RTIની એક અરજીથી UIDAIના બાબુઓ થયા સીધા દોર

Mumbai | Dec 01, 2018, 14:05 IST

મુંબઈના ગ્રાન્ટ રોડ વિસ્તારમાં રહેતા સરોશ મહેતાની સરકારી પ્રતિષ્ઠાનના બાબુઓએ કરેલી સતામણી તથા RTI કાયદાના ઉપયોગથી થયેલા નિવારણની આ વિશિષ્ટ કથા છે.

RTIની એક અરજીથી UIDAIના બાબુઓ થયા સીધા દોર

ફાઇટ ફૉર યૉર રાઇટ - ધીરજ રાંભિયા

મુંબઈના ગ્રાન્ટ રોડ વિસ્તારમાં રહેતા સરોશ મહેતાની સરકારી પ્રતિષ્ઠાનના બાબુઓએ કરેલી સતામણી તથા RTI કાયદાના ઉપયોગથી થયેલા નિવારણની આ વિશિષ્ટ કથા છે.

૨૦૧૧-’૧૨ દરમ્યાન આધાર-આમ આદમી કા અધિકારની પંચલાઇનથી આધાર કાર્ડનું અવતરણ થયું. સરોશભાઈ અને પરિવારના સભ્યોએ ખેતવાડીસ્થિત બૃહન્મુંબઈ મહાનગરપાલિકાની સ્કૂલમાં શરૂ કરવામાં આવેલા આધાર કાર્ડ રજિસ્ટ્રેશન બૂથ પર જઈ આધાર કાર્ડ મેળવવાની પ્રક્રિયા પૂર્ણ કરી. પરિવારમાં માત્ર સાસુમાની આધાર કાર્ડ મેળવવાની પ્રક્રિયા પૂર્ણ ન થઈ શકી, કારણ કે ૮૫ વર્ષનાં સાસુમા પથારીવશ હતાં એથી આધાર કાર્ડ રજિસ્ટ્રેશન બૂથ પર જવા માટે અસમર્થ હતાં અને લઈ જવાં શક્ય નહોતાં.

આ દરમ્યાન સોશ્યલ મીડિયા પર નવરાત્રિના ગરબાની માફક મેસેજ ધૂમવા લાગ્યો કે હવે અંતિમક્રિયા માટે પણ આધાર કાર્ડ અનિવાર્ય છે. સરોશભાઈના વાંચવામાં આવતાં તે ચિંતાગ્રસ્ત થઈ ગયા, કારણ કે ઘરમાં પથારીવશ સિનિયર સિટિઝન સાસુમાનું આધાર કાર્ડ નહોતા કઢાવી શક્યા.

આજે આપના દરેક પ્રશ્ન, મૂંઝવણનો જવાબ ગૂગલ આપવા સક્ષમ છે એટલે ચિંતાગ્રસ્ત સરોશભાઈ ગૂગલગ્રસ્ત થઈ ગયા. ગૂગલ તેમને Aadhar UIDAIસાઇટ પર લઈ ગયું જ્યાંથી તેમને ઘરેથી આધાર કાર્ડ યાદીમાં નામ દાખલ કરી, આધાર કાર્ડ મેળવવાની પ્રક્રિયાની સાઇટ પર લઈ ગયું. પથારીવશ, ઘરની બહાર જવા અસમર્થ વ્યક્તિઓ માટે આ સગવડ ઉપલબ્ધ હોવાની માહિતી પ્રાપ્ત થઈ.

૨૦૧૮ની ૨૩ ફેબ્રુઆરીએ સરોશભાઈ આધાર કાર્ડ આપતા ભારત સરકારના ઉપક્રમ યુનિક આઇડેન્ટિફિકેશન ઑથોરિટી ઑફ ઇન્ડિયા ( UIDAI)ની જી. ડી. સોમાની માર્ગ, કફ પરેડ વિસ્તારમાં આવેલા મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ (MTNL) બિલ્ડિંગના સાતમા માળસ્થિત રીજનલ ઑફિસ પર પહોંચી ગયા.

UIDAIના ફ્રન્ટ ઑફિસના કર્મચારીને જણાવ્યું કે મારાં સાસુ ૮૫ વર્ષનાં વયોવૃદ્ધ છે તથા પથારીવશ છે એથી આધાર કાર્ડ માટે UIDAIના કેન્દ્ર પર લઈ જઈ શકીએ એમ નથી, એટલે તેમનું નામ સિનિયર સિટિઝન માટેના હોમ એનરોલમેન્ટ માટે રજિસ્ટર કરાવવું છે. તરત તેમને રજિસ્ટ્રેશન માટેનું અરજીપત્રક આપવામાં આવ્યું, જે ભરીને પોતાના કવરિંગ લેટર સાથે ફ્રન્ટ ઑફિસમાં જમા કરાવી એની સહીસિક્કા સાથેની પહોંચ મેળવી લીધી. હવે આગળ શી કાર્યવાહી કરવાની રહેશે એના પ્રત્યુત્તરમાં જણાવવામાં આવ્યું કે એકાદ મહિના બાદ અમારા પ્રતિનિધિ આપના ઘરે ફોન કરીને આવશે અને આધાર કાર્ડ આપવાની તમામ વિધિ એ કરશે.

૨૦૧૮ની ૧૬ એપ્રિલે UIDAIના લૅન્ડલાઇન પર ફોન કર્યો. ફોન વૈજયંતી નામનાં બહેને ઉપાડ્યો. સરોશભાઈએ ફોન કરવાના કારણની જાણ કરતાં જણાવવામાં આવ્યું કે ૨૦૧૮ની ૨૦ એપ્રિલે આપને ફોન કરી હોમ-વિઝિટની તારીખ તથા સમય જણાવવામાં આવશે. આપેલી બાંયધરી મુજબ ફોન ન આવતાં સરોશભાઈ સતત ફોન કરતા રહ્યા, પરંતુ ફોન્સ સતત વ્યસ્ત આવતા રહ્યા, એટલે તેમણે ઈ-મેઇલ લખીને વૈજયંતી મૅડમને તેમણે આપેલી બાંયધરીની યાદ અપાવી તથા આપના પ્રતિનિધિ ક્યારે આવશે એની જાણ મારા મોબાઇલ પર અચૂક કરશોની વિનંતી કરી. ૨૦૧૮ની બાવીસ એપ્રિલે ઈ-મેઇલ દ્વારા પ્રત્યુત્તરમાં જણાવવામાં આવ્યું કે આપનો કેસ અમારા કાર્યાલયમાં રજિસ્ટર્ડ થયો છે તથા આગળની કાર્યવાહી માટે સંબંધિત ડિવિઝનને સોંપવામાં આવ્યો છે.

૨૦૧૮ની ૩ મેની ઈ-મેઇલ દ્વારા UIDAIના ઍડ્મિનિસ્ટ્રેટરે સરોશભાઈને ઝટકો આપ્યો ને જણાવ્યું કે આપે આપેલી માહિતી અપૂરતી છે એથી આપ પૂર્ણ માહિતી સાથે ફરીથી રજિસ્ટ્રેશન કરાવશો. ૨૦૧૮ની ૫ાંચ મેએ ઈ-મેઇલ દ્વારા સરોશભાઈએ પ્રત્યુત્તરમાં અરજીપત્રક તથા પોતાના કવરિંગ લેટરની કઢાવી રાખેલી ફોટોકૉપી સ્કૅન કરી મોકલાવી અને જણાવ્યું કે ‘ઉપરોક્ત અરજીપત્ર આપની કફ પરેડ-મુંબઈની રીજનલ ઑફિસમાં આપવામાં આવ્યો છે. મોકલેલી સ્કૅન કૉપી દ્વારા આપ જોઈ શકશો કે અરજીપત્રકમાં માગેલી તમામ માહિતી આપવામાં આવેલી છે. આપના સંબંધિત કર્મચારીએ અરજીપત્ર બરાબર વાંચ્યો નથી અને મારી ફાઇલ બંધ કરી બેજવાબદારી દાખવી છે. એથી આપને ફાઇલ રીઓપન કરી, જરૂરી કાર્યવાહી અત્યાવશ્યક ધોરણે કરવા વિનંતી છે. આપ ત્વરિત પગલાં લઈ શકો એટલે મારાં સાસુના પાસર્પોટ, ઇલેક્શન કમિશન ઑફ ઇન્ડિયા દ્વારા અપાયેલા વોટર આઇડેન્ટિટી કાર્ડ તથા ઇન્કમ-ટૅક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા અપાયેલા પૅન કાર્ડની સ્કૅન્ડ કૉપી મોકલાવું છું.’

પાડાના પીઠ પર પાણીની જેમ ઉપરોક્ત કાર્યવાહીની કોઈ અસર ન જણાતાં ૨૦૧૮ની ૨૯ મેએ ગ્રીવન્સ ય્બ્ મુંબઈને ઈ-મેઇલ મોકલાવી ફરિયાદ નોંધાવી. દુનિયાની આઠમી અજાયબી જેવા બાબુઓએ ૨૦૧૮ની ૨૦ મેએ ગ્રીવન્સ ય્બ્ મુંબઈ દ્વારા ઈ-મેઇલ મોકલાવી, જેમાં જણાવવામાં આવ્યું કે ‘આધાર સંબંધિત આપની ફરિયાદ મળી છે. આપની ફરિયાદનું ત્વરિત નિરાકરણ કરવાનો અમારો પ્રયત્ïન છે. એથી અમે ગ્રીવન્સ રિપોર્ટિંગ અને રિડ્રેસલની સિસ્ટમ બનાવી છે, તો આપને વિનંતી છે કે આપ આપની ફરિયાદ help@UIDAI>not.In પર નિરાકરણ માટે મોકલાવી આપશો.’

જે નાગરિકોના પસીનાની કમાણીમાંથી મળતા વિવિધ ટૅક્સોની કિટીમાંથી સરકારી તંત્ર ચાલે છે ને બાબુઓના ઘરના ચૂલા સળગે છે તેમના પ્રત્યે રહેમરહિત બનનારાઓને પ્રભુ માફ કરજે કે તેમને ખબર નથી કે તેઓ શું કરી રહ્યા છે એવો નિસાસો નાખ્યો. બહાનાબાજી અને ધકેલપંચા પાંચસોનો દોર છ મહિના સુધી ચાલતો રહ્યો.

જોગાનુજોગ બન્યું એવું કે સરોશભાઈના જીવનસંગિની ફ્રૅની મૅડમ ફાઉન્ટનસ્થિત ઍલેક્ઝાન્ડ્રા સ્કૂલનાં પ્રિન્સિપાલ હોવાના નાતે તરુણ મિત્ર મંડળ સંચાલિત ર્ફોટ સેવાકેન્દ્રના નિયામક કાન્તિભાઈ શાહ/ગડાને સારી રીતે ઓળખતાં હતાં, કારણ કે તેમની પુત્રી એ જ સ્કૂલમાં ભણતી હતી એથી RTI કાયદાની આછી જાણકારી હતી. સરોશભાઈએ પોતાની વિટંબણાની વાત કાન્તિભાઈને કરતાં તેમણે આધાર કાર્ડ માટેના અરજીપત્રક તથા UIDAI સાથે થયેલી ઈ-મેઇલ્સને આપ-લેની ફાઇલ બનાવી ર્ફોટ કેન્દ્ર પર આવવાનું જણાવ્યું.

૨૦૧૮ની ૨૦ ઑગસ્ટે સરોશભાઈ કેન્દ્ર પર પહોંચ્યા. લાવેલી ફાઇલનો અભ્યાસ કરી, કાન્તિભાઈએ RTI કાયદા હેઠળની પ્રથમ અરજી બનાવી આપી જેના દ્વારા નીચેની માહિતી માગવામાં આવી:

૧. મારા ૨૦૧૮ની ૨૩ ફેબ્રુઆરીના આધાર કાર્ડ માટેના અરજીપત્રક તથા ૨૦૧૮ની ૨૨ માર્ચ, ૨૦ એપ્રિલ, ૩ મે, ૫ મે, ૧૫ મે, ૨૨ મે તથા ૨૫ જૂનની ઈ-મેઇલ્સ પર કરવામાં આવેલી કાર્યવાહીની ક્રમબદ્ધ માહિતી તથા એની સાંપ્રત સ્થિતિની જાણકારી આપશો.

૨. ઉપરોક્ત અરજી કયા-કયા અધિકારી પાસે કેટલો સમય રહી અને દરેક અધિકારીએ એના પર કરેલા કાર્યની વિસ્તૃત જાણકારી આપશો.

૩. આપના વિભાગના સિટિઝન ચાર્ટર મુજબ આધાર કાર્ડની અરજી પર કાર્યવાહી કરવા માટેની મહત્તમ સમયમર્યાદા જણાવશો.

૪. જો મહત્તમ સમયમર્યાદામાં કાર્યવાહી પૂર્ણ ન કરવામાં આવી હોય કે કાર્યવાહી શરૂ જ કરવામાં ન આવી હોય તો તે જવાબદાર અધિકારી/કર્મચારી સામે શિસ્તભંગની કાર્યવાહી પૂર્ણ કરવાની સમયમર્યાદા તથા શિક્ષાની જોગવાઈની વિગતવાર માહિતી આપશો.

૫. મારી અરજી પર કાર્યવાહી કરવામાં ન આવી હોય કે અધૂરી કાર્યવાહી કરવામાં આવી હોય તો એ માટે નોંધાયેલાં કારણો જણાવશો.

૬. મારી અરજી પર કાર્યવાહી કરવાની જવાબદારી ધરાવનાર અધિકારીનું નામ, તેમનો હોદો, તથા સંપૂર્ણ સંપર્ક-વિગતો આપશો.

૭. જવાબદારી ધરાવનાર અધિકારી પર શિસ્તભંગની કાર્યવાહી કરવાની જવાબદારી ધરાવનાર વરિષ્ઠ અધિકારીનું નામ, હોદો તથા તેમની સંપર્ક-વિગતો જણાવશો.

૮. ઉપરોક્ત બાબતને આનુષંગિક અન્ય માહિતી હોય તો એ આપશો.

૯. જો આપના જવાબથી સંતોષ ન થાય તો RTI કાયદા હેઠળની પ્રથમ અપીલ કરી શકું એ માટે આપના વિભાગની ફસ્ર્ટ અપેલેટ ઑથોરિટીનું નામ, તેમનો હોદ્દો તથા તેમની સંપર્કની વિગતોની માહિતી આપશો.

નોંધ : આપ ઉપરોક્ત બાબતો પર ત્વરિત કાર્યવાહી કરી શકો એ માટે ઉપરોક્ત (૧)માં ઉલ્લેખ કરેલા અરજીપત્રક તથા ઈ-મેઇલ્સની ફોટોકૉપી આ સાથે જોડવામાં આવી છે.

ઉપરોક્ત ધારદાર અરજી મળતાં બાબુઓના પસીનાનો રેલો શરીરની તળેટી સુધી ઊતર્યો. બીજા દિવસે શ્ત્Dખ્ત્માથી સરોશભાઈને ફોન આવ્યો કે પાંચ દિવસમાં કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવશે. UIDAI આ પ્રકારના કાર્ય માટે રજિસ્ટ્રારની નિમણૂક કરે છે. રજિસ્ટ્રાર એનરોલમેન્ટ એજન્સીની નિમણૂક કરે છે અને એનરોલમેન્ટ એજન્સી ઑપરેટર/ સુપરવાઇઝરની નિમણૂક કરે છે. નિમાયેલા રજિસ્ટ્રારને ફોન કરી ખખડાવવામાં આવ્યો અને આ ખખડાવવાનો દોર એનરોલમેન્ટ એજન્સી અને ઑપરેટર/સુપરવાઇઝર સુધી લંબાયો હોવો જોઈએ.

છ મહિનાથી પાંદડું પણ ન હલાવી શકેલા બાબુઓએ છ દિવસમાં કરિશ્મા સરજ્યો અને છઠ્ઠા દિવસે આધાર કાર્ડ આપવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ.

કાન્તિભાઈની કર્તવ્યનિષ્ઠા અને RTI તાકાતને કારણે છ મહિનાની સરોશભાઈની વિટંબણાનો છ દિવસમાં સુખત અંત આવ્યો અને કાયદાની ઉપયોગિતા વધુ એક વખત પ્રસ્થાપિત થઈ.

RTI હેલ્પલાઈન

કેન્દ્રનું સરનામું : રત્નદીપ, પહેલે માળે, ૩૪, મારુતિ લેન, જૂના હૅન્ડલૂમ હાઉસ પાસે, ર્ફોટ, મુંબઇ-૪૦૦ ૦૦૧.

કેન્દ્રના સેવાભાવીઓના સંપર્ક-નંબરો, જેનો ઉપયોગ માત્ર અપૉઇન્ટમેન્ટ મેળવવા જ કરવો.

કેન્દ્ર-નિયામક તથા આજના કથાનાયક: કાન્તિ શાહ ગડા - ૯૮૧૯૩ ૩૪૬૨૩, અનંત નંદુ - ૯૩૨૦૮ ૭૭૩૭૭, નવીન ખંભાતી – ૯૮૯૨૫ ૦૭૧૧૧, અશોક શાહ - ૯૮૬૯૪ ૦૧૪૮૧, ખંતીલા શાહ - ૯૯૨૦૪ ૨૨૪૩૬, સીએ ચાંદની ગઢિયા - ૯૩૨૨૧ ૧૮૭૬૭, નીપા છેડા - ૯૮૬૯૨ ૫૩૬૫૪

કેન્દ્ર પ્રત્યેક મંગળવારે સાંજે ૬.૩૦થી રાત્રે ૮.૩૦ દરમ્યાન કાર્યરત હોય છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK