મુંબઈ-અમદાવાદ હાઇવેને કનેક્ટ થતા ઘોડબંદર રોડ પરની એક્સપ્રેસ ઇન હોટેલના ૨૧ કર્મચારીઓની એકસાથે કોવિડ-ટેસ્ટ પૉઝિટિવ આવતાં પ્રશાસન દોડતું થઈ ગયું છે. હોટેલના સંચાલકોએ એના ૯૧ કર્મચારીઓની પ્રાઇવેટ ટેસ્ટ કરાવી હતી. એમાંથી ૨૧ કર્મચારીઓને કોરોનાનું સંક્રમણ થયું હોવાનું જણાતાં તેમને કોવિડ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. આ હોટેલમાં દરરોજ મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે એટલે તેમને શોધવા કેવી રીતે એની ચિંતા પાલિકાને સતાવી રહી છે. આ કેસ આવવાથી દોડતી થયેલી પાલિકાના આરોગ્ય વિભાગે આસપાસની હોટેલો અને જ્યાં દરરોજ વધારે લોકોની અવરજવર થાય છે એવા સ્થળે સ્ટાફનું ટેસ્ટિંગ શરૂ કર્યું હતું, જેમાં ૬ કેસ પૉઝિટિવ નીકળ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
ઘોડબંદરથી થાણે તરફ જતા રસ્તામાં ફાઉન્ટન હોટેલને અડીને આવેલી એક્સપ્રેસ ઇન હોટેલમાં કામ કરતા ૨૧ કર્મચારીઓની ટેસ્ટ પૉઝિટિવ આવતાં પાલિકાએ આ હોટેલને ૪ માર્ચ સુધી સીલ કરી દીધી છે અને પૉઝિટિવ આવેલા ૨૧ કર્મચારીઓને વિવિધ કોવિડ સેન્ટરમાં રાખ્યા છે. આ સિવાય કોવિડનું સંક્રમણ થવાના જેમને ચાન્સ છે એવા બીજા ૩૮ કર્મચારીને આઇસોલેટ કરવામાં આવ્યા છે.
હોટેલના ૨૧ કેસ સાથે શનિવારે મીરા-ભાઈંદરમાં કોરોનાના નવા કુલ ૬૫ કેસ નોંધાયા હતા, જે છેલ્લા કેટલાક મહિનામાં સૌથી વધુ છે. જ્યાં દરરોજ ૧૦થી ૨૦ નવા કેસ નોંધાતા હતા ત્યાં અચાનક ૬૫ કેસ સામે આવતાં લોકોની સાથે પાલિકા પ્રશાસન ચોંકી ઊઠ્યું છે. પાલિકાએ લોકોની ગિરદી થતી હોય એવા દરેક સ્થળે લોકોનું ટેસ્ટિંગ હાથ ધર્યું છે.
મીરા-ભાઈંદર મહાનગરપાલિકાએ ૨૧ કર્મચારીઓ કોરોના-પૉઝિટિવ આવતાં એક્સપ્રેસ ઇન હોટેલને કરી સીલ
આરોગ્ય વિભાગના નોડલ ઑફિસરનું શું કહેવું છે?
પાલિકાના આરોગ્ય વિભાગના નોડલ ઑફિસર ડૉ. સંતોષ પાંડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હોટેલના પૉઝિટિવ કર્મચારીઓને દહિસર ચેકનાકા પાસેના કોવિડ સેન્ટરમાં રખાયા છે. બધાને કોવિડનું માઇનર સંક્રમણ થયું હોવાનું રિપોર્ટમાં જણાયું છે. હોટેલમાં છેલ્લા એકાદ અઠવાડિયામાં આવેલા લોકોની વિગતો હોટેલના સંચાલક પાસેથી મેળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જોકે મુલાકાતીઓને ટ્રેસ કરવાનું લગભગ અશક્ય છે. આમ છતાં અમારી ટીમે ગઈ કાલથી જ આસપાસની ફાઉન્ટન અને શેલ્ટર હોટેલની સાથે નજીકના પેટ્રોલ-પમ્પના કર્મચારીઓનું ટેસ્ટિંગ ચાલુ કર્યું છે. ગઈ કાલે ૨૩૧ કમર્ચારીની કરાયેલી ટેસ્ટમાંથી ૬ પૉઝિટિવ આવતાં તેમને કોવિડ સેન્ટરમાં મોકલી દેવાયા છે.’
હોટેલના મૅનેજરનું શું કહેવું છે?
એક્સપ્રેસ ઇન હોટેલના મૅનેજર ઍલેક્ઝાન્ડર ડેન્ટિસે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોવિડની ગાઇડલાઇન્સ મુજબ અમે હોટેલમાં પ્રવેશતી દરેક વ્યક્તિનું ઑક્સિજન-લેવલ ચેક કરવાની સાથે તેને સૅનિટાઇઝ કરતા હતા. આમ છતાં કોરોનાવાઇરસનું સંક્રમણ સ્ટાફને થવાની શંકાના આધારે અમે ૯૧ કર્મચારીઓની પ્રાઇવેટ ટેસ્ટ કરાવી હતી. આમાંથી ૨૧ જણને સંક્રમણ થયું હોવાનું જાણીને અમને આંચકો લાગ્યો હતો. અમે આની તાત્કાલિક મીરા-ભાઈંદર મહાનગરપાલિકાને જાણ કરીને હોટેલ બંધ કરી દીધી હતી. લૉકડાઉન બાદની આજની પરિસ્થિતિમાં ૧૦થી ૧૫ ટકા લોકો જ હોટેલમાં આવી રહ્યા છે. પાલિકાએ છેલ્લા કેટલાક દિવસમાં જેઓ હોટેલમાં આવ્યા હતા તેમની માહિતી માગી છે. અમે જેટલા લોકોનો રેકૉર્ડ છે એ આપીશું.’
કોરોના નેગેટિવ થતાં સૌનો આભાર માન્યો રણવીર શૌરીએ
26th February, 2021 13:46 ISTકોરોના ઇફેક્ટ: મુંબઈનું ઓવલ મેદાન આજથી બંધ
26th February, 2021 12:18 ISTઅંગારકી ચતુર્થીએ સિદ્ધિવિનાયક મંદિરના બાપ્પાના દર્શન માટે નિયમ
26th February, 2021 12:11 ISTઅમને આપો વૅક્સિનેશનમાં પ્રાથમિકતા
26th February, 2021 10:50 IST