આ સભાનતા કેટલો સમય અકબંધ રહેશે?

Published: May 08, 2020, 22:51 IST | Rashmin Shah | Mumbai

સોશ્યલ સાયન્સ -કોરોનાના કારણે જીવન સુધરી રહ્યું છે અને એની સભાનતા સૌકોઈમાં આવી રહી છે, પણ એ કોરોનાકાળ પછીયે અકબંધ રહે તો જ અર્થ સરશે

મળેલી તકને હાથમાંથી સરકાવી દેનારાઓ મૂર્ખ કહેવાયા છે
મળેલી તકને હાથમાંથી સરકાવી દેનારાઓ મૂર્ખ કહેવાયા છે

બહાર ગયા વિના ચાલી શકે એ વાત સૌકોઈને સમજાઈ ગઈ છે. ઘરનું ફૂડ વર્લ્ડ્સ બેસ્ટ છે એ પણ સહજતા સાથે સમજાઈ ગયું છે. ઓછામાં ઓછી ચીજવસ્તુથી જરૂરિયાત પૂરી થઈ શકે એ માનસિકતા પણ હવે સજ્જડ બનવા માંડી છે અને વૉર્ડરોબ આખો ભરેલો હોય તો પણ શરીરને ઓઢાડેલા બર્મુડા અને ટી-શર્ટથી બે દિવસ સહજ રીતે પસાર થઈ જાય એ પણ સમજાઈ ગયું છે. હેરકલરની આવશ્યકતા હવે રહી નથી અને દર મહિને સલૂન કે બ્યુટી-પાર્લરના ઉંબરે ઊભા રહેવાની અનિવાર્યતા પણ હવે રહી નથી. વધી ગયેલા વાળ અને એકબીજા સાથે હાથ મિલાવવા માટે તરસી રહેલી આઇબ્રો ગમીએ છીએ એ સૌની નજરમાંથી સૌંદર્યમાં ઘટાડવાનું કામ કરી શક્યાં નથી. ટીવીની આવશ્યકતા નથી એ પણ આ જ લૉકડાઉન અને કોરોનાએ સમજાવ્યું છે
અને સવા મહિનાથી સ્પર્શના અભાવે રજનું
આવરણ ઓઢી ચૂકેલા પરફ્યુમને પણ તમારી યાદ આવતી નથી. એને તમારી અને તમને એની. વાઇસ-એ-વર્સા.
ઘર નાનું નથી લાગતું હવે. સપનાઓને ઊડવાનું મન નથી થઈ રહ્યું. મહત્ત્વાકાંક્ષાઓ મદારીના કરંડિયામાં ચૂપચાપ બેસી ગયેલા પેલા કૉબ્રાની જેમ મનના કોઈ છાના ખૂણે જઈને નતમસ્તકે બેસી ગઈ છે. ઇચ્છાઓને રોકી ન શકાય એવી જે દલીલ હતી એ દલીલ પણ ભસ્મીભૂત થઈ ગઈ છે અને ધાર્યું કરી લેવાની ભાવના પણ હવે કાબૂમાં આવી ગઈ છે. તડફડ કરીને દરવાજો જોરથી પછાડી ઘરની બહાર નીકળી જવાનું મન થતું હોય તો પણ બહાર ઊભેલા કોરોનાની બીકે એ કામ થતું નથી. સિગારેટ કે માવા કે પછી આલ્કોહૉલ વિના ચાલી શકે નહીં અને એની માટે આજ સુધી કરેલી તર્કબદ્ધ દલીલો અત્યારે પાયાવિહોણી બની ગઈ છે. અતિશય જવાબદારીઓનું પાત્રાલેખન પણ અત્યારે લાચાર છે અને કૂતરા નીચેના ગાડાવાળી વાર્તા અક્ષરશઃ અમલમાં મુકાઈ ગઈ છે. સૌને સમજાઈ પણ ગઈ છે. હવે જમવાનું ભાવે છે. ન ભાવતાં શાકના નામે હાથ મોબાઇલમાં રહેલી ઝોમૅટો અને સ્વિગીના આઇકનને સ્પર્શ નથી કરતા. બૅન્કમાં રહેલી બૅલૅન્સ ઘટવાની ક્ષમતા પણ પહેલાં કરતી ધીમી પડી ગઈ છે અને એ ધીમી પડી ગયેલી એની ગતિ જ સમજાવે છે કે આવશ્યકતા ઓછી હોવી એ કંજૂસાઈ કે કરકસરની નિશાની નહીં, સમજદારીનું પ્રતીક છે. પગમાં રહેલાં પૈડાંઓને પંદર દિવસે ઘુમેડવાની જે માનસિકતા હતી એ માનસિકતાના કીડાઓ ઉછાળા મારે તો પણ કશું વળવાનું નથી. ટ્રેન ચાલતી નથી, બસ દોડતી નથી અને પ્લેનને ઊડવા માટે ખુલ્લું આકાશ સાંપડવાનું નથી. આકાશમાં પણ લૉકડાઉન છે. રૂટીન લાઇફ જીવન હોઈ શકે એ વાત હવે મને પણ સમજી લીધી છે અને હૈયાએ સ્વીકાર કરી લીધો છે કે માણસ નહીં, કુદરત જ સર્વોપરી છે અને એની સર્વોપરિતા સ્વીકારવામાં હવે અફસોસ નથી થતો. સૂંઠ અને હળદરની વાતો હવે ઘર-ઘરમાં થાય છે. એબીસીડી આવડતી નથી એ પણ ‘લૉકડાઉન’ અને ‘કોરોના’ જેવા શબ્દોનો પ્રયોગ સહજ અને સરળ રીતે કરી રહ્યા છે અને એનું આશ્ચર્ય પણ હવે કાનને રહ્યું નથી. સામાન્ય બની ગયેલા આ કાનને બીજી પણ અઢળક વાતોની સભાનતા આવી ગઈ છે. લઈ લેવાની કે પહેલા થઈ જવાની લાય પણ હવે ઓસરવા માંડી છે. માથે પડીને પણ પહેલા થઈ જવાની ભાવના હવે નેસ્તનાબૂદ થઈ ગઈ છે. માથે પડવાનું તો શું પડીએ તો પણ કોઈને હાથ ન લાગે એવું સોશ્યલ ડિસ્ટન્સ હવે જીવન બની ગયું છે. દુકાનની બહાર બે હાથનું અંતર રાખીને ઘી લેવા ઊભેલા મુંબઈકરની માટે લોકલ ટ્રેનની છાતી દળી નાખતી ભીડનું દૃશ્ય હવે વરવું લાગવાનું છે. નિરાંતે શ્વાસ લેવાની આ જે ફુરસદ આવી છે એ ફુરસદ પછી હવે સતત ભાગતા રહેવાની વાત માત્ર અકળાવી જવાની છે. ઑફિસે જઈને ચૅર પર બેસવાનું આવવાનું છે પણ એ આવશે ત્યારે મસ્તક પર આડત્રીસ અને ચાલીસ ડિગ્રીનું તાપમાન મસ્તક પર લેવાનું આવશે એ વાત હવે મુંબઈકરને અકળામણ આપવાની છે. ફેશ્યલ વિના ગોરી થઈ ગયેલી ત્વચા, ભૂખ ઉઘાડવાની દવા વિના વધી રહેલું વજન નિરાંતનું પરિણામ છે અને આ નિરાંતે અનેક બાબતમાં સભાનતા આપી દીધી છે. સભાનતા અને સજાગતા પણ.
મહત્ત્વનું એટલું જ છે કે સભાનતા અને આ સજાગતા અકબંધ રહેશે કે નહીં? મહત્ત્વનું એ છે કે કોરોનાના આગમન સાથે મનમાં પેસી ગયેલો ફફડાટ કોરોનાગમન પછી બાષ્પીભવન થઈ જશે કે સહજ રીતે આવી ગયેલી સજાગતા ફફડાટને સાવધાનીનું રૂપ આપીને જીવનમાં નવો વસવસો ભરવાનું કામ નહીં કરે? કોરોનાના કારણે જીવન સુધરી રહ્યું છે અને સભાનતા સૌકોઈમાં આવી રહી છે, પણ એ હવે પછી કાયમ માટે અકબંધ રહે તો જ અર્થ સરશે. અગાઉ અનેક વખત વાતોને ભૂલવાનો સ્વભાવ સૌકોઈએ દેખાડી દીધો છે. બૉમ્બ-બ્લાસ્ટ પછી બીજા દિવસે ફરી ટ્રેનમાં ભાગનારાઓએ બૉમ્બ-બ્લાસ્ટ ભુલાવી દીધો. ક્લાઉડ બર્સ્ટ પછી છત્રીસ કલાકમાં ફરીથી લોકલ પકડવા માટે કરેલી ભાગદોડે ગ્લોબલ વૉર્મિંગ ભુલાવી દીધું. બળબળતા તડકાવચ્ચે ઑફિસ પહોંચવા મથતા મુંબઈકરને એ તડકાએ ઝાડનો છાંયો અને ઠંડક આપવાનું કામ કર્યું પણ ઍરકન્ડિશનરના ઈએમઆઇના ટેન્શને બીજા દિવસનો તડકો સહન કરવાની તાકાત આપી દીધી. મળેલી એ તાકાતમાં ક્યાંક ને ક્યાંક ભૂતકાળ ભૂલવાની માનસિકતા હતી અને એ માનસિકતાએ જીવન પ્રત્યે ગંભીરતા અપનાવવાનું કામ કર્યું નહીં. આ વખતે પણ જો એ જ વાતનું પુનરાવર્તન થયું તો તમને તો અફસોસ થશે જ થશે, પણ સાથોસાથ કુદરતને પણ વસવસો કરાવશે. મળેલી તકને હાથમાંથી સરકાવી દેનારાઓ મૂર્ખ કહેવાયા છે અને આ વખતે જો આવેલી સજાગતા-સભાનતાને સ્વીકારી નહીં તો તમે સામે ચાલીને એ લિસ્ટમાં તમારું નામ લખાવી આવશો. સાચે જ.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK