Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > જમવું કેમ એ શીખવવું પડે, ભૂખ લાગે ત્યારે પેટ ભરી લેવાનું એ નહીં

જમવું કેમ એ શીખવવું પડે, ભૂખ લાગે ત્યારે પેટ ભરી લેવાનું એ નહીં

11 July, 2020 09:30 PM IST | Mumbai
Sanjay Raval

જમવું કેમ એ શીખવવું પડે, ભૂખ લાગે ત્યારે પેટ ભરી લેવાનું એ નહીં

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આજના વિષય પર આવતાં પહેલાં એક કિસ્સો કહેવો છે મારે.

બારમા ધોરણમાં મેં સાયન્સ રાખ્યું. બાપુજીને ખબર પડી એટલે તેમણે મને બોલાવ્યો અને કહ્યું, ‘જો ભાઈ, મારો પગાર એટલો નથી કે હું તારી ટ્યુશન-ફી ભરી શકું. તને પણ ખબર જ છે તો પણ તેં સાયન્સ લીધું?’



આપણે તો કૉન્ફિડન્ટ હતા એટલે મેં જવાબ આપ્યો, ‘બાપુજી, મારે ડૉક્ટર બનવું છે, ડૉક્ટર બની જઈશ એટલે પછી હું તમને બધું ચૂકતે કરી દઈશ, મને તમે ભણાવો.’


વર્ષ ૧૯૮૪ અને મારું બારમું ધોરણ થયું.                

મારી આ વાત દરેક માતા-પિતાને અર્પણ છે જેઓ ઇચ્છે છે કે તેમનો દીકરો ડૉક્ટર કે એન્જિનિયર બને અને પછી આખી લાઇફ મજા કરે. જે સુખસુવિધાઓ મને નથી મળી એ મારાં બાળકો માણે અને સુખેથી જીવન જીવે. માબાપનો આશય હંમેશાં સારો જ હોય છે અને તેમને માટે સંતાનોનું સુખ એ જ પ્રથમ અને અંતિમ ધ્યેય હોય છે, અધ્યાય હોય છે. આનાથી આગળ તેઓ કાંઈ વિચારતાં જ નથી. પછી ભલે એને માટે તેમણે દેવું કરવું પડે અને બાળકોને ભણાવવાં પડે. જો સંતાનો પાસેથી આટલી આશા રાખી હોય તો સ્વાભાવિક રીતે એ પણ સમજે જ કે ભણવું જોઈએ. સાહેબ, તમે માનશો નહીં, પણ આ હકીકત છે કે અમારા સમયમાં જેટલાં હરામખોર સંતાનો હતાં એના કરતાં અત્યારનાં બાળકો ડાહ્યાં છે. તેઓ ભણે છે અને કૉલેજનું કહીને ખરેખર કૉલેજ જ જાય છે. અમે તો કૉલેજનું કહીને કર્ણાવતી ફરતા અને એક્સ્ટ્રા ક્લાસના નામે મેટિની શોમાં ફિલ્મ જોવા બેસી જતા એટલે આજની આ પેઢીને ઉતારી પાડવાનું કામ ક્યારેય નહીં કરતા.


આજનાં બાળકો બિચારાં ડાહ્યાંડમરાં થઈને ભણવા બેસી જતાં હોય છે, પણ હું કહીશ કે તેઓ બિચારા જાણતાં નથી કે આ જે એજ્યુકેશન-સિસ્ટમ છે એ ભણતરની નથી, પણ ગોખણપટ્ટીની છે. બસ, ગોખ્યા કરો અને પરીક્ષા આવે ત્યારે જે ગોખ્યું છે એને છાપી મારો. નવું વર્ષ એટલે નવું સિલેબસ અને નવું સિલેબસ એટલે નવી ગોખણપટ્ટી. અત્યારે કોરોના વચ્ચે સ્કૂલો ચાલુ નથી એટલે મોબાઇલ પર ભણાવીને પણ કરે છે તો આ જ કામ. બસ ગોખ્યા કરો. પાસ થયા, આગળ વધો અને પાછા ગોખવા માંડો. પરીક્ષા આવે એટલે ગોખ્યું હોય એ બધું છાપી મારો. બસ, આ જ પદ્ધતિ આપણા શિક્ષણમાં આવી ગઈ છે. બધાને ૧૦૦ ટકા માર્ક્સ લાવવા છે, પણ ગણતર લાવવું નથી. આનાથી ઊલટું પણ થાય, દીકરાને કે દીકરીને આર્ટ્સમાં ઇન્ટરેસ્ટ હોય, પણ માબાપના કહેવાથી તેમની ઇચ્છાને માન આપીને એ બિચારી કે બિચારો રટણ કર્યા કરે અને પરીક્ષામાં પર્ફેક્ટ છાપકામ કરે. પછી? પછી શું, આ જ સિસ્ટમ આગળ વધે, પણ તમે ક્યારેય વિચાર્યું છે ખરું કે આ સિસ્ટમથી દેશ ક્યાં જશે. આ સિસ્ટમથી તો આપણે કોઈ સાયન્ટિફિક રિસર્ચ કરી નથી શકતા અને નવી ટેક્નૉલૉજીનો આવિષ્કાર નથી કરી શક્યા. કારણ સ્પષ્ટ છે કે જૂનો બોજ મગજ પર છે અને જ્યાં સુધી મગજ પર એ છે ત્યાં સુધી મગજ બિચારું નવું વિચારવા માટે નવરું જ નથી પડવાનું અને મગજ નવું નહીં તો પછી એ બિચારું શોધખોળની દિશામાં વિચારે ક્યાંથી? એક દિવસ એવો આવશે કે આપણે શોધેલા રોબો અને આપણામાં કોઈ ફરક નહીં રહે. જે દિવસે એ સમય આવી ગયો એ દિવસે માણસ અને રોબોનું યુદ્ધ થશે અને જે ભારાડી હશે તે જીવશે. આ યુદ્ધ થવાનું કારણ ક્લિયર છે. બેઉનું એક જ કામ છે, ઑર્ડર મળે એને ફૉલો કરો બસ. આનાથી આગળ આપણે કાંઈ કરતા જ નથી.

મિત્રો, આ જીવન નથી આપ્યું ઈશ્વરે, આ જીવન આપણે બનાવ્યું છે. આ સિસ્ટમ બદલવાની જરૂર છે. તમારી આસપાસ સતત નવીનતા જોવા મળે છે અને એ નવીનતા જ તમને દરેક નવું કામ કરવા માટે પ્રેરણા આપે છે. કુદરત જ છે જે સતત તમને નવું કરવાની ક્ષમતા આપે છે. અંધારું હોત જ નહીં તો કોઈને ઇલેક્ટ્રિક બલ્બ શોધવાનો વિચાર જ ન આવ્યો હોત. જો ઝાડ પરથી સફરજન પડ્યું જ ન હોત તો ગુરુત્વાકર્ષણ બળ શું છે એની કોઈને ખબર જ પડી ન હોત, પણ સાહેબ, આ ગુરુત્વાકર્ષણ બળ શોધવા માટે બગીચામાં જવું પડે, કુદરતના ખોળે જવું પડે. કુદરત કેટલું સરસ કામ કરે છે એ ક્યારેય તમે જોયું છે. રોજ કોઈ જાતની સૂચના વિના સૂર્યોદય થાય અને સૂર્યાસ્ત માટે પણ કોઈ સૂચના નહીં અને એ પછી પણ બન્ને એકબીજાથી જરા પણ સમાન નથી હોતા અને આપણે, આપણે, બંધ ક્લાસમાં બેસીને વિશ્વની અજાયબીઓની અને શોધની વાતો કરીએ. આવી વાતો, વાતો જ બની રહે ભાઈ, જીવનમાં કંઈ ઊતરે નહીં. જીવનમાં જો ઉતારો કરવો હોય તો આ બધું જોવા અને શીખવા માટે બંધિયાર વાતાવરણમાંથી બહાર નીકળવું પડે. કહો જોઈએ ક્યારેય તમને કોઈએ શ્વાસ લેતાં શીખવવું પડ્યું? ખાવું કેમ એ ક્યારેય શીખવ્યું કોઈએ કે પછી જમ્યા પછી એને પચાવવું કેમ એ કોઈએ શીખવવું પડે છે? ના, ક્યારેય નહીં.

જમવાના ઍટિકેટ્સ શીખવવા પડે, પણ ભૂખ લાગે ત્યારે પેટ ભરવું પડે અને એને માટેની કોઈ રીત ક્યારેય કોઈને શીખવવામાં નથી આવી. એ તો આપણે જાતે જ શીખી જઈએ છીએ. ભાઈ, કુદરત બધું શીખવાડીને જ મોકલે છે અને જે આ બેઝિક જાણે છે એ કંઈ પણ શીખી શકે છે. કારણ કે કુદરતે, ઈશ્વરે બધાને સમાન તક આપી છે અને સમાન તકનું પરિણામ કઈ રીતે લાવવું એ અલ્ટિમેટલી આપણા હાથમાં છે. ભણતરનો ક્યારેય થાક લાગવાનો નથી, આજે પણ આપણે દરરોજ ભણીએ જ છીએ, જે થાક લાગે છે એ થાક તો ગોખણપટ્ટીનો છે. તમને મળેલો અભ્યાસક્રમ જો તમે ભણવા માટે હાથમાં લેશો તો ક્યારેય કંટાળો નહીં આવે, પણ હા, જો એને ગોખવા બેસશો તો ચોક્કસ આંખમાં ઊંઘ આવી જશે એ નક્કી.

હકીકતમાં તો વિદ્યાર્થીનો એક પિરિયડ કુદરતના સાંનિધ્યમાં રાખવો જ જોઈએ જેથી દરેકને ખબર પડે કે તેમની આસપાસ કેવી અદ્ભુત અજાયબીઓ છે અને આપોઆપ એને જોઈને એ વિદ્યાર્થીને વિશ્વની અજાયબીઓમાં રસ પડે. બંધબારણે સતત રટણ કર્યા કરવાથી કદાચ પાસ થઈ શકો, પણ જીવનના પાઠ ક્યારેય નહીં શીખી શકો. વિદ્યાર્થીઓ પણ આજે એટલા ટેન્શનમાં જીવે છે કે બિચારાઓને સ્ટ્રેસ આવી જાય છે. માબાપ પૂછે કે  ‘બેટા, ભણવાનું કેવું ચાલે છે’ ત્યારે જવાબમાં ઊકળી ઊઠે છે અને બફાટ કરવા માંડે છે કે ‘તમે લપ નહીં કરો, તમને શું ખબર પડે? શું આવડે છે તમને ભણવામાં? કેટલીબધી માથાકૂટ હોય છે એની ખબર છે તમને? અમારા સિલેબસ કેટલો હાર્ડ હોય છે એનું ભાન છે?’

ના, ભાઈ ના. તેમને આમાંનું કોઈ ભાન નથી, પણ તમને ક્યારેય એ વાતનું ભાન છે કે આજે એ એકલી વ્યક્તિ જો તમારું ઘર ચલાવે છે અને તમને ભણાવે છે, તમારી બધી સગવડો પૂરી પાડે છે એ વ્યક્તિનું ભણતર શું?

જવાબ છે, એ બુઢ્ઢાં માબાપ જીવન અને કુદરતના નિયમો શીખ્યાં છે. મિત્રો, યાદ રાખજો કે તમારાં માબાપ પાસેથી તમે જેટલું શીખી શકો છો એટલું જીવનમાં કોઈ શિક્ષક તમને નથી શીખવી શકવાનો અને કદાચ ઑક્સફર્ડ યુનિવર્સિટી પણ તમારાં માતાપિતા પાસે ટૂંકી પડવાની છે. દરેક વિદ્યાર્થીને આ જ શીખવાનું છે કે ભણવા ખાતર નહીં ભણો, તમને જે ગમે છે એ ભણો અને નવું શીખવાની ઇચ્છાથી ભણો. ભણવા ખાતર કરેલું ભણતર જીવનમાં ક્યાંય કામ લાગવાનું નથી, પણ જે શીખવા માટે ભણેલું હશે એ ભણતર ગણતર આપવાનું કામ કરશે.

ગમતું ગોતી કાઢો અને માત્ર ગોખવા માટે નહીં, પણ શીખવા માટે ભણો. જો આ રસ્તો અપનાવશો તો સ્કૂલની તો શું જીવનની પરીક્ષામાં પણ કોઈ તમને હરાવી નહીં શકે અને જો એવું થયું તો ખરા અર્થમાં લાગશે કે જીવન જીવવા માટે નહીં, જીવન તાણવા માટે નહીં, જીવન માણવા માટે છે.

Whatsapp-channel Whatsapp-channel

11 July, 2020 09:30 PM IST | Mumbai | Sanjay Raval

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK