મંદિરની બહાર ઑફિસ ઊભી કરનારા રામ કદમ સામે ગુનો દાખલ થયો

Published: 8th October, 2014 05:25 IST

સરકારી કર્મચારીઓ સહિત વિધાનસભ્ય સુધીની મારપીટ કરીને સતત વિવાદમાં રહેનારા રામ કદમ ફરી એક વાર વિવાદમાં આવ્યા છે. MNSને છોડીને BJPમાંથી ઘાટકોપર-વેસ્ટ બેઠક પરથી ચૂંટણી લડી રહેલા રામ કદમ સામે ગઈ કાલે ચૂંટણીની આચારસંહિતાનો ભંગ કરવા બદલ ઘાટકોપર પોલીસ-સ્ટેશનમાં FIR નોંધવામાં આવ્યો હતો.
ઘાટકોપર પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટરે કહ્યું હતું કે રામ કદમ સહિત અન્ય બે લોકો સામે ચૂંટણીની આચારસંહિતા ભંગ કરવાનો તેમ જ ચીટિંગનો ગુનો નોંધવામાં આવ્યો છે.

ચૂંટણીપંચના વિજિલન્સ ઑફિસરના દાવા મુજબ રામ કદમે ઘાટકોપર (વેસ્ટ)માં અસલ્ફા વિલેજમાં આવેલા એક મંદિરની બહાર પોતાની ઑફિસ ઊભી કરી હતી અને ત્યાંથી તેઓ પોતાનો પ્રચાર કરી રહ્યા હતા. કૅમ્પેન કરવા માટે તેમણે જરૂરી મંજૂરી સુધ્ધાં નહોતી લીધી.

ચૂંટણીપંચના નિયમ મુજબ ધાર્મિક સ્થળો પરથી રાજકારણીઓ ચૂંટણીનો પ્રચાર ન કરી શકે. એમ છતાં રામ કદમે મંદિરનો ઉપયોગ પોતાના પ્રચાર કરવા માટે કર્યો હતો. એટલે વિજિલન્સ ઑફિસરે ઘટનાસ્થળની તપાસ કર્યા બાદ પોલીસને રામ કદમ સહિત અન્ય બે લોકો સામે ગુનો નોંધવાનો આદેશ આપ્યો હતો.

પોલીસના કહેવા મુજબ રામ કદમે એવો દાવો કર્યો હતો કે તેમણે મંદિર પાસેથી NOC લીધું હતું. જોકે તપાસમાં એવું બહાર આવ્યું હતું કે જે વ્યક્તિએ NOC આપ્યું હતું તેની પાસે એની કોઈ સત્તા જ નહોતી. એટલે પોલીસે આ વ્યક્તિની સાથે જ તેના સાથીદાર સામે NOC આપવા બદલ ગુનો નોંધ્યો છે.

૨૦૦૯માં MNSમાંથી ચૂંટણી લડીને જીતનારા રામ કદમ ગયા મહિને પક્ષ સાથે છેડો ફાડીને BJPમાં જોડાયા હતા અને હવે BJPમાંથી વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે.

આ બાબતે રામ કદમનો કૉન્ટૅક્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પણ તેમના તરફથી કોઈ જવાબ નહોતો આવ્યો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK