોગપતિ ચિરાગ અને તેમનાં પત્ની હેતલ વીરાણી

મહિલાઓના પિરિયડના સમયને લઈને અનેક ભ્રમણાઓ છે. જોકે ‘પૅડમૅન’ ફિલ્મ આવ્યા બાદ અનેક ભ્રમણાઓ દૂર થઈ છે અને મહિલાઓ પૅડનો ઉપયોગ કરતી થઈ છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘સ્વચ્છ ભારત મિશન’ દ્વારા પ્રેરિત થઈને સુરતના હીરા ઉદ્યોગપતિ ચિરાગ અને તેમનાં પત્ની હેતલ વીરાણીએ કેળ, વાંસના ફાઇબર તેમ જ કૉર્ન સ્ટાર્ચના મિશ્રણનો ઉપયોગ કરીને સૅનિટરી પૅડ સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે.

વૈશ્વિક પ્લાસ્ટિકની સમસ્યા જોઈને તેઓએ પ્લાસ્ટિક-ફ્રી ઇકો-ફ્રેન્ડ્લી નૅચરલ સૅનિટરી પૅડ બનાવ્યાં છે જેનાથી મહિલાઓને પ્લાસ્ટિકનાં સૅનિટરી પૅડથી થતી અનેક મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે.

અમેરિકાના સૅન ફ્રાન્સિસ્કો શહેરમાં યોજાયેલી વિશ્વની સૌથી મોટી સ્ટાર્ટઅપ સ્પર્ધામાંથી એક ટેક ક્રંચ-૨૦૧૯માં હેલ્થ કૅટેગરીમાં પ્રથમ પાંચ સ્ટાર્ટઅપમાં સ્થાન મળ્યું હતું.

સુરતના ચિરાગ વીરાણી ગુજરાતના મોટા હીરાના ઉદ્યોગપતિ છે. તેમની પારખુ નજર હમેશાં નૅચરલ ડાયમન્ડ પર રહી, પરંતુ તેઓ હાલમાં નૅચરલ સૅનિટરી પૅડ બનાવવામાં વ્યસ્ત થઈ ગયા છે. દેશ-વિદેશમાં નૅચરલ ડાયમન્ડનો વ્યાપાર કરનાર સુરતના હીરાના ઉદ્યોગપતિ હવે નૅચરલ સૅનિટરી પૅડ બનાવી રહ્યા છે. એની પાછળનું  કારણ છે કેમિકલ અને પ્લાસ્ટિકથી બનેલાં સૅનિટરી પૅડને કારણે મહિલાઓને તકલીફ પડતી હતી. સૅનિટરી પૅડમાં વપરાતા કેમિકલને કારણે પણ કેટલીક મહિલાઓ એનો ઉપયોગ કરવાનું ટાળે છે. આ મુશ્કેલીઓ તેમનાં પત્ની હેતલને પણ થઈ અને તેઓ નૅચરલ સૅનિટરી પૅડ શોધી રહ્યા હતા ત્યારે તેમને નૅચરલ સૅનિટરી પૅડ બનાવવાનો વિચાર આવ્યો. કૅનેડાથી ભણતર પૂર્ણ કરી સુરત આવેલા હીરાના ઉદ્યોગપતિ ચિરાગ અને હેતલે એક એવું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે જેઓ બાયો-ડિગ્રેડેબલ પૅડ એટલે કે કોઈ પણ કેમિકલ વગર ઑર્ગેનિક મટીરિયલથી પૅડ્સ બનાવે છે. આ કપલે બે વર્ષના રિસર્ચ પછી ઉપયોગમાં લઈ શકાય એવું સૅનિટરી પૅડ બનાવ્યું છે.

સૅનિટરી નૅપ્કિનમાં વાંસ ફાઇબર, કેળ ફાઇબર અને કૉર્ન સ્ટાર્ચના મિશ્રણનો ઉપયોગ કરનારી આ વિશ્વની પ્રથમ કંપની છે. આમ તો દરેક સૅનિટરી પૅડમાં ૯૦ ટકા પ્લાસ્ટિક હોય છે જેને કારણે મહિલાઓને અનેક સમસ્યા રહે છે, પરંતુ આ નૅચરલ સૅનિટરી પૅડ પ્લાસ્ટિક-ફ્રી છે. વાંસના રેસા કુદરતી રીતે ઍન્ટિ-બૅક્ટેરિયલ હોય છે. માસિક સ્રાવના પ્રવાહીને દૂર કરવા માટે કેળના ફાઇબર ખૂબ અસરકારક છે. મકાઈ સ્ટાર્ચ બાયોપ્લાસ્ટિક કમ્પોઝેબલ છે જે મહિલાઓના સ્વાસ્થ્યને નુકસાન નથી પહોંચાડતા. નિકાલના લગભગ ૬ મહિનામાં એનો નાશ કરી શકે છે. બજારમાં મળતાં કમર્શિયલ સૅનિટરી નૅપ્કિનમાં ૯૦ ટકા પ્લાસ્ટિક હોય છે અને લગભગ ૬૦૦ વર્ષથી બાયોડિગ્રેડ થતું નથી. ભારતમાં છમાંથી એક મહિલા સૅનિટરી પૅડનો ઉપયોગ કરે છે. દર વર્ષે લગભગ ૧,૫૦,૦૦૦ ટન પૅડનો કચરો ઉત્પન્ન થાય છે.
 
મેક ઇન ઇન્ડિયા અને સ્વચ્છ ભારત મિશન દ્વારા પ્રેરિત થઈને સુરતના કપલ ચિરાગ અને હેતલ વીરાણીએ કેળ અને વાંસના ફાઇબર તેમ જ કૉર્ન સ્ટાર્ચના મિશ્રણના ઉપયોગથી સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે, જેને સૅન ફ્રાન્સિસ્કો શહેરમાં યોજાયેલી વિશ્વની સૌથી મોટી સ્ટાર્ટઅપ સ્પર્ધામાંથી એક ટેક ક્રંચ-૨૦૧૯માં હેલ્થ કૅટેગરીમાં પ્રથમ પાંચ સ્ટાર્ટઅપ્સમાં સ્થાન મળ્યું હતું. આ સ્પર્ધામાં ૧૫૦ દેશોનાં ૬૦૦ જેટલાં સ્ટાર્ટઅપ્સે ભાગ લીધો હતો. વાંસના રેસા કુદરતી રીતે ઍન્ટિ-બૅક્ટેરિયલ હોય છે તેમ જ માસિક સ્રાવના પ્રવાહીને દૂર કરવા માટે કેળનાં ફાઇબર પણ ખૂબ અસરકારક હોય છે. ચિરાગે એન્જિનિયરિંગ અને એમબીએની ડિગ્રી કૅનેડાથી મેળવી છે, જ્યારે ચિરાગનાં પત્ની હેતલ વીરાણી સીએ છે અને કો-ફાઉન્ડર પણ છે. બન્નેનું કેળાંનું ફાર્મ છે, જેમાં દર વર્ષે કેળની કાપણી પછી એના દાંડાને સળગાવવામાં આવતા હતા, જેને કારણે પૉલ્યુશન પણ થતું હતું. મને વિચાર આવ્યો કે જો એનો ઉપયોગ કરીને સૅનિટરી પૅડ બનાવવામાં આવે તો ખેડૂતને વધારાની આવક થશે અને પર્યાવરણને પણ નુકસાન નહીં થાય.

આ નૅચરલ પૅડ્સમાં પ્લાસ્ટિક અથવા અન્ય હાનિકારક રસાયણ સામેલ નથી. આ કચરાનો નાશ કરવો બહુ અઘરો છે. દંપતી દ્વારા બનાવવામાં આવેલું આ પૅડ સંપૂર્ણપણે મેક ઇન ઇન્ડિયા પ્રોડક્ટ છે. પહેલું સૅનિટરી પૅડ બનાવવા પાછળ દોઢ વર્ષ લાગ્યું હતું અને આજે વિશ્વના અનેક દેશોમાં આ પૅડ્સની ડિમાન્ડ વધી રહી છે, કારણ કે આ પ્લાસ્ટિક-ફ્રી સૅનિટરી પૅડ છે.

નૅચરલ વસ્તુઓમાંથી બનેલાં સૅનિટરી પૅડ હોવાથી કોઈ નુકસાન થાય એવી શક્યતા નથી, કેમિકલથી બનેલાં પૅડથી કેટલીક વખત રેસા સહિતની સમસ્યાઓ થાય છે. જોકે જે વસ્તુઓનો ઉપયોગ કરીને નૅચરલ પૅડ બનાવવામાં આવ્યાં છે એ નુકસાનકારક નથી.- ગાયનેકોલૉજિસ્ટ ડૉ. અંજના પંડ્યા

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK