મુલુંડના સર્વિસ સેન્ટરની રહસ્યમય આગમાં ૨૮ કાર ખાખ

Published: 25th November, 2012 04:34 IST

ગઈ કાલે પરોઢિયે બનેલી ઘટનાને પગલે નજીકનું બિલ્ડિંગ પણ ખાલી કરાવી દેવું પડ્યુંમુલુંડ (ઈસ્ટ)ના પી. કે. રોડ પર આવેલા કાર સર્વિસ સેન્ટરમાં શુક્રવારે મોડી રાત્રે ૨.૫૫ વાગ્યે લાગેલી આગમાં કસ્ટમરોએ સર્વિસિંગ કરાવવા આપેલી ૨૮ કાર બળીને ખાખ થઈ ગઈ હતી, જેમાં લગભગ બે કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. આગ લાગતાંની સાથે જ દસ ફાયર-બ્રિગ્રેડ સહિત પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જોકે ગઈ કાલે વહેલી સવારે સાડાચાર વાગ્યે આગ કાબૂમાં આવી હતી. મુલુંડ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર જે. જે. જાધવે કહ્યું હતું કે ‘શૉર્ટ-સર્કિટને કારણે આ આગ લાગી હોવાનું નોંધીને અમે વધુ તપાસ કરી રહ્યા છીએ. આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ.’

પોલીસે જણાવ્યું હતું કે ‘આગ લાગતાંની સાથે જ કાર કૅપ મારુતિ સર્વિસ સેન્ટરના સિક્યૉરિટી ગાર્ડે પોલીસ અને ફાયર-બ્રિગ્રેડને ફોન કરીને ઘટનાસ્થળે બોલાવી લીધાં હતાં. સર્વિસ સેન્ટરનો એક કર્મચારી સર્વિસ સેન્ટરની પાસે જ સૂઈ રહ્યો હતો. આગ લાગતાં જ તેની ઊંઘ ઊડી ગઈ હતી અને તેની પાસે સર્વિસ સેન્ટરની ચાવી હોવાથી તેણે તાળું ખોલીને તપાસ કરી ત્યારે આખું સર્વિસ સેન્ટર આગની લપેટમાં આવી ગયું હતું. દસથી વધુ ફાયર-બ્રિગ્રેડની મદદથી આગ કાબૂમાં લેવામાં આવી હતી.’

આ સેન્ટરમાં કસ્ટમરોની લગભગ ૩૦ અલગ-અલગ મૉડલની કાર હતી, જેમાંથી ૨૮ કાર બળીને ખાખ થઈ ગઈ હતી. આગ લાગતાંની સાથે જ સલામતીના પગલે ફાયર-બ્રિગ્રેડના અધિકારીઓએ આ સેન્ટરને અડીને આવેલું મેઘદૂત બિલ્ડિંગ પણ ખાલી કરાવી દીધું હતું. એમએસઈબીના એન્જિનિયરો પણ આ ઘટનાની તપાસ કરી રહ્યા છે. ડિજિટલ પૉઇન્ટમાં શૉર્ટ-સર્કિટ થવાને કારણે આગ લાગી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK