Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ભગવાન સૂક્ષ્મતામાં રહેલા છે

ભગવાન સૂક્ષ્મતામાં રહેલા છે

12 October, 2020 08:39 PM IST | Mumbai
Falguni Jadia Bhatt | feedbackgmd@mid-day.com

ભગવાન સૂક્ષ્મતામાં રહેલા છે

અંગ્રેજીમાં કહેવત છે કે ‘ગૉડ લાઇસ ઇન ડિટેઇલ્સ

અંગ્રેજીમાં કહેવત છે કે ‘ગૉડ લાઇસ ઇન ડિટેઇલ્સ


આ કહેવત આપણે બધાએ ક્યારેક ને ક્યારેક તો જીવનમાં સાંભળી જ હોય છે, પરંતુ એને જીવનમાં ઉતારવાનું કાયમ ભૂલી જઈએ છીએ, જ્યારે હકીકતમાં આપણી નાની-નાની બાબતો જ વ્યક્તિ તરીકે આપણે કેવા છીએ એની ચાડી ખાતી હોય છે ત્યારે લોકોના મનમાં આપણી એક નિશ્ચિત છાપ ઊભી કરતી હોય છે.

કોરોનાએ આપણા બધાના જીવનમાં આમૂલ પરિવર્તન આણ્યું છે. છેલ્લા ૬ મહિનાથી આપણે બધા એક એવું જીવન જીવી રહ્યા છીએ જેની આપણે ક્યારેય કલ્પના પણ કરી નહોતી. હંમેશાં નોકરીમાંથી રજા મળે એવી પેરવી કરતા રહેતા લોકો હવે ઑફિસે જવા માટે તત્પર બની ગયા છે. સ્કૂલના નામથી જ મોઢાં બગાડતાં બાળકો હવે સ્કૂલ જવા તરફડી રહ્યાં છે. હંમેશાં સતત કામમાં વ્યસ્ત રહેતા પતિદેવ સાથે થોડો વધુ સમય વ્યતીત કરવા માગતી પત્નીઓ હવે પોતાના એજી-ઓજીથી થાકીને તેમની ઑફિસ ફરી પાછી ચાલુ થવાની કાગડોળે રાહ જોવા માંડી છે. પત્નીઓના આ કંટાળાનું કારણ પૂછતાં એક ફ્રેન્ડે મોઢું મચકોડતાં કહ્યું, ‘જવા દેને યાર! તેમની કઈ બાબત મને સૌથી વધારે ઇરિટેટ કરે છે એનું લિસ્ટ બનાવવા બેસું તો પૂરું જ ન થાય. જ્યારે જુઓ ત્યારે ઘરમાં બસ પસારો જ ફેલાવ્યા કરે. વસ્તુઓ કાઢીને પાછી એના સ્થાને મૂકવાને બદલે આમ-તેમ મૂકીને આગળ વધી જાય અને મારે તેમની પાછળ આખો દિવસ બધું સમેટ્યા જ કરવું પડે. બહારથી આવી બૂટ કાઢીને રૂમમાં વચ્ચોવચ મૂકી દે, મોજાં કાઢીને સોફા પર મૂકી દે, કપડાં કાઢીને વૉશિંગ મશીનની અંદર નાખવાને બદલે મશીનની ઉપર જ મૂકી દે, દાંત સાફ કરીને બ્રશ સ્ટૅન્ડમાં મૂકવાને સ્થાને વૉશ-બેસિનની ઉપર જ છોડી દે. અરે, બીજું બધું તો ઠીક ટૂથપેસ્ટનું ઢાંકણ સુધ્ધાં બરાબર બંધ ન કરે. પાછું કંઈ કહીએ એટલે એક જ જવાબ મળે કે આવી બધી ક્ષુલ્લક અને વાહિયાત બાબતો પર શું ધ્યાન આપવાનું? હવે કોણ તેમને સમજાવે કે હકીકતમાં આવી ક્ષુલ્લક બાબતો જ મહામહેનતે સજાવેલા ચાર ચાંદ જેવા ઘરને ડાઘ લગાડવાનું કામ કરતી હોય છે અને આખો દિવસ મારું કામ વધારવામાં નિમિત્ત બનતી રહે છે.’
વાત તો સાચી છે. આ બધી બાબતો છે તો ક્ષુલ્લક, પણ આ ક્ષુલ્લક બાબતો જ આખરે એક વ્યક્તિ તરીકે આપણે કેવા છીએ, આપણા વિચારો, આપણી માનસિકતા, આપણી આદતો, આપણા સમગ્ર વ્યક્તિત્વનો ચિતાર આપી જતી હોય છે. બાહ્ય ચિત્ર ગમે એટલું સારું કે સુંદર જ કેમ ન હોય, આખરે તો એમાં રહેલી ઝીણી-ઝીણી બાબતો જ આપણી ખામી કે ખૂબીની ચાડી ખાઈ જતી હોય છે એથી જ કદાચ અંગ્રેજીમાં કહેવત છે કે ‘ગૉડ લાઇસ ઇન ડિટેઇલ્સ.’ કેટલાક એને માટે ‘ડેવિલ લાઇસ ઇન ડિટેઇલ્સ’ જેવો વાક્યપ્રયોગ પણ કરે છે. ગૉડ હોય કે ડેવિલ, જે સૌથી વધારે મહત્ત્વનું છે એ તો આ ડિટેઇલિંગ જ છે.
મારી એ ફ્રેન્ડની ફરિયાદ સાંભળતાં જ વર્ષો પહેલાં ક્યાંક સાંભળેલો એક કિસ્સો યાદ આવી ગયો. એક વાર એક નામાંકિત ઉદ્યોગપતિ પોતાના એક મોટા પ્રોજેક્ટનું સુપરવિઝન કરવા ગયા હતા. આખા પ્રોજેક્ટનું પરીક્ષણ-નિરીક્ષણ કર્યા બાદ તેમણે સુધારાવધારા કરવાની જરૂર હતી એવી બાબતોની એક આખી યાદી તૈયાર કરી. એ યાદીમાં તેમણે એ પ્રોજેક્ટના એક નાનકડા વિસ્તારમાં એક એક્ઝૉસ્ટ ફૅન ઠીક કરવાનું પણ લખ્યું હતું. મહિનાઓ બાદ જ્યારે તેઓ ફરી પાછા એ પ્રોજેક્ટની મુલાકાતે ગયા ત્યારે કંપનીના ઉપરીઓને ખાતરી હતી કે તેમણે સાહેબની સૂચિમાં લખેલી પ્રત્યેક બાબતોનું ધ્યાન રાખ્યું હોવાથી આ વખતે તો તેઓ તેમની કોઈ ભૂલ કાઢી જ નહીં શકે, પરંતુ એ ઉદ્યોગપતિએ તો પહેલો સવાલ જ પેલા એક્ઝૉસ્ટ ફૅન માટે પૂછ્યો. સ્વાભાવિક રીતે એ બાબત એટલી ગૌણ હતી કે બધાના ધ્યાનની બહાર જતી રહી હતી. બસ, પતી ગયું. આ એક બેદરકારીથી સાહેબ એટલા નારાજ થઈ ગયા કે એકાએક ઉપરીઓએ કરેલી બીજી બધી તૈયારીઓનું કોઈ મહત્ત્વ જ રહ્યું નહીં.
પોલીસનાં ચોપડાં ખોલીને જોશો તો એવા અસંખ્ય કિસ્સા મળી આવશે, જેમાં પારાવાર આયોજન સાથે કરવામાં આવેલા ગુના ગુનેગારથી રહી ગયેલી એકાદ આવી નાની ક્ષતિથી જ પકડી પાડવામાં આવ્યા હોય. જીવનમાં ડિટેઇલ્સનું આટલું મહત્ત્વ હોવાથી જ કદાચ ગાંધીજીએ અભ્યાસના સંદર્ભમાં ડિગ્રીઓ કરતાં અક્ષરોના મરોડ પર ધ્યાન આપવાનું કહ્યું હશે અને ખરાબ અક્ષરોને અધૂરી કેળવણીની નિ‍શાની જેવા ગણાવ્યા હશે કે પછી આપણામાં માણસને સમજવા તેના દ્વારા બોલાયેલા શબ્દો કરતાં તેના હાવભાવ દ્વારા વણબોલાયેલા શબ્દો પર વધુ ધ્યાન આપવાનું કહેવામાં આવતું હશે.
ટૂંકમાં, આ નાની-નાની બાબતો જ છે, જે આપણને સૌથી વધુ નુકસાન પહોંચાડે છે. અસંખ્ય નાની કીડીઓ મળી હાથી જેવા હાથીના મૃત્યુનું કારણ બની શકે છે. નરી આંખે જોવામાં મુશ્કેલ એવી ઊધઈ આખા ને આખા મકાનને કોરી ખાય છે. એક નાનીઅમસ્તી ભૂલ ટાઇટૅનિક જેવી મહાકાય શિપને ડુબાડી દેવામાં નિમિત્ત બની શકે છે. બલકે આવી નાની-નાની બાબતોને અવગણવા જતાં ભોગવવાં પડતાં મોટાં પરિણામોનો વિચાર કરીએ તો સમજાય કે જીવનમાં ખરેખર નાનું કશું હોતું જ નથી, બલકે આપણું સમગ્ર જીવન આવી ક્ષુલ્લક બાબતોનું જ સરવૈયું હોય છે.
તમે જ વિચાર કરો કે લાઇફમાં આપણે શેનો અભ્યાસ કરવો, નોકરી કરવી કે બિઝનેસ કરવો, બિઝનેસ કરવો તો શેનો કરવો, નોકરી કરવી તો ક્યાં કરવી, કોની સાથે પરણવું, બાળકો કરવાં કે ન કરવાં, કેટલાં બાળકોને જન્મ આપવો વગેરે જેવા મોટા અને મહત્ત્વના નિર્ણયો કેટલી વાર લેવા પડે છે? એની સામે આજે ઘરમાં તોફાન કરતાં બાળકો પર ગુસ્સે થવું છે કે તેમને પ્રેમથી સમજાવવાં છે, આજે સાંજે ઘરે જમવાનું બનાવવું છે કે બહાર જમવા જવું છે, આજે દિવસ સારો નથી ગયો તો શાંત રહેવું છે કે કોઈના પર ગુસ્સે થઈ પોતાની અકળામણ કાઢી મૂકવી છે વગેરે જેવા નાના-નાના નિર્ણયો કેટલી વાર લેવા પડે છે?
રોજિંદા ધોરણે ડગલે ને પગલે લેવાયેલા આવા અસંખ્ય નાના-નાના નિર્ણયો જ આખરે આપણા જીવનની દિશા નક્કી કરતા હોય છે. આ નાના-નાના નિર્ણયો જ આખરે આપણી આદતો, આપણો સ્વભાવ, આપણું સમગ્ર વ્યક્તિત્વ ઘડતા હોય છે. સફળતા કોઈને રાતોરાત મળતી નથી. દરેક મહાન લેખકો, મહાન ચિત્રકારો, મહાન કલાકારો આવી ઝીણી-ઝીણી વસ્તુઓ પર ધ્યાન આપતાં-આપતાં આ મુકામ પર પહોંચ્યા હોય છે. દરેક મોટી શોધની શરૂઆત એક નાના વિચારથી થાય છે. દરેક મહાકાય બિઝનેસનો પાયો નાના સાહસમાં સમાયેલો હોય છે.
એથી જીવનમાં મોટાં પરિવર્તનો કે મોટાં પરિમાણો જોઈતાં હોય તો એની નાની-નાની બાબતો પર ધ્યાન આપવાનું શીખવું પડે. મોટો સંતોષ અને આનંદ જોઈતા હોય તો આંગણામાં ખીલેલાં ફૂલ, બારીએ આવીને બેસેલાં પંખી કે પછી શિયાળાની સવારે બગીચાના ઘાસ પર બાઝી ગયેલી ઝાકળ જેવી કુદરતની નાની-નાની બક્ષિસોને માણતાં શીખવું પડે. પરિવારજનો, મિત્રો કે સગાંસંબંધીઓનો પ્રેમ અને સરાહના ઝંખતાં હોય તો થોડું વધારે હસી, થોડી વધારે તેમની વાતો ધ્યાનપૂર્વક સાંભળી, થોડી વધારે પ્રશંસા કરી અને થોડી વધારે તેમની મદદ કરવાની તૈયારી દાખવવી પડે. આવી નાની-નાની બાબતો જ આપણને આત્મવિશ્વાસ અને આત્મસંતોષ
આપે છે. લોકોમાં આપણને પ્રિય બનાવે છે અને આપણા ગયા બાદ પણ આપણને યાદ કરવાનું કારણ બને છે.
આટલું વાંચ્યા બાદ વાત કંઈક ગળે ઊતરી હોય તો હવે પછી જ્યારે તમારી પત્ની તમારા પર લાઇટ અને પંખાની સ્વિચ બંધ ન કરવા માટે કે પછી પાણીનો નળ બરાબર બંધ ન કરવા માટે ગુસ્સો કરે ત્યારે તેના પર અકળાઈ જવાને બદલે ઉપર જણાવેલા મુદ્દાઓ પર ફરી એક વાર ધ્યાન આપી જોજો અને પછી જુઓ કેવી રીતે તેમના કજિયામાં પણ તમને તેમનો પ્રેમ દેખાઈ આવે છે!


Whatsapp-channel Whatsapp-channel

12 October, 2020 08:39 PM IST | Mumbai | Falguni Jadia Bhatt

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK